Saturday, May 25, 2013

બેલુરમઠમાં જુમ્માની નમાઝ : ડૉ. મહેબૂબ દેસાઈ


ઈ.સ. ૧૯૯૧ના ઓક્ટોબર માસમાં કોલકત્તાની રાષ્ટ્રીય ઇતિહાસ પરિષદ પૂર્ણ કરી મેં બેલુરમઠ જવા સામાન બાંધ્યો. બેલુરમઠ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક વિચારો અને વિવેકાનંદજીના અંતિમ નિવાસ માટે જાણીતો છે. પરિણામે જીવનની અનેક મહેચ્છામાની એક ઈચ્છા  બેલુરમઠના પવિત્ર વાતાવરણમાં થોડા દિવસ રહેવાની હદયમાં કંડારાયેલી હતી. જો કે બેલુરમઠમા આમ તો મારે કોઈનો પરિચય ન હતો. પણ મારા એક પ્રોફેસર મિત્ર વ્યાસ અવાનવાર બેલુરમઠ જતા. એટલે હું કોલકત્તા જવા નીકળ્યો ત્યારે એમણે મને કહેલું,
"બેલુરમઠ જાવ તો સ્વામીજીને મારું નામ આપજો. તમને કોઈ તકલીફ નહિ પડે" બેલુરમઠમાં પ્રવેશતા જ હું સ્વામીજીના કાર્યલયમાં પહોંચી ગયો. મારા પરિચય સાથે મેં તેમને પ્રોફેસર વ્યાસનો સંદર્ભ આપ્યો. તેમણે મને  સહર્ષ આવકાર્યો. મારી રહેવાની જમવાની સુંદર વ્યવસ્થા કરી આપી. અને કહ્યું,
" પ્રોફેસર મહેબૂબ સાહબ, આપ ફ્રેશ હો જાઈએ, શામ કો હમ આરામ સે મિલેંગે" અને મેં મારા ઉતારા તરફ કદમો માંડ્યા. બેલુરમઠના મહેમાન ગૃહમાં બપોરનું ભોજન લઇ, થોડો આરામ કરી હું બેલુરમઠના પરિભ્રમણ માટે નીકળ્યો. સ્વામી વિવેકાનંદજીએ જે રૂમમાં અંતિમ શ્વાસ લીધો હતો, તે રૂમ આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે. એ રૂમમાં પ્રવેશ્યો ત્યારે મને વિવેકાનંદજીના અસ્તિત્વનો અહેસાસ થયો અને મન રોમાંચિત થઇ ગયું. વિવેકાનંદજીના ખંડની બાજુમાં જ ધ્યાનખંડ છે.
હું ધ્યાનખંડમા પ્રવેશ્યો. ત્યારે પણ મન પ્રફુલ્લિત થઇ ગયું. પ્રાર્થના-ઈબાદત માટેનું  સુંદર, શાંત અને પવિત્ર સ્થાન મને અત્યંત પ્રભાવિત કરી ગયું. અને મનમાં એક વિચાર ઝબકી ઉઠ્યો. આવતીકાલની જુમ્મા અર્થાત શુક્રવારની નમાઝ અહિયાં પઢવા મળે તો મજા પડી જાય. એ વિચાર સાથે હું ધ્યાનખંડની બહાર આવ્યો. ધ્યાનખંડની બહાર સ્વામીજી તેમના અનુયાયીઓ સાથે સત્સંગ કરી રહ્યા હતા.મને જોઈ આંખોથી આવકારતા તેઓ બોલ્યા,
"ધ્યાનખંડ એ પ્રાર્થના માટેનું ઉત્તમ સ્થાન છે. ઈશ્વરમા લીન થવા માટેનો આ ખંડ તો એક માધ્યમ છે. સાધન છે. એ દ્વ્રારા સાધ્ય સુધી અર્થાત ઈશ્વર સુધી પહોંચવાનું છે. ઈશ્વર સુધી પહોંચવાની ક્રિયાઓ ભિન્ન હોય શકે. પણ તેની શરતો સર્વ માટે સરખી છે. તેમાંની એક અને અગત્યની શરત છે એકાગ્રતા. એકાગ્રતા સાધવામા આ ધ્યાનખંડ આપણને બળ આપે છે. વાતારવણ પૂરું પાડે છે"
હું એક ધ્યાને સ્વામીજીની વાત સાંભળી રહ્યો. તેમનું વિધાન
"ઈશ્વર સુધી પહોંચવાની ક્રિયાઓ ભિન્ન હોય શકે. પણ તેની શરતો સર્વ માટે સરખી છે. તેમાંની એક અને અગત્યની શરત છે એકાગ્રતા. એકાગ્રતા સાધવામા આ ધ્યાનખંડ આપણને બળ આપે છે"
મારા હદયમાં સોસરવું ઉતરી ગયું. અને મારી અંતરની ઈચ્છાને અભિવ્યક્ત કરતા હું સ્વામીજીને પૂછી બેઠો,,
"સ્વામીજી, આવતી કાલે શુક્રવાર છે. હું જુમ્મા અર્થાત શુક્રવારની નમાઝ ધ્યાનખંડમા પઢી શકું ?"
સ્વામીજી એક પળ મને તાકી રહ્યા. પછી પોતાના ચહેરા પર સ્મિત પાથરત બોલ્યા,
"મહેબૂબભાઈ, તમે આ પ્રશ્ન પૂછી સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે" પછી પોતાના અનુયાયીઓને મારો પરિચય આપતા બોલ્યા,
"ગુજરાતના ભાવનગર જિલ્લામા આવેલ ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં તેઓ ઇતિહાસના પ્રોફેસર છે. બેલુરમઠમાં તેઓ ભારતીય સંસ્કૃતિ અને સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક રૂમ ને જોવા આવ્યા છે. જન્મે તેઓ મુસ્લિમ છે. એટલે ઈશ્વર-ખુદાને યાદ કરવાની તેમની પદ્ધતિ અલગ છે. આગવી છે. પણ  ધ્યાનખંડ સર્વધર્મ માટે ખુલ્લો છે.તેનો ઉદેશ ગમે તે ક્રિયા દ્વારા ઈશ્વરને યાદ કરવાનો છે.મહેબૂબભાઈ, તમે અવશ્ય તમારી રીતે ધ્યાનખંડમા ખુદાની ઈબાદત કરી શકો છો"
સ્વામીજીના આ વિધાનથી મારા હદયમાં આનંદની લહેર પ્રસરી ગઈ. સાથોસાથ બેલુરમઠની આધ્યાત્મિક સ્વતંત્રતા એ મારા હદયને ભીંજવી નાખ્યું.
બીજે દિવસે બપોરે એકને ત્રીસે સફેદ કફની, પાયજામો અને માથે સફેદ ટોપી પહેરી હું ધ્યાનખંડમા પ્રવેશ્યો. ત્યારે ત્યા ધ્યાનસ્થ સાધુ-સંતો અને યાત્રીઓ કોઈનું ધ્યાન મારા તરફ ન ગયું. સૌ એક ધ્યાને પ્રાર્થનામા લીન હતા. એક ખૂણામાં મેં સ્થાન લીધું અને નમાઝનો આરંભ કર્યો. શુક્રવારની નમાઝ માટે ચાર રકાત ફર્ઝ પઢવાનો મેં આરંભ કર્યો, ત્યારે મારા મનમાં કોઈ જ આયોજન ન હતું. પણ જેમ જેમ હું નમાઝ અદા કરતો ગયો. તેમ તેમ કુરાને શરીફની આયાતો વધુને વધુ માત્રામાં મારા મનમાં ઉપસતી ગઈ અને હું તે પઢતો ગયો. ચાર રકાત નમાઝ પઢવામાં વધુમાં વધુ પાંચથી સાત મીનીટ થાય. પણ એ શુક્રવારની ચાર રકાત નમાઝ અદા કરતા મને લગભગ ત્રીસ મીનીટ થઇ. જયારે મેં નમાઝ અદા કરી સલામ ફેરવી, ત્યારે એક અનોખા અલૌકિક આનંદથી મારું હદય ભરાયેલું હતું. સલામ ફેરવી સામે નજર કરી તો એક ભગવા વસ્ત્રોમાં ઉભેલો યુવાન મારી સામેથી કોઈ પસાર ન થયા તેની તકેદારી રાખી રહ્યો હતો. મેં નમાઝ પૂર્ણ કરી એટલે તે ચુપચાપ ત્યાંથી ચાલ્યો ગયો.
નમાઝ પૂર્ણ કરી ધ્યાનખંડના પગથીયા ઉતરતો હતો ત્યારે મારું મન નમાઝના અલૌકિક આનંદથી ભરાયેલું હતું. જયારે મનમાં સ્વામીજીના શબ્દો,
"ઈશ્વર સુધી પહોંચવાની ક્રિયાઓ ભિન્ન હોય શકે. પણ તેની શરતો સર્વ માટે સરખી છે. તેમાંની એક અને અગત્યની શરત છે એકાગ્રતા. એકાગ્રતા સાધવામા આ ધ્યાન ખંડ આપણને બળ આપે છે"
ગુંજી રહ્યા હતા.

No comments:

Post a Comment