Monday, November 25, 2013

મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના અમરસુત્રો


(પુસ્તકનું સંપૂર્ણ મેટર)

 
સૌ પ્રત્યે પ્રેમ એ મારી રીત છે.

જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો,

તેણે મારી સાથે પ્રેમ રાખ્યો.

અને જેણે મારી સાથે પ્રેમ રાખ્યો

તે મારી સાથે જન્નત (સ્વર્ગ)માં રહેશે.

***

બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે છે,

આપણામાં બળવાન તે છે,

જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.

***

પોતાનો પાડોશી પાસે જ ભૂખ્યો પડ્યો હોય

ત્યારે પણ જે માણસ પોતે પેટ ભરીને જમે

તે મોમીન (મુસ્લિમ) નથી.

***

સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે.

અને જે આ પરમાત્માના કુટુંબનું ભલું કરે છે

તે પરમાત્માને સૌથી પ્રિય છે.

***

ધન સંપતિથી મોટી દોલત સંતોષ છે.

મોમીના (મુસ્લિમ) થવા માંગતો હોય તો,

તારા પાડોશીનું ભલું કર,

અને મુસ્લિમ થવા ઇચ્છતો હોય તો

જે કઈ તારા માટે સારું માનતો હોય તે જ સૌને માટે માન.

***

મોમીન તે છે

જેના હાથમાં પોતાનો જાન અને માલ સોંપીને

સૌ નિશ્ચિત થઈ જાય છે.

***

એક સહાબી (અનુયાયી)એ મહંમદ સાહેબને પૂછ્યું,

"ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું, " ભૂખ્યાને ભોજન આપવું

અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું"

***

જેનામાં પ્રમાણિકતા નથી,

તેનામાં ઇમાન નથી.

***

અલ્લાહ જે અગ્નિનો માલિક છે,

તેના સિવાય બીજા કોઈને અધિકાર નથી

કે બીજાને અગ્નિ વડે શિક્ષા કરે.

***

ઈમાન (શ્રદ્ધા)

માનવીને દરેક પ્રકારનો જુલ્મ કરતા અટકાવવા માટે છે.

કોઈ ઈમાનદાર (શ્રદ્ધાવાન) માનવી કોઈ માનવી પર જુલ્મ ન કરી શકે.

***

એક સહાબીએ મહંમદ સાહેબને પૂછ્યું,

" ઇસ્લામ એટલે શું ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું,

"વાણી પવિત્ર રાખવી અને અતિથિનો સત્કાર કરવો એટલે ઇસ્લામ"

***

કોઈ પણ નશાની ચીજનો ઉપયોગ કરવો

એ સો પાપોનું પાપ છે.

***

મહંમદ સાહેબની તલવારની મૂઠ પર

આ શબ્દો કોતરેલા હતા,

"જે તને અન્યાય કરે તેને તું ક્ષમા આપ,

જે તને પોતાથી વિખૂટો કરે તેની સાથે મેળ કર,

જે તારા પ્રત્યે બૂરાઈ કરે તેના પ્રત્યે ભલાઈ કર,

અને હંમેશાં સત્ય બોલ,

પછી ભલે તે તારી વિરુદ્ધ જતું હોય."

***

અલ્લાહ રહીમ (દયાળુ) છે.

તે દયાળુ પર દયા કરે છે.

જેઓ પૃથ્વી પર છે

તેમના પર તમે દયા કરો

અને આસમાન પર છે

તે તમારા પર દયા કરશે.

***

આ દુનિયાનો મોહ રાખવો

એ જ બધા પાપોનું મૂળ છે.

***

અલ્લાહે મને હુકમ આપ્યો છે કે

નમીને ચાલ અને નાનો બનીને રહે,

જેથી કરીને કોઈ બીજાથી ઊંચો ન થઇ જાય,

તેમજ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કરે.

જેના મનમાં રતીભાર પણ ઘમંડ છે

તે કદી સ્વર્ગમાં નથી જઈ શકતો.

સૌ માનવીઓ આદમનાં સંતાન છે

અને આદમ માટીમાંથી પૈદા થયો છે.

***

સૌથી મોટાં પાપો છે,

શિર્ક અર્થાત અલ્લાહ (ઈશ્વર) સાથે

બીજા કોઈને તેની બરાબર માનવું,

માતા પિતાની આજ્ઞા ન માનવી,

કોઈ પ્રાણીને ઈજા પહોંચાડવી,

જૂઠા સોગંદ ખાવા અને જૂઠી સાક્ષી આપવી.

***

દરેક ભણેલો કેદી દસ દસ અભણોને

લખતા વાંચતા શીખવે એ જ તેની સજા છે, દંડ છે.

***

જે માણસ એક બાજુ નમાઝ પઢશે,

રોઝા (ઉપવાસ) રાખશે અને દાન કરશે,

અને બીજી બાજુ કોઈના પર જૂઠ્ઠોે આરોપ મૂકશે,

બેઈમાની કરીને કોઈના પૈસા ખાઈ જશે

કે કોઈનું લોહી રેડશે

અથવા કોઈને દુઃખ દેશે;

એવા માનવીની નમાઝ, રોઝા અને દાન

કશું કામમાં નહિ આવે.

***

તમારામાંથી જેઓ કુંવારા છે

તેમના નિકાહ કરાવી દો

અને તમારા ગુલામ તથા દાસીઓમાં પણ

જે નિકાહને લાયક છે

તેમના પણ નિકાહ કરાવી દો.

***

પ્રેષિતોની છત નીચે ધન ન હોય.

***

તમે તમારા તરફથી મને છ બાબતોની ખાતરી આપો

અને હું તમને જન્નત (સ્વર્ગ)ની ખાતરી આપું છું.

૧. જયારે બોલો ત્યારે સત્ય બોલો, ૨. વચન આપો તે પાળો,

૩. કોઈનો વિશ્વાસઘાત ન કરો,

૪. દુરાચારથી બચો, ૫. નજર હંમેશ નીચી રાખો,

૬. કોઈની સાથે જબરજસ્તી ન કરો.

***

જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે

ત્યારે બંનેની વાત સારી રીતે સાંભળ્યા વગર કદી ઇન્સાફ ન આપીશ.

***

જયારે કોઈ પુરુષ કોઈ પર સ્ત્રી સાથે એકાંતમાં બેસે છે,

ત્યારે તેમની બંનેની વચ્ચે શૈતાન આવીને બેસે છે.

***

ઇમાનમાં પરિપૂર્ણ તે છે,

જે નૈતિકતામાં શ્રેષ્ઠ છે.

***

ખરેખર અલ્લાહે તમને પોતાની માંની

આજ્ઞાનો ભંગ કરવાની અને પોતાની પુત્રીઓને જીવતી દાટી દેવાની

સખ્ત મનાઈ કરી છે. અને લાલચને હરામ ઠેરવી છે.

***

તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે.

કારણ કે તેણે ગરીબો, મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો.

ખુદાના કસમ, જો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું.

***

મા-બાપની સેવાથી જ જન્નત મળે છે

અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી

દોજખ મળે છે.

***

જો તને સત્કાર્ય કરતા આનંદ થાય

અને દુષ્કર્મ કરતા દુઃખ થાય

તો તું ઇમાનદાર છે.

***

હે કબરવાસીઓ,

તમને સર્વેને ખુદાતાલા શાંતિ બક્ષે.

તમને અને અમને ખુદાતાલા ક્ષમા બક્ષે.

એ દિવસે તમે સુખી થાવ જે દિવસે ખુદા તમને ફરીવાર જગાડે.

તમે અમારાથી પહેલા ચાલ્યા ગયા છો

અને અમે તમારી પાછળ જ આવીએ છીએ.

***

હું પણ મારી જાતને તમારા કરતાં ઊંચી નથી માનતો.

જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.

***

 

આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે.

જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.

***

મજૂરનો પરસેવો સુકાતા પહેલાં

તેને તેની મજૂરી ચૂકવી દો.

***

રોઝદાર (ઉપવાસ કરનાર) અપશબ્દ ન બોલે,

સંભોગ ન કરે, જહાલાતની વાતો ન કરે.

જો કોઈ માણસ તેની સાથે લડવા આવે અને અપશબ્દ કહે,

તો તેને સબ્રથી કહી દે કે મારે રોઝો (ઉપવાસ) છે.

*** 

જે માનવી રોઝા (ઉપવાસ) માં જૂઠ્ઠું બોલવાનું

અને તેના પર અમલ કરવાનું ન છોડે,

તેનું ખાવા-પીવાનું છોડાવાનું ખુદાને ત્યાં કોઈ જ મહત્ત્વ નથી.

***

જે મુસ્લિમ ક્ષમા કરે છે તે મામલો સુધારી લે છે.

જે મુસ્લિમ ગુસ્સો કરે છે તે સંબંધો બગાડી નાખે છે.

***

પવિત્રતા અને સ્વછતા

ઇમાન (શ્રદ્ધા)નો અડધો ભાગ છે.

***

જે લોકો પોતાની ઇબાદત(ભક્તિ)ને રક્ષતા રહે છે,

ઊઠતા, બેસતા કે ઊંઘમાં પડખાં ફેરવતાં હોય ત્યારે પણ

ખુદાની ઇબાદત કે સ્મરણ કરતા રહે છે, તેની હિફાઝત ખુદા કરે છે.

***

સાચો મુસ્લિમ વિપત્તિઓ-મુશ્કેલીઓમાં સબ્ર કરે છે.

પોતાની મુશ્કેલીઓ-યાતનાઓ બીજા પર નથી નાખતો.

ખુદાને તેને માટે જવાબદાર નથી ઠેરવતો.

પણ સબ્ર કરી તે સહી લે છે.

કુરાને શરીફમાં કહ્યું છે, "ઇન્નલ્લાહ મઅસ સાબરીન"

અર્થાત અલ્લાહ સબ્ર કરનારાઓ સાથે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

*** 

જે લોકો પોતાની ઇબાદત(ભક્તિ)ને રક્ષતા રહે છે,

ઊઠતા, બેસતા કે ઊંઘમાં પડખાં ફેરવતાં હોય ત્યારે પણ

ખુદાની ઇબાદત કે સ્મરણ કરતા રહે છે, તેની હિફાઝત ખુદા કરે છે.

***

સાચો મુસ્લિમ વિપત્તિઓ-મુશ્કેલીઓમાં સબ્ર કરે છે.

પોતાની મુશ્કેલીઓ-યાતનાઓ બીજા પર નથી નાખતો.

ખુદાને તેને માટે જવાબદાર નથી ઠેરવતો.

પણ સબ્ર કરી તે સહી લે છે.

કુરાને શરીફમાં કહ્યું છે, "ઇન્નલ્લાહ મઅસ સાબરીન"

અર્થાત અલ્લાહ સબ્ર કરનારાઓ સાથે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

***

જેની ઇચ્છાઓ, અભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોય, ખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈ, નેકી, અહેસાન, ખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.

***

દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે

શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.

***

"લોકોને તેમના રબ(ઇશ્વર)ના રાહ પર આવવા કહે

ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ.

તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર

અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળ, સહન કર

અને જયારે તેમનાથી છૂટો પડે ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ."

***

અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દૃષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ (ડર)રાખે છે

અને પરહેજગારી (સંયમ) કરે છે.

***

ઇમાન(શ્રદ્ધા)ના સિત્તેરથી વધુ દરજ્જા છે.

તેમાં લા-ઇલાહા ઇલ્લલ્લાહ” (અલ્લાહ સિવાય કોઈ બંદગીને લાયક નથી)

ઇમાનનો સૌથી ઉંચો દરજ્જો છે.

***

જે માનવી સહદયતાથી વંચિત રહ્યો,

તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.

***

હે લોકો, મારા ગયા પછી એકબીજાની જાનના દુશ્મન બનશો નહિ.

એકબીજાની ગરદન કાપશો નહીં. ઇસ્લામી ભાઈચારાનો દામન મજબૂતીથી

પકડી રાખશો. હું આ દુનિયાથી પરદો કરીને વિદાય લઈશ, ત્યારે તમારી

વચ્ચે નહિ રહું. પણ બે અમૂલ્ય વસ્તુઓને તમારા માટે મૂકતો જાઉં છું. એક છે

અલાહની કિતાબ કુરાન-એ-શરીફ અને બીજી છે પવિત્ર સુન્નત અર્થાત હદીસ,

જે તમને ગુમરાહીથી બચાવશે.

***

પ્રત્યેક પયગંબરને પોતાની કોમ માટે મોકલવા આવેલ છે.

પરંતુ મને (હઝરત મહમદ સાહેબને)

સમગ્ર માનવજાત માટે મોકલવામાં આવેલ છે.

***

ઈશ્વર તમારા ધન-દોલતને નથી જોતો,

બલકે તે તમારા ઇરાદા અને કર્મોને જુવે છે.

 

***

તમે દુનિયામાં એવી રીતે રહો

જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.

***

હે લોકો,

યાદ રાખો મારા પછી કોઈ નબી (પયગમ્બર) નથી.

તમારા પછી કોઈ ઉમ્મત (માનવસમાજ) નથી.

તેથી પોતાના રબની બંદગી કરજો.

પ્રતિદિન પાંચ વખતની નમાઝ અદા કરજો.

રમઝાનના રોઝા (ઉપવાસ) રાખજો.

રાજીખુશીથી પોતાના માલની જકાત(દાન)આપજો.

પોતાના પાલનહારના ઘરની હજ કરજો

અને પોતાના શાસકોની આજ્ઞાનું પાલન કરજો.

આવું કરશો તો

પોતાના રબ (ખુદા)ની જન્નત (સ્વર્ગ)માં દાખલ થશો.

***

રાત્રે થોડો સમય જ્ઞાન આપવું,

રાતભર જાગીને બંદગી કરવા કરતાં સારું છે.

***

પીડિતની ફરિયાદથી ન બચો, કેમ કે

તેની અને અલ્લાહની વચ્ચે આડાશ નથી.

***

હે લોકો,

હવે તમારી સ્ત્રીઓના મામલામાં વાતચીત કરવા માંગું છું.

તમારો હક્ક જેવી રીતે તમારી પત્નીઓ ઉપર છે,

તેવો જ હક્ક તમારી પત્નીઓનો તમારા પર છે.

તમારી પત્ની પર પ્રેમ અને વિશ્વાસ રાખો.

અને તેમની સાથે સારો વર્તાવ કરો.

અલ્લાહથી ડરતા રહો.

અને પત્નીઓ પ્રત્યે દયાભાવ રાખો.

જો તેઓ તમને વફાદાર રહે

તો તમે તેનું સારી રીતે ભરણપોષણ કરો.

***

યુવાનીની વૃદ્ધા અવસ્થા પહેલાં, તંદુરસ્તીની બીમારી પહેલાં,

સમૃદ્ધિની નાદારી પહેલાં, ફુરસદની વ્યસ્તતા પહેલાં

અને જીવનની મૃત્યુ પહેલાં કદર કરો.

***

તરસ્યાને પાણી પીવડાવવું

અંત્યત પ્રિય દાન છે.

***

જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે

ખદીજા(મહંમદ સાહેબનાં પત્ની)એ મને સાચો માન્યો હતો.

જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા, ત્યારે

ખદીજા મારી વાતો પર ઇમાન (વિશ્વાસ) લાવી હતી. જયારે મારો કોઈ

મદદગાર ન હતો ત્યારે ખદીજા એકમાત્ર મારી મદદગાર બની હતી.

***

તારું અથવા કોઈ પણ પયગમ્બરનું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી

દેવાથી વધારે કંઈ જ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય.

કારણ કે તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.

***

જે પુત્ર અને પુત્રી દરમિયાન ભેદભાવ ન કરે,

તેમજ પુત્રીઓનું સારી રીતે પાલન પોષણ કરે,

તેમનાં શિક્ષણ-પ્રશિક્ષણની ઉત્તમ વ્યવસ્થા કરે છે તે સ્વર્ગમાં જશે.

***

તારી માની સેવા કર,

કારણ કે તેના ચરણોમાં જન્નત (સ્વર્ગ) છે.

***

યાદ રાખો,

જીત કે ફત્તેહનો આધાર સંખ્યાબળ પર નથી.

શાનો-શોકત કે જાહોજલાલી પર પણ નથી.

વિપુલ હથિયાર અને અખૂટ સાધન-સામગ્રી પર નથી.

ફત્તેહ (વિજય) માટે જે વસ્તુ સૌથી અગત્યની છે

તે સબ્ર (ધીરજ), દ્રઢતા અને અલ્લાહ પર વિશ્વાસ છે.

***

હે અલ્લાહ, મારા હદયને દંભથી, મારા કાર્યને આડંબરથી,

મારી જીભને જૂઠથી અને મારી આંખને અપ્રમાણિકતાથી બચાવ.

નિઃશંક તું આંખની અપ્રમાણિકતા અને હૃદયોના ભેદો જાણે છે.

***

ત્રણ બાબતો મૃત્યુને આસાન કરી નાખે છે,

નમ્ર વ્યવહાર, માતા-પિતા સાથે પ્રેમ

અને સેવકો (નોકરો) સાથે સદવર્તન.

***

એવી વ્યક્તિ ઘમંડથી પર છે,

જેનો સેવક તેની સાથે ભોજન લેતો હોય.

***

હું આપને એક માત્ર અલ્લાહ તરફ આવવા

નિમંત્રણ પાઠવું છું.

જેનો કોઈ ભાગીદાર નથી.

અલ્લાહ ઉપર ઇમાન લઇ આવો.

અલ્લાહની તાબેદારીમાં મને સાથ આપો.

મારી પયગંબરી સ્વીકારો.

કારણ કે હું અલ્લાહનો સંદેશવાહક છું.

***

હે લોકો,

અજ્ઞાનતા અને જહાલતના યુગમાં

અર્થાત ઇસ્લામ પૂર્વે માનવીની હત્યાના બદલામાં

હત્યા કરી બદલો લેવાનો

ક્રૂર રિવાજ બંધ કરવામાં આવે છે.

***

સંતાન માટે પિતા તરફથી શ્રેષ્ઠ ભેટ

સારી રીતભાત અને સંસ્કારો છે.

*** 

રીબા (વ્યાજ)

કે જે લોકો પોતાના માલને વધારવાના હેતુથી વ્યાજ લે છે

કે આપે છે, તે અલ્લાહ પાસે

પોતાના માલમાં કંઈ જ વધારો કરી શકતા નથી.

પણ અલ્લાહની ખુશી માટે

જે ખેરાત (દાન) આપે છે

એવા જ લોકો પોતાના માલ

અને સવાબને વધારનાર છે.

***

નાણાંને ગણી ગણીને જમા ન કરો (કંજૂસી ન કરો).

અને ન તો ફૂઝૂલ ખર્ચ કરો.

મધ્યમ માર્ગ અપનાવો.

***

લાચાર, અબોલ પ્રાણીઓની બાબતમાં

અલ્લાહથી ડરો.

***

હે લોકો, જો તમે અલ્લાહતાલાનો ખોફ અર્થાત ડર રાખીને

સંપૂર્ણપણે તેની આજ્ઞાઓનું પાલન કરતા રહેશો,

તો અલ્લાહ નિશંકપણે તમારા જાન, માલ અને પ્રતિષ્ઠાની હિફાજત કરશે

અને તેની પવિત્રતા કાયમ રાખશે.

***

જરૂરતમંદ લોકોની મદદ માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ એવો છે,

જે અલ્લાહના માર્ગમાં

જિહાદ(સત્ય-અસત્યનો સંઘર્ષ) કરતો હોય.

***
ઈર્ષા ન કરો,

તે સદ્‌કાર્યોને

ઉધઈની જેમ ખાઈ જાય છે.

તે વ્યક્તિ સૌથી સારો છે,

જે પોતાના ઘરવાળાઓ

અને પડોશીઓ માટે સારો હોય.

***

હે લોકો, અજ્ઞાનતાના યુગમાં વ્યાજનો રિવાજ પ્રચલિત હતો.

પરંતુ અલ્લાહે વ્યાજખોરીની સખત મનાઈ કરી છે.

ઇસ્લામમાં તેના પર પ્રતિબંધ છે. તેનાથી દૂર રહો.

અલબત્ત, તમે તમારી મૂડી પાછી લઇ શકો છો,

પણ તેના પર વ્યાજ લેવું તે ગુનાહ છે.

*** 

કોઈ પણ ચીજ વસ્તુનો જરૂરથી વધારે ઉપયોગ ન કરો.

પાણીનો દુરુપયોગ ન કરો.

ચાહે તમે નદીકિનારે જ કેમ ન રહેતા હોવ.

***

ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે,

પણ વ્યાજ (રીબા)પર સખ્ત પ્રતિબંધ મૂક્યો છે.

***

યુદ્ધના કેદીઓ સાથે સદવર્તન કરો.

તેને યાતનાઓ ન આપો.

***

જો તમે બીમાર છો, મુસાફરીમાં છો, કે કોઈ અપવિત્ર ક્રિયા

જેવી કે હાજત કે પત્ની સાથે હમબિસ્તર  કરીને આવ્યા છો.

એવા સમયે પવિત્ર થવા પાણી ઉપલબ્ધ ન હોય તો

પવિત્ર મિટ્ટી કે માટીથી તયમ્મુમ કરો.

***

સૌથી મોટી જેહાદ

પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે.

પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે.

***

અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાનું દૃષ્ટાંત એવા માણસ જેવું છે

કે જે માણસ દિવસના રોજા(ઉપવાસ) રાખે છે

અને રાત્રે ખુદાની ઇબાદત(ભક્તિ)માં લીન રહે છે.

***

સર્વશ્રેષ્ઠ જેહાદ હજજે મબરૂરછે.

અર્થાત્‌ હજ દ્વારા ગુનાહોની મુકિત

સૌથી શ્રેષ્ઠ જેહાદ છે.

***

જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ

તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો.

અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો.

અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે.

***

નોકર પાસેથી તેની શક્તિ અનુસાર સેવા લો.

તેના આરામનો ખ્યાલ રાખો.

જે કંઈ તમે ખાવ તે તેને ખવડાવો

અને જે કંઈ તમે પહેરો તે તેને પહેરવા આપો.

***

એશ આરામથી બચતા રહેજો.

કારણ કે અલ્લાહના બંદા એશ આરામથી દૂર હોય છે.

***

સત્ય સંપૂર્ણપણે શાંતિ અને સંતોષ છે,

જૂઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.

***

હે લોકો, અલ્લાહે દરેક વારસદાર માટે એક હિસ્સો નક્કી કરેલ છે.

તે તેને અવશ્ય મળશે. જો કોઈ ત્રાહિત વ્યક્તિને વસિયત કરવા ચાહો તો

તમારી વસિયતના એક તૃતીયાંશથી વધારે વસિયત કરી શકશો નહિ.

***

હે લોકો, જે કોઈ પાસે પણ માલ કે વસ્તુ અમાનત તરીકે રાખેલ છે,

તે તેના માલિકને મૂળ સ્વરૂપમાં પરત કરો

અને કયારેય અમાનતમાં ખિયાનત ન કરો.

***

હે લોકો, જે વ્યક્તિએ જાણીબૂઝીને ઈરાદાપૂર્વક માનવ હત્યા કરી,

તેના અસરગ્રસ્તને વળતર રૂપે સૌ ઊંટ જેટલી રકમ ચૂકવવી પડશે.

***

હે ઇમાનવાળાઓ,

બમણું, ચોગુનું વ્યાજ ન ખાઓ.

અને અલ્લાહથી ડરો

કે જેથી તમે સફળ થાઓ.

***

જે લાકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી

અથવા મુસ્લિમ હોવા છતાં સચ્ચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી,

તેમની સામે જેહાદ ચાલુ રાખો.

***

હે લોકો, અલ્લાહ એક છે.

અને તમે સૌ હઝરત આદમનાં સંતાનો છો.

સર્વ કોઈ સમાન છો. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી,

અરબ કે બિનઅરબ, ગોરા ને કાળામાં કોઈ ચડિયાતું નથી.

***

ભાવ વધારો લેવા માટે ચીજ વસ્તુઓનો સંગ્રહ ન કરો.

આવું કરનાર ઘોર યાતાનોને પાત્ર છે.

***

ચીજ વસ્તુઓમાં ભેળસેળ ન કરો.

તોલમાપમાં કમી ન કરો.

વેપારમાં છેતરપીંડી ન કરો.

***

લોકો સાથે નમ્રતાથી વર્તવું,

કોઈ સાથે સખતાઈ ન વાપરવી,તેમના દિલ રાજી રાખવા.

તેમનું અપમાન ન કરવું. તેઓ તમને પૂછે કે સ્વર્ગની કુંચી શી છે ?

તો જવાબ દેજો કે ઈશ્વર એક છે એ સત્યમાં

અને ભલાઈમાં વિશ્વાસ રાખો અને ભલા કાર્યો કરતા રહો,

એ જ સ્વર્ગની કુંચી છે.

***

તું (હઝરત અલી) તો મારો હારૂન છે.

ફરક એટલો જ છે કે મુસા પછી હારૂન પણ પયગમ્બર બન્યા હતા.

પણ હું આખરી પયગમ્બર હોઈ,

તું પયગમ્બર નહીં બની શકે.

***

લોકો સાથે નમ્રતાથી વર્તવું,

સ્ત્રીઓ, બાળકો,ખ્રિસ્તી સાધુઓ

અને દુર્બળ પર કોઈ પણ સ્થિતિમાં હુમલો ન કરવો,

કોઈનું ઘર પાડી ન નાખવું,

તેમજ કોઈ ફળવાળું વૃક્ષ ન કાપવું

***

હે અલ્લાહ,

મારા અંતઃકરણને પવિત્ર કર, જેથી તેમાં કપટ ન રહે.

મારાં કાર્યોને પવિત્ર કર, જેથી તેમાં દેખાડો ન રહે.

મારી જીભને પવિત્ર બનાવ, જેથી તે કદી જૂઠ્ઠું ન બોલે.

મારી આંખોને પવિત્ર બનાવ, જેથી તેમાં છળકપટ ન રહે.

***

અલ્લાહના ફરિશ્તા

રાત-દિવસ મારી પાસે આવતા રહે છે.

હું તેઓની સાથે વાતો કરું છું.

ફરિશ્તાઓને ડુંગળી અને લસણની વાસ પસંદ નથી,

જેથી ડુંગળી અને લસણવાળુ ભોજન મેં પરત મોકલી દીધું.

પણ તમે ખુશીથી તેને ખાઈ શકો છો.

***

યુવાનીની વૃદ્ધા અવસ્થા પહેલાં,

તંદુરસ્તીની બીમારી પહેલાં,

સમૃદ્ધિની નાદારી પહેલાં,

ફુરસદની વ્યસ્તતા પહેલાં

અને જીવનની મૃત્યુ પહેલાં કદર કરો.

***

કોઈ અપરાધ કરનાર પર

તેણે પોતે કરેલા અપરાધ સિવાય

બીજી કોઈ વાતનો આરોપ મૂકવામાં નહિ આવે.

કોઈ પિતાને તેના પુત્રના અપરાધ માટે

કે પુત્રને પિતાના અપરાધ માટે પૂછવામાં નહિ આવે.

***

જે ખ્રિસ્તીઓ સામાન્ય ઘરબારવાળા છે

અને ધંધો રોજગારમાંથી કર આપી શકે એમ છે

તેમની પાસે પણ જેટલું વ્યાજબી હશે

તેથી વધારે નહિ લેવામાં આવે.

***

ખ્રિસ્તીઓનાં દેવળો તેમની પાસેથી

છીનવી લેવાનો કોઈને અધિકાર નથી.

***

હે લોકો,

તમારી પત્નીઓ પર પ્રેમ રાખો

અને તેમની સાથે દયાભર્યો વર્તાવ રાખો.

ખરેખર, અલ્લાહને વચ્ચે રાખીને તમે તેમને તમારી સાથી બનાવી છે,

અને અલ્લાહના હુકમથી જ તેમનો દેહ

તમારે માટે હલાલ ઠરાવવામાં આવ્યો છે.

ધ્યાન રાખો કે અલ્લાહ તલાકને બુરામાં બુરી વસ્તુ માને છે.

***

અને તમારી સાથે ગમે તેટલી ફોજ હશે

તો પણ તમને કશો લાભ નહિ થાય,

કારણ કે અલ્લાહ ઇમાનવાળાઓ સાથે છે.

***

જેનો વિશ્વાસ જેટલો પાકો

તેટલી તેની વધારે પરીક્ષા

કરવામાં આવે છે.

***

જો કોઈ ખ્રિસ્તી સ્ત્રી કોઈ મુસલમાન  સાથે લગ્ન કરે

તો તે મુસલમાન તેના માર્ગમાં કશી અડચણ નહિ નાખે.

તેને દેવળમાં જતાં, પ્રાર્થના કરતા

કે પોતાના ધર્મ પ્રમાણે વર્તતા રોકશે નહીં.

***

ખ્રિસ્તીઓના કાજીઓ

અને સરદારને બદલવાનો કોઈને હક નથી.

કોઈ તેમને તેમના હોદ્દાઓ પરથી ખસેડી શકશે નહીં.

***

કોઈ પણ સ્થિતિમાં

કપટ કે દગાથી કામ ન લેવું,

અને કદી કોઈ બાળકની

હત્યા ન કરવી.

***

આપણાં દુઃખ આપણા પાપો ધોવા માટે છે.

ખરેખર અલ્લાહ (ઈશ્વર) પર ભરોસો રાખનાર

કોઈ માણસને એક કાંટો વાગે,

તો અલ્લાહ તેની મારફતે તેનો મોભો વધારી દે છે

અને તેનું એક પાપ ધોવાઈ જાય છે.

***

બેશક જે મસ્જિદ(ઇસ્લામની સૌથી પહેલી મસ્જિદ મસ્જિદે કુબા’)નો પાયો પ્રથમ દિવસે જ પરહેઝગારી પર નાંખવામાં આવ્યો છે,

તે ખરેખર યોગ્ય જ છે. આપ તેમાં નમાઝ માટે ઉભા રહો,

આ મસ્જિદમાં એવા નેક પુરુષો આવશે

જેઓ પાક-સાફ (પવિત્ર) રહેવાનું પસંદ કરે છે.

અને અલ્લાહ પણ એવા જ પાક-સાફ રહેનાર બંદાઓને પસંદ કરે છે.

***

ખ્રિસ્તી કોમ સામે

કોઈ હથિયાર નહિ ઉપાડે.

હા, તેમના રક્ષણ માટે

હથિયાર ઉઠાવવાનો મુસ્લિમોનો ધર્મ છે.

***

ખરેખર તમે લોકો

અત્યારે એક એવા જમાનામાં રહો છો

કે તમને જે આદેશ આપવામાં આવે છે,

તેના દસમા ભાગનો પણ જે ભંગ કરશે

તે પાયમાલ થશે.

પરંતુ હવે પછી એવો સમય આવશે

જયારે લોકોમાંથી જે અત્યારના આદેશોના

દસમા ભાગનો પણ અમલ કરશે તેને મુક્તિ મળશે.

***

મારા મૃત્યુ પછી

પાછા સત્ય અને ઇમાન છોડીને

અસત્ય અને ભ્રમોમાં ન ફસાતા,

એટલે કે ઇમાન ખોઈ ના બેસતા

અને ફરીથી એકબીજાના ગળા કાપવા મંડી ન પડતા.

***

ધર્મિષ્ઠ માનવીએ

કદી રેશમી વસ્ત્રો ન પહેરવાં જોઈએ.

***

અલ્લાહે દરેક માનવીને

તેના બાપદાદાની માલમિલકતમાંથી

તેનો હિસ્સો મુકરર કરી આપેલ છે.

એટલે જેનો હક છે તે તેની પાસેથી છીનવી લેનારું

કોઈ વસિયતનામું ખરું માનવામાં નહિ આવે.

***

મારે નથી જોઈતા પૈસા

કે નથી જોઈતું રાજ.

હું તો તમને માત્ર

ખુદાનો સંદેશ સંભળાવવા આવ્યો છું.

જો તમે મારી વાત માનશો

તો આ લોકમાં અને પરલોકમાં

બંનેમાં તમારું ભલું થશે.

***

બૂરાઈનો બદલો

હંમેશા ભલાઈથી આપો.

***

નાનામાં નાના માણસો સાથે

બહુ પ્રેમ અને આદરપૂર્વક વર્તવું,

નમીને ચાલવું, સૌ પર દયા કરવી,

કોઈ કંઈ બોલ્યું હોય તો તેનો ખાર ન રાખવો,

પોતાની જાત પર કાબૂ રાખવો

અને દિલ મોટું અને હાથ ઉદાર રાખવો.

***

જે લોકો

પોતાના પયગમ્બરોની કબરોની પૂજા કરવા માંડે છે

તેમના પર અલ્લાહનો કોપ હજો.

હે અલ્લાહ,

મારી કબરની કદી કોઈ પૂજા ન કરે.

***

અલ્લાહ

તું જ સૌનો આદિ

અને તું જ સૌનો અંત છે.

તારા સિવાય

કોઈ ઈબાદતને લાયક નથી.

***

મસ્જિદમાં લોકો ભૂખ્યા બેઠા હોય

અને મારી પુત્રી ચાંદીનાં કડાં પહેરે

તથા રેશમી વસ્ત્રો પહરે

તો એ જોઈ મને

અવશ્ય શરમ આવે.

***

હિજરત (પ્રયાણ) એક મહાન ઈબાદત છે.

આ મહાન ઇબાદતમાં હું કોઈને ભાગીદાર બનાવવા નથી માંગતો.

ખુદાની રાહમાં હિજરત જેવી મહાન ઈબાદત

પોતાના જ જાન-માલથી કરવી જોઈએ.

***

સત્ય

સંપૂર્ણપણે શાંતિ અને સંતોષ છે,

જૂઠ પૂર્ણપણે શંકા અને દ્વિધા છે.

***

શરમ અને લજ્જા ઇમાન(શ્રદ્ધા)ની

એક શાખા છે.

લોકો, શું તમે સાંભળતા નથી ?

નિઃશંક સાદગી ઇમાનની નિશાની છે.

***

હઝરત ફાતેમા (મહંમદ સાહેબની પુત્રી),

મારા પિતાની નસીહત (શિખામણ) છે

કે બેટા, પતિને કદી સમસ્યાઓથી પજવીશ નહીં.

***

તેઓ જે સદ્‌કાર્યો કરે છે

તેની કદર કરવામાં આવશે.

અલ્લાહ સંયમી લોકોને

સારી રીતે ઓળખે છે.

***

મારા સાથીઓ,

તમારામાંથી કોઈને મેં નુકસાન કર્યું હોય,

તો તેનો જવાબ આપવા અત્યારે હું મોજુદ છું.

જો તમારામાંથી કોઈનું મારી પાસે કશું લેણું હોય,

તો જે કંઈ આજે મારી પાસે છે તે બધું તમારું છે.

***

હું કહું છું કે

કોઈ માનવી શાંત,

સદાચારી અને બીજાઓના સુખે સુખી રહે છે

તે કયારેય દોજખ (નર્ક)માં જતો નથી.

**-*

જે માનવી

સહદયતાથી વંચિત રહ્યો,

તે વાસ્તવમાં

ભલાઈથી વંચિત રહ્યો.

***

કોઈકે મહંમદ સાહેબને પૂછ્યું,

"ગુનાહ એટલે શું ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું,

"જે કામથી તારા જ્હેન(આત્મા)ને આઘાત લાગે તે

ગુનાહ છે, પાપ છે, તે ન કરીશ".

***

જો તમે લોકોથી બદલો લો

તો બસ એટલો જ લો,

જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય,

પરંતુ જો સબ્ર રાખો

તો તે ખુદાને વધારે પસંદ છે.

***

અલ્લાહ

સૌથી સારો સર્જક છે.

***

તમે પૃથ્વીવાસીઓ પર દયા કરો,

આકાશવાળો (અલ્લાહ)

તમારા પર દયા કરશે.

***

શેતાન

માત્ર એટલું જ ઇરછે છે કે

દારૂ અને જુગાર દ્વારા

તમારી વરચે

દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય.

તમને અલ્લાહની યાદ

અને નમાજ (પ્રાર્થના)થી અટકાવે.

શું તમે અટકી જશો?

***

જૂઠ, ચાડીચુગલી,

મિથ્યા આરોપ,

નિંદા વગેરેથી બચો.

લોકોને ખોટા નામથી ન બોલાવો.

***

હે લોકો,

મારો આ સંદેશ

અહીં જે લોકો હાજર નથી

તેમને પણ તમે પહોંચાડજો.

પિતા તેના પુત્રને જે રીતે વારસો આપે

તે રીતે આ સંદેશો

સમગ્ર માનવસમાજ સુધી પહોંચાડજો.

જેથી તે સુરક્ષિત રહે.

*** 

No comments:

Post a Comment