સદભાવના કે સદવિચાર એ દરેક ધર્મ અને સમાજ માટે અનિવાર્ય છે. એકવાર વિવેકાનંદજી જયપુરના મહારાજાને મળવા ગયા. ત્યાં એક ગણિકાના ગીતનો કાર્યકર્મ શરુ થવામાં હતો. એટલે વિવેકાનંદજીએ ત્યાંથી તુરત નીકળી જવા કદમો ઉપડ્યા અને ત્યારે જ ગણિકાના ગીતના શબ્દો તેમના કાને પડ્યા.
"પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો
સમદરસી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો.
પ્રભુ મોરે અવગુણ ચિત ન ધરો"
તુલસીદાસજીનું આ ભજન એક ગણિકાના મુખે સાંભળી વિવેકાનંદજી ત્યાં રોકાઈ ગયા. ભજન પૂર્ણ થતા એ ગણીકા પાસે આવી તેમની ક્ષમા માંગતા વિવેકાનંદજી બોલ્યા,
"મા, મને ક્ષમા કરો. મે આપના વિશે કુવિચાર કરી આપને અન્યાય કર્યો છે. નાના મોટા કોઈ પણ વ્યક્તિ માટે રજ માત્ર કુવિચાર પાપ છે"
સદભાવના કે સદવિચાર દરેક સમાજ અને રાજ્યના ઘડતર અને વિકાસ માટે પ્રેરક બળ છે. રાજ્ય પાસે આર્થિક સમૃદ્ધિ હોઈ પણ સામાજિક-ધાર્મિક સદભાવના ન હોઈ તો ગમે તેટલી આર્થિક સધ્ધરતા રાજ્યને વિકાસના માર્ગે લઈ જઈ શકતી નથી. માટે જ ગુજરાતમાં સદભાવના પ્રસરાવવાના હેતુથી મા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયાસો કરી રહ્યા છે. એ માટે તેમણે પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલયના કેમ્પસમાં એક દિવસનો ઉપવાસ કર્યો હતો. એ જ સદભાવનાને સાકાર કરવા મુખ્યમંત્રીશ્રી મા. નરેન્દ્રભાઈ મોદી ૩ ડીસેમ્બરના રોજ ભાવનગર પધારી રહ્યા છે. તેમના આવા પ્રયાસો ગુજરાતમાં સદભાવના પ્રસ્થાપિત કરવામાં કેટલા કારગત નીવડશે, એ તો સમય જ બતાવશે. પણ તેમના આ પ્રયાસોમા વ્યક્ત થતી ભાવના અવશ્ય તારીફ-એ-કાબિલ છે. સદ એટલે સારી, અને ભાવના એટલે લાગણી. આવી નિર્મળ સદભાવનાનું આભ ત્રણ સ્તંભો પર ઉભું છે. એકતા, એખલાસ અને અમન. જે રાજ્યમાં આ ત્રણે સ્તંભો મજબુત હશે ત્યાં સદભાવનાની સુવાસ વાતાવરણને હંમેશા મહેકાવતી રહેશે.
ગુજરાત-સૌરાષ્ટના શહેરોમાં ભાવનગરનું નામ એક સંસ્કાર ભૂમિ તરીકે જાણીતું છે. ભાવનગર રાજ્યમાં કલા-સાહિત્ય, શિક્ષણ-વ્યાયામ અને રાજકારણ જેવા ભિન્ન ક્ષેત્રોમા હિંદુ-મુસ્લિમની સહિયારી ભાગીદારીએ અદભુત પ્રદાન કર્યું છે. કાચ ચિત્રોમાં એક સમયે ભાવનગરમાં કાનજીભાઈ મોચી સાથે ઈબ્રાહીમ લાખાણી,નૂરીબહેન અને ઝુબેદાબહેનના નામો જાણીતા હતા. તો સાહિત્યમાં કૃષ્ણલાલ શ્રીધરાણી અને ઝવેરચંદ મેઘાણી સાથે બેફામ, શાહબાઝ, બરકત વિરાણી અને કિસ્મત કુરેશી જેવા નામો પણ લોકજીભે રમતા હતા. શિક્ષણ ક્ષેત્રમાં નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી સાથે વ્યાયામ પ્રવૃતિમાં યુવાનોમાં જાણીતા બહુદ્દીનભાઈ શેખ અને સ્વામીરાવ જેવા નરબંકાઓના નામો ભાવનગરના ઇતિહાસમા અંકિત થયેલા છે. કારણ કે આ સદભાવનાને ભાવનગર રાજ્યના સમજુ અને પ્રજાપ્રિય શાસકોએ નાજુક વેલની જેમ એકતા, એખલાસ અને અમનના જળથી સીંચી હતી. અને એટલે જ ભાવનગરમાં સદભાવનાની સુવાસ આજે પણ સામાન્ય પ્રવાહ જેમ પ્રસરતી રહી છે. આજે પણ ભાવનગરના આંબા ચોકમાં આવેલ નારેશ્વરના મંદિરની સંધ્યાની આરતી અને ત્યાં જ આવેલી જુમ્મા મસ્જિતની મગરીબની અઝાનના સુર સાથે વહે છે. અને સૌ રાહદારીઓ એ આલાપને આજે પણ મનભરીને માણે છે. એ સદભાવનાને ખંડિત કરતો એક પણ બનાવ આજ દિન સુધી ભાવનગરમાં નથી બન્યો.
આવા જ સદવિચારોના પ્રસારમાં ભાવનગરના બે નરબંકાઓ શ્રી સ્વામી રાવ, જેઓ ભારતના સ્વાતંત્ર સંગ્રામના ઇતિહાસમાં પૃથ્વીસિંહ આઝાદ તરીકે જાણીતા છે. અને શ્રી બહાઉદ્દીન શેખ જાણીતા છે. આ બન્ને નામો ભાવનગરના ઇતિહાસમાં "મિયા અને મહાદેવની જોડી" તરીકે પ્રખ્યાત છે. એકવાર આઝાદી પૂર્વેના કાળમાં ભાવનગરમાં કોમી તંગદીલી વ્યાપી હતી. ત્યારે મિયા મહાદેવની આ જોડીએ જાહેરાત કરી હતી કે મિયા બહાઉદ્દીન શેખ મંદિરની રક્ષા કરશે અને મહાદેવ સ્વામી રાવ મસ્જીતની રક્ષા કરશે. એ ઘટનાનો ચિતાર આપતા સ્વામી રાવ લખે છે,
"જ્યારે મંદિર અને મસ્જિત પર હુમલાનો ભય હતો ત્યારે મે નગરજનોને વિશ્વાસથી કહ્યું બંને સ્થાનો પર કઈ જ નહિ થાય. નવજવાનોને મે સદવિચાર અને સદકાર્યો માટે તૈયાર કર્યા. સૌ જાણતા હતા કે મારો અંગત મિત્ર મુસ્લિમ છે. અમારા વચ્ચે અનહદ મહોબ્બત છે. અમે એક જ થાળીમાંથી જમીએ છીએ. અને એટલે જ અમે "મિયા-મહાદેવની જોડી" તરીકે ભાવનગરમાં જાણીતા છીએ.શહેરમાં અમે જાહેર કરી દીધું કે મિયા મંદિરની રક્ષા કરશે. અને મહાદેવ મસ્જીતની રક્ષા કરેશે. મહાદેવના મૃત્યુ પછી જ કોઈ હિદુ મસ્જીતમાં દાખલ થઈ શકશે. અને મિયાના મૃત્યુ પછી જ કોઈ મુસ્લિમ મંદિરને હાની પહોંચાડી શકશે. અને આમ અમે અમારા સાથીઓ સાથે આખા શહેરમાં ફરતા રહ્યા. પરિણામે વાતવરણ શાંત થઈ ગયું. અને મંદિર-મસ્જિત સુરક્ષિત રહ્યા"
ભાવનગરના મહારાજા ભાવસિંહજીના માનીતા ચોકીદાર ફતેહખાન અને તેમના પુત્ર જમાદાર મક્કેખાનથી માંડીને કૃષ્ણકુમારસિંહજીના વાહન ચાલક કાસમ સિપાઈ સાથેનો રાજઘરાનાનો સંબંધ ઊંચ નીચના ભેદભાવોથી પર હતો. જમાદાર મકકેખાનને તો તેઓ ૭ ઓક્ટોબર ૧૯૬૮ના રોજ અવસાન પામ્યા ત્યાં સુધી જીવાઈ રુ. એકસો રાજ્ય તરફથી નિયમિત ચુકવવામાં આવતી હતી. માત્ર મુસ્લિમ કોમ પ્રત્યે જ નહિ, પણ અન્ય લધુમતી સમાજ પ્રત્યે પણ શાસકોનો સદભાવ અદભૂત હતો.ભાવનગરના દીવાન પદેથી વિઠ્ઠલભાઈ રાજીનામું આપી નિવૃત થયા. ત્યારે ડૉ. બરજોરજીને ભાવનગરના દીવાન બનાવવામાં આવ્યા હતા. ભાવનગરની કોમી સદભાવનાની આ પરંપરા આજે પણ યથાવત છે. બાલમંદિરના ભૂલકાઓને પહેલા મુસ્લિમ ઘોડા ગાડીવાળા શાળાએ લઈ જતા આજે મુસ્લિમ રીક્ષાચાલકો એ કાર્ય કરે છે. અને એકપણ વાલીએ કયારે તેમાં શંકા કરી નથી.
આવા ભાવનગરમાં મા.મુખ્યમંત્રીનું સદભાવના ઉપવાસ માટે હાર્દિક સ્વાગત છે.
બોહોત ખૂબ
ReplyDelete