Wednesday, October 19, 2011

સરદાર પટેલને મળેલ માનપત્ર : ડૉ. મહેબૂબ દેસાઈ


શ્રીયુત વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ

બારડોલીના વીર સરદાર,

સ્વાતંત્રતા પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધીમા હિન્દુસ્તાને જે લડતો ચલાવી તે સર્વમાં બારડોલીની લડત સૌથી વધારે અપૂર્વ અને યશસ્વી થઈ શકી છે. તે આપના કુનેહ ભર્યા દ્રઢ અને પ્રમાણિક નૈતૃત્વને આભારી છે. અને તેથી સારા હિન્દુસ્તાનમા આપે જે નામના મેળવી છે તેના માટે અમો આપને અભિનન્દન આપીએ છીએ.
મહાત્મા ગાંધીના સત્યાગ્રહના સિધ્ધાંતને હિન્દોસ્તાનની હાલની પરિસ્થિતિમા અમલમાં મુકવો એ અશક્ય છે એવું માનનાર હિન્દી નેતાઓ, અને, એ સિધ્ધાંત તોફાની અને દેશને નુકશાન કર્તા છે તેવું માનનાર અન્ય હિંદીઓને તથા સરકારને આપે બતાવી આપ્યું છે કે તે સિધ્ધાંત અશક્ય, તોફાની કે નુકસાનકારક નથી. ઉલટું એક શસ્ત્રહીન પ્રજાનું અમોધ સાધન છે.
બારડોલીની પ્રજામાં આપે નવા પ્રાણ રેડી "મરવું , પણ મારવું નહિ" એ સુત્ર સમજાવી, સાર્વભૌમ બ્રિટીશ સરકાર જેવી મહાસત્તા સામે બહાદુરીભરી લડત ચલાવી,સરકારને નમાવી, સેંકડો વર્ષથી કચડાઈ રહેલી એ ખેડૂત પ્રજાને ન્યાય અપાવ્યો છે. તેનાથી આપનું નામ હિન્દોસ્તાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
આપની જાહેર સેવાના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે. નાગપુર, બોરસદ ખાતેની સત્યાગ્રહની જાણીતી ચળવળ આપે દીપાવી ત્યારથી જ હિન્દુસ્તાને આપની સમર્થ શક્તિનો અનુભવ કર્યો. ત્યાર પછી અમદાવાદ મ્યુનીસીપાલીટીમા સતત પરિશ્રમ કરી તેના વહીવટને અનુપમ બનાવી આપની શક્તિનો વધુ પરિચય કરાવ્યો. અને ગઈ સાલની ભયંકર અને આફત કારક અતિવૃષ્ટિથી નિરાધાર બનેલી ગુજરાતી પ્રજાની જે સેવા આપે બજાવી છે તેને માટે આખું ગુજરાત આપનું સદાનું ઋણી રહશે. પણ આ બધી સેવાઓને ટપી જાય તેવી બારડોલીની લડતથી આપે સમગ્ર હિન્દુસ્તાનમા આપનું નામ અમર કર્યું છે.
આપ એક એવા ગુજરાતી છો, અને અમદાવાદના નાગરિક છો : અને દેશને ખાતર ફકીરી લઈ સેવા વૃતિ સ્વીકારી, દેશની ભીડના પ્રસંગે આપ આત્મભોગ આપી પ્રજા પક્ષે ઉભા રહો છો, તેથી અમો અભિમાન પૂર્વક માનપત્ર આપવા પ્રેરાયા છીએ.
અન્તમાં પરમ કૃપાળુ પરમેશ્વર આપને દીર્ઘાયુ બક્ષે, અને આપના નેતૃત્વ નીચે સમસ્ત હિન્દુસ્તાન અનેક મુશ્કેલીઓ વટાવી પોતાના જન્મસિદ્ધ એવા સ્વરાજ્ય હક્કને પ્રાપ્ત કરે એવી અમો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.


અમો છીએ
આપના ગુણાનુરાગી
ભગુભાઈ કેશવલાલ (પ્રમુખ )
અને સભ્યો

ધી અમદાવાદ કેસ્ટર સીડ્ઝ મરચન્ટ એસોસિએશન

ઈ.સ. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ પછી તુરત બારડોલીના કડવા પાટીદાર શ્રી ભગુભાઈ કેશવલાલ પટેલ દ્વારા અમદાવાદની ઢાંકવા ચોકી પાસે આવેલા શાંતિવિજય પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલ આ માનપત્ર ઘણી ઐતિહાસિક બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે.

૧. ઉપરોક્ત માનપત્રમાંથી ફલિત થાય છ કે ૧૯૨૦-૨૧ના અસહકાર આંદોલન પછી ગાંધીજીના સત્યાગ્રહના વિચારોને અંગ્રેજ શાસકો સાથે કેટલાક ભારતીય નેતાઓ પણ "અશક્ય, તોફાની કે નુકસાનકારક" માનવા લાગ્યા હતા. અને તેના પરિણામે જ સ્વરાજ્ય પક્ષની સ્થાપન થઈ હતી. જેના મુખ્ય નેતા ચિતરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ અને મોતીલાલ નહેરુ હતા. એ દ્રષ્ટિએ બારડોલી સત્યાગ્રહે ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના વિચારોને પુનઃપ્રજા અને નેતાઓનો વિશ્વાસ બક્ષ્યો હતો. જેના કારણે જ ગાંધીજી ઈ.સ. ૧૯૩૦ની સવિનય કાનુન ભંગની લડત માટે પ્રજા અને નેતાઓનો સહકાર પામી શકાયા હતા. પણ એ સત્ય પણ ઇતિહાસમાં નોંધાયેલું છે કે બારડોલી સત્યાગ્રહ વખતે એક પણ વાર ગાંધીજીએ બારડોલીની મુલાકાત લીધી ન હતી. કારણ કે ગાંધીજીના વિચારો પ્રત્યેની પ્રજા અને નેતાઓની વિશ્વનિયતાને પુનઃ સ્થાપિત કરવામા સરદાર પટેલે પોતાની સમગ્ર શક્તિ અને રાજકીય વ્યક્તિત્વ દાવ પર લગાવ્યું હતું. જો તેઓ તેમાં સફળ થાય તો તે ગાંધીજીના સિદ્ધાંતોની જીત બની રહે. અન્યથા સરદારની નેતાગીરીની ક્ષતિ બની રહે. આવા ઉમદા આદર્શો સાથે આરંભાયેલ બારડોલી સત્યાગ્રહ સરદાર અને ગાંધી બંને માટે સફળ પુરવાર થયો હતો.

૨. આ જ માનપત્રમાં સરદારના બીજા અનેક સેવાકીય કાર્યોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમકે સરદાર પટેલે અમદાવાદના નાગરિક તરીકે અમદાવાદ નગરપાલિકાની જે સેવા કરી હતી, તેનો અત્રે ઉલ્લેખ જોવા મળે છે. ઇસ. ૧૯૧૭મા તેઓ અમદાવાદ નગપાલિકાની કોર્પોરેટરની ચુંટણી લડ્યા હતા. અને તે જીત્યા પણ હતા. એ પછી ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૨૮ દરમિયાન તેમણે અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ કાર્ય કર્યું હતું. અમદાવાદ નગરપાલિકાના કોર્પોરેટર અને પ્રમુખ તરીકેની સરદાર પટેલની ભૂમિકા આજે પણ બહુ ઉજાગર થઈ નથી.

૩. આ ઉપરાંત ૧૯૨૬-૨૭મા સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિના સકંજામાં સપડાયું હતું. ત્યારે પણ સરદારે ગુજરાતની અદભૂત સેવા કરી સમગ્ર ગુજરાતને તે મહામારીમાંથી બહાર આણવામા ભારે જહેમત લીધી હતી.

ટૂંકમાં સરદાર પટેલનું આ માનપત્ર સમાજ અને ઇતિહાસના આયના સમાન છે. જે એ યુગના સાચા ચિત્રને આપણી પાસે સાકાર કરે છે.


******************************************************************************

No comments:

Post a Comment