Thursday, May 10, 2012

ઇસ્લામ અને ભારતીય ધર્મગ્રંથો : ડૉ.મહેબૂબ દેસાઈ



ડૉ. એમ. એસ. શ્રીનિવાસ લિખિત હિંદી ગ્રંથ "હઝરત મહંમદ (સ.અ.વ.)ઔર ભારતીય ધર્મગ્રંથ"નું સંક્ષિપ્તીકરણ સ્ટાર પબ્લીકેશન,ભરુચ દ્વારા હાલમાં જ પ્રસિદ્ધ થયું છે. વિનામુલ્યે વિતરિત કરવામા આવતી આ નાનકડી પુસ્તિકા હિંદુ-ઇસ્લામ ધર્મના સમન્વયનું ઉમદા ઉદાહરણ છે. આ પુસ્તિકામાં હિંદુધર્મ ગ્રંથોમાં ઇસ્લામ અને મહંમદ સાહેબના ઉલ્લેખો આધારો સાથે આપવામાં આવ્યા છે. વેદોમાં અતિ પ્રાચીન ઋગ્વેદમા "નરશંસ" શબ્દથી શરુ થતા આંઠ શ્લોકો છે. નર એટલે મનુષ્ય અને આશંસ એટલે પ્રશંસિત. અર્થાત મનુષ્યો દ્વારા પ્રશંસિત. એ જ રીતે મહંમદ શબ્દ હમ્દ ધાતુ પરથી આવ્યો છે. હમ્દ એટલે પણ પ્રશંશા. અને મહંમદ એટલે પ્રશંશા પાત્ર. ભવિષ્ય પુરાણમાં મહંમદ સાહેબના આગમનનું ભવિષ્ય ભાખતા લખ્યું છે,
"એક બીજા દેશના એક આચાર્ય પોતાના મિત્રોની સાથે આવશે. તેમનું નામ મહામદ હશે. તેઓ રણ પ્રદેશમાં આવશે"
આ અધ્યાયના શ્લોક ૬,૭,૮ પણ મહંમદ સાહેબ વિષયમાં જ છે. ભવિષ્ય પુરાણના પર્વ ૩,ખંડ ૩ અધ્યાય ૧ શ્લોક ૨૫,૨૬,૨૭મા કહ્યું છે,
"તેઓના માણસોની ખ્તના થશે. તેઓ શીખા વગરના થશે. તેઓ દાઢી રાખશે. બુલંદ અવાજથી સ્તુતિ (અઝાન) કરશે. મંત્રથી પવિત્ર કર્યા વિના કોઈ પરમાટીનું સેવન કરશે નહિ (અર્થાત હલાહ માંસ જ ખાશે). આ રીતે તેઓના સંસ્કારોની ઓળખ થશે"
સંસ્કૃતના પ્રખર વિદ્વાન ડૉ. વેદપ્રકાશ ઉપાધ્યાય કહે છે,
"પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ના જન્મ  સ્થાન સહીત અન્ય સામ્યતાઓ કલ્કી અવતાર સાથે પણ મળતી આવે છે"
કલ્કિ પુરાણના બીજા અધ્યાયના ૧૫મા શ્લોકમાં કહ્યું છે,
"જેમના જન્મ લેવાથી માનવજાતનું કલ્યાણ થશે. તેમનો જન્મ મધુમાસના શુકલ પક્ષ અને રવિ ફસલ (પાક)મા ચન્દ્રની ૧૨મી તારીખે થશે"
મહંમદ સાહેબનો જન્મ ૧૨ રબ્બીઉલ અવ્વલના રોજ થયો છે. રબ્બીઉલ અવ્વલનો અર્થ થયા છે મધુમાસ અર્થાત હર્ષોઉલ્લાસનો મહિનો. કલ્કિના પિતાનું નામ વિષ્ણુયશસ: છે.જયારે મહંમદ સાહેબના પિતાનું નામ અબ્દુલ્લાહ હતું. વિષ્ણુ એટલે અલ્લાહ. અને યશ એટલે બંદો અલ્લાહનો બંદો. અબ્દુલ્લાહ એટલે પણ અલ્લાહનો બંદો. ટૂંકમાં મહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનનું ભવિષ્ય ભાખતા કલ્કિ પુરાણમા કહ્યું છે,
 "તેઓ ઘોડેસ્વાર અને તલવારધારી હશે. દુષ્ટોનું દમન કરશે. જગત્પતિ અર્થાત સંસારની રક્ષા કરનાર હશે. ચાર સાથીઓના સહયોગથી સભર હશે.(અર્થાત ચાર ખલીફા) અને અંતિમ અવતાર હશે. (અર્થાત અંતિમ પયગમ્બર હશે) મહાન ઉપદેશક હશે. આઠ સિધ્ધિઓ અને ગુણોથી ભરપુર હશે. તેમના શરીરમાંથી સુગંધ નિકળતી હશે. અનુપમ તેજસ્વીધારી હશે. ઈશ્વરીય વાણી (વહી)ના ઉપદેશક હશે" મહંમદ સાહેબના આગમનની ભવિષ્યવાણી ભાખતા આપવામાં આવેલા આ તમામ લક્ષણો મહંમદ સાહેબના વ્યક્તિત્વ સાથે શબ્દસહ મળતા આવે છે."
ઉપનિષદમા પણ મહંમદ સાહેબ અને ઇસ્લામના સંદર્ભ જોવા મળે છે. નાગેશ્વરનાથ બસુ દ્વારા સંપાદિત વિશ્વકોષના બીજા ખંડમા ઉપનિષદના એ શ્લોકો આપવામાં આવ્યા છે જેમાં ઇસ્લામ અને મહંમદ સાહેબનો ઉલ્લેખ જોવા મળે છે. અલ્લાહ ઉપનિષદના ૧,૨,૩, શ્લોકોમાં કહ્યું છે,
"વાસ્તવમાં અલ્લાહ વરુણ છે. તે સમગ્ર સૃષ્ટિનો બાદશાહ છે. અલ્લાહને પોતાના પૂજ્ય સમજો. મહંમદ અલ્લાહના શ્રેષ્ટતર રસુલ છે. અલ્લાહ આદિ, અંત અને સમગ્ર સંસારનો પાલનહાર છે. સઘળા સારા કામો અલ્લાહ માટે જ છે. વાસ્તવમાં અલ્લાહ એ જ સુર્ય, ચંન્દ્ર અને તારા પેદા કર્યા છે."
અલ્લાહ ઉપનિષદના ૪ થી ૧૦ શ્લોકો પણ આજ વાતને રજુ કરે છે,
"અલ્લાહે તમામ ઋષિઓ મોકલ્યા છે. ચંદ્ર ,સુર્ય અને તારાઓ તેણે જ પેદા કર્યા છે. અલ્લાહે બહ્માંડ (જમીન અને આકાશ) બનાવ્યુ છે. તેના સિવાય કોઈ પૂજ્ય નથી. અલ્લાહ અનાદી છે. તે આખા વિશ્વનો પાલનહાર છે.તે તમામ મુસીબતો અને બુરાઈઓને દૂર કરનાર છે.મહંમદ અલ્લાહના રસુલ છે, જે આ સંસારના પાલનહાર છે. આથી ઘોષણા કરો કે અલ્લાહ એક છે અને તેના સિવાય કોઈ પૂજ્ય નથી"
હિન્દુઓના વૈષ્ણવ સમુદાયમાં પ્રાણનાથી (પ્રણામી) સંપ્રદાય ઉલ્લેખનીય છે. એના સંસ્થાપક અને પ્રવર્તક મહામતિ પ્રાણનાથજી હતા. ઇ.સ ૧૬૧૮મા જન્મેલા પ્રાણનાથજીનું જન્મનું નામ મહેરાજ ઠાકુર હતું. તેમણે સમાજને એકેશ્વરવાદનું શિક્ષણ આપ્યું. એ જ પ્રાણનાથજી કહે છે,
"કૈ બડે કહે પયગમ્બર, પર એક મહંમદ પર ખતમ"
અર્થાત ધર્મ ગ્રંથોમાં અનેક પયગંબરોને મોટા કહેવામા આવ્યા, પણ મહંમદ સાહેબ પર ઇશદૂતની શ્રુંખલા સમાપ્ત થઈ છે. રસુલ મહંમદ અંતિમ પયગમ્બર હતા. પ્રાણનાથજી એ એક જગ્યાએ કહ્યું છે,
"રસુલ આવેગા તુમ પર, લે મેરા ફરમાન
 આયે મેરે અરસકી, દેખી સબ પહેચાન"
અર્થાત, મારો રસુલ મહંમદ તમારી પાસે મારો સંદેશ લઈને આવશે.તે સંસારમાં આવીને મારા અર્શ અથવા પરધામની બધી ઓળખ કરવવા માટે કેટલાક સંકેત આપશે"
એ જ રીતે જૈન અને બોદ્ધ ધર્મોમાં પણ ઇસ્લામના ઇસ્લામ અને તેના પયગમ્બરના ઉલ્લેખો જોવા મળે છે. જૈનધર્મના ગ્રંથકારો પણ કલ્કિ અવતારનું વર્ણન કર્યું છે. તેના આવવાનો સમય મહાવીર સ્વામીના એક હજાર વર્ષ પછીનો માન્યો છે. મહાવીર સ્વામીના જન્મનું વર્ષ ઈ.સ.પૂર્વે ૫૭૧ માનવામાં આવેલ છે. એ પછી એક હજાર વર્ષ પછી કલ્કિ અવતારનું આગમન થાય છે. એ મુજબ હઝરત મહંમદ સાહેબનો જન્મ એ જ વર્ષમાં થાય છે. જૈન ગ્રંથ હરિવંશ પુરાણમાં આ જ ઉલ્લેખ જોવા મળે છે.
આમ ઇસ્લામ અને તેના અંતિમ પયગમ્બરના ઉલ્લેખો હિંદુ ધર્મ ગ્રંથોમાં ઠેર ઠેર પડેલા જોવા મળે છે. એ બાબત જ દર્શાવે છે કે દરેક ધર્મ અન્ય ધર્મ પ્રત્યે આદર અને આસ્થા ધરાવે છે. પછી માનવી શા માટે તેમાં ભેદની રેખાઓ તાણી દુનિયા અને સમાજમાં સમસ્યાઓ સર્જે  છે ?

1 comment: