ગુલામ મહંમદ વસ્તાનવી. સુરત જીલ્લાના માંડવી તાલુકાના વસ્તાન ગામના વતની અને એમ.બી.એ. સુધીનો અભ્યાસ કરનાર મૌલવી ગુલામ મહંમદ વસ્તાનવીને દારુલ ઉલુમ દેવબંદ ઇસ્લામિક યુનિવર્સીટીના કુલપતિ સ્થાનેથી દૂર કરવાની ક્રિયા એક લોકશાહી રાષ્ટ્ર માટે ચોક્કસ આઘાતજનક છે. ઇસ્લામમાં જ્ઞાન અને શિક્ષણને અગ્રસ્થાન આપવમાં આવેલ છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ(સ.અ.વ.) પર ઉતરેલી સૌ પ્રથમ વહી અને તેનો પ્રથમ શબ્દ “ઇકરાહ” તેની સાક્ષી પૂરે છે. ઇકરાહ એટલે પઢ, વાંચ. એ દ્રષ્ટિએ વસ્તાનવી સાહેબ કુરાને શરીફના મૂળભૂત અને પ્રથમ આદેશનું પાલન સનિષ્ઠ રીતે કરી રહ્યા છે. તેમણે અક્કાલકુવા (મહારાષ્ટ્ર)મા પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થા સ્થાપી, મૌલાના શબ્દની માર્યાદિત સમાજને અસત્ય પુરવાર કરેલ છે.અક્કાલકુવામાં શિક્ષણની દરેક શાખાને તેમણે વિકસાવી છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિને કારણે જ વિશ્વ પ્રસિદ્ધ ઇસ્લામિક યુનિવર્સીટી દારુલ ઉલુમ દેવબંદના કુલપતિ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
એ નિયુક્તિના થોડા દિવસો પછી તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા. ત્યારે તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમના શાસનતંત્ર અંગે પ્રશંસનીય વિધાનો કર્યા. ગુજરાતના મુસ્લિમોને આજે કોઈ જ તકલીફ નથી. એવું પણ કહ્યું. તેમના આ વિધાનોને માધ્યમોએ પ્રસિદ્ધ કર્યા. પરિણામે દારુલ ઉલુમ દેવબંદમા બેઠેલા મહાનુભાવોને નારાજગી વ્યક્ત કરવાનું કારણ મળી ગયું. તેમના વિધાનોને ધ્યાનમાં રાખી તેમના ઉપર એક તપાસ સમિતિ રચાય. સમિતિએ તેમને કુલપતિના સ્થાનેથી દૂર કરવાનો નિર્ણય લીધો. અને તેમને દારુલ ઉલુમ દેવબંદના કુલપતિના સ્થાનેથી દૂર કરવામાં આવ્યા.આ ઘટના પ્રથમ દ્રષ્ટિએ સરળ લાગે છે. પણ તેની ભીતરની ક્રિયા અને તેનું પૃથકરણ ભારત જેવા લોકશાહી રાષ્ટ્ર માટે અનિવાર્ય લાગે છે.
સૌ પ્રથમ તો ભારત લોકશાહી રાષ્ટ્ર છે. તેના દરેક નાગરિકને વિચાર, વાણી અને વ્યવહારની પૂરી સ્વતંત્રતા છે. એટલે ભારતના કોઈ પણ નાગરિકને, કોઈ પણ રાજ્યના મુખ્ય મંત્રી કે સામાન્ય નાગરિક અંગે પ્રશંસા કે ટીકા કરવાનો બંધારણીય અધિકાર છે. તે માટે તેને કોઈ પણ નાના મોટા સ્થાન માટે લાયક કે ગેરલાયક ઠેરવી શકાય નહિ. જો કે અહિયા વસ્તાનવી સાહેબનું શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગેનું વિધાન સમગ્ર ગુજરાતના મુસ્લિમોને સ્પર્શે છે. તેનો સિધ્ધો સંબંધ ગુજરાતની ૨૦૦૨ની ઘટનાઓ સાથે છે. ગુજરાતની ૨૦૦૨ની ઘટના સમગ્ર વિશ્વના મુસ્લીમો માટે અત્યંત સવેદનશીલ ઘટના છે. મારી હજજ યાત્રા (૨૦૧૧) દરમિયાન મને વિશ્વના મુસ્લીમોને અનૌપચારિક રીતે મળવાની તક સાંપડી હતી. ત્યારે તે બાબત મેં જાતે અનુભવી હતી. પણ એ ઘટનાને જીવન પછેડીમાં બાંધી, તેના દુઃખને પંપાળી, જીવનને સ્થગિત કરી દેવું, કોઈ પણ સમાજ માટે યોગ્ય નથી. બલકે એ ઘટનામાંથી ગુજરાતના મુસ્લિમોએ સબક લઇ વિકાસની જે વાટ પકડી છે, તે સાચ્ચે જ તારીફ-એ-કાબિલ છે. ૨૦૦૨ પછી ગુજરાતના મુસ્લિમો વધુ નેક અને એક બન્યા છે. તેનો કોઈ પણ બુદ્ધિજીવી મુસ્લિમ ઇન્કાર કરી શકે તેમ નથી. અને એટલે જ એ દિવસોમાં મેં લખેલ એક લેખનું મથાળું આપ્યું હતું “શુક્રિયા, મૌલાના નરેન્દ્રભાઈ મોદી”. જો કે આ દલીલ દ્વારા ૨૦૦૨ની ઘટનાનો બચાવ કરવાનો ઉદેશ સહેજ પણ નથી. પણ માત્ર વસ્તાનવી સાહેબના શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગેના હકારાત્મક વિધાનને કારણે જ તેમની દારુલ ઉલુમ દેવબંદના કુલપતિ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે, એ વાતમાં દમ નથી. શ્રી વસ્તાનવી સાહેબનું શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગેનું વિધાનો તો બાહ્ય કારણ છે. આવા છીછરા કારણ સર કુલપતિ જેવા માતબર સ્થાન પરથી કોઈ કુલપતિને દૂર કરવાનું પગલું દારુલ ઉલુમ દેવબંદ જેવી આંતર રાષ્ટ્રીય ઇસ્લામિક શિક્ષણ સંસ્થા કરે તે માનવા જેવી વાત નથી. પણ શ્રી વસ્તાનવી સાહેબની કુલપતિના સ્થાને નિયુક્તિને કારણે દારુલ ઉલુમ દેવબંદમા ઉત્પન થયેલ આંતરિક વિરોધ માટે મૂળભૂત રીતે બે કારણો જવાબદાર હતા. તેની કોઈ જ ચર્ચા કોઈ જ માધ્યમોમાં થઇ નથી.
શ્રી વસ્તાનવીની દારુલ ઉલુમ દેવબંદના કુલપતિ તરીકેની નિયુક્તિ સાથે જ તેમના વિરોધનો સૂર કેમ્પસના વાતાવરણમાં ઘુંટાવા લાગ્યો હતો. પણ તે વિરોધને હજુ વાચા ફૂટી ન હતી. કારણ કે તેના પાયાના પ્રાંતવાદ પડ્યો હતો. કોઈ પણ આંતર રાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ શિક્ષણની સંસ્થા માટે પ્રાંતવાદનો મુદ્દો વિરોધનું કારણ બને તે સાચ્ચે જ શરમજનક બાબત ગણાય. ગુલામ મહંમદ વસ્તાનવી જન્મે અને કર્મે શુદ્ધ ગુજરાતી છે. તેમણે અક્કલકુવા સાથે ગુજરાતના તળ પ્રદેશો સુધી મુસ્લિમ શિક્ષણ સંસ્થાઓની સ્થાપનામાં સક્રિય ભૂમિકા ભજવી છે. એવા શુદ્ધ ગુજરાતી ઉત્તર પ્રદેશની આટલી મોટી આંતર રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના કુલપતિ બની જાય તે ઉત્તેર પ્રદેશના મૌલવીઓ કેમ સાખી લે. ઉત્તર પ્રદેશ ઇસ્લામિક આલિમો-મૌલવીઓનું સર્જન કરતો ભારતનો મુખ્ય પ્રદેશ છે. ભારતની મોટા ભાગની મસ્જિતોમા ઉત્તર પ્રદેશના મૌલવીઓ જ જોવા મળે છે. વળી, દારુલ ઉલુમ દેવબંદના ઈતિહાસને ઉપાડીને જોઈશું તો માલુમ પડશે કે તેના મોટાભાગના કુલપતિઓ ઉત્તર પ્રદેશના જ છે. દારુલ ઉલુમ દેવબંદના કુલપતિની પસંદગીના ધોરણોમાં ઉત્તર પ્રદેશના હોવું એ ઉમેદવારની વિશિષ્ટ લાયકાત ગણાય છે. પરિણામે વિરોધ સ્વભાવિક છે. પણ એ માટે યોગ્ય કારણ હાથવગું કરવું પડે. જે કારણ વસ્તાનવીએ નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરીને પૂરું પડ્યું.
બીજું કારણ પણ આ જ દિશામા પડ્યું છે. જનાબ વસ્તાનવી દારુલ ઉલુમ દેવબંદના “કાસ્મી” નથી. “કાસ્મી” એટલે એવી વ્યક્તિ જે દેવબંદની ડીગ્રી કે સનદ ધરાવતો હોય. જેને “કસીમુલ ઈલુમ” પણ કહે છે. વસ્તાનવી સાહેબ ન તો દેવબંદના વિદ્યાર્થી છે. ન તો ત્યાની કોઈ પણ પ્રકારની સનદ ધરાવે છે. મૂળભૂત રીતે ઇસ્લામિક શિક્ષણના પાયા પર ચાલતી વિશ્વની આ યુનિવર્સીટીના કુલપતિ તરીકે “કાસ્મી” ન હોઈ તેવી વ્યક્તિ ઇચ્છનીય ન જ હોઈ. પણ તે વિરોધનો મુદ્દો કેવી રીતે બની શકે ? એ માટે તો કોઈ કોમ કે સમાજને સ્પર્શતો સંવેદનશીલ મુદ્દો જોઈએ. જે જનાબ વસ્તાનવી સાહેબે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરીને પુરો પાડ્યો.
આ વિશ્લેષણ ન માનવના કારણો હોઈ શકે. પણ તે માનવા માટે ઉપરોક્ત કારણો પૂરતા છે, તેમ દારુલ ઉલુમ દેવબંદને નજીકથી જાણનાર અવશ્ય માનશે.
No comments:
Post a Comment