Wednesday, May 29, 2013

પ.પૂ.મોરારીબાપુ અને સર્વધર્મસમભાવ : ડૉ. મહેબૂબ દેસાઈ

પ. પૂ. મોરારીબાપુ માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર વિશ્વના સંત અને કથાકાર છે. પણ તેમની ઓળખ અહિયાં અટકતી નથી. તેઓ કથાકાર કરતા એક શિક્ષક અને સુધારક વિશેષ છે. રામાયણની કથા તો વર્ષોથી એક જ છે. પણ તે કથામાં સાંપ્રત વિચારો, સમસ્યોઓ અને સર્વધર્મસમભાવને સુંદર અને અસરકારક રીતે સાંકળીને તેમણે એક સામાજિક ચિંતકનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે. તેમની કથામાં વ્યક્ત થતો સર્વધર્મસમભાવ એ માત્ર શબ્દો કે વિચાર નથી. પણ જીવનમાં અપનાવેલ વ્યવહાર અને સંસ્કાર પણ છે.
આજથી લગભગ ૧૫ વર્ષ પૂર્વે ૧૯૯૮માં "શમ્મે ફરોઝા" નામક મારી કોલમનો પ્રથમ સંગ્રહ
"માનવ ધર્મ ઇસ્લામ" ના નામે પ્રસિદ્ધ થવામાં હતો. ત્યારે તેને બાપુના આશિષ વચનો પ્રાપ્ત થાય તેવી ઈચ્છા એ મારા મનમાં જન્મ લીધો. એ સમયે હું અંગત રીતે બાપુના પરિચયમાં ન હતો. એટલે બાપુના નાના ભાઈ ચેતન બાપુ ભાવનગરની શ્રી જમોડ હાઇસ્કુલમાં શિક્ષક છે, તેમને મેં મારી ઈચ્છા દર્શાવી. અને પૂ. મોરારીબાપુએ મને જોયા કે મળ્યા વગર માત્ર મારા પુસ્તકની પ્રત જોઈ મને આશિષ વચનો લખી આપ્યા. તેમનું એ ટૂંકુ લખાણ આજે પણ જાણવા અને માણવા જેવું છે. તેમાં એક અજાણ્યા મુસ્લિમ પ્રત્યેનો બાપુનો નિર્મળ પ્રેમ અને સર્વધર્મસમભાવ અભિવ્યક્ત થાય છે.

"આ. ડૉ. મહેબૂબ સાહેબનું આ દર્શન ઉપર ઉપરથી જોઈ ગયો છું. સમય અભાવે પૂરું જોઈ શક્યો નથી. પરંતુ જે વિષયો ઉપર સરળ અને સહજ સમજ વ્યક્ત થઇ છે એ સૌ માટે માર્ગદર્શક છે. વાત શાસ્ત્રાત્મક, સત્યાત્મક અને સ્નેહાત્મક હોય ત્યારે એ વ્યક્તિના આત્મતત્વ સુધી પહોંચે છે. આ. મહેબૂબ સાહેબનો આ પ્રયાસ સૌ માટે પ્રસાદ બની રહો એવી પ્રભુ પ્રાર્થના ! શુભકામના ! રામ સ્મરણ સાથે."

એ પછી અમારા વચ્ચે સાચ્ચે જ નિર્મળ પ્રેમનો નાતો બંધાયો. ૨૦૦૨ના રમખાણોમાં મારા ઘર ઉપર પણ પથ્થમારો થયો. એ સમાચાર બીજે દિવસે અખબારમાં પ્રસિદ્ધ થયા. સવારની નમાઝ પૂર્ણ કરીને હું  હજુ ચિંતિત મુદ્રામાં બેઠો હતો ને મારો ફોન રણક્યો. સામે છેડેથી બાપુનો પ્રેમાળ અવાજ સંભળાયો,

"મહેબૂબભાઈ, તમારા ઘર પર પથ્થરમારો થયાના સમાચાર વાંચી દુઃખ થયું. અહિયાં ચાલ્યા આવો. મને તમારી અને તમારા કુટુંબની ચિંતા થાય છે"
તેમનો લાગણી ભર્યો ભીનો અવાજ મને સ્પર્શી ગયો. મેં કહ્યું,
"બાપુ, ઈશ્વર જ્યાં સુધી નૈતિક હિમ્મત આપશે ત્યાં સુધી ટકી રહીશ. પછી આપની શરણમાં જરૂર આવી જઈશ"
એ પછી ૨૦૦૫મા મારા એક વડીલ અધ્યાપકના વિદાય સમાંરભમાં બાપુ મહેમાન હતા. અને હું યજમાન હતો. ત્યારે મંચ પર અમે સાથે કદમો માંડ્યા હતા. એ પળ મારા માટે ધન્ય હતી. ચાલતા ચાલતા બાપુ એટલું જ બોલ્યા હતા.
"મહેબૂબભાઈ, શિક્ષક તરીકે તમે મને ગમે તવું કાર્ય કરો છો"
૨૦૧૦માં અમે બંને પતિ-પત્ની બીજીવાર હજજ કરવા ગયા. હજજયાત્રાએથી પાછા આવ્યા પછી હું બાપુને ઝમઝમનું પાણી અને આજવા ખજુરની ન્યાઝ (પ્રસાદી) આપવા તેમના મહુવાના આશ્રમે ગયો. અનેક ભક્તોની હાજરીમાં તેમણે મને આવકાર્યો. ઝમઝમના પાણીનું મારા હસ્તે જ તેમણે આચમન કર્યું. અને પછી ઝમઝમના પાણીની બોટલ મારી પાસેથી માંગતા કહ્યું,
"મહેબૂબભાઈ સાથે આજે મારી પણ હજ થઇ ગઈ"
પછી થોડીવાર અટકી બોલ્યા,
"ઝમઝમના પાણીમાં રોટલો બનાવીને જમીશ"
અને ત્યારે ભક્તોની વિશાલ મેદનીએ બાપુના આ વિધાનને તાલીઓના ગળગળાટથી વધાવી લીધું હતું.

લગભગ એકાદ વર્ષ પૂર્વે બાપુ બગદાદ(ઈરાક)માં કથા કરવા જવાના છે તેવા સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થયા. ઈરાકના બગદાદ શહેરથી એક સો કિલોમીટર દૂર કરબલાનું મૈદાન આવેલું છે. જ્યાં હઝરત ઈમામ હુસૈન અને યઝીદ વચ્ચે ૧૦ ઓક્ટોબર ૬૮૦, ૧૦ મોહરમ, હિજરી ૬૧ ના રોજ યુદ્ધ થયું હતું. સત્ય અને અસત્યની એ લડાઈમાં હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ સાથીઓ શહીદ થયા હતા. ઇસ્લામમાં એ સ્થાનની યાત્રાનું પણ વિશેષ મહત્વ છે. એટલે એ સ્થાનની ઝીયારત કરવાના મોહમાં મેં બાપુને એક પત્ર પાઠવ્યો. તેમાં લખ્યું,
"અલ્લાહ સૌની દુવા કબુલ ફરમાવે છે. પણ તે માટે ખુદા માધ્યમ તરીકે કોઈ માનવી કે ફરિશ્તાની પસંદગી કરે છે. કદાચ મારી આ યાત્રા માટે ખુદાએ આપની પસંદગી કરી હશે. આપ બગદાદ જાવ તો મને પણ આપની સાથે યાત્રાની તક આપશો એવી ગુજારીશ છે"
આ પત્ર પાઠવ્યા પછી તો એ વાત હું ભૂલી પણ ગયો. પણ થોડા દિવસો પૂર્વે હું સહ કુટુંબ બાપુના આશ્રમમાં ગયો હતો. ત્યારે મારા સમગ્ર કુટુંબને આશીર્વાદ આપતા બાપુ એ કહ્યું,
"મહેબૂબભાઈ, તમારી પણ એક ખ્વાહિશ મારે પૂરી કરવાની છે."
હું અચરજ નજરે બાપુને તાકી રહ્યો. જયારે મન તેમની વાતનું અનુસંધાન શોધવા લાગ્યું. પણ મને કશું યાદ ન આવ્યું. અંતે મને દ્વિધામાં પડેલો જોઈ બાપુના ચહેરા પર સ્મિત પથરાય ગયું અને તેઓ  બોલ્યા,
"મહેબૂબભાઈ, બગદાદમાં કથા થશે તો તમારી ધાર્મિક યાત્રા પાકી"
અને હું એ સંતની અન્ય ધર્મના માનવીની અભિલાષાને પૂર્ણ કરવાની તત્પરતા ગળગળો બની સંભાળી રહ્યો. મારી આંખોમાં પાણી ઉભરાઈ આવ્યું. એ ઉભરાઈ આવેલા નીરને ખાળતા હું એટલું જ બોલી શક્યો,
"બાપુ, કરબલાની મારી યાત્રા થાય કે ન થાય, પણ આપે મને આટલો પ્રેમ અને આદર આપી અહિયાં જ કરબલાની યાત્રાનું પુણ્ય મેળવી લીધું છે. કારણ કે કુરાને શરીફમાં કહ્યું છે
"અલ આમલ બિન નિયતે" અર્થાત સદ કાર્યનો વિચાર માત્ર પુણ્ય છે"

અને આંખના નિરને અન્ય ભક્તોજનોથી છુપાવવા મેં બાપુના હીચકાથી દૂર જવા કદમો ઉપડ્યા. અને  બાપુએ હિંચકામાંથી ઉભા થઇ મને વિદાઈ આપી. ત્યારે એ અદભૂત દ્રશ્યને સમગ્ર ભક્તો એક નજરે તાકી રહ્યા હતા.

Saturday, May 25, 2013

બેલુરમઠમાં જુમ્માની નમાઝ : ડૉ. મહેબૂબ દેસાઈ


ઈ.સ. ૧૯૯૧ના ઓક્ટોબર માસમાં કોલકત્તાની રાષ્ટ્રીય ઇતિહાસ પરિષદ પૂર્ણ કરી મેં બેલુરમઠ જવા સામાન બાંધ્યો. બેલુરમઠ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક વિચારો અને વિવેકાનંદજીના અંતિમ નિવાસ માટે જાણીતો છે. પરિણામે જીવનની અનેક મહેચ્છામાની એક ઈચ્છા  બેલુરમઠના પવિત્ર વાતાવરણમાં થોડા દિવસ રહેવાની હદયમાં કંડારાયેલી હતી. જો કે બેલુરમઠમા આમ તો મારે કોઈનો પરિચય ન હતો. પણ મારા એક પ્રોફેસર મિત્ર વ્યાસ અવાનવાર બેલુરમઠ જતા. એટલે હું કોલકત્તા જવા નીકળ્યો ત્યારે એમણે મને કહેલું,
"બેલુરમઠ જાવ તો સ્વામીજીને મારું નામ આપજો. તમને કોઈ તકલીફ નહિ પડે" બેલુરમઠમાં પ્રવેશતા જ હું સ્વામીજીના કાર્યલયમાં પહોંચી ગયો. મારા પરિચય સાથે મેં તેમને પ્રોફેસર વ્યાસનો સંદર્ભ આપ્યો. તેમણે મને  સહર્ષ આવકાર્યો. મારી રહેવાની જમવાની સુંદર વ્યવસ્થા કરી આપી. અને કહ્યું,
" પ્રોફેસર મહેબૂબ સાહબ, આપ ફ્રેશ હો જાઈએ, શામ કો હમ આરામ સે મિલેંગે" અને મેં મારા ઉતારા તરફ કદમો માંડ્યા. બેલુરમઠના મહેમાન ગૃહમાં બપોરનું ભોજન લઇ, થોડો આરામ કરી હું બેલુરમઠના પરિભ્રમણ માટે નીકળ્યો. સ્વામી વિવેકાનંદજીએ જે રૂમમાં અંતિમ શ્વાસ લીધો હતો, તે રૂમ આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે. એ રૂમમાં પ્રવેશ્યો ત્યારે મને વિવેકાનંદજીના અસ્તિત્વનો અહેસાસ થયો અને મન રોમાંચિત થઇ ગયું. વિવેકાનંદજીના ખંડની બાજુમાં જ ધ્યાનખંડ છે.
હું ધ્યાનખંડમા પ્રવેશ્યો. ત્યારે પણ મન પ્રફુલ્લિત થઇ ગયું. પ્રાર્થના-ઈબાદત માટેનું  સુંદર, શાંત અને પવિત્ર સ્થાન મને અત્યંત પ્રભાવિત કરી ગયું. અને મનમાં એક વિચાર ઝબકી ઉઠ્યો. આવતીકાલની જુમ્મા અર્થાત શુક્રવારની નમાઝ અહિયાં પઢવા મળે તો મજા પડી જાય. એ વિચાર સાથે હું ધ્યાનખંડની બહાર આવ્યો. ધ્યાનખંડની બહાર સ્વામીજી તેમના અનુયાયીઓ સાથે સત્સંગ કરી રહ્યા હતા.મને જોઈ આંખોથી આવકારતા તેઓ બોલ્યા,
"ધ્યાનખંડ એ પ્રાર્થના માટેનું ઉત્તમ સ્થાન છે. ઈશ્વરમા લીન થવા માટેનો આ ખંડ તો એક માધ્યમ છે. સાધન છે. એ દ્વ્રારા સાધ્ય સુધી અર્થાત ઈશ્વર સુધી પહોંચવાનું છે. ઈશ્વર સુધી પહોંચવાની ક્રિયાઓ ભિન્ન હોય શકે. પણ તેની શરતો સર્વ માટે સરખી છે. તેમાંની એક અને અગત્યની શરત છે એકાગ્રતા. એકાગ્રતા સાધવામા આ ધ્યાનખંડ આપણને બળ આપે છે. વાતારવણ પૂરું પાડે છે"
હું એક ધ્યાને સ્વામીજીની વાત સાંભળી રહ્યો. તેમનું વિધાન
"ઈશ્વર સુધી પહોંચવાની ક્રિયાઓ ભિન્ન હોય શકે. પણ તેની શરતો સર્વ માટે સરખી છે. તેમાંની એક અને અગત્યની શરત છે એકાગ્રતા. એકાગ્રતા સાધવામા આ ધ્યાનખંડ આપણને બળ આપે છે"
મારા હદયમાં સોસરવું ઉતરી ગયું. અને મારી અંતરની ઈચ્છાને અભિવ્યક્ત કરતા હું સ્વામીજીને પૂછી બેઠો,,
"સ્વામીજી, આવતી કાલે શુક્રવાર છે. હું જુમ્મા અર્થાત શુક્રવારની નમાઝ ધ્યાનખંડમા પઢી શકું ?"
સ્વામીજી એક પળ મને તાકી રહ્યા. પછી પોતાના ચહેરા પર સ્મિત પાથરત બોલ્યા,
"મહેબૂબભાઈ, તમે આ પ્રશ્ન પૂછી સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે" પછી પોતાના અનુયાયીઓને મારો પરિચય આપતા બોલ્યા,
"ગુજરાતના ભાવનગર જિલ્લામા આવેલ ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં તેઓ ઇતિહાસના પ્રોફેસર છે. બેલુરમઠમાં તેઓ ભારતીય સંસ્કૃતિ અને સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક રૂમ ને જોવા આવ્યા છે. જન્મે તેઓ મુસ્લિમ છે. એટલે ઈશ્વર-ખુદાને યાદ કરવાની તેમની પદ્ધતિ અલગ છે. આગવી છે. પણ  ધ્યાનખંડ સર્વધર્મ માટે ખુલ્લો છે.તેનો ઉદેશ ગમે તે ક્રિયા દ્વારા ઈશ્વરને યાદ કરવાનો છે.મહેબૂબભાઈ, તમે અવશ્ય તમારી રીતે ધ્યાનખંડમા ખુદાની ઈબાદત કરી શકો છો"
સ્વામીજીના આ વિધાનથી મારા હદયમાં આનંદની લહેર પ્રસરી ગઈ. સાથોસાથ બેલુરમઠની આધ્યાત્મિક સ્વતંત્રતા એ મારા હદયને ભીંજવી નાખ્યું.
બીજે દિવસે બપોરે એકને ત્રીસે સફેદ કફની, પાયજામો અને માથે સફેદ ટોપી પહેરી હું ધ્યાનખંડમા પ્રવેશ્યો. ત્યારે ત્યા ધ્યાનસ્થ સાધુ-સંતો અને યાત્રીઓ કોઈનું ધ્યાન મારા તરફ ન ગયું. સૌ એક ધ્યાને પ્રાર્થનામા લીન હતા. એક ખૂણામાં મેં સ્થાન લીધું અને નમાઝનો આરંભ કર્યો. શુક્રવારની નમાઝ માટે ચાર રકાત ફર્ઝ પઢવાનો મેં આરંભ કર્યો, ત્યારે મારા મનમાં કોઈ જ આયોજન ન હતું. પણ જેમ જેમ હું નમાઝ અદા કરતો ગયો. તેમ તેમ કુરાને શરીફની આયાતો વધુને વધુ માત્રામાં મારા મનમાં ઉપસતી ગઈ અને હું તે પઢતો ગયો. ચાર રકાત નમાઝ પઢવામાં વધુમાં વધુ પાંચથી સાત મીનીટ થાય. પણ એ શુક્રવારની ચાર રકાત નમાઝ અદા કરતા મને લગભગ ત્રીસ મીનીટ થઇ. જયારે મેં નમાઝ અદા કરી સલામ ફેરવી, ત્યારે એક અનોખા અલૌકિક આનંદથી મારું હદય ભરાયેલું હતું. સલામ ફેરવી સામે નજર કરી તો એક ભગવા વસ્ત્રોમાં ઉભેલો યુવાન મારી સામેથી કોઈ પસાર ન થયા તેની તકેદારી રાખી રહ્યો હતો. મેં નમાઝ પૂર્ણ કરી એટલે તે ચુપચાપ ત્યાંથી ચાલ્યો ગયો.
નમાઝ પૂર્ણ કરી ધ્યાનખંડના પગથીયા ઉતરતો હતો ત્યારે મારું મન નમાઝના અલૌકિક આનંદથી ભરાયેલું હતું. જયારે મનમાં સ્વામીજીના શબ્દો,
"ઈશ્વર સુધી પહોંચવાની ક્રિયાઓ ભિન્ન હોય શકે. પણ તેની શરતો સર્વ માટે સરખી છે. તેમાંની એક અને અગત્યની શરત છે એકાગ્રતા. એકાગ્રતા સાધવામા આ ધ્યાન ખંડ આપણને બળ આપે છે"
ગુંજી રહ્યા હતા.

Thursday, May 23, 2013

સરદાર મુનવ્વર રાણાની ગઝલોમાં ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

"જિસ્મ પર મીટ્ટી મલેંગે પાક હો જાયેંગે હમ
એ ઝમીન એક દિન તેરી ખુરાક હો જાયેંગે હમ
એ ગરીબી દેખ હમે રસ્તે મેં મત છોડના  
એ અમીરી દૂર રહે નાપાક હો જાયેંગે હમ"

સરદાર મુનવ્વર રાણા હિન્દોસ્તાનના નામી શાયર છે. ઉર્દૂ અને હિન્દી બંને ભાષાઓમાં લખાયેલા તેમના શેરો આજે પણ લોકજીભે રમે છે. દેશવિદેશના મુશાયરાઓની તેઓ જાન છે. તેમની શાયરીમાં ઇસ્લામી તહેજીબ વારંવાર ડોકયા કરે છે. તેમના ઉપરોક્ત શેરની પ્રથમ બે લાઈનો તેની સાક્ષી પૂરે છે. શેરની પ્રથમ બે લાઈનોમાં ઇસ્લામનો એક અહેમ સિદ્ધાંત છુપાયેલો છે. જેનું નામ છે તયમ્મુમ. કુરાને  શરીફમાં કહ્યું છે,
"અય મોમીમો, જયારે તમે નમાઝ માટે ઈરાદો કરો ત્યારે તમે પહેલા પાક (પવિત્ર) થવા મો અને બંને હાથ પગ ધુવો અને જો એ માટે પાણી ન મળે તો પાક માટી તમારા મો અને બંને હાથો પર મસાહ કરી તયમ્મુમ કરો"
ઇસ્લામમાં ગરીબ અમીર વચ્ચેના ભેદોને નિવારવા જકાત અને ખેરાત અર્થાત દાનનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. અમીરીનું અભિમાન અને તેનો સ્પર્શ પણ માનવીને નાપાક(અપવિત્ર)કરી નાખે છે. એ વિચાર મુનવ્વર રાણાએ બખૂબી અત્રે સાકાર કર્યો છે.
આજ તરહ પર એક અન્ય શેર પણ માણવા જેવો છે.

"ઇન્સાન થે કભી મગર અબ ખાક હો ગયે
 લે યે ઝમીન હમ તેરી ખુરાક હો ગયે
 રખતે હૈ હમકો ચાહને વાલે સંભાલ કે
 હમ નન્હેં રોઝદાર કી મિસ્વાક હો ગયે"

ઇસ્લામમાં પાંચ વક્તની નમાઝ નાના મોટા સૌ માટે ફરજીયાત છે.નમાઝ પૂર્વે પવિત્ર થવા માટે વઝું જરૂરી છે. અને વઝુમાં દાંત સાફ કરવા મિસ્વાક અર્થાત દાતણ દરેક પાંચ વખતનો નમાઝી પોતાની પાસે સંભાળીને રાખે છે. મિસ્વાક માટે મોટેભાગે પીલુ, જૈતુન કે લીમડાના ઝાડની પાતળી ડાળીમાંથી બનાવવામાં આવેલ દાંતણ વાપરવામાં આવે છે. મિસ્વાકની મહત્તા સ્વીકારતા હઝરત મહંમદ સાહેબએ ફરમાવ્યું છે,
"મિસ્વાક નિયમિત કરો. તેનાથી રોઝીમાં બરકત થાય છે. માથાની નસોને રાહત મળે છે. માથાનો દુખાવો દૂર થાય છે. કફ દૂર થાય છે. નજર તેજ બનાવે છે. હાજતને નિયમિત કરે છે. અને માનવીને સુકુન અને તંદુરસ્તી બક્ષે છે."
જેમ વાણીમાં મીઠાશ શક્કર (ખાંડ)ખાવાથી ન આવે. એ માટે સંયમ અને સહનશીલતા જરૂરી છે. વડીલોની ગાળો પણ ધીની નાળો જેવી હોય છે. એજ રીતે ઇબાદત, નમાઝ કે સિજદામાં મન સાફ અને પવિત્ર ન હોય તો સિજદો ગમે તેટલીવાર કરો પણ ખુદા રાજી થતો નથી. એ વિચારને વાચા આપતા મુનવ્વર રાણા સરળ અને અસરકારક શબ્દોમાં લખે છે,

"બડી કડવાહટ હૈ ઇસી લીયે ઐસા નહિ હોતા
 શક્કર ખાતા ચલા જાતા હું મુંહ મીઠા નહિ હોતા.
 દવા કી તરહ ખાતે જાઈએ ગાલી બુઝર્ગો કી
 જો અચ્છે ફલ હૈ ઉનકા જાયકા અચ્છા નહિ હોતા
 ન દિલ રાઝી, ન વો રાઝી તો કાહે કી ઈબાદત
 કિયે જાતા હું સજદા, પર સજદા નહિ હોતા"

આ દુનિયા બેશુમાર માનવીઓથી ભરેલી છે. પણ તેમાં નોંધ લઇ શકાય તેવા શખ્શો જુજ છે. સુદામા જેવો મિત્ર મળવો મુશ્કેલ છે.માછલીની આંખમાં નહિ પણ તેની કીકીને નિશાન બનાવે તેવો નિશાને બાજ અર્જુન મળવો મુશ્કેલ છે. ખુદાની ઈબાદત એવી કરો કે આખી દુનિયા ખલેલ કરે તો પણ તમારી ઈબાદતની એકાગ્રતા ભંગ ન થાય. પાણીની તડપ તો કરબલાના મૈદાનમાં હઝરત ઈમામ હુસેનએ  મહેસુસ કરી હતી. એમના જેવો તરસ્યો ઇન્સાન જગતમાં કયાં જોવા મળે છે  ?ગઈ કાલે જાહોજલાલી હતી. પણ આજે બેહાલી છે. એજ દુનિયાનો દસ્તુર છે. આ વિચારને સાકાર કરતા મુનવ્વર રાણા લખે છે,

 "દુનિયા કે સામને ભી અપના કહે જિસે
 એક ઐસા દોસ્ત હો કી સુદામા કહે જિસે
 ચીડીયા કી આંખ મેં નહિ, પુતલી મેં જા લગે
 ઐસા નિશાન હો કી નિશાના કહે જિસે
 દુનિયા ઉઠાને આયે મગર હમ નહિ ઉઠે
 સજદા ભી હો ઐસા કી સજદા કહે જિસે
 ફિર કરબલા કે બાદ દિખાઈ નહિ દિયા
 ઐસા કોઈ ભી શખ્સ કે પ્યાસા કહે જિસે
 કલ તક ઈમારતો મેં થા મેરા ભી શુમાર
 અબ ઐસા હો ગયા હું કે મલવા કહે જિસે"

જેમ હિંદુ ધર્મમાં મૃત્યું પછી માનવીને પંચ મહાભુતોમાં વિલીન કરી દેવા અગ્નિદાહ આપવામાં આવે છે, તેમ જ ઇસ્લામમાં માનવીને મૃત્યું પછી કબરમાં દફનાવવામાં આવે છે. કારણ કે મીટ્ટીમાં પણ પંચ મહાભૂતો આકાશ, પૃથ્વી, વરુણ, વાયુ, અને અગ્નિનો વાસ છે. અને એટલે જ શાયર ખુદાને દુવા કરતા કહે છે કે ફરી એકવાર મને મીટ્ટી બનાવી દે, ઈજ્જત અને માન સાથે મને વિદા કરી દે.

"એકબાર ફિરસે મીટ્ટી કી સુરત કરો મુઝે
 ઈજ્જત કે સાથ દુનિયા સે રુક્સત કરો મુઝે"

બીજી કડીમાં જન્નત અને દોઝકની પરિકલ્પનાને શાયરે સાકાર કરી છે. દરેક ધર્મે સ્વર્ગ અને નર્કનો વિચાર માનવીને આપ્યો છે. સ્વર્ગ કે જન્નત સદ્કાર્યો કરનાર માનવી માટે ખુદાએ બનાવ્યા છે.જયારે દોઝક અર્થાત નર્ક માનવીના અપકૃત્યોની સજા રૂપે પ્રાપ્ત થાય છે.પણ પામર માનવીએ તો દુનિયાને જ જન્નત માની લીધી છે. સંસારી સુખો, સગવડતાઓ, એશો આરામ, સ્વજનો અને માલમિલકતને જન્નત માની માનવી ખુદા ઈશ્વરે બનાવેલી જન્નતને વિસરી ગયો છે. એ વિચારને મુનવ્વર રાણાએ અત્યંત  સરળ અને સુંદર શબ્દોમાં સાકાર કરતા કહ્યું છે,

 "જન્નત પુકારતી હૈ કી મેં હું તેરે લીયે
 દુનિયા ગલે પડી હૈ કી જન્નત કરો મુઝે"

અને છેલ્લે ઈબાદતના ઉદેશને સાકાર કરતો એક સુંદર શેર કહી વાત પૂરી કરીશ. જેમાં સિયાસત, મહોબ્બત અને ઈબાદતનો સુભગ સમન્વય જોવા મળે છે.

 "સિયાસી ગુફ્તગુ મત કીજીયે અચ્છા નહિ લગતા  
 રફુ પરફિર રફુ મત કીજીયે અચ્છા નહિ લગતા
 બહાયા કીજીયે દો ચાર આંસુ ભી મહોબ્બત મેં
 ઈબાદત બે વઝુ મત કિયા કીજીયે અચ્છા નહિ લગતા"

Wednesday, May 8, 2013

આમ સમાજ સાચા "ઇસ્લામ"ને શોધે છે : ડૉ.મહેબૂબ દેસાઈ


વિશાલા ચાર રસ્ત્તાથી જુહાપુરા તરફ જતા ચકોર નજરના પ્રવાસીઓની નજર અચૂક એક બોર્ડ પર પડે છે. જેના પર લખ્યું છે, "ભારત દેશના જુહાપુરા વિસ્તારમાં આપનું સ્વાગત છે" આ બોર્ડની ભાષા ગર્ભિતપણે એમ કહેતી ભાસે છે કે "ભારત દેશના પાકિસ્તાન વિસ્તારમાં આપનું સ્વાગત છે" આવું બોર્ડ મારનાર ખુદાનો ગુનેગાર છે જ કારણ કે મહંમદ (સ.અ.વ.)સાહેબે કહ્યું છે,
"જે દેશમાં મોમીન રહે છે, તે દેશને વફાદાર રહે છે."
જો કે ગુજરાત સરકારની પણ આ બોર્ડ દૂર કરવા તરફ ઉદાસીન ભાસે છે. તેની સાક્ષી પૂરતું આ બોર્ડ આજે પણ યથાવત છે. ઇસ્લામના અનુયાયીઓ માટે દેશભક્તિ કે દેશ વફાદારી જેટલી મહત્વની છે તેટલી જ ઈમાનદારી પણ ઇસ્લામના પાયામાં છે. પણ જુહાપુરા વિસ્તારના કેટલાક મુસ્લિમ વેપારીઓમાં ઇસ્લામને શોધવા આમ મુસ્લિમ છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યો છે. પણ કડવા અનુભવોએ આમ મુસ્લિમ સમાજને હંમેશા નાસીપાસ કર્યો છે.
૨૦૦૨ પછી ઘેટોઆઈઝેશન (Ghettoision) થવાને કારણે હિંદુ મુસ્લિમ સમાજ રહેણાંકના નિશ્ચિત વિસ્તારોમાં વહેચાઈ ગયો છે. મુસ્લિમ સમાજ અમદાવાદના એકાદ બે વિસ્તારોમાં એકત્રિત થઇ ગયો છે. પરિણામે જગ્યા ઓછી અને માણસો વધુનો ઘાટ ઉભો થયો છે. જુહાપુરા તેનું ઉત્તમ ઉદાહરણ છે.પરિણામે વહેતી ગંગામા સ્નાન કરવા બિલાડીના ટોપ જેમ નાના-મોટા, શિક્ષિત-અશિક્ષિત,જ્ઞાની-અજ્ઞાની અનેક બિલ્ડરો જુહાપુરામા ફૂટી નીકળ્યા છે. પોતાના ટેનામેન્ટ અને ફ્લેટો વેચવા માટે જન્નતને પણ શરમાવે તેવા બ્રોશર બનાવી માલને વેચવાની હોડ લાગી છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"તારા માલના ખોટા વખાણ ન કરીશ. ત્રાજવાની દંડીને ઠેસ મારી એક તરફ ન કરીશ, એ ગુનાહ છે"
એક હદીસમાં ફરમાવ્યું છે,
"ખુદાએ માપ અને તોલ એ માટે બનાવ્યા છે કે તમે સૌની સાથે ન્યાય સંગત વ્યવહાર કરો. અન્યાય ન કરો. તથા કોઈના હક્ક પર તરાપ ન મારો"
પણ ઇસ્લામના આવા આદેશોની કોને પરવા છે ? અહીંયા તો ઇસ્લામના નામે ગ્રાહકોને આકર્ષવાની એક પ્રથા પડી ગઈ છે. આચરણમાં ઇસ્લામને મુક્યા વગર બિલ્ડરો-વેપારીઓ પોતાના માલના ખોટા વખાણ કરી અભણ, અશિક્ષિત અને જરૂરતમંદ મધ્યમ વર્ગના માનવીઓને પાતાનો માલ બિન્દાસ પણે વેચી રહ્યા છે. વળી, કેટલાક બિલ્ડરો તો ફ્લેટના પૂરતા પૈસા લઇ લીધા પછી બુકિંગ કરાવનાર મધ્યમ વર્ગના માનવી સાથે ફોન પર વાત કરવાનું પણ ટાળે છે. અને છતાં ગ્રાહક વાત કરવાનો આગ્રહ રાખે તો તેવા શિક્ષિત મુસ્લિમને અપમાનિત કરતા પણ શરમાતા નથી. વેપારમાં ઈમાનદારીને હંમેશા પ્રાધાન્ય આપનાર હઝરત મહંમદ સાહેબની ઉમ્મતની આ દશા સાચ્ચે જ શરમજનક છે. કેસ બિન સાઈબ મખ્ઝુમી એક વેપારી તરીકે મહંમદ સાહેબનું મૂલ્યાંકન કરતા લખે છે,
"જાહીલિયતના એ યુગમાં રસુલે પાક વેપારમાં મારા ભાગીદાર હતા. આપ જેવા  ઉત્તમ અને ઈમાનદાર ભાગીદાર મેં એ પછી ક્યારેય જોયા નથી"
જયારે આજે વેપારમાં ઈમાનદારી કરતા બળ પ્રયોગ વ્યાપક બન્યો છે. હમણાં થોડા દિવસો પહેલા છાપમાં એક સમાચાર વાંચ્યા હતા. એક બિલ્ડરે બંગલો ખાલી કરાવવા ભાડુઆતના લમણા પર પિસ્તોલ મૂકી. અને ત્યારે હઝરત મહંમદ સાહેબના અંતિમ પ્રવચનના શબ્દો મારા મનમાં ઘણની જેમ વાગી રહ્યા હતા.
“હે લોકો, જે કોઈ પાસે પણ માલ કે વસ્તુ અમાનત તરીકે રાખેલ છે, તે તેના માલિકને મૂળ સ્વરૂપમાં પરત કરો અને કયારેય અમાનતમા ખિયાનત ન કરો”
ઇસ્લામિક દાઢીધારી, પાંચ વખતના નમાઝી અને ખુદાના ખોફની મોટી મોટી વાતો કરનાર આવા ધંધાધારી વેપારીઓમાં આમ મુસ્લિમ સમાજ ઇસ્લામને વારંવાર શોધી રહ્યો છે.
આ વલણ માત્ર અઢળક કમાણી કરતા ઉચ્ચ મધ્યમ વર્ગમાં જ નથી જોવા મળતું. પણ જુહાપુરામાં ઘરકામ કરતી ગરીબ મુસ્લિમ મહિલાઓમા પણ આ રોગ પ્રચલિત થયો છે. કામ ઓછું અને નાણા વધુ મેળવવાની નીતિ ઘરકામ કરતી મહિલાઓમાં પ્રસરી છે. મહંમદ સાહબે કહ્યું છે,
"કયારેય કામચોરી ન કરીશ. તારી ફર્ઝ ઈમાનદારીથી અદા કર"
ઘરકામ કરી ગુજરાન ચલાવનાર એક રુકયાબહેન રોજ સવારે આવે ત્યારે અચૂક મને "અસ્સ્લામોઅલ્યકુમ" કહે. પણ જેવું કામ ચીંધો એટલે "મેં અભી આતી હું" કહીને બે ત્રણ કલાક માટે ગુમ થઇ જાય. ઘરકામ ઘરની વ્યક્તિઓ પૂર્ણ કરી નાખે પછી આવે અને "અસ્સ્લામોઅલ્યકુમ" કહી મુસ્લિમ હોવાની પોતાની સાક્ષી પુરાવે. એટલે એકવાર મારે તેમને કહેવું પડ્યું,
"સિર્ફ "અસ્સ્લામોઅલ્યકુમ" કહને સે કોઈ સચ્ચા મુસ્લિમ નહિ બન જાતા. સચ્ચા મુસ્લિમ હંમેશા અપના કામ ઈમાનદારી સે કરતા હૈ" અને બીજે દિવસે એ બહેન કામ છોડીને ચાલ્યા ગયા.
અને છેલ્લે ઇસ્લામમાં વચન પાલન પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. મહંમદ સાહેબ(સ.અ.વ.)એ  અબ્દુલ્લાહ બિન અબી હમસાયના કહેવા માત્રથી ત્રણ દિવસ એક સ્થાને ઉભા રહી વચન પાલનની એક મિસાલ ઉભી કરી હતી. જયારે આજે પાબંદ ઇસ્લામી માનવી પણ વચન પાલનથી પરહેજી કરે છે. એક નમાઝી વૃદ્ધા પોતાનું ઘર વેચવા એક સજ્જન સાથે વાતચીત કરે છે. સોદાના અંતિમ ચરણમાં તેમને પોતાના ઘરે બોલાવે છે. અને જયારે એ સજ્જન પોતાના કુટુંબ સાથે સોદાને અંજામ આપવા આવે છે ત્યારે એ વૃદ્ધા કહે છે,
"સોદા તો એક ઘંટે પહેલે હો ગયા'
માત્ર થોડા વધુ નાણા માટે વચન અને વ્યવહારને નેવે મુકવાની આ પ્રથામાં આમ ઇન્સાન ઇસ્લામને શોધે છે. રખે કોઈ એમ ન માને કે આ માત્ર મુસ્લિમ સમાજની કે જુહાપુરાની જ વાત છે. આ તો સર્વવ્યાપી વ્યથા છે. તેને કોઈ એક ધર્મ કે સમાજ સાથે સબંધ નથી. અને એટલે ખુદા-ઈશ્વરને સાચા અર્થમાં માનનાર બંદો નિરાશ થતો નથી. તેને અવશ્ય આશા છે કે આવા યુગમાં પણ એક દિવસ સાચા ઇસ્લામ સાથે સમાજની ભેટ થશે. અને ત્યારે આમ સમાજના ઉપરોક્ત અનુભવો ઇસ્લામની રોશનીમાં ઓગળી જશે-આમીન.  

Friday, May 3, 2013

હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)નું અંતિમ પ્રવચન : ડૉ. મહેબૂબ દેસાઈ



હિજરી સન ૧૦ ઈ.સ. ૯૩૨મા હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ અંતિમ હજયાત્રા કરી. જેને ઇસ્લામમાં “હજજતુલ્વદાઅ” કહે છે.આ હજ કરવા પાછળનો મહંમદ સાહેબનો મકસદ ઇસ્લામના મઝહબી અને માનવીય અભિગમને વિશ્વ સમક્ષ અભિવ્યક્ત કરવાનો હતો. મઝહબી દ્રષ્ટિએ હજની રીતરસમોને સ્થાપિત કરવામાં મહમદ સાહેબ(સ.અ.વ.)ની આ અંતિમ હજ ઇસ્લામના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. એ જ રીતે અરફાતના મૈદાનમાં મહંમદ સાહેબે આપેલ અંતિમ ધાર્મિક પ્રવચન માત્ર ઇસ્લામી ઇતિહાસમાં જ નહિ, પણ સમગ્ર વિશ્વના માનવ સમાજમાં માટે માર્ગદર્શક બની રહે તેવું હતું. પ્રવચનના આરંભમાં મહંમદ સાહેબે અલ્લાહતઆલાની સ્તુતિ કરી હતી. એ પછી અલ્લાહનો શુક્ર અદા કરી પોતાના પ્રવચનો આરંભ કર્યો હતો. મહંમદ સાહેબે પોતાના સમગ્ર પ્રવચનમાં ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખ્યા હતા. જે સાચ્ચે જ જાણવા અને માણવા જેવા છે. મહંમદ સાહેબના પ્રવચનના નીચેના કેટલાક અવતારનો તેની સાક્ષી પૂરે છે.
“હે લોકો, આજે હું તમને જે કહી રહ્યો છું તેને ધ્યાન પૂર્વક સાંભળો અને તેનો અમલ કરો. કેમ કે આ  મુકામ પર હું તમારી સાથે અહીં કરીવાર આવી શકીશ કે નહિ, તેની મને ખબર નથી. અલ્લાહપાક બહેતર જાણે છે”
“હે લોકો, જો તમે અલ્લાહતઆલાનો ખોફ અર્થાત ડર રાખીને સંપૂર્ણપણે તેની આજ્ઞાઓનું પાલન કરતા રહેશો, તો અલ્લાહ નિશંકપણે તમારા જાન, માલ અને પ્રતિષ્ઠાની હિફાજત કરશે અને તેની પવિત્રતા કાયમ રાખશે”
“હે લોકો, અજ્ઞાનતાના યુગમાં વ્યાજનો રીવાજ પ્રચલિત હતો. પરંતુ અલ્લાહે વ્યાજખોરી ની સખત મનાઈ કરી છે. ઇસ્લામમાં તેના પર પ્રતિબંધ છે.તેનાથી દૂર રહો. અલબત્ત તમે તમારી મૂડી પાછી લઇ શકો છો, પણ તેના પર વ્યાજ લેવું તે ગુનાહ છે.”
“ હે લોકો, અજ્ઞાનતા અને જહાલતના યુગમા અર્થાત ઇસ્લામ પૂર્વે માનવીની હત્યાના બદલામા હત્યા કરી બદલો લેવાનો ક્રૂર રીવાજ બંધ કરવમાં આવે છે”
“હે લોકો, જે વ્યક્તિએ જાણીબુઝીને ઈરાદાપૂર્વક માનવ હત્યા કરી, તેના અસરગ્રસ્તને વળતર રૂપે સૌ ઉંટ જેટલી રકમ ચૂકવવી પડશે”
“હે લોકો, જે કોઈ પાસે પણ માલ કે વસ્તુ અમાનત તરીકે રાખેલ છે, તે તેના માલિકને મૂળ સ્વરૂપમાં પરત કરો અને કયારેય અમાનતમા ખિયાનત ન કારો”
“હે લોકો, હવે તમારી સ્ત્રીઓના મામલામાં વાતચીત કરવા માંગું છું. તમારો હક્ક જેવી રીતે તમારી પત્નીઓ ઉપર છે, તેવો જ હક્ક તમારી પત્નીઓનો તમારા પર છે. તમારી પત્ની પર પ્રેમ અને વિશ્વાસ રાખો. અને તેમની સાથે સારો વર્તાવ કરો. અલ્લાહથી ડરતા રહો. અને પત્નીઓ પત્યે દયાભાવ રાખો. જો તેઓ તમને વફાદાર રહે તો તમે તેનું સારી રીતે ભરણપોષણ કરો”
“હે લોકો, અલ્લાહ એક છે. અને તમે સૌ હઝરત આદમના સંતાનો છો. સર્વ કોઈ સમાન છો. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી,અરબ કે બિનઅરબ પર, ગોરા ને કાળા પર કોઈ ચડિયાતું નથી. અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દ્રષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ રાખે છે અને પરહેજગારી કરે છે”
"હે લોકો, અલ્લાહે દરેક વારસદાર માટે એક હિસ્સો નક્કી કરેલ છે. તે તેને અવશ્ય મળશે. જો કોઈ ત્રાહિત વ્યક્તિને વસિયત કરવા ચાહો તો તમારી વસિયતના એક તુતીયાંશથી વધારે વસિયત કરી શકશો નહિ"
"હે લોકો, મારા ગયા પછી એકબીજાની જાનના દુશ્મન બની જશો નહિ. એકબીજાની ગરદન કાપશો નહી. ઇસ્લામી ભાઈચારાનો દામન મજબુતીથી પકડી રાખશો. હું આ દુનિયાથી પરદો કરીને વિદાય લઈશ, ત્યારે તમારી વચ્ચે નહિ રહું. પણ બે અમુલ્ય વસ્તુઓને તમારા માટે મુકતો જાઉં છું. એક છે અલાહની કિતાબ કુરાન-એ-શરીફ. અને બીજી છે પવિત્ર સુન્નત અર્થાત હદીસ, જે તમને ગુમરાહીથી બચાવશે"
"હે લોકો, યાદ રાખો મારા પછી કોઈ નબી નથી. તમારા પછી કોઈ ઉમ્મત (માનવસમાજ) નથી.તેથી પોતાન રબની બંદગી કરજો. પ્રતિદિન પાંચ વક્તની નમાઝ અદા કરજો. રમઝાનના રોઝા (ઉપવાસ) રાખજો. રાજીખુશીથી પોતાના માલની જકાત(દાન)આપજો.પોતાના પાલનહારના ઘરની હજજ કરજો અને પોતાના શાસકોની આજ્ઞાનું પાલન કરજો. આવું કરશો તો પોતાના રબ (ખુદા)ની જન્નત (સ્વર્ગ)માં દાખલ થશો"
ઉપરોક્ત આદેશમાં હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ઇસ્લામના નમાઝ, રોઝા, જકાત અને હજજ સાથે પોતના શાસકોની આજ્ઞાનું પાલન કરવાની વસિયત કરી છે. કોઈ પણ મુસ્લિમ જે કોઈ પણ દેશમાં રહેતો હોય ત્યાના નિયમોનું ઈમાનદારીથી પાલન કરવાની ખાસ હિદાયત મહંમદ સાહેબ(સ.અ.વ.અ.)એ પોતાના અંતિમ પ્રવચનમા કરી છે. જે ઇસ્લામની વિશાળતા અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારીને વ્યક્ત કરે  છે. પોતાના અંતિમ પ્રવચન દરમિયાન હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)વારંવાર લોકોને પૂછતા કે
"હે લોકો, શું અલ્લાહના રસુલની હેસિયતથી મેં મારી ફરજ બરાબર અદા કરી કરી છે ?"
 અને ત્યારે લોકો દરેક વખતે મોટા અવાજે કહેતા,
"હે અલ્લાહના રસુલ, અમે ગવાહી આપીએ છીએ કે આપે આપની ફર્જ બખૂબી અદા કરી છે"
અને ત્યારે હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)આકાશ તરફ આંગળી ચીંધી અને લોકો તરફ ઝૂકીને ત્રણવાર કહેતા,
"હે અલ્લાહ, તુ પણ ગવાહ રહેજે"
પ્રવચનને પૂર્ણ કરતા મહંમદ સાહેબે કહ્યું હતું,
"હે લોકો, મારો આ સંદેશ અહીં જે લોકો હાજર નથી તેમને પણ તમે પહોંચાડજો. પિતા તેના પુત્રને જે રીતે વારસો આપે તે રીતે આ સંદેશો સમગ્ર માનવ સમાજ સુધી પહોચાડ જો. જેથી તે સુરક્ષિત રહે."
"તમારા સૌ પર અલ્લાહની શાંતિ અને સલામતી વરસે એ જ દુવા- આમીન"
આ અંતિમ શબ્દો સાથે હઝરત મહંમદ સાહેબે પોતાનું અંતિમ પ્રવચન પૂર્ણ કર્યું હતું. આજે ૧૦૮૧ વર્ષો પછી પણ મહંમદ સાહેબનું આ અંતિમ પ્રવચન સમગ્ર માનવ સમાજ માટે પ્રસ્તુત લાગે છે. તેજ તેની વિશિષ્ટતા અને મહત્તા છે.