Monday, December 7, 2009

સૂફીસંત કમાલ : ડૉ. મહેબૂબ દેસાઈ


સંત શિરોમણી કમાલ

ડો. મહેબૂબ દેસાઈ


કબીરનો પુત્ર કમાલ પણ કબીરના માર્ગે ચાલ્યો હતો.બલ્કે કબીર કરતા બે કદમ આગળ હતો.
ઓશો કહે છે,
" કબીર સાધુ હતા, તો કમાલ સંત હતા."
સાધુ અને સંત વચ્ચેનો ભેદ પાતળો છે. પણ પામવા જેવો છે. સાધુ સંસારથી પર નથી. તે તેનો મૂળ ધર્મનો પાલક છે.સાધુ દિવસભર ધર્મકાર્યમાં રત રહે છે. પણ રાત્રે વિવશ થઈ જાય છે. સંત દિવસ રાત ઈશ્વર-ખુદાની યાદમાં લીન રહે છે.અલબત્ત કબીરની સાધુતા પરમ હતી.સંતને પણ શરમાવે તેવી હતી.એકવાર કાશી નરેશે કબીરને કહ્યું,
" કમાલને સમજવો મુશ્કેલ છે. ક્યારેક તો તે આમ ઇન્સાન જેમ વર્તે છે "
" આવું તમને કેવી રીતે લાગ્યું ?"
કાશી નરેશ કહ્યું,
“એક દિવસ હું એક બહુમુલ્ય હીરો લઇને તેમની પાસે ગયો. અને તેમને આપ્યો. તેમણે તે સ્વીકારી લીધો અને મને ઝૂંપડીની છતમાં મૂકી દેવા કહ્યું"
થોડીવાર મૌન રહી કાશી નરેશ બોલ્યા,
" ચોક્કસ એ હીરો બજારમાં વેચાઈ ગયો હશે "
કબીર તેમની વાત સાંભળી રહ્યા.પછી કાશી નરેશની સામે જોઈ બોલ્યા,
"તમે એક વાર જઈને તપાસ તો કરો કે હીરાનું શું થયું ?"
કાશી નરેશ કમાલ પાસે પહીંચી ગયા અને પૂછ્યું,
"પેલો હીરો મેં આપની ઝુપંડીની છતમાં ખોસ્યો હતો તે ક્યાં છે ?"
કમાલ કાશી નરેશનો પ્રશ્ન સંભાળી મલકાય પછી બોલ્યા,
"તે ઝૂંપડીની છતમાં જ્યાં ખોસ્યો હતો ત્યાં જોઈ લે "
અને કાશી નરેશે જ્યાં હીરો ખોસ્યો હતો તે જગ્યાએ હાથ નાખ્યો. હીરો ત્યાં જ હતો. અચરજ નજરે તેઓ કમાલને જોઈ રહ્યા.પણ કમાલે બંધ આંખે જ કહ્યું,

“મેં તને પહેલા જ કહ્યું હતું, આ પથ્થરને ઊંચકીને અહીં શું કામ લાવ્યો છે? અને લાવ્યો છે તો ઊંચકીને પાછો લઈ જવાની જહેમત શું કામ કરે છે ? અહિયાં જ ક્યાંક ઝુંપડીની છતમાં ખોસી દે. પથ્થર ગમે ત્યાં પડ્યો રહે શો ફેર પડે છે."

અને પુનઃ સંત કમાલ ખુદા-ઈશ્વરની યાદમાં લીન થઈ ગયા.

No comments:

Post a Comment