Wednesday, June 30, 2010

ફારસી શાયરીમાં સૂફીવાદ : ડૉ.મહેબૂબ દેસાઈ

ગઝલની ઉત્પતિ ઈરાનમાં થઈ હતી. તેના મૂળમાં કશીદા નામક કાવ્ય પ્રકાર પડ્યા છે.કશીદા એટલે પ્રશંશા કાવ્ય. હઝરત મોહંમદ સાહેબ(સ.અ.વ) કે અન્ય મહાનુભાવોની પ્રશંશામા જે કાવ્ય રચાતા અને જે ગીત સ્વરૂપે ગવાતા, તેને કશીદા કહેવામાં આવે છે. કશીદામાંથી તશબીબ (બાહ્ય વસ્તુનું વર્ણન કરતો એક કાવ્ય પ્રકાર) નામક કાવ્ય પ્રકાર ઉતરી આવ્યો. તશબીબમા સુંદરતાની પ્રશંશા,પ્રેમ અને પ્રિયતમની વાતો થતી. આ તશબીબે ધીમે ધીમે ગઝલ નામક નવા કાવ્ય પ્રકારને જન્મ આપ્યો. આરંભમાં ઈરાનમાં ફારસી ભાષામાં લખાયેલી ગઝલોમાં પ્રેમ અને પ્રિયતમા કેન્દ્રમાં હતા. પણ પછી ધીમે ધીમે ગઝલના વિષય વસ્તુમાં પરિવર્તન આવતું ગયું. સૂફીવિચારના ઉદભવ પછી સૂફી વિચારોના પ્રચાર પ્રસારમાં ગઝલે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

વલસાડના રાહે રોશનના નિયમિત વાચક શ્રી રમેશચંદ્ર ચોખાવાલાએ ઘણીવાર પ્રશ્ન કર્યો છે કે સૂફીઓ ખુદાને કયા સ્વરૂપે પ્રેમ કરે છે ? સ્ત્રી કે પુરુષ ? ફારસી ભાષામાં સ્ત્રી અને પુરુષ બંને માટે એક જ વિશેષણ અને ક્રિયાપદ વપરાય છે. ભાષાની આ વિશિષ્ટતાને કારણે ગઝલ કે શાયરીના વિષય અને તેના આંતર સ્વરુપ ઉપર ઘણી અસર થઈ છે. એમાં પ્રેમપાત્ર પ્રિયતમને એક જ જાતિ ને પુરુષમાં સંબોધવાનંબ હોવાથી ઈરાનના શાયરોએ અલ્લાહને માશુક બનાવ્યો અને તેના પ્રેમરસમાં એકાકાર થઈ ગઝલો લખી.સૂફીવાદના વધતા જતા પ્રચારને કારણે ધીમે ધીમે ગઝલમાં આધ્યાત્મિક અભિગમ કેળવતો ગયો. અને ગઝલો બે પ્રકારમાં વિભાજીત થવા લાગી. ઈશકે મિજાજી (મજાજી) અને ઈશ્કે ઇલાહી. ઈશ્કે મજાજીમા હુસ્ન, શ્રુંગાર, અને પ્રિયતમા પ્રત્યેની કશિશ અર્થાત આકર્ષણ કેન્દ્રમાં હોઈ છે. જેમકે જીગર મુરારાબાદીનો એક શેર છે,

“શર્મા ગયે, લજ્જા ગયે, દામન છુડા ગયે,
એ ઈશ્કે મહેરબાં, વો યહાં તક તો આ ગયે”

જયારે ઈશ્કે ઇલાહીના કેન્દ્રમાં માત્રને માત્ર ખુદાનો પ્રેમ હોઈ છે. અને એટલે જ સૂફી ગઝલોમાં તસવ્વુફ(બ્રહ્મવાદ)નું હુસ્ન અને તેની ખુબસુરતી જોવા મળે છે. તેમાં હવસની બૂ નથી હોતી. તેમાં વ્યક્ત થતો ઈશ્ક બિલકુલ પાક અને ઇબાદતની પરાકાષ્ટને ધારદાર રીતે વ્યક્ત કરતો હોઈ છે. ઇખ્ત્યાર ઈમામ સીદ્દીકીનો એક શેર છે,

“વો નહિ મિલતા મુઝે ઇસકા ગિલા અપની જગહ,
ઉસકે મેરે દરમિયા કા ફાસલા અપની જગહ”

હકીમ સનાઈ, ફરીદુદ્દીન અત્તાર, મોલાના જલાલ્લુદ્દીન રૂમી, શેખ સાદી, અમીર ખુશરો, ખ્વાજા હાફીઝ, મુલ્લા નુરુદ્દીન જામી જેવા ફારસી શાયરોએ ગઝલોમાં ઈશ્કે ઈલાહીને બખૂબી રજૂ કરેલ છે. અને સૂફીવાદના રહસ્યોને સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

એ જ રીતે મસ્નવી નામક કાવ્ય પ્રકારમાં પણ સૂફી વિચારને ખાસું પ્રધાન્ય મળ્યું છે. આ કાવ્ય પ્રકારના પિતા રુદકી (મુ. ઈ.સ. ૯૪૧) હતા. મનુષ્યની તમામ જાતની માનવીય ભાવનાઓ, કુદરતી વર્ણન,બનાવોનું કથન વગેરેની રજૂઆત માટે મનસ્વી ખુલ્લા મેદાન સમાન છે. એમા કિસ્સાઓ, કહાનીઓ, વિરકથા, ઇતિહાસ,નીતિબોધ, ફિલસુફી તેમજ સૂફી વિષયોના વિવરણો,અવલોકન અને છણાવટ બખૂબી રજૂ થયા છે. મોલાના રૂમીએ પોતાની મનસ્વીમા કુરાને શરીફનું સરળ વિવરણ કરેલ છે. જે દળદાર છ ભાગોમાં છે. મનસ્વી એ ફારસી ભાષાનો લાંબામાં લાંબો કાવ્ય પ્રકાર છે. જેમ કે ૨ જુન ૧૮૯૬ના રોજ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ડરબનમા આપવામાં આવેલ માનપત્ર મસ્નવી શૈલીમા લખાયું હતું. જે લગભગ એકત્રીસ કડીઓમાં લખાયું હતું. જેની પ્રથમ બે કડીમાં નીચે મુજબ ખુદાની તારીફ કરવામાં આવેલી છે.

"કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર”

સૂફીવિચારને વાચા આપતી મુલ્લા નુરુદ્દીન અને અમીર ખૂસરોની મનસ્વીઓ જાણીતી છે. મનસ્વી જેવા જ એક અન્ય કાવ્ય પ્રકારે સૂફી વિચારના પ્રચાર પ્રસારમાં મહત્વનું પ્રદાન કરેલ છે. તે છે રૂબાઈ. રૂબાઈ નામના લઘુ કાવ્ય પ્રકારમા નીતિ , ફિલસુફી અને રહસ્યવાદ વગેરેને લગતા વિચારો પ્રદર્શિત થયા છે. રૂબાઈ માત્ર ચાર પંક્તિમાં જ લખાય છે. તેમાં પ્રથમ બે તુક(કડી) સામાન્ય કોટીની હોઈ છે. જયારે છેલ્લી બે તુક ઊચ્ચ કક્ષાની હોય છે. ફારસી કાવ્ય શૈલીમાં રૂબાઈ ટૂંકામાં ટૂંકો કાવ્ય પ્રકાર છે. જો કે તેની ચાર લાઈનોમાં રૂબાઈના પુરા વિષયનો નિચોડ આવી જાય છે. તેમાં સૂફી ભાવોના પ્રદર્શન માટે પ્રતીકોનો શિષ્ટ માર્ગ અપનાવામાં આવ્યો છે. અર્થાત જે સ્થાન પ્રતીકોનું ગઝલમાં છે તેવું જ રૂબાઈમા છે. અબુ સઈદ અબુ ખેર અને ઉમર ખૈયામની રૂબાઈઓ સૂફી વિચારની અભિવ્યક્તિ માટે જાણીતી છે.

Saturday, June 26, 2010

ખુદાનો બંદો ગેબનો દરવેશ : ડૉ. મહેબૂબ દેસાઈ

રૂસ્વા મઝલુમી-માણસ કહી શકાય તેવો સાચ્ચો માણસ. અલ્લાહનો એવો બંદો જેની ઇબાદતમાં ઈમાનદારી અને શાયરીમાં ઈબાદત હતી. અને એટલે જ જયારે અલ્લાહની વાત નીકળતી ત્યારે રુસ્વા મઝલૂમ અચૂક કહેતા,
“અલ્લાહ તો ઈમાન છે , વિશ્વાસ છે. આપના હદયમાં અલ્લાહ માટે મહોબ્બત અને લગાવ છે એ જ ઈમાન છે, એ જ અલ્લાહ છે.” “મારોય એક જમાનો હતો” (સંપાદક-લેખક: રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારી)નામક પુસ્તકમા રુસ્વા મઝલુમીના આવા બિન્દાસ જીવન,કવન અને વિચારોને હૃદય સ્પર્શી રીતે રજૂ કરવામાં આવ્યા છે.


રૂસ્વા મઝલુમી પાજોદના દરબાર શ્રી. ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબીનું ઉપનામ છે. રુસ્વા સાહેબની ગઝલોમાં રજૂ થયેલા મજહબી વિચારોમા ભારતની વિવિધતામાં એકતાની મહેક પ્રસરેલી છે. મંદિર અને મસ્જિત વચ્ચેની ભેદ રેખાનું વિલીનીકરણ તેમની રચનાઓમાં વારંવાર ડોકયા કરે છે.

“યે મસ્જિત હૈ , વો બુતખાના
ચાહે યે માનો ,ચાહે વો માનો,
મકસદ તો હૈ દિલકો સમજાના,
ચાહે યે માનો,ચાહે વો માનો”

ખુદા મસ્જિતમાં પણ છે અને બુતખાના(મંદિર)મા પણ છે. બંનેમાથી જેને ચાહો તેને માનો.એમ કહેનાર રુસ્વા સાહેબ મસ્જિતમાં પણ પરાણે જવાનો ઇનકાર કરે છે. ઈબાદતનો દેખાડો રુસ્વને જરા પણ મજુર નથી. અને એટલે જ રુસ્વા સાહેબ લખે છે,

“ખુદા ખાતર મને ખેચી ન જા મસ્જીતમાં એ ઝાહિદ,
કે મને દેખાવ કાજે દેખાવું નથી ગમતું “

ઈબાદતએ દિલી ખ્વાહિશ છે. તેમાં દંભ કે દેખાડાને સ્થાન નથી. ખુદા સાથેની મહોબ્બતનું તે પરિણામ છે.એટલે તેમાં કયાંય ભય કે મજબુરીને પણ અવકાશ નથી.વળી,રુસ્વા સાહેબ માટે ધર્મ,મજહબ એ કોઈ ક્રિયાકાંડ નથી તેઓ ધર્મની વિભાવના સ્પષ્ટ કરતા લખે છે,

“મજહબ એટલે ધર્મ. અને ધર્મ એટલે ઈબાદત,ભક્તિ. મારી નજરમાં મજહબ એટલે ખુદાએ સોંપેલ કાર્ય. તમે કોઈના નોકર છો. તો તેની નોકરી ઈમાનદારીથી કરો એ જ તમારો સાચ્ચો ધર્મ છે.એ જ તમારી સાચ્ચી નમાઝ છે. એ જ તમારી સાચ્ચી ભક્તિ છે.” મજહબની આવી સ્પષ્ટ વિભાવના કરનાર રુસ્વા સાહેબની ગઝલોમાં કયાંક કયાંક સૂફી રંગોના છાંટણા જોવા મળે છે.

“ રંગ છું, રોશની છું, નૂર છું,
માનવીના રૂપમાં મનસુર છું,
પાપ પુણ્યની સીમાથી દૂર છું,
માફ કર ફિતરતથી હું મજબૂર છું”

સૂફી સંતોના બાદશાહ મન્સુરને માનવીના રૂપમા પોતાના વ્યક્તિત્વમાં સાકાર કરવા મથતા રુસ્વા સાહેબની પાપ અને પુણ્ય અંગેની વિચારધારા ભિન્ન છે.માનવી તેની ફિતરત અર્થાત સ્વભાવથી મજબૂર છે.એટલે તે કયારેક પાપ પુણ્યની ફિક્ર કર્યા વગર જિંદગી જીવે છે. અને જિંદગીને ભરપેટ માણી લેવા મથે છે. જિંદગી પ્રત્યેની તેની એ જ્ મહોબ્બત તેને ઈશ્કે મિજાજીમાંથી ઈશ્કે ઇલાહી તરફ દોરી જાય છે. એ જ રીતે સૂફી વિચારધારાના એક મૂળભૂત લક્ષણ સમી ધર્મનિરપેક્ષતા રુસ્વા સાહેબની રચનાઓની જાન છે.

થઇ જાય નિછાવર સ્મિત સઘળાં એવાં હું ક્રંદન લાવ્યો છું,
ફૂલોની ધડકન લાવ્યો છું, ઝાકળનાં સ્પંદન લાવ્યો છું.
નરસિંહની ઝાંખીમાંથી હું મોહનની મઢૂલીમાં ધરવા,
ચેતનના ચંદન લાવ્યો છું, આતમના વંદન લાવ્યો છું.

નરસિંહ અને મોહનને વંદન કરતા રુસ્વા સાહેબની આ ચાર લાઈનોમાં શુદ્ધ ગુજરાતી ભાષાની શાન જોવા મળે છે. આ ચાર લાઈનોમાં એક પણ ફારસી કે ઉર્દૂ શબ્દ શોધ્યો નહિ જડે.
ભારતને સ્વતંત્રતા મળી ત્યારે જુનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળવા તલપાપડ હતા. તેમણે રુસ્વા સાહેબને પણ પોતાની સાથે રહેવા વિનંતી કરી હતી. એવા સમયે રુસ્વા સાહેબ વતન-પરસ્તીની મિશાલ બની રહ્યારવિવાર, 27 જૂન 2010. કેટલાક નવાબોનો રોષ વહોરીને પણ ભારતીય સંઘમાં જોડાવા તેમણે દસ્તખત કર્યા હતા. તે સમયની તેમની દ્રઢ મનોદશા આ ગઝલમાં ચિત્રિત થાય છે.


“નથી આવ્યા અમે કેવળ અહીંયાં પર્યટન માટે,
વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે.
તમે સોગંદનામું શું જુઓ છો, કાર્ય ફરમાવો !
બંધાયો છું ગમે તે કાર્ય કરવા હું વતન માટે”

ગુજરાતી ગઝલના પિતામહ સમા અમૃત ઘાયલ અને રુસ્વા મઝલુમી પરમ મિત્ર હતાં. એ નાતે મિત્ર રુસ્વા મઝલુમીની ફીતરતને અભિવ્યક્ત કરતા અમૃત ઘાયલ લખે છે,

“ભાઈથી હિંદુને અધિક માને
એ મુસલમાન એટલે રુસ્વા

બાંધી બ્રાહ્મણને હિંદુ મુસ્લિમનું
ક્રોસ સંધાન એટલે રુસ્વા

દેવ મંદિરના ધૂપ: મસ્જીતમાં
જલતો લોબાન એટલે રુસ્વા

ખૂદાનો બંદો ગેબનો દરવેશ
ને કદરદાન એટલે રુસ્વા”

આવા શાયર રુસવા મઝલુમીને આપણા સૌના સો સો સલામ.
(લખ્યા તારીખ ૨૭-૦૬-૨૦૧૦ રવિવાર)

Wednesday, June 23, 2010

હઝરત હસન બસરી : ડૉ. મહેબૂબ દેસાઈ

૮૯ વર્ષનું આયુષ્ય(જન્મ હિજરી ૧૧૦) ભોગવી ખુદાની રહેમતમાં પહોંચી જનાર ખ્વાજા હસન બસરી ઇસ્લામ અને સૂફી વિદ્વાનોમાં મોખરેનું સ્થાન ધરાવે છે. ઈરાકના બસરા શહેરમાં જન્મેલા હસન બસરીનો ખાનદાની વ્યવસાય હીરા-મોતીનો વેપાર હતો. આપના અમ્મા હઝરત મોહંમદ સાહેબના પત્ની સલમાના દાસી હતા. એટલે તેમનો ઉછેર મંહમદ સાહેબના યુગમાં અને તેની નજરો સામે થયો હતો. કયારેક હસન બસરીના અમ્મા કામમાં હોઈ ત્યારે હઝરત સલમા (ર.અ.) તેમને રમાડતા અને તેમનું દૂધ પણ પીવડાવતા.
દારા શિકોહ કૃત ગ્રંથ “સફીનતુલ અવલીયા”મા હઝરત હસન બસરીની વિગતે જીવન વૃતાંત આપવામાં આવ્યું છે. બચપણમાં હસન બસરી અત્યંત ખુબસુરત હતા. હઝરત ફારુખ-એ-આઝમ તેમને જોઈનેજ બોલી ઉઠ્યા હતા,
“આ બાળકનું નામ હસન રાખજો કારણકે તે અત્યંત ખુબસુરત છે.”
હઝરત હસન બસરી યુવાન થતા જ ખાનદાની વ્યવસાયમાં જોડાઈ ગયા. એકવાર તેઓ હીરા મોતીના વેપાર અર્થે રૂમ (રુમાનિયા) દેશમાં ગયા.એ દિવસે ત્યાના વઝીર બહાર જવાની ઉતાવળમાં હતા. એટલે તેમણે યુવા હસનને પોતાની સાથે આવવા કહ્યું. બંને એક જંગલમાં પહોંચીય. જંગલમાં સોનાના તાર, ખીલાઓ અને હીરા મોતીથી સુશોભિત એક તંબુની આસપાસ સીપાયો ખુલ્લી તલવારે પ્રદક્ષિણા કરતા હતા. એમની પાછળ વૃદ્ધ આલિમો (જ્ઞાનીઓ) હતાં. અને તેની પાછળ સુંદર યુવતીઓ હતી.સૌ ગમગીન હતા. આ દ્રશ્ય જોઈ હસન બસરીને નવાઈ લાગી. તેમણે વઝીરને તેનું રહસ્ય પૂછ્યું. વઝીર એક પળ વિચારી અત્યંત ગમગીન સ્વરે બોલ્યા,
“આ તંબુમાં રૂમ દેશનો અત્યંત સુંદર શાહજાદો ચીર નિંદ્રામાં સુતો છે. સામાન્ય માંદગીમાં જ તેની વફાત થઈ ગઈ હતી. રૂમ દેશના શુરવીર સીપાયો તંબુની પ્રદક્ષિણા કરતા કરતા કહી રહ્યા છે કે અમારી તલવાર પણ અમારા શાહ્જદાને બચાવી નથી શકી. વૃદ્ધ આલિમો પણ પ્રદક્ષિણા કરતા કહી રહ્યા છે, અમારું જ્ઞાન અને દુઆ પણ તમને બચાવી શક્યા નથી. આ સુંદર કન્યાઓ પણ કહી રહી છે કે અમારું હુસ્ન પણ અમારા શહજાદાને બચાવી નથી શક્યું.”
વઝીરનું આ કથન હસન બસરીના હદયમાં ઉતરી ગયું. ખુદાની બેહિસાબ તાકાતનો તેમને અહેસાસ થયો. અને હીરા-મોતીનો વેપાર છોડી તેઓ ખુદાની ઇબાદતમાં લાગી ગયા. હઝરત હસન બસરીએ તેમના ગુરુ તરીકે મોહંમદ સાહેબના પ્રિય પાત્ર અને તેમના જમાઈ હઝરત અલીએ પસંદ કર્યા હતા. તોહફા નામક કિતાબમાં આ અંગે લખ્યું છે,
“હઝરત હસન બસરી, હઝરત અલીથી “બયત” (મુરીદ-શિષ્ય) થયા હતા. જેને કારણે તેમનું જીવન મહેકી ઉઠ્યું હતું”
હસન બસરી એમના યુગના શ્રષ્ઠ વિદ્વાન હતા. એ યુગના એક સૂફીને કોઈકે પૂછ્યું,
“હસન બસીર આપણા શ્રેષ્ટ વિદ્વાન શા માટે છે ?”

એ સૂફી એક પળનો પણ વિલંબ કર્યા વગર બોલી ઉઠ્યા,
“ હસનના ઈલમની દરેક માનવીને જરૂર છે, પણ હસનને તો અલ્લાહ સિવાય કોઈની જરૂર નથી. અને એટલેજ તે શ્રેષ્ટ છે.”
એકવાર હસન બસરી વ્યાખ્યાન કરી રહ્યા હતા. એક શ્રોતાએ તેમને અટકાવીને પૂછ્યું,
“ઇસ્લામ એટલે શું ?”
હસન બસરી બોલ્યા,
“મુસ્લામાની દર કિતાબ વ મુસલમાન દર ગોર” અર્થાત ઇસ્લામ માત્ર કિતાબમાં છે, અને સાચા મુસ્લિમો માટી નીચે કબરમાં છે”
એક સભામાં આપે કહ્યું, “ પરહેજગારી ઇસ્લામના મૂળમાં છે” સભામાંથી એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો,”પરહેજગાર કેવી રીતે થવાય ?”
આપે ફરમાવ્યું, “ લોભ , લાલચનો ત્યાગ પરહેજગાર બનવાનો સાચો માર્ગ છે”

હઝરત હસન બસરીએ એકવાર હઝરત સઈદ બિન ઝમીરને કહ્યું,
“ કોઈ પણ સંજોગોમા ક્યારેય ત્રણ કામ કરશો નહિ.
૧. કોઈ પણ બાદશાહ તમારા પર ગમે તેટલી મહેરબાની કરે, તેનો સંગ કરશો નહિ.
૨. કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં બેસસો નહિ,પછી ભલે તે રાબીયા બસરી કેમ ન હોઈ.
૩. ક્યારેય રંગ રાગમાં પડશો નહિ.
હઝરત હસન બસરીના બોધ વચનો પણ માણવા જેવા છે. થોડાક વચનોનો આસ્વાદ માણીએ

“ થોડોક તકવા અને પરહેજગારી હઝાર વર્ષના નમાઝ અને રોઝા બરાબર છે.”
“ નેક કાર્યો અને પરહેજગારી એ તમામ કર્મોથી શ્રેષ્ઠ છે.”
“માનવીમાં સહેજ પણ સ્વાર્થ અને ક્રોધ ન હોઈ તો તે મરેફ્ત (બ્રહમજ્ઞાની) છે.”
“જેની વાણી કડવી તેની વાત લડાકુ”
“માનવીની બુરી સંગત તેને નેક લોકોથી દૂર રાખે છે”

૫ મુસ્લિમ માસ રજબ હિજરી ૧૧૦ના રોજ આપણી વફાત થઈ

Wednesday, June 16, 2010

રાજકોટ જિલ્લાની મુસ્લિમ પ્રતિભાઓ : ડૉ. મહેબૂબ દેસાઈ

વિશ્વમાં ભારતની પ્રતિભા વિશિષ્ઠ છે. ભાષા, જાતિ,ધર્મ અને પર્યાવરણની ભિન્નતા હોવા છતાં તે ભારતની આગવી સંસ્કૃતિ અને ઓળખ બની ગયા છે. વિવિધતામાં એકતા એ આપણી પ્રચંડ શક્તિ છે. ભારતનો સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. હિંદુ મુસ્લિમ એકતાનું તે આદર્શ દ્રષ્ટાંત છે. ભારતની આઝાદીની લડત હોઈ કે વિકાસની સંધર્ષ ગાથા હોઈ સૌએ સાથે મળી ભારત માતાની મુક્તિ કાજે કે તેને સજાવવા- સંવારવા માટે બેશુમાર બલિદાનો આપ્યા છે. બહાદુરશાહ ઝફરથી આરંભીને અશ્ફાકુલ્લાહ જેવા અનેક મુસ્લિમોએ પોતાના બલીદાનથી ભારત માતાના મુક્તિ યજ્ઞમાં આહુતિ આપી છે. ભારતની આ પરંપરાથી રાજકોટ પણ અલિપ્ત નથી રહ્યું. આઝાદી પૂર્વે અને પછી સૌરાષ્ટ્રના વિકસિત શહેર અને જીલ્લા તરીકે રાજકોટે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેની પાછળ હિદુ-મુસ્લિમ બને સમુદાયનો સંઘર્ષ પાયામાં પડ્યો છે. આજે એવી કેટલીક મુસ્લિમ પ્રતિભાઓની વાત કરવી છે, જેણે રાજકોટ જીલ્લાની શાન વધારવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે.

ઈ.સ. ૧૬૬૭મા રાજુ નામના સિંધીએ વસાવેલ નાનકડી વસાહત ધીમે ધીમે ગામડું બન્યું. જેનું નામ રાજકોટ પડ્યું.ઈ.સ. ૧૭૦૨ સુધી રાજકોટ રાજુ સિંધીના વંશજોના કબજામાં રહ્યું. જાડેજા વંશના પરાક્રમી રાજા વિભાજીના રાજ્યમાં તેનો વિકાસ થયો. ઈ.સ. ૧૭૨૦મા રાજકોટનો મહાલ માંસુમખાનને જાગીરમાં મળ્યો. ઈ.સ. ૧૭૨૨મા માસુમખાને રાજકોટનો કિલ્લો બંધાવ્યો અને રાજકોટને “માસુમાબાદ” નામ આપ્યું.બસ ત્યારેથી રાજકોટ સાથેનો મુસ્લિમોનો નાતો આરંભાયો.જો કે ઈ.સ. ૧૭૮૯મા પાટવીકુંવર શ્રી રણમલજીએ માંસુમખાનને મારી રાજકોટ કબજે કરી લીધું. પણ માસુમખાને બંધાવેલો એ કિલ્લો વર્ષો સુધી માસુમખાનની યાદ અપાવતો રહ્યો.

આમ રાજકોટની ધરા સાથે આરંભાએલ મુસ્લિમ સંબંધો છેક ભારતના સ્વાતંત્ર સંગ્રામમા પણ યથાવત રહ્યા. ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન રાજકોટમાં ચાલેલ જવાબદાર રાજ્યતંત્રની લડત (૧૯૩૯)મા અસગરઅલી યુસુફઅલી ગાંધી(જન્મ ૫-૩-૧૯૨૦)ની સક્રિયતા આજે પણ રાજકોટની જૂની પેઢીની સ્મૃતિમાં ભંડારાયેલી પડી છે.ઈ.સ.૧૯૪૦-૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો. ઈ.સ. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં પણ તેઓ સક્રિય હતાં. જુનાગઢની આરઝી હકુમતની લડતમાં પણ એક સિપાઈ તરીકે જોડાયા હતા. એ જ રીતે ઈસ્માઈલભાઈ કાનજીભાઈ હીરાની(જન્મ ૧૯૦૮ આંબરડી)એ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની પ્રજાકીય સુધારણા અને લડતોમાં કેળવેલ સક્રિયતા પણ ઇતિહાસના પાનાઓ પર નોંધયેલી છે.તેઓ આગાખાની ખોજા હતા.સાચા સમાજ સુધારક હતાં.રૂઢીચુસ્ત ધાર્મિક રિવાજોના કટ્ટર વિરોધી હતા.સમાજવાદી વિચારધારાના પ્રખર હિમાયતી હોવા છતાં ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો પ્રત્યેની તેમની સક્રિયતા તારીફે કબીલ હતી. આઝાદી સંગ્રામના એ યુગમાં ધોરાજીના ઈસ્માઈલભાઈ જમાલભાઈ બેલીમના

અખબાર “”કાઠીયાવાડે”” પણ પ્રજાકીય લડતનો શંખ વગાડ્યો હતો.ગોંડલ રાજ્યની અમાનવીય શાશન પદ્ધિત સામે બંડ પોકારનાર ઈસ્માઈલભાઈનો અંત કરુણ હતો. રાજ્યની અંધારી જેલમાં છેલ્લા દિવસો અત્યંત યાતનામાં ગુજારનાર ઈસ્માઈલભાઈ આજે તો ઇતિહાસના પડળોમાં વિસરાઈ ગયા છે પણ તેમના બલિદાનને આ પળે યાદ કરી તેની કદર તો અવશ્ય કરીએ.એવા જ અન્ય એક ગાંધીજીના પરમ ભક્ત વાંકાનેરના વતની ઈસ્માઈલભાઈ નાગોરી (૧૯૦૪-૧૯૮૩) હતા. ૧૯૩૦ની લડતમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. ઈ.સ. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. આપણા જાણીતા ચિંતક અને લેખક મનુભાઈ પંચોલીના ખેતી વિષયક ગુરુ ઈસ્માઈલભાઈએ સૌરાષ્ટ્રમાં ગાંધીજીના રચનાત્મક કાર્યોને તરવડામાં અદભુત સાકાર કર્યા હતો.


જેતપુરના વતની અને મેમણ સમાજના પિતામહ જનાબ સર આદમજી અને ગાંધીજી પરમ મિત્ર હતા. ઇતિહાસમાં બંને વચ્ચેના ઘરોબાની સાક્ષી પુરતી અનેક ઘટનાઓ દટાયેલી પડી છે.૧૦ થી ૧૨ ઓક્ટોબર ૧૯૩૧ દરમિયાન સર આદમજીએ રાજકોટમાં “અખિલ મેમણ ગ્રેટ કોન્ફરન્સ” નું આયોજન કરી સમગ્ર વિશ્વના મેમણોને રાજકોટની ધરતી પર ભેગા કરી રાજકોટનું નામ વિશ્વના નકશામાં ઘાટા અક્ષરોમાં અંકિત કર્યું હતું. ૨૮ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ તેમનું અવસાન થયું. ભારતના ટોચના ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામ બિરલાએ તેમને શ્રધાંજલિ અર્પતા કહ્યું હતું,

“તેઓ ખરા અર્થમાં મહા પુરુષ હતા”

ભારતના પ્રથમ કક્ષાના નેતા અને આઝાદ હિન્દ ફોજના સરદાર સુભાષ ચંદ્ર બોઝના સાથી ધોરાજીના વતની અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાનીને ભલે ઝાઝી ઓળખ સાંપડી ન હોઈ.પણ ઇતિહાસના પાનાઓમાં તેમનું સ્થાન અગ્ર છે અને રહેશે. સુભાષ ચંદ્ર બોઝને રંગુનમાં આર્થિક મદદ પુરી પડનાર અબ્દુલ હબીબનું નામ રાજકોટ વાસીઓ ગર્વથી લઈ શકે તેમ છે. ધોરાજીના વતની સુલેમાન શાહ મુહંમદ લોધીયનું નામ ગુજરાતના પ્રથમ મુસ્લિમ વિશ્વ પ્રવાસી તરીકે જાણીતું છે. ૧૮૮૭ થી ૧૮૯૫ દરમિયાન તેમણે અરબસ્તાન, સિરિય, જેરુસાલેમ, તુર્કી, ઈજીપ્ત, ઓસ્ટ્રલિયા, ન્યૂઝીલેન્ડ, જાવા, સિંગાપોર, ચીન, હોંગકોંગ, જાપાન અને અમેરિકાનો પ્રવાસ કરી વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.


સ્વાતંત્ર યુગ પછી આઝાદ ભારતના નવ પલ્લવિત વતાવરણમાં પણ રાજકોટ અને જીલ્લાની મુસ્લિમ પ્રતિભાઓએ વિશ્વમાં રાજકોટનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. પાજોદ (જિ જુનાગઢ) દરબાર અને ગુજરાતના ઉત્તમ કોટીના શાયર રુસ્વા મઝલુમી ભલે રાજકોટના વતની ન હોઈ પણ તેમનું નિવાસ રાજકોટ જ રહ્યું છે.એ નાતે રાજકોટના પ્રતિભાશાળી મુસ્લિમોમાં તેમનું નામ અસ્થાને નહિ ગણાય.

“રંગ છું હું ,રોશની છું, નૂર છું ,
માનવીના રૂપમાં મનસુર છું,

પાપ પુણ્યોની સીમાથી દૂર છું,
માફ કર ફિતરતથી હું મજબુર છું”

આ જ રુસ્વા સાહેબ રાજકોટના ગુણગાન ગાતા કહે છે,
“રાજકોટ આને કે બાદ અલ્લાહને મેરી ઇતની મદદ કી હૈ , કી મેરી કલમ ખુબ ચલને લગી હૈ”

આવા રુસ્વા સાહેબ પર કયા રાજકોટવાસીને ગર્વ ન હોઈ?.

સમગ્ર એશિયા ખંડમાં પાવર લીફટીંગમા ચાર સુવર્ણ ચંદ્રકો જીતનાર રાજકોટની વીરાંગના નીર્લોફર ચૌહાણને કદાચ રાજકોટની પ્રજા ઝાઝી નહિ ઓળખતી હોઈ. એ જ રીતે ભારતની પ્રથમ મહિલા, જેણે ૬૦૦૦ ફૂટની ઉંચાઈએથી પેરેશુટ જંપ મારી ઇતિહાસ સર્જ્યો હતો, તે રોશનબહેન ચૌહાણ પણ રાજકોટની ધરતીની દેન છે. શિક્ષણ ક્ષેત્રમાં રાજકોટનું નામ રોશન કરનાર સૌ પ્રથમ મુસ્લિમ પ્રોફેસર અઝીઝ મેમણનો વિગતે પરિચય પણ રાજકોટની પ્રજાને નથી.અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમા ૨૫ વર્ષ રત રહેનાર પ્રોફેસર અઝીઝે અરબીમાં લખેલા ૨૫ પુસ્તકો આજે આંતર રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ છે. મિસર અને સીરિયાની યુનિવર્સીટીઓમા તે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ ભણાવાય છે. પડધરીના વતની, નાગપુરના મોટા ઉદ્યોગપતિ અને ઇસ્લામના વિદ્વાન હઝરત મોલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ પણ રાજકોટની શાન છે. ધોરાજીના શિક્ષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સૈયદ અમીનબાપુ અહેમદમિયા બુખારી પણ રાજકોટ જીલ્લાની પ્રતિષ્ઠા છે. જેતપુરના વતની અને ગુજરાત લઘુમતી બોર્ડના અધ્યક્ષ શહેનાઝ બાબીએ પણ ગુજરાતના સામાજિક-રાજકીય ક્ષત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

રાજકોટના પ્રખર વિચારક, કોલમિસ્ટ,પત્રકારત્વના પ્રોફેસર ડો. યાસીન દલાલને કેમ ભુલાય ? સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગના વડા રહી ચુકેલા યાસીનભાઈએ સર્જેલ પત્રકારત્વના ૭૦ પુસ્તકોએ તેમને “લીમ્કા બુક ઓફ વર્ડ રેકોર્ડ” માં સ્થાન અપાવ્યું છે. તેમના પુસ્તકો સમગ્ર ગુજરાતના પત્રકારો માટે આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે. યાસીનભાઈ રાજકોટ અંગે પોતાનો લગાવ વ્યક્ત કરતા કહે છે,

“રાજકોટે મને માન,મરતબો અને ઈજ્જત બક્ષ્યા છે”

રાજકોટના સંધી મુસ્લિમોનું રેડીઓ,દૂરદર્શન અને ફિલ્મોના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી ચલચિત્રની જાણીતી અભિનેત્રી મોના ઠેબા રાજકોટની વતની છે. મુખ્ય અભિનેત્રી તરીકેની તેની બે ગુજરાતી ફિલ્મો “દીકરીનો માંડવો” અને મીંઢળ છૂટ્યા માંડવે” જાણીતી છે.તેમના પિતા બાબુભાઈ ઠેબા

અનેક અભિનેતાઓના રહસ્ય સચિવ અને ફિલ્મ નિર્માતા રહી ચુક્યા છે.તેમના માસા ઓસ્માનભાઈ ઠેબા રાજકોટ રેડિઓ કેન્દ્ર અને દૂરદર્શનના આરંભના દિવસોમા તેના હેડ હતા. જયારે મોના ઠેબાના કાકા આસીફ ઠેબા આજે પણ રાજકોટ દૂરદર્શનમા કાર્યક્રમ આયોજક અને પ્રોપર્ટી સહાયક તરીકે સક્રિય છે.તેમણે દૂરદર્શન માટે અનેક લોકપ્રિય કાર્યક્રમોનું આયોજન કરેલ છે.આસીફ ઝેરીયા પણ ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોના જાણીતા ગાયક છે. રાજકોટના વાતની આસીફભાઈએ હિન્દી ફિલ્મોના ૪૦ જેટલા નામાંકિત ગાયકો સાથે ગીતો ગાયા છે.

આ ઉપરાંત શ્રી અહેમદભાઈ જીન્દાની,શ્રી ઇલીયાસ ખાન,શ્રી ગનીભાઈ કાળા,શ્રી કાદર સલોત (રાજકારણી), શ્રી એ.કે.લાલાણી (એડવોકેટ), શ્રી ઓસ્માન તાબાણી(વેપારી), શ્રી ફારુખ બાવણી (વર્ડ મેમણ ફેડરેશનના મંત્રી), શ્રી અબ્દુલ લતીફ ઈબ્રાહીમભાઈ બાવાની(જેતપુર),ડો.મુમતાઝ શેરસીયા (વાંકાનેર) , શ્રી સુલેમાન સંધાર(ગેબનશાહ પીરના ટ્રસ્ટી) જેવા ઘણા નામો હજુ આમા ઉમેરી શકાય.જેમણે રાજકોટ શહેર અને જીલ્લાની આન અને શાનમાં અભિવૃદ્ધિ કરી છે. પરંતુ લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી અત્રે થોડાક જ નામો મૂકી શકાયા છે. ઉલ્લેખ ન થઈ શકેલ એ સૌ મુસ્લિમ પ્રતિભાઓને નત મસ્તકે સલામ સાથે વિરમીશ.

Monday, June 14, 2010

મારી જેલ યાત્રા : ડો.મહેબૂબ દેસાઈ

૯ જુનના રોજ ગુજરાતના જેલ અધિકારી શ્રી પી.સી.ઠાકુરસાહેબના આગ્રહથી મને સાબરમતી જેલના કેદીઓ સમક્ષ વાત કરવાની તક સાંપડી. જેલ કાર્યાલયમાં સ્થાનિક જેલ અધિકારી ચોધરી સાહેબે મારું સ્વાગત કર્યું. એ પછી જેલ સુરક્ષાના ભાગ રૂપે સૌ પ્રથમ મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. પછી ચોધરી સાહેબ મને એક મોટા ખંડમાં લઈ ગયા. લગભગ ૨૦૦ જેટલા કેદીઓ શિસ્તબધ રીતે હોલમાં બેઠા હતા. ચોધરી સાહેબે મારો ટૂંકો પરિચય આપ્યો અને મેં કવિ કલાપીના કાવ્ય,

“રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરીયું છે.
પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્ય શાળી બને છે.”

ની પંક્તિથી મારા વ્યાખ્યાનનો આરંભ કર્યો. વ્યાખ્યાન દરમિયાન હું દરેક કેદીના ચહેરા પર નજર નાખતો હતો . ત્યારે મને તેમના ચહેરા પર મારા શબ્દોની અસર વર્તાતી લાગતી. જેલ એ પ્રાયશ્ચિતનું ધામ છે. એવું મારુ વિધાન કેદીઓના ચહેરા પર ઝીલાતું મેં અનુભવ્યું. વ્યાખ્યાન પછી પ્રશ્નોત્તરી કરવાનો મેં આગ્રહ કર્યો ત્યારે મને તાદ્રશ્ય જોવા મળ્યું કે જેલમાં કેટલાય ઉચ્ચ શિક્ષણ પામેલ કેદીઓ છે. એક ભાઈ સ્નાતક હતા. એક ભાઈ યુનિવર્સીટીના સેનેટ સભ્ય હતા. એક ભાઈ વકીલ હતા. તેમના વ્યવહાર કે વર્તનમાં મને ક્યાય અસામાજિક તત્વ જેવો અણસાર સુદ્ધ ન લાગ્યો. અને ત્યારે મેં અનુભવ્યું કે આવેગ કે ઉશ્કેરાટની એકાદ નબળી પળને કારણે જ તેમને અત્રે આવવું પડ્યું છે. એ પળ તેમણે ગુસ્સાને સાચવી લીધો હોત તો આજે તેઓ સમાજના પ્રતિષ્ઠિત નાગરિક હોત. ગુસ્સો સૌને આવે છે પણ કોઈ તેને પચાવી લે છે. કોઈ તેને પી જાય છે. જયારે કોઈ ગુસ્સો આવે છે ત્યારે રામ રામ કે અલ્લાહ અલ્લાહ રટવા લાગે છે.પણ આ શિક્ષિત નાગરિકોએ એક પળ માટે આવેલા એ ગુસ્સાને હિંસક માર્ગે અભિવ્યક કર્યો. પરિણામે તેમને કેદી બનવું પડ્યું. પણ છતાં તેમનામાં પડેલ માનવી હજુ જીવંત હતો. જે તેમની રજૂઆતથી હું અનુભવી રહ્યો હતો. તેમણે જેલ જીવનની સમસ્યાઓ અંગે અત્યંત શિષ્ટ ભાષામાં પ્રશ્નો કર્યા.પણ તેમના એ પ્રશ્નોનો મારી પાસે કોઈ જ ઉકેલ ન હતો.અલબત્ત ચોધરી સાહેબે તેમને અત્યંત સૌમ્ય રીતે જવાબો આપ્યા. એકાદ કલાકનું વ્યાખ્યાન પૂર્ણ થયા પછી મેં જેલ અધિકારી શ્રી ચોધરી સાહેબને કહ્યું,

“ગાંધીજી અને સરદાર પટેલ જે કોટડીમાં રહ્યા હતા તે જોવાની મારી ઈચ્છા છે”

તેઓ મને સહર્ષ તે તરફ દોરી ગયા. સૌ પ્રથમ અમે સરદાર યાર્ડમાં ગયા. સરદાર પટેલ જે કોટડીમાં કેદ હતા, તેમાં પગરખા ઉતારી હું પ્રવેશ્યો. ટેબલ પર સરદારની છબી રાખી હતી.તેની બાજુમાં સરદારે જેલમાં ઉપયોગમાં લીધેલા વાસણો પડ્યા હતા. એક પળ હું આંખો બંધ કરી એ કોટડીમાં ઉભો રહ્યો. જાણે સરદાર પટેલની સુવાસ એ કોટડીમાં હું અનુભવી ન રહ્યો હોઉં. એ પછી અમે ગાંધીજી જે કોટડીમાં
રહ્યા હતા, ત્યાં ગયા. ગાંધીજીની સુંદર પ્રતિમા ઓરડાની બરાબર વચ્ચે રાખવામાં આવી હતી. તેની બાજુમાં ગાંધીજીનો મોટા ચક્રવાળો રેટિયો પડ્યો હતો. ચોધરી સાહેબે મને માહિતી આપતા કહ્યું,

“ગાંધીજી જેલમાં આ રેંટિયાથી કાંતતા હતા” હું ગાંધીજીની પ્રતિમા અને રેંટિયાને તાકી રહ્યો. જયારે મારું મન એ યુગમાં વિહરી રહ્યું હતું, જયારે ગાંધીજી આ રેંટિયા પર કાંતતા હતા. એક પળ હું આંખો બંધ કરી એ દ્રશ્યને કલ્પી રહ્યો. પછી કોઈ સંતની દરગાહમાંથી બહાર નીકળતો હોઉં તેમ પાછા પગલે કોટડીમાંથી બહાર આવ્યો. ચોધરી સાહેબ હવે મારી પસંદ નાપસંદને સમજવા લાગ્યા હતા. એટલે બોલ્યા,
“સામેની કોટડીમાં રવિશંકર મહારાજને રાખવામાં આવ્યા હતા” મારા માટે તો આ બોનસ સમાન સમાચાર હતા. મેં તુરત એ તરફ કદમો મળ્યા. એ કોટડીમાં રવિશંકર મહારાજના બે એક પુસ્તકો બાજઠ પર મુક્યા હતા. પગરખા ઉતારી હું અંદર પ્રવેશ્યો. ત્યારે પણ મને તેમાં સરદાર અને ગાંધીજીની કોટડી જેવીજ સુવાસનો અનુભવ થયો.

ત્યાંથી ચોધરી સાહેબ મને શ્રી પી.સી.ઠાકુર સાહેબ પાસે લઈ ગયા. ત્યારે ઠાકુર સાહેબ ફોન પર કોઈકની સાથે વાત કરી રહ્યા હતા.
“ ભેંસમાં પણ જીવ હોઈ છે. તેને પણ દર્દ થાય છે. ત્રણ પગે ચાલતી ભેંસને જોઈને જ મને તો કઈંક થાય છે. તમેં કોઈ સારા ઓર્થોપીડીકને તાત્કાલિક બોલાવી તેની સારવાર કરાવો”

હું આશ્ચર્ય ચહેરે તેમની વાત સંભાળી રહ્યો. મારા ચેહરાની રેખાઓને પામી જતા તેઓ બોલી ઉઠ્યા,

“દેસાઈ સાહેબ, જેલની ગૌશાળામાં એક ભેંસનો પગ ભાંગી ગયો છે. મને તો તેની ખબર જ નહીં. પણ અચાનક એક દિવસ તે મારી સામે આવી ઉભી રહી ગઈ. જાણે મને પૂછતી ન હોઈ કે માત્ર જેલના માનવ કેદીઓનું જ ધ્યાન રાખવાનું તમારુ કામ છે ? ને હું અંદરથી ધ્રુજી ગયો મેં તાત્કાલિક તેનો ઈલાજ કરવાનો આદેશ આપ્યો. જેલના અધિકારીએ ઢોર દાક્તર પાસે સારવાર કરાવી.પણ તેથી કોઈ ફેર પડ્યો નહિ. એટલે મેં કોઈ સારા ઓર્થોપીડીકને તાત્કાલિક બતાવવા કહ્યું.”

મેં ઠાકુર સાહેબની સામેની ખુરસીમાં સ્થાન લીધું ત્યારે મારા હ્રદયમાં એક જ પ્રાર્થના વારંવાર ઉદ્ભવી રહી હતી “દરેક માનવીની માનવતા આટલીજ પ્રજ્વલિત થાય તો જેલોની સમાજમાં જરૂરજ ન રહે-આમીન”