ગઝલની ઉત્પતિ ઈરાનમાં થઈ હતી. તેના મૂળમાં કશીદા નામક કાવ્ય પ્રકાર પડ્યા છે.કશીદા એટલે પ્રશંશા કાવ્ય. હઝરત મોહંમદ સાહેબ(સ.અ.વ) કે અન્ય મહાનુભાવોની પ્રશંશામા જે કાવ્ય રચાતા અને જે ગીત સ્વરૂપે ગવાતા, તેને કશીદા કહેવામાં આવે છે. કશીદામાંથી તશબીબ (બાહ્ય વસ્તુનું વર્ણન કરતો એક કાવ્ય પ્રકાર) નામક કાવ્ય પ્રકાર ઉતરી આવ્યો. તશબીબમા સુંદરતાની પ્રશંશા,પ્રેમ અને પ્રિયતમની વાતો થતી. આ તશબીબે ધીમે ધીમે ગઝલ નામક નવા કાવ્ય પ્રકારને જન્મ આપ્યો. આરંભમાં ઈરાનમાં ફારસી ભાષામાં લખાયેલી ગઝલોમાં પ્રેમ અને પ્રિયતમા કેન્દ્રમાં હતા. પણ પછી ધીમે ધીમે ગઝલના વિષય વસ્તુમાં પરિવર્તન આવતું ગયું. સૂફીવિચારના ઉદભવ પછી સૂફી વિચારોના પ્રચાર પ્રસારમાં ગઝલે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
વલસાડના રાહે રોશનના નિયમિત વાચક શ્રી રમેશચંદ્ર ચોખાવાલાએ ઘણીવાર પ્રશ્ન કર્યો છે કે સૂફીઓ ખુદાને કયા સ્વરૂપે પ્રેમ કરે છે ? સ્ત્રી કે પુરુષ ? ફારસી ભાષામાં સ્ત્રી અને પુરુષ બંને માટે એક જ વિશેષણ અને ક્રિયાપદ વપરાય છે. ભાષાની આ વિશિષ્ટતાને કારણે ગઝલ કે શાયરીના વિષય અને તેના આંતર સ્વરુપ ઉપર ઘણી અસર થઈ છે. એમાં પ્રેમપાત્ર પ્રિયતમને એક જ જાતિ ને પુરુષમાં સંબોધવાનંબ હોવાથી ઈરાનના શાયરોએ અલ્લાહને માશુક બનાવ્યો અને તેના પ્રેમરસમાં એકાકાર થઈ ગઝલો લખી.સૂફીવાદના વધતા જતા પ્રચારને કારણે ધીમે ધીમે ગઝલમાં આધ્યાત્મિક અભિગમ કેળવતો ગયો. અને ગઝલો બે પ્રકારમાં વિભાજીત થવા લાગી. ઈશકે મિજાજી (મજાજી) અને ઈશ્કે ઇલાહી. ઈશ્કે મજાજીમા હુસ્ન, શ્રુંગાર, અને પ્રિયતમા પ્રત્યેની કશિશ અર્થાત આકર્ષણ કેન્દ્રમાં હોઈ છે. જેમકે જીગર મુરારાબાદીનો એક શેર છે,
“શર્મા ગયે, લજ્જા ગયે, દામન છુડા ગયે,
એ ઈશ્કે મહેરબાં, વો યહાં તક તો આ ગયે”
જયારે ઈશ્કે ઇલાહીના કેન્દ્રમાં માત્રને માત્ર ખુદાનો પ્રેમ હોઈ છે. અને એટલે જ સૂફી ગઝલોમાં તસવ્વુફ(બ્રહ્મવાદ)નું હુસ્ન અને તેની ખુબસુરતી જોવા મળે છે. તેમાં હવસની બૂ નથી હોતી. તેમાં વ્યક્ત થતો ઈશ્ક બિલકુલ પાક અને ઇબાદતની પરાકાષ્ટને ધારદાર રીતે વ્યક્ત કરતો હોઈ છે. ઇખ્ત્યાર ઈમામ સીદ્દીકીનો એક શેર છે,
“વો નહિ મિલતા મુઝે ઇસકા ગિલા અપની જગહ,
ઉસકે મેરે દરમિયા કા ફાસલા અપની જગહ”
હકીમ સનાઈ, ફરીદુદ્દીન અત્તાર, મોલાના જલાલ્લુદ્દીન રૂમી, શેખ સાદી, અમીર ખુશરો, ખ્વાજા હાફીઝ, મુલ્લા નુરુદ્દીન જામી જેવા ફારસી શાયરોએ ગઝલોમાં ઈશ્કે ઈલાહીને બખૂબી રજૂ કરેલ છે. અને સૂફીવાદના રહસ્યોને સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
એ જ રીતે મસ્નવી નામક કાવ્ય પ્રકારમાં પણ સૂફી વિચારને ખાસું પ્રધાન્ય મળ્યું છે. આ કાવ્ય પ્રકારના પિતા રુદકી (મુ. ઈ.સ. ૯૪૧) હતા. મનુષ્યની તમામ જાતની માનવીય ભાવનાઓ, કુદરતી વર્ણન,બનાવોનું કથન વગેરેની રજૂઆત માટે મનસ્વી ખુલ્લા મેદાન સમાન છે. એમા કિસ્સાઓ, કહાનીઓ, વિરકથા, ઇતિહાસ,નીતિબોધ, ફિલસુફી તેમજ સૂફી વિષયોના વિવરણો,અવલોકન અને છણાવટ બખૂબી રજૂ થયા છે. મોલાના રૂમીએ પોતાની મનસ્વીમા કુરાને શરીફનું સરળ વિવરણ કરેલ છે. જે દળદાર છ ભાગોમાં છે. મનસ્વી એ ફારસી ભાષાનો લાંબામાં લાંબો કાવ્ય પ્રકાર છે. જેમ કે ૨ જુન ૧૮૯૬ના રોજ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ડરબનમા આપવામાં આવેલ માનપત્ર મસ્નવી શૈલીમા લખાયું હતું. જે લગભગ એકત્રીસ કડીઓમાં લખાયું હતું. જેની પ્રથમ બે કડીમાં નીચે મુજબ ખુદાની તારીફ કરવામાં આવેલી છે.
"કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ
કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર”
સૂફીવિચારને વાચા આપતી મુલ્લા નુરુદ્દીન અને અમીર ખૂસરોની મનસ્વીઓ જાણીતી છે. મનસ્વી જેવા જ એક અન્ય કાવ્ય પ્રકારે સૂફી વિચારના પ્રચાર પ્રસારમાં મહત્વનું પ્રદાન કરેલ છે. તે છે રૂબાઈ. રૂબાઈ નામના લઘુ કાવ્ય પ્રકારમા નીતિ , ફિલસુફી અને રહસ્યવાદ વગેરેને લગતા વિચારો પ્રદર્શિત થયા છે. રૂબાઈ માત્ર ચાર પંક્તિમાં જ લખાય છે. તેમાં પ્રથમ બે તુક(કડી) સામાન્ય કોટીની હોઈ છે. જયારે છેલ્લી બે તુક ઊચ્ચ કક્ષાની હોય છે. ફારસી કાવ્ય શૈલીમાં રૂબાઈ ટૂંકામાં ટૂંકો કાવ્ય પ્રકાર છે. જો કે તેની ચાર લાઈનોમાં રૂબાઈના પુરા વિષયનો નિચોડ આવી જાય છે. તેમાં સૂફી ભાવોના પ્રદર્શન માટે પ્રતીકોનો શિષ્ટ માર્ગ અપનાવામાં આવ્યો છે. અર્થાત જે સ્થાન પ્રતીકોનું ગઝલમાં છે તેવું જ રૂબાઈમા છે. અબુ સઈદ અબુ ખેર અને ઉમર ખૈયામની રૂબાઈઓ સૂફી વિચારની અભિવ્યક્તિ માટે જાણીતી છે.
No comments:
Post a Comment