૭,૮ સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના નાનકડા શહેર
બડવાનીમા શહીદ ભીમા રાવ સરકારી કોલેજમા "ક્ષેત્રીય ઇતિહાસના વિવિધ
આયામો" વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુ.જી.સી.ના સહયોગથી કરવામાં આવ્યું
હતું. એ સેમિનારની એક સેશનના ચેરપર્સન તરીકે ઉપસ્થિત રહેવા ૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી
બડવાની જવાનું થયું. ૭મી શુક્રવારે સવારે ૧૧ થી ૧ દરમિયાન સેમિનારનો ભવ્ય ઉદઘાટન
સમારંભ યોજાયો. ઉદઘાટન સમારંભમા યજમાન તરફથી સ્ટેજ પણ બેઠેલા તમામ મહેમાનોનું તિલક
કરી અભિવાદન કરવામાં આવ્યું. મારા મસ્તક ઉપર પણ કંકુ અને ચોખાનું સુંદર તિલક
કરવામા આવ્યું. એ પછી ઉદઘાટન સમારંભ બે ત્રણ કલાક ચાલ્યો. લગભગ ૧૨.૪૫. થઈ એટલે મેં
યજમાન કોલેજના આચાર્ય ડૉ. શિવનારાયણ યાદવ સાહેબની રજા લેતા કહ્યું,
" યાદવ સાહેબ, આજે શુક્રવાર છે એટલે હુ
જુમ્માની નમાઝ માટે જવા ઈચ્છું છું. નમાઝ પછી લગભગ ત્રણ વાગ્યે હું પરત આવી જઈશ"
અને યાદવ સાહેબે મને બાઈજ્જત મસ્જિત સુધી પહોંચાડવા
ગાડીની વ્યવસ્થા કરી આપી. અને હું બડવાનીની જુમ્મા મસ્જિતમાં જુમ્માની નમાઝ અદા
કરવા નીકળ્યો. નાનકડા બડવાનીમા એક જ સુન્ની જમાતની જુમ્મા મસ્જિત છે. તેની બાંધણી
જોતા તે વર્ષો જૂની ભાસે છે. મસ્જિતના દરવાજા પાસે ડ્રાયવરે ગાડી ઉભી રાખી. હુ
ગાડીમાંથી બહાર નીકળ્યો એટલે કેટલીક આંખો મને નવાઈથી તાકી રહી. ૬૦ હજારની વસ્તી
ધરવતા બડવાનીમા કોઈ નવા માનવીના આગમનની તે ક્રિયા હશે તેમ માની મેં એ તરફ ધ્યાન ન
આપ્યું. અને ડ્રાઈવરને કહ્યું,
"મેહુલભાઈ, આપ ખાના ખા કે એકાદ ઘંટે બાદ
મુઝે લેને આ સકતે હૈ. નમાઝ અદા કરતે મુઝે ઇતના વક્ત તો લગ હી જાયગા"
મસ્જિતના દરવાજે ચંપલ ઉતારી હુ મસ્જિતમા
પ્રવેશ્યો. અને સ્વાભાવિક અંદાજમાં કુદરતી ક્રિયા અર્થે પેશાબખાનામા પ્રવેશ્યો.
પાંચેક મીનીટ પછી બહાર આવી મેં વઝું (નમાઝ માટે પવિત્ર થવા હાથ મો ધોવાની ક્રિયા) કરવા
વઝુંખાના તરફ કદમો માંડ્યા. ત્યાંજ કેટલાક ટોપી અને દાઢીધારી બુઝુર્ગો અને યુવાનએ
મને ઘેરી લીધો. તેમાના એક યુવાને મને સિધ્ધો જ પ્રશ્ન કર્યો,
"આપ યહાં ક્યુ આયે હૈ ?"
હું તેના પ્રશ્નનો કઈ જવાબ આપું તે પહેલા પરિસ્થિતિને
પામી જતા એક બુઝુર્ગે મને અત્યંત નમ્ર સ્વરે કહ્યું,
"એક ગેર મુસ્લિમ હોને કે નાતે હમ આપ કા
હમારી મસ્જિતમેં સ્વાગત કરતે હૈ. લેકિન અભી જુમ્મા કી નમાઝ કા વક્ત હો રહા હૈ.
હમારી આપ સે ગુઝારીશ હૈ, આપ ઇસમે કોઈ ખલેલ ન કરે. અગર આપ હમારે સાથ નમાઝ અદા કરના
ચાહતે હૈ તો હંમે દેખ કર હમારી તરહ ઈબાદત કર સકતે હૈ. પર ઇસકે લીયે આપકો હમારી તરહ
વઝું (નમાઝ માટે પવિત્ર થવા હાથ મો ધોવાની ક્રિયા) કરના પડેગા ઔર મસ્તક પરસે તિલક દૂર કરના પડેગા"
હવે મને સેમીનારના ઉદઘાટન સમારંભમા મારા મસ્તક પર
કરવામા આવેલ અભિવાદન તિલકનો ખ્યાલ આવ્યો. અને મારા ચહેરા અને હદયમાં નવાઈ સાથે
સ્મિત પ્રસરી ગયું. મારા જ મુસ્લિમ બંધુઓ મારા મસ્તક પરના તિલકને કારણે મને ગેર
મુસ્લિમ કે હિંદુ સમજી રહ્યા હતા. પણ સાથે સાથે મસ્જિતમાં આવતા હિંદુઓ પ્રત્યેના
તેમના મૃદુ વ્યવહારને જોઈ મને અતિ આનંદ થયો. પ્રસરતી જતી સદભાવનાની તે ઉમદા નિશાની
છે. અમારી વાત દરમિયાન ઘણાં મુસ્લિમો અમારી આસપાસ વીંટળાઈ વળ્યા હતા. એટલે વધુ સમય
સ્પષ્ટીકરણ ન કરી હુ જુમ્માની નમાઝનું વાતાવરણ ખરાબ કરવા માંગતો ન હતો. એટલે મેં
કહ્યું,
"અસ્લ્લામ અલયકુમ વ રહ્મ્તુલ્લાહ"
મારા મુખે શુદ્ધ એરેબીકમાં ઇસ્લામિક સલામના
ઉચ્ચારો સાંભળી સૌને નવાઈ લાગી. મારા સલામનો સૌ મુસ્લિમોએ જવાબ વળ્યો,
"વાઅલયકુમ સલામ"
અને પછી તેમને વિમાસણમાંથી મુક્ત કરતા હું તુરત
બોલી ઉઠયો,
"જનાબ, મેં એક પ્રોફેસર હું. મેરા નામ દાક્તર
મહેબૂબ દેસાઈ હૈ. મેં આપ હી જૈસા સુન્ની મુસ્લિમ હું. મેં ગુજરાત સે આપ કે શહર કી
સરકારી કોલેજ કે સેમીનાર આયા હું. સેમિનાર કે ઉદઘાટન સમારંભમેં તિલક લગાકર મેરા
અભિવાદન કિયા ગયા થા. મેં તો વો તિલક ભૂલ હી ગયા થા. આપને મુઝે યાદ દિલા દિયા,
ઇસકે લીયે મેં આપ સબકા બહોત શુક્ર્ગુઝાર હું"
મારી વાત સાંભળી મને ઘેરીને ઉભેલા તમામ
મુસ્લિમોના ચહેરા પર હળવાશની રેખાઓ પ્રસરી ગઈ. સૌ એ મારી સાથે મુસાફો (હસ્તધૂનન) કરવા
હાથ લંબાવ્યા. મેં તેમની એ મિત્રાચારીનો મુસાફો કરી પ્રતિભાવ આપ્યો. અને સૌ
જુમ્માની નમાઝ માટે મસ્જિતમા ગોઠવાવા લાગ્યા.પણ એક સફેદ દાઢીધારી વૃધ્ધે મને સલાહ
આપતા કહ્યું,
"આપ સે ગુઝારીશ (વિનંતી) હૈ કી મસ્તક પર સે તિલક
દૂર કરને કે બાદ હી આપ નમાઝ અદા કરે. ઇસ્લામ કે મુતાબીક તિલક કરના યા ઉસ કે સાથ
નમાઝ અદા કરના જાઈઝ નહિ હૈ"
મેં તેમને કહ્યું,
"જનાબ, મેં ઇસ્લામિક નિયમો સે વાકિફ
(પરિચિત) હું. વઝું કરતે વક્ત મેં તિલક નિકાલ દુંગા"
અને મેં વઝું કરવા વઝુંખાના તરફ કદમો માંડ્યા. પણ
ત્યારે મારુ મન ધર્મોના રીવાજોની તુલનામા મગ્ન હતું, એક ધર્મ જે તિલકને
માન-અભિવાદન માને છે, જ્યારે બીજો ધર્મ એ જ તિલકને સ્વીકારતો નથી. પણ મારું હદય ભારતના
મજહબો વચ્ચેની આ ભિન્નતામા જ એકતાનો આનંદ અનુભવી રહ્યું હતું. કારણકે આઝાદીના ૬૫
વર્ષોમાં આપણે એકબીજાના ધર્મ સ્થાનો, રીતરીવાજો અને વિશિષ્ટતાઓનું સન્માન કરતા શીખ્યા
છીએ, તેનું આ પ્રસંગ ઉત્તમ ઉદાહરણ છે.
ખુબ સરસ પ્રસંગ વર્ણવ્યો.
ReplyDeleteઆભાર, પટેલ સાહેબ
ReplyDelete