Friday, September 18, 2009

વિજ્ઞાન અને ઇસ્લામ ડો. મહેબૂબ દેસાઈ

કુરાન-એ-શરીફ એ દરેક વિષયને આવરી લેતો ગ્રંથ છે. એ નાતે તેમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો પણ ઠેર ઠેર ઉલ્લેખ જોવા મળે છે. આ અંગે વિશ્વમાં વારંવાર વિશદ ચર્ચાઓ થતી રહી છે. ફ્રાંસની આયુર્વેદ વિજ્ઞાન અકાદમીમાં 9 નવેમ્બર 1976ના રોજ "કુરાનમાં શરીર વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર " અંગે વિસ્તુત સેમીનાર થયો હતો. એ સેમિનારમાં ડો. મોરીસ બુકેલએ "કુરાનમાં વિજ્ઞાન અને પ્રજનન " વિષય પર પોતાનું સંશોધનપત્ર રજુ કર્યું હતું. વિશ્વમાં થતી આવી ચર્ચાઓ એ બાબત તરફ નિર્દેશ કરે છે કે કુરાને શરીફમાં જીવન જીવવાની કલા સાથે વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો પણ આધારભૂત તથ્યો સાથે જોવા મળે છે. સૃષ્ઠીના સર્જનના વૈજ્ઞાનિક અભિગમને વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
"તમારા પાલનહાર અલ્લાહે આ ધરતી અને આકાશનું સર્જન છ દિવસમાં કર્યું છે."
ધરતી અને આકાશની પૃથ્વીના સર્જન પૂર્વેની સ્થિતિનો ચિતાર આપતા એક આયાતમાં કહેવામાં આવ્યું છે,
"શું નાસ્તિકો નથી જાણતા કે ધરતી અને આકાશ પહેલાં પરસ્પર મળેલા હતા અને પછી ખુદાએ તેને અલગ અલગ કર્યા"
ધરતી અને આકાશનું સર્જન કરનાર ખુદાએ ધરતી અને આકાશની સમગ્ર દુનિયાનું એ પછી સર્જન કર્યું હતું . એ અંગે પણ કુરાને શરીફમાં કહ્યું છે,
" જેણે આકાશ અને ધરતી ને બનાવ્યા , તેણે જ ધરતી અને આકાશ વચ્ચે સમગ્ર સુર્ષ્ઠીનું સર્જન છ દિવસમાં કર્યું છે.

પૃથ્વીના સર્જન પછી રાત અને દિવસના ચક્રને વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહ્યું છે,
"અને તે ખુદા જ છે જેણે રાત અને દિવસ બનાવ્યા છે. સૂર્ય અને ચન્દ્ર સૌ નભમંડળમાં તરી રહ્યા છે અને એ પ્રત્યેક એક એક મંડળ (ગ્રહ) છે."
પૃથ્વીના સર્જન પછી ઉત્પન થયેલ જીવસૃષ્ટીની પ્રક્રિયાને કુરાને શરીફની સુર અજ જુમરમાં વ્યક્ત કરતા કહ્યું છે,
"શું તમે નથી જોયું કે ખુદા - ઈશ્વરે આકાશમાંથી મેહ વરસાવ્યા. અને પછી ધરતી પર ધારાઓ (નદીઓ)
ચલાવી અને પછી તેના દ્વારા વિભિન્ન પ્રકારની ખાદ્ય વસ્તુઓ અને જીવ ઉત્પન કર્યા?"
આજ વાત ને જરા સરળ રીતે રજુ કરતા એક આયાતમાં કહ્યું છે,
" એજ ખુદા છે જેણે તમારા માટે ધરતીની પથારી બનાવી છે. તેમાં રસ્તાઓ બનાવ્યા છે.આકાશમાંથી
પાણી વરસાવ્યું છે. અને તેના દ્વારા તેણે વૃક્ષોના જોડાઓ બનાવ્યા છે. જે એકબીજાથી બિલકુલ ભિન્ન છે."
જેમ સૃષ્ઠીના સર્જન અંગે કુરાને શરીફમાં આયાતો છે, એમ જ માનવીના સર્જનની પ્રક્રિયા પણ તેમાં વ્યક્ત કરવામાં આવી છે. કુરાને શરીફમાં માનવશરીરના સર્જન માટે સ્ત્રીના ગર્ભમાં રોપાતા બીજને "અલક" કહ્યું છે. અને એ અંગે વિગતે આયાતમાં કહેવામાં આવ્યું છે ,
" પછી અમે (ખુદા-ઈશ્વર)એ “અલક” ને બીજારોપણની ક્ષમતા પ્રદાન કરી , પછી એ બીજ પર ધીમે ધીમે માંસનંા સ્થાપન કર્યું પછી માંસની આસપાસ હાડકાનું સર્જન કર્યું અને પછી અમે એ માંસ અને હાડકાઓને એક નિશ્ચિત રૂપ આપ્યું . આમ અમે માનવીનું સર્જન કર્યું."
કુરાને શરીફમાં પૃથ્વીના સર્જનથી માંડીને માનવીના સર્જન સુધીની આજથી ૧૪૦૦ વર્ષ પહેલા વ્યક્ત થયેલી આ આયાતો કુરાને શરીફના વેજ્ઞાનિક આભિગમને વ્યક્ત કરવા પુરતી છે.

No comments:

Post a Comment