“રાહે રોશન”ના નિયમિત વાચક રણુજના મહંતશ્રી રાજેન્દ્રગીરીજીનો એક દિવસ ફોન આવ્યો. તેમણે મને સૂફી સાહિત્યમાં વારંવાર વપરાતા બકા બિલ્લાહ ફના ફિલ્લાહ શબ્દોનો અર્થ પૂછ્યો. મેં તેમને કહ્યું તક મળ્યે તે અંગે જરૂર લખીશ. આજે એ બન્ને શબ્દો મારા મનમાં રમી રહ્યા છે. સૂફી સાહિત્યમાં એ બન્ને શબ્દો અત્યંત પ્રચલિત છે. ખુદાને પામવાના માર્ગ તરીકે આ શબ્દોનો વારંવાર ઉપયોગ સૂફીઓ કરે છે. તેમાનો એક શબ્દ બકા બિલ્લાહ છે. બકા બિલ્લાહ શબ્દ આમતો ફારસી ભાષાનો છે અને તે બે શબ્દોના સમન્વયથી બન્યો છે. બકા + અલ્લાહ = બકા બિલ્લાહ. બકા એટલે કાયમ સાથે રહેવું. બિલ્લાહ એટલે અલ્લાહ. અર્થાત અલ્લાહ સાથે કાયમ રહેવું. સૂફી સાધકો સાધનાના અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે તે ખુદાના આશિક કે પ્રેમી ન રહેતા, ખુદ ઈશ્ક કે પ્રેમ બની જાય છે. શેખ ઝકરિયા (ર.અ.) આ સ્થિતિને સ્પષ્ટ કરતા લખે છે,
“ધગધગતી આગમાં લોખંડ જેમ પોતાનું અસ્તિત્વ ગુમાવી અગ્નિ બની જાય છે, તેમ જ ખુદાના ઈશ્કમાં સૂફીસંત ખુદ ઈશ્ક બની જાય છે. તે સાધન મટી સાધ્ય બની જાય છે”
ટૂંકમાં બકા લિલ્લાહ એટલે જેમાં સૂફી પોતાનુ સમગ્ર અસ્તિત્વ ખુદાના પ્રેમમાં ઓગળી નાખે છે. ખુદાના પ્રેમમાં પોતાને સંપૂર્ણ ઢાળી નાખે છે. એ માટે અહંકાર,માયા મોહનો તે ત્યાગ કરે છે. અને ઈશ્કની એવી પરાકાષ્ટાએ પહોંચે છે જ્યાં તે ખુદ ઈશ્ક બની જાય છે. આ સ્થિતિમાંથી સફળ રીતે પસાર થનાર સૂફી સાથે ખુદાનું મિલન(વિસાલ) થાય છે. હિંદુ શાસ્ત્રોમાં આ સ્થિતિને મોક્ષ કહે છે. જો કે આ અવસ્થા દરેક સૂફીને પ્રાપ્ત થતી નથી.
બીજો શબ્દ છે ફના ફિલ્લાહ. આ પણ ફારસી ભાષાનો શબ્દ છે અને તે પણ બે શબ્દોનો બનેલો છે. ફના + ફિલ્લાહ = ફના ફિલ્લાહ. ફના એટલે નાશ પામવું , અશાશ્વતપણું , સંપૂર્ણ વિનાશ. પણ અહિયા ફના શબ્દ નકારાત્મક અભિગમથી નથી વપરાયો.પોતાના અસ્તિત્વને માત્રને માત્ર અલ્લાહના નામે ફના કરી દેવું એટલે ફના ફિલ્લાહ. આ દશા પર પહોંચવું કોઈ પણ સૂફી માટે કપરું છે. કારણકે આ સ્થિતિમાં પહોંચતા પૂર્વે ચાર તબક્કોમાંથી સૂફીએ પસાર થવું પડે છે. પ્રથમ તબક્કાને “ફના ફીશશય” કહે છે. એટલે કે સૂફીએ સૌ પ્રથમ કોઈ વ્યક્તિના ઈશ્કમાં લીન થવાનો આરંભ કરવો જોઈએ. જેને ઈશ્કે મિજાજી કહે છે.
આ અંગે ફારસી શાયર અને સૂફીસંત મુલ્લા નુરુદ્દીન જામી તેમની મસ્નવી “યુંસુફો ઝુલેખા”મા લખે છે,
“ઈન્સાની પ્રેમથી તું તારું મુખ ન મોડ. જો કે એ સાચો પ્રેમ નથી. પણ એ સાચા પ્રેમની તૈયારી છે.પાટી ઉપર અલેફ બે તે નહિ ઘૂંટો તો કુરાન કેવી રીતે વાંચી શકશો”
સૂફીઓ સ્પષ્ટ રીતે માને છે કે ઈશ્કે મિજાજી(ઈન્સાની પ્રેમ) પણ જરૂરી છે તેના વગર ઈશ્કે હકીકી(ખુદા પ્રત્યેના પ્રેમ)નું ગીત ગાવું પાખંડ છે.
એ પછી બીજા તબક્કાને “ફના ફીશશૈખ” કહે છે. જેમાં સૂફી પોતાના ગુરુ, મુરશીદ કે પીરને પોતાની જાતને સોંપી દે છે. અને ગુરુના પ્રેમ કે ઈશ્કમાં તે લીન થઈ જાય છે. આ સ્થિતિમાંથી સૂફી સફળ રીતે પાર ઉતરે પછી તે ત્રીજા તબક્કામાં પ્રવેશે છે. ત્રીજા તબક્કાને “ફના ફિરરસુલ” કહે છે. હઝરત મોહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના પ્રેમમાં પોતાના સમગ્ર અસ્તિત્વને ઢાળી દેવાની અવસ્થાને “ફના ફિરરસુલ” કહે છે. સૂફીના જીવનમાં મોહંમદ સાહેબના જીવનનું પ્રત્યાયન થવું આમા અત્યંત જરૂરી છે. અર્થાત સૂફીના દરેક જીવન કાર્યમાં મોહંમદ સાહેબના આચાર વિચાર અને વર્તન શરીર પરની ચામડી જેમ વણાય જવા જોઈએ. અને તો જ ખુદાને ઈશ્ક બની ચાહી શકાય, આ તબક્કામાં સૂફી મોહંમદ સાહેબને પોતાના અસ્તિત્વ કરતા પણ વિશેષ ચાહવા લાગે છે. આ અવસ્થામાંથી સફળ રીતે પાર ઉતરનાર જ છેલ્લા તબક્કા “ફના ફિલ્લાહ”મા પ્રવેશે છે. અલ્લાહના રસુલના ઈશ્કમાં જે ઇન્સાન ફના થઈ શકે તે જ પોતાને ખુદાના ઈશ્કમાં ફના કરી શકે છે. ફના થવાની આ અવસ્થા જીવન મુક્તિ છે. સૂફી સાધના પદ્ધતિના આ માર્ગે ચાલનાર અનેક સૂફી સંતો થઈ ગયા. પણ ફના ફીલ્લાહના અંતિમ ચરણ સુધી પહોંચવાનું સદભાગ્ય તો કોઈકને જ સાંપડ્યું છે. કારણ કે કવિ ગેમલદાસે કહ્યું છે તેમ,
“હરિનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
પરથમ પહેલા મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને
સુત વિત દારા શિસ સમરપે , તે પામે રસ પીવા જોને ,
સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરજીવા જોને”
સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મમાનંદ સ્વામી પણ એવું જ કહ્યું છે,
“રે શિર સાટે નટવરને વરીઈ
પાછા તે પગલા નવ ભરીયે”
ટૂંકમાં બકા બિલ્લાહ ફના ફિલ્લાહની અવસ્થા એ કોઈ સામાન્ય માનવીના બસની વાત નથી. એ માટે સંપૂર્ણ ફના થઈ ખુદાને પ્રેમ કરવો પડે છે.
No comments:
Post a Comment