Saturday, September 29, 2012




તૈયાર થઈ રહેલા મારા અભિવાદન ગ્રંથનું મુખપૃષ્ઠ 



Sunday, September 9, 2012

તિલક : એક અનુભવ :: ડૉ. મહેબૂબ દેસાઈ


૭,૮ સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના નાનકડા શહેર બડવાનીમા શહીદ ભીમા રાવ સરકારી કોલેજમા "ક્ષેત્રીય ઇતિહાસના વિવિધ આયામો" વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુ.જી.સી.ના સહયોગથી કરવામાં આવ્યું હતું. એ સેમિનારની એક સેશનના ચેરપર્સન તરીકે ઉપસ્થિત રહેવા ૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી બડવાની જવાનું થયું. ૭મી શુક્રવારે સવારે ૧૧ થી ૧ દરમિયાન સેમિનારનો ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો. ઉદઘાટન સમારંભમા યજમાન તરફથી સ્ટેજ પણ બેઠેલા તમામ મહેમાનોનું તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું. મારા મસ્તક ઉપર પણ કંકુ અને ચોખાનું સુંદર તિલક કરવામા આવ્યું. એ પછી ઉદઘાટન સમારંભ બે ત્રણ કલાક ચાલ્યો. લગભગ ૧૨.૪૫. થઈ એટલે મેં યજમાન કોલેજના આચાર્ય ડૉ. શિવનારાયણ યાદવ સાહેબની રજા લેતા કહ્યું,
" યાદવ સાહેબ, આજે શુક્રવાર છે એટલે હુ જુમ્માની નમાઝ માટે જવા ઈચ્છું છું. નમાઝ પછી લગભગ ત્રણ વાગ્યે હું  પરત આવી જઈશ"
અને યાદવ સાહેબે મને બાઈજ્જત મસ્જિત સુધી પહોંચાડવા ગાડીની વ્યવસ્થા કરી આપી. અને હું બડવાનીની જુમ્મા મસ્જિતમાં જુમ્માની નમાઝ અદા કરવા નીકળ્યો. નાનકડા બડવાનીમા એક જ સુન્ની જમાતની જુમ્મા મસ્જિત છે. તેની બાંધણી જોતા તે વર્ષો જૂની ભાસે છે. મસ્જિતના દરવાજા પાસે ડ્રાયવરે ગાડી ઉભી રાખી. હુ ગાડીમાંથી બહાર નીકળ્યો એટલે કેટલીક આંખો મને નવાઈથી તાકી રહી. ૬૦ હજારની વસ્તી ધરવતા બડવાનીમા કોઈ નવા માનવીના આગમનની તે ક્રિયા હશે તેમ માની મેં એ તરફ ધ્યાન ન આપ્યું. અને ડ્રાઈવરને કહ્યું,
"મેહુલભાઈ, આપ ખાના ખા કે એકાદ ઘંટે બાદ મુઝે લેને આ સકતે હૈ. નમાઝ અદા કરતે મુઝે ઇતના વક્ત તો લગ હી જાયગા"
મસ્જિતના દરવાજે ચંપલ ઉતારી હુ મસ્જિતમા પ્રવેશ્યો. અને સ્વાભાવિક અંદાજમાં કુદરતી ક્રિયા અર્થે પેશાબખાનામા પ્રવેશ્યો. પાંચેક મીનીટ પછી બહાર આવી મેં વઝું (નમાઝ માટે પવિત્ર થવા હાથ મો ધોવાની ક્રિયા) કરવા વઝુંખાના તરફ કદમો માંડ્યા. ત્યાંજ કેટલાક ટોપી અને દાઢીધારી બુઝુર્ગો અને યુવાનએ મને ઘેરી લીધો. તેમાના એક યુવાને મને સિધ્ધો જ પ્રશ્ન કર્યો,
"આપ યહાં ક્યુ આયે હૈ ?"
હું તેના પ્રશ્નનો કઈ જવાબ આપું તે પહેલા પરિસ્થિતિને પામી જતા એક બુઝુર્ગે મને અત્યંત નમ્ર સ્વરે કહ્યું,
"એક ગેર મુસ્લિમ હોને કે નાતે હમ આપ કા હમારી મસ્જિતમેં સ્વાગત કરતે હૈ. લેકિન અભી જુમ્મા કી નમાઝ કા વક્ત હો રહા હૈ. હમારી આપ સે ગુઝારીશ હૈ, આપ ઇસમે કોઈ ખલેલ ન કરે. અગર આપ હમારે સાથ નમાઝ અદા કરના ચાહતે હૈ તો હંમે દેખ કર હમારી તરહ ઈબાદત કર સકતે હૈ. પર ઇસકે લીયે આપકો હમારી તરહ વઝું (નમાઝ માટે પવિત્ર થવા હાથ મો ધોવાની ક્રિયા) કરના પડેગા ઔર મસ્તક પરસે  તિલક દૂર કરના પડેગા"

હવે મને સેમીનારના ઉદઘાટન સમારંભમા મારા મસ્તક પર કરવામા આવેલ અભિવાદન તિલકનો ખ્યાલ આવ્યો. અને મારા ચહેરા અને હદયમાં નવાઈ સાથે સ્મિત પ્રસરી ગયું. મારા જ મુસ્લિમ બંધુઓ મારા મસ્તક પરના તિલકને કારણે મને ગેર મુસ્લિમ કે હિંદુ સમજી રહ્યા હતા. પણ સાથે સાથે મસ્જિતમાં આવતા હિંદુઓ પ્રત્યેના તેમના મૃદુ વ્યવહારને જોઈ મને અતિ આનંદ થયો. પ્રસરતી જતી સદભાવનાની તે ઉમદા નિશાની છે. અમારી વાત દરમિયાન ઘણાં મુસ્લિમો અમારી આસપાસ વીંટળાઈ વળ્યા હતા. એટલે વધુ સમય સ્પષ્ટીકરણ ન કરી હુ જુમ્માની નમાઝનું વાતાવરણ ખરાબ કરવા માંગતો ન હતો. એટલે મેં કહ્યું,
"અસ્લ્લામ અલયકુમ વ રહ્મ્તુલ્લાહ"
મારા મુખે શુદ્ધ એરેબીકમાં ઇસ્લામિક સલામના ઉચ્ચારો સાંભળી સૌને નવાઈ લાગી. મારા સલામનો સૌ મુસ્લિમોએ જવાબ વળ્યો,
"વાઅલયકુમ સલામ"
અને પછી તેમને વિમાસણમાંથી મુક્ત કરતા હું તુરત બોલી ઉઠયો,
"જનાબ, મેં એક પ્રોફેસર હું. મેરા નામ દાક્તર મહેબૂબ દેસાઈ હૈ. મેં આપ હી જૈસા સુન્ની મુસ્લિમ હું. મેં ગુજરાત સે આપ કે શહર કી સરકારી કોલેજ કે સેમીનાર આયા હું. સેમિનાર કે ઉદઘાટન સમારંભમેં તિલક લગાકર મેરા અભિવાદન કિયા ગયા થા. મેં તો વો તિલક ભૂલ હી ગયા થા. આપને મુઝે યાદ દિલા દિયા, ઇસકે લીયે મેં આપ સબકા બહોત શુક્ર્ગુઝાર હું"
મારી વાત સાંભળી મને ઘેરીને ઉભેલા તમામ મુસ્લિમોના ચહેરા પર હળવાશની રેખાઓ પ્રસરી ગઈ. સૌ એ મારી સાથે મુસાફો (હસ્તધૂનન) કરવા હાથ લંબાવ્યા. મેં તેમની એ મિત્રાચારીનો મુસાફો કરી પ્રતિભાવ આપ્યો. અને સૌ જુમ્માની નમાઝ માટે મસ્જિતમા ગોઠવાવા લાગ્યા.પણ એક સફેદ દાઢીધારી વૃધ્ધે મને સલાહ આપતા કહ્યું,
"આપ સે ગુઝારીશ (વિનંતી) હૈ કી મસ્તક પર સે તિલક દૂર કરને કે બાદ હી આપ નમાઝ અદા કરે. ઇસ્લામ કે મુતાબીક તિલક કરના યા ઉસ કે સાથ નમાઝ અદા કરના જાઈઝ નહિ હૈ"
મેં તેમને કહ્યું,
"જનાબ, મેં ઇસ્લામિક નિયમો સે વાકિફ (પરિચિત) હું. વઝું કરતે વક્ત મેં તિલક નિકાલ દુંગા"
અને મેં વઝું કરવા વઝુંખાના તરફ કદમો માંડ્યા. પણ ત્યારે મારુ મન ધર્મોના રીવાજોની તુલનામા મગ્ન હતું, એક ધર્મ જે તિલકને માન-અભિવાદન માને છે, જ્યારે બીજો ધર્મ એ જ તિલકને સ્વીકારતો નથી. પણ મારું હદય ભારતના મજહબો વચ્ચેની આ ભિન્નતામા જ એકતાનો આનંદ અનુભવી રહ્યું હતું. કારણકે આઝાદીના ૬૫ વર્ષોમાં આપણે એકબીજાના ધર્મ સ્થાનો, રીતરીવાજો અને વિશિષ્ટતાઓનું સન્માન કરતા શીખ્યા છીએ, તેનું આ પ્રસંગ ઉત્તમ ઉદાહરણ છે.   

Tuesday, September 4, 2012

૧૮૫૭નો પ્રથમ પત્રકાર શહીદ : મૌલવી મુહમ્મદ બાકર :: ડૉ. મહેબૂબ દેસાઈ




૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ આપણે આઝાદીની ઉજવણી કરી. પણ આઝાદીના યજ્ઞમાં આહુતિ આપનાર હજુ પણ અનેક સ્વાતંત્ર શહીદોથી આપણે અજાણ છીએ. એવા જ એક શહીદ છે ઇસ્લામના શિયા કીરકાના મૌલવી મુહમ્મદ બાકર. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામમા ફકીરો, મૌલવીઓ અને સંતોનું પ્રદાન ઇતિહાસના પાનાનો પર અદભૂત છે. પણ તેની જોઈએ તેવી નોંધ લેવાઈ નથી. મૌલવી મુહમ્મદ બાકર (૧૭૭૦ થી ૧૮૫૭)ને  આપણા રૂઢિગત ઇતિહાસમાં ભલે કોઈ ન ઓળખતું હોઈ, પણ દિલ્હી અભિલેખાગારની ફાઈલોમાં હજુ તેમનો આત્મા સળવળી રહ્યો છે. કારણ કે તેઓ ૧૮૫૭ની ક્રાંતિના  પ્રથમ પત્રકાર શહીદ હતા. મૌલવી મુહમ્મદ બાકરના પૂર્વજો ઈ.સ.૧૧૨૪-૧૭૧૨ દરમિયાન ઈરાનથી દિલ્હી આવી વસ્યા હતા. તેમના દાદાનું નામ મૌલાના મુહમદ અશરફ હતું. અને પિતાનું નામ મૌલાના મુહમ્મદ અકબર હતું. તેમના પિતા ઇસ્લામના મોટા વિદ્વાન હતા. મૌલવી મુહમ્મદ બાકર ઈ.સ ૧૮૨૫મા દિલ્હી કોલેજમાંથી સ્નાતક થઈ, એ જ કોલેજમાં ફારસીના અધ્યાપક તરીકે જોડાયા હતા. જો કે આજે દિલ્હી કોલેજનું નામોનિશાન દિલ્હીમાં જોવા મળતું નથી.

ઈ.સ. ૧૮૩૬-૩૭મા મૌલવી મુહમ્મદ બાકરે સૌ પ્રથમ ઉર્દૂ અખબાર " દિલ્હી ઉર્દૂ અખબાર" શરુ કર્યું. જેમાં તેમણે મધ્યકાલિન ભારતીય સમાજ અને સંસ્કૃતિ વચ્ચે સમન્વય સાધવામા સૂફીસંતો અને તેમની મઝારોએ આપેલા પ્રદાનનો ઇતિહાસ આલેખવાનો આરંભ કર્યો હતો. એ યુગમાં આવી ધાર્મિક સમભાવની વાતને વાચા આપવી એ અંગ્રેજીની ભાગલા પાડીને શાસન કરવાની નીતિ વિરુધ્ધ હતી. પરિણામે અંગ્રેજ સરકારના રોષનો ભોગ "દિલ્હી ઉર્દૂ અખબાર"  અને તેના તંત્રીને થવું પડ્યું. પણ તેની જરા પણ પરવા કર્યા વગર મૌલવી મુહમ્મદ બાકરે પોતાના અખબારની સમભાવની નીતિને ચાલુ રાખી. આ ઉપરાંત એ યુગમાં ઇસ્લામના બે ભાગો શિયા અને સુન્ની વચ્ચેના વિવાદો પણ પરાકાષ્ઠાએ હતા. મૌલવી મુહમ્મદ બાકરે પોતાના અખબાર " દિલ્હી ઉર્દૂ અખબાર" દ્વારા એ ભેદો વચ્ચેની ખાયને બુરવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા. આજે તો " દિલ્હી ઉર્દૂ અખબાર" ના જુજ અંકો અર્થાત ૮ માર્ચ ૧૮૫૭ થી ૧૩ સપ્ટેમ્બર ૧૮૫૭ સુધીના માત્ર ૧૬ અંકો જ રાષ્ટ્રીય અભિલેખાગાર, દિલ્હીમા ઉપલબ્ધ છે. એ પછી તેના પ્રકાશન પર અંગ્રેજોની સખ્તાઈ વધતા ૧૨ જુલાઈ ૧૮૫૭ના રોજ " દિલ્હી ઉર્દૂ અખબાર" નું નામ બદલીને  "અખબારુલ જફર" કરવામા આવ્યું હતું. જેથી તે ૧૮૫૭ના યુગની અંગ્રેજ શાસકોની કુટનીતિને લોકો સુધી પહોંચાડતું રહી શકે. રાષ્ટ્રીય અભિલેખાગારના " દિલ્હી ઉર્દૂ અખબાર" ના દસ્તાવેજ ક્રમ બી-૧૨ના પત્ર સંખ્યા ૩૨મા મૌલવી મુહમ્મદ બાકર લખે છે,
"લખનૌના મુખ્ય આયુક્તના સચિવ જ્યોર્જ કોપ્પરને ભારત સરકારના લખનૌના સચિવ જી.એફ. એડમિનસ્ટનએ ૧ ડીસેમ્બર ૧૮૫૭ના રોજ પત્રમાં લખ્યું હતું "શ્રીમાન ગવર્નર જનરલ બહાદુરે હિન્દુઓને મદદ કરવા ૫૦૦૦૦ હજાર રૂપિયા મંજુર કર્યા હતા. જેથી તેઓ અંગ્રેજો સામે લડતા મુસ્લિમ વિદ્રોહીઓ સામે લડી શકે. પણ મને જણાવતા દુઃખ થાય છે કે આપણી એ યોજના નિષ્ફળ ગઈ છે. જેથી અમે હિન્દુઓને મદદ કરવાનો એ વિચાર પડતો મૂકીએ છીએ"
૧૮૫૭ના એ યુગમાં અખબારોની અંગ્રેજ શાસન વિરુધ્ધ લખવાની પદ્ધતિ પણ " દિલ્હી ઉર્દૂ અખબાર"ના ૧૮ મેં ૧૮૫૭ના અંકમાં જોવા મળે છે. એ અંકમાં મૌલવી મુહમ્મદ બાકર લખે છે,
"એક માનવીને સ્વપ્નું આવ્યું. તેણે સ્વપ્નમાં જોયું કે હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)સાહેબ અને હઝરત ઈસા (ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુ) બંને ભારતમાં ચાલી રહેલ કત્લેઆમ જોઈ રહ્યા છે. એ જોઈ હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)સાહેબે હઝરત ઈસાને કહ્યું,
"તમારા અનુયાયીઓ વિદ્રોહીઓ થઈ ગયા છે. મારા બંદાઓના દુશમન થઈ ગયા છે. તેઓ મારા ધર્મને નષ્ટ કરવા કત્લેઆમ કરી રહ્યા છે"
આ સાંભળી હઝરત ઈસા (ભગવાન ઈસુ) બોલી ઉઠ્યા,
"જે વિદ્રોહી થઈ ગયા છે. અને જે માનવજાતની કત્લેઆમ કરી રહ્યા છે તે મારા સંતાનો નથી. તેઓ તો શૈતાનના અનુયાયીઓ છે. મેં તો મારા બંદાઓને માનવજાતની સેવા કરવાનો આદેશ આપ્યો છે"
૮ માર્ચ ૧૮૫૭, ૧૧ રજબ હિજરી સન ૧૨૭૩ રવિવારના અંકમાં મૌલવી મુહમ્મદ બાકરે સૌ પ્રથમ કુરાને શરીફની એક આયાતને ટાંકતા લખ્યું છે,
"આપણે સાચા રસ્ત્તે ચાલવું જોઈ અને અલ્લાહની ઈબાદત કરવી જોઈએ"
૧૦ મેં ૧૮૫૭ના અંકની શરૂઆતમાં જ મૌલવી મહંમદ બાકર લખે છે,
"બનારસની ૩૭મી રેજીમેન્ટના સૈનિકોએ લખ્યું છે કે જો રીવાના રાજા અંગ્રેજો સામે લડવા તૈયાર હોઈ તો તેઓ ૨૦૦ ભારતીય સૈનિકોની ફોજ તેમની મદદ માટે મોકલવા તૈયાર છે. પરંતુ  એ પહેલા તો અંગ્રેજોએ રીવાના રાજાની ધરપકડ કરી તેમને નાગોડમા કેદ કરી લીધા હતા"

આવા જલદ અખબારના તંત્રી મૌલવી મુહમ્મદ બાકરની ૧૫ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ અગ્રેજ સરકારે ધરપકડ કરી. અને તેમને જેલમાં નાખવામાં આવ્યા. દિલ્હી ગેટની જમણી બાજુ શેખ ફરીદે એક ધર્મશાળા બનાવી હતી. તેને અંગ્રેજ શાસકોએ જેલ બનાવી દીધી હતી. ત્યાં મૌલવી મુહમ્મદ બાકરને રાખવામાં આવ્યા. અને ત્યા જ મૌલવી મુહમ્મદ બાકરને ગોળીએ વીંધી કે ફાંસીએ ચડાવી મારી નાખવામાં આવ્યા. અને આમ એક દેશ ભક્ત પત્રકારની કલમ હંમેશ માટે શાંત થઈ ગઈ. મૌલવી મુહમ્મદ બાકરને અંગ્રેજોએ આપેલી આ સજા માટે અંગ્રેજ ચોપડે ત્રણ ગુનાઓ નોંધ્યા હતા. એક, તેઓ દેશ ભક્ત હતા. બે, તેમણે અગ્રેજો વિરુધ્ધ જેહાદ જગાડી હતી. અને ત્રણ, તેઓએ હિંદુ મુસ્લિમ એકતા સ્થાપિત કરવા પોતાની કલમને કામે લગાડી હતી.