હાલમાં જ ડૉ. દક્ષેશ ઠાકર અને ડૉ. મુકુલ ચોકસી સંપાદિત પુસ્તક " સદભાવના મારી દ્રષ્ટિએ......" (નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ) મારા હાથમાં અનાયાસે જ આવી ચડ્યું. જેમાં પ.પુ. મોરારીબાપુથી માંડીને ગુજરાતના નામી ચિંતકો અને લેખકોના સદભાવના અંગેના વિચારો સુંદર રીતે સંકલિત કરવામા આવ્યા છે. પુ. મોરારીબાપુ પોતાના સદભાવનાના વિચારને એક સુંદર ઇસ્લામિક દ્રષ્ટાંત આપી સમજાવતા લખે છે,
"એક ફકીર હતો. મસ્જીતમાં નમાઝ પઢતો. એની એક નક્કી કરેલી જગ્યા. એમાં એના હાથ પગના ખાડા પડી ગયેલા. પણ એ રીઝર્વ જગ્યા...બાબાની,ફકીરીની... એ રોજ પાંચ નમાઝ પઢે. પચાસ વર્ષની છેલ્લી નમાઝ પૂરી થઈ. એવામાં આકાશવાણી થઈ. ખુદાએ કહ્યું, "હે ફકીર, તું પચાસ વર્ષથી નમાઝ પઢે છે. પણ તારી એક પણ નમાઝ સ્વીકારવામાં આવી નથી." નમાઝ પઢતા બધા જ બંદોઓ રડવા લાગ્યા.આ બાબા પચાસ વર્ષથી નિષ્કામ બંદગી કરે છે. ને તેની એક પણ નમાઝ કબુલ ન થઈ ? બધા દુખી થઈ ગયા કે બાબા આ કેવો ન્યાય છે ઉપરવાળાનો ? પણ બધાને આશ્ચર્યએ વાતનું થયું કે એ ફકીર જેના ટેકે રહીને નમાઝ પઢતો,એ થાંભલાને બાથ ભરીને આલિંગન આપી નાચવા લાગ્યો. બધાએ કહ્યું કે, તમારાથી નચાય નહિ. તમારે તો માથું પછાડવું જોઈએ કે પછાસ વર્ષની બંદગી નિષ્ફળ ગઈ.
ફકીરનો જવાબ હતો,
"પચાસ સાલકી બંદગી કબુલ હો , ન હો મારો ગોલી ! લેકિન ખુદા કો પતા તો હૈ કી કોઈ પચાસ સાલસે બંદગી કર રહા હૈ "
ભગવાન મારી કઈ કથા સ્વીકારે ને કઈ ન સ્વીકારે એની સાથે કઈ લેવા દેવા નથી. પણ એને ખબર તો છે કે કોઈ કઈ કરી રહ્યો છે ! "
માનવીની સહજતાને ત્રણ લાઈનમાં વ્યક્ત કરતા પુ, બાપુ આગળ લખે છે.
"દડદડ- દડદડ દડી પડે ભે માણસ છે,
હસતા હસતા રડી પડે ભે માણસ છે,
રમતા રમતા લડી પડે ભે માણસ છે"
આવા આમ ઇન્સાનની અંદર પડેલ સદભાવનાને સાકાર કરવાની આપણા સોની ફરજ છે. એ ફરજ પ્રત્યે સભાનતા કેળવતા જૈન આચાર્ય પુ, રાજરક્ષિત મહારાજા સાહેબની સદભાવનાની વ્યાખ્યા પણ જાણવા જેવી છે. તેમાં સદભાવનાના લક્ષણો વ્યક્ત થાય છે.
" સદભાવના તેને કહેવાય જેમાં હોઈ માત્ર પરાર્થનું સર્જન સ્વાર્થનું વિસર્જન અને સર્વનું કલ્યાણ. જેમાં માણસ પોતાની જાતને ભૂલી જાય અને માત્ર બીજાના પરાર્થમા-કલ્યાણના કાર્યોમાં લાગી જાય, તેને સદભાવના કહેવાય"
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સદભાવનાની પોતાની સમાજને વ્યક્ત કરતા લખે છે,
"ગુજરાત સદભાવનાની શક્તિથી વિકાસની પ્રયોગભૂમિ બની ગયું છે. સદભાવના વિચાર આખા દેશમાં એકતા અને ભાઈચારાથી વિકાસનો પથ બની રહેવાનું છે.સદભાવનાથી સમાજની સંવેદના પ્રગટાવવા માટેનું મારું આ અભિયાન રાજનૈતિક આંદોલન નથી સામજિક અભિયાન છે."
ભગવતી શર્મા લખે છે,
"સદ અને સત એ આપણા મહત્વના શબ્દો છે. બંનેની નકારાત્મક સંજ્ઞાઓ પણ એટલી જ સુપ્રસિદ્ધ છે. સદ અને અસદ તથા સત અને અસતનું સહઅસ્તિત્વ આપણે સ્વીકારેલું છે. કારણકે એ પન જગતનું એક વાસ્તવ છે... મહભારતના અંતે વ્યાસ મુની તારણ કાઢે છે: "એતો ધર્મ સ્તતો જય" અર્થાત જ્યાં ધર્મ ત્યાં વિજય. એનો અર્થ એ કે સદ તત્વને ધર્મને પક્ષે રહેવું જઈએ અથવા એમ કહીએ કે સદ એ જ ધર્મની પ્રમુખ ઓળખ છે" સ્વામી સચિદાનંદ સદભાવનાને પોતાના શબ્દોમાં સાકાર કરતા લખે છે,
"ભારત જેવા દેશમાં જ્યાં ઘણાં ધર્મો , ઘણી જાતિઓ તથા વર્ગો વસી રહ્યા છે, ત્યાં પ્રજા વચ્ચે ધર્મ દ્વેષ કરાવીને જાતી દ્વેષ કરાવીને કે પછી વર્ગ દ્વેષ કરાવીને રાજ કરવું એ પણ આંતકવાદ છે. બધી જાતિઓ પરમાત્માનું જ સંતાન છે, તેની જ નિર્મિત છે એટલે પરસ્પર સદભાવ,પ્રેમ અને ભાઈચારો વધે તેવી સમજ મળવી જોઈએ"
ડૉ ચંદ્રકાન્ત મહેતા સદભાવનાની સમજ આપતા નોંધે છે,
"સદ એટલે સારું, સદાશયવાળું કે શુભતત્વ પ્રેરિત એવો અર્થ ઘટાવતા સદભાવના એ શુભત્વ અને શિવત્વ પ્રેરિત ભાવના છે. એવી ભાવના સ્વયમ વ્રત છે, અનુષ્ઠાન છે,આંતરિક પવિત્ર અભિલાષા છે"
અને છેલ્લે જય વસાવડાએ રજુ કરેલ સદભાવના પ્રેરક એક ઘટનાને વ્યક્ત કરી પુસ્તકની વાત પૂરી કરીશ. ઈશ્વર-અલ્લાહને એક સમાન માનનાર કબીરને દિલ્હીના બાદશાહ સિકંદર લોદીએ તેડું મોકાયું. લોદીને ફરિયાદ મળી હતી કે આ માણસ હિંદુ-મુસ્લિમને એક કરવાના કારસ્તાન કરીને તખ્તને નબળો પાડી રહ્યો છે. લોદીના દરબારમાં કબીર મોડા પહોંચ્યા.બાદશાહે મોડા આવવાનો ખુલાસો પૂછ્યો.
કબીરવાણી, "નામદાર રસ્ત્તામાં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું" બાદશાહ , " શું જોયું ?"
કબીરવાણી,
"મેં જોયું કે સોયના નાકા જેટલી જગ્યામાંથી દરિયો, પહાડ, હાથી, ઘોડા, હીરા, મોતી જંગલ .... બધું જ પસાર થઈ ગયું. પણ માણસ અટકી ગયો"
બાદશાહ કહે, " આવું તો કઈ હોઈ ? ગપ્પા મારે છે"
કબીરે જવાબ વાળ્યો,
"આપણી આંખની કીકી જેટલી ટચુકડી છે... એમાં આખી દુનિયા, આકાશ, સમુદ્ર , મહેલો ,નગરો બધું સમાય જાય છે. પણ કમનસીબે એમા એક મુસલમાન એક હિન્દુને નથી સમાવી શકતો અને એક હુંદુ એક મુસલમાનને નથી સમાવી શકતો"
આવું સુંદર પુસ્તક સંપાદિત કરવા બદલ બંને સંપાદકોને અભિનંદન.
No comments:
Post a Comment