Monday, July 2, 2018

સૂફી લતીફ શાહની રહસ્યમય રચનાઓ : ડૉ.મહેબૂબ દેસાઈ


સિંધના સૂફી સંત લતીફ શાહ (૧૬૮૯-૧૭૫૨) તેમની આધ્યત્મિક રહસ્યવાદી રચનાઓ માટે જાણીતા છે. આજે રહસ્યવાદી કવિઓમા શિરમોર સમા લતીફ શાહની કેટલીક અદભૂદ રચનાઓની વાત કરવી છે.
 “તમારા હદયપ્રદેશમાં
 ‘અલીફ’ (અલ્લાહ)નો ખેલ ચાલતો રહે
 તેથી તમે તમારી કોરી વિદ્વતાની
 અર્થવિહીનતા મિથ્થ્યાભિમાનનું ભાન થશે
 તમને એ ચોક્કસ સમજાશે કે
 જીવન પ્રત્યે પવિત્ર દ્રષ્ટિથી જોવા માટે
 એક માત્ર અલ્લાહનું નામ પર્યાપ્ત છે.
 જેમના હદયમાં તીવ્ર ઈચ્છા છે
 તેઓ એ જ (જીવન) પૃષ્ઠ વાંચશે
 જેના પર તેમને પ્રિયતમાના દીદાર થશે”
દરેક મઝહબમા ઉપવાસ અને પ્રાર્થનાનું મહત્વ છે. એ અંગે લતીફ શાહ લખે છે,
“ઉપવાસ અને પ્રાર્થનાઓ ! ચોક્કસપણે
 તેઓ પોતાનું મહત્વ ધરાવે છે જ ;
 તેમ છતાં પ્રિયતમાના દીદાર કરવા માટે
 એક બીજી પણ રોશની છે
 એ રોશની એટલે પ્રેમભાવની રોશની”
 એક ગોવાલણે બીજીને કહ્યું,
“હૂં તો મારા પ્રેમીને ઘણીવાર મળી, તું તારા પ્રેમીને કેટલીવાર મળી ?”
બીજીએ ઉત્તર આપ્યો,
“પોતાના પ્રેમીને કેટલીવાર મળવાનું થયું તેનો હિસાબ શા માટે રાખવો જોઈએ ?”
અને શાહ લતીફના હદયમાંથી શબ્દો ફૂટી પડ્યા,
“એમના દેહ છે જપમાળા,
 મન છે એમના મણકા,
 એમના હદય છે વીણા
 તું હી તું તું હી તુંનું અંતર્ગાન
 એવા (મહાત્માઓ) કે જેની નિંદ્રા પણ પ્રાર્થના બની છે
 તેઓ ઊંઘમા પણ જાગૃતિમા હોય છે”
એક વખત તેઓ રસ્તાની બાજુમાં બેઠા હતા. થોડા યાત્રિકો મક્કા તરફ જતા હતા. એ વખતે એમના હદયમાં પણ તેમની સાથે મક્કા જવાની ઈચ્છા થઈ. એ જ વખતે એમણે તરસ્યા ઘેટા બકરાનું ટોળું જોયું. એ ટોળાએ બાજુના ઝરણાના સ્વચ્છ, પારદર્શક પાણીમાં પ્યાસ બુઝાવી અને પાણી પી લીધા પછી જેણે સંતોષ આપ્યો હતો તે ઝરણા સામે આભારનો દ્રષ્ટિપાત કર્યા વિના જ એ ટોળું ચાલવા લાગ્યું. ત્યારે શાહ પોકારી ઉઠ્યા,
“કદાચ આ જન્મ હું તને શોધ્યા કરીશ, શોધ્યા જ કરીશ
 પરંતુ કદાચ હું તને કદીએ ન મળું.”
રાજ્યના શાહી કુટુંબની પુત્રી બીમાર પડી. લતીફ શાહ પિતાની આજ્ઞા મુજબ તેની સારવાર માટે ગયા અને તેના પ્રેમમાં પડી ગયા. રાજકુમારીના પિતાએ તે પ્રેમનો ઇનકાર કર્યો. અને લતીફ શાહનું મન ભાંગી ગયું. તેઓ વર્ષો સુધી જંગલ જંગલ ભટકતા રહ્યા. અને સતત વિસ્મયમા ડૂબતા ગયા. એ જ વિસ્મય અવસ્થામાં તેઓ પોકારી ઉઠ્યા,
“કમળના મૂળ તો તળિયામાં પથરાયેલા હોય છે
 અને મધમાખી તો નીવાસીની છે આકશની –
 (તેમ છતાં) ધન્ય છે એ પ્રેમ જે એ બંનેને જોડી દે છે
 ગહરાઈની ગહનતામાં હંસ વસવાટ કરે છે
 જો તું એ ઊંડાણ પર એક વખત
 પ્રેમભરી દ્રષ્ટિ કરીને હંસને નિહાળશે
 તો તું કયારેય પછી બીજા પક્ષીઓ
 જોડે નહિ જ રહી શકે.”
ગુરુનું વર્ણન કરતા લતીફ શાહ કહે છે,
“યોગી આનંદની પરાકાષ્ટા (સમાધિ)માંથી બહાર આવ્યા
 ગુરુ પૂર્ણ ચંદ્રના તેજે જાણે વીંટળાયેલા હતા.
 એમની સુગંધે પૃથ્વીના કણે કણને ભરી દીધા
 એમનો ચહેરો જાણે ઉગતા સૂર્ય સમાન હતો
 એમના મસ્તક પરની પાધ જાણે વાદળામાં
 વીજળી ચમકે તેમ ચમકતી હતી
 તેઓ મને એ નિવાસે દોરી ગયા જ્યાં
 સૌંદર્યને ઝંખતા હદયો પર પ્રકાશની વર્ષા થાય છે.”
લતીફ તેમના ગીતોમાં માનવીય અને ઈશ્વરી પ્રેમના ગુણગાન કરે છે. તેઓ માને છે કે ઈશ્વરીય પ્રેમ પામવા માટે માનવીય પ્રેમ પગથીયા રૂપ બને છે. તેમણે આવા રહસ્યમય ગીતો જ નથી લખ્યા, પણ તેમની કવિતાઓ પણ ભારે ઉપદેશક છે. તેઓ લખે છે,
“શું તું પોતાની જાત ને પતંગિયું કહે છે !
 તો પછી આગને જોઇને પીઠ ન ફેરવતો ;
 પૂછ પરવાનાને, જલી જવું એટલે શું,
 આ આગે ઘણાને ભસ્મી ભૂત કર્યા છે
 આ આગમાં હોમી દે પોતાની જાત ને
 આનંદો ! આનંદો તમે !
 આનંદ સમાધી તો દેખતાને થાય
 આંધળાને આનંદસમાધિ વળી કેવી ?
 તેઓએ આનંદ ખરીદી લીધો છે
 અને તેને તેઓ હંમેશા પોતાની સાથે રાખે છે
 આ સ્થિતિ શબ્દની પેલે પારની છે
 તેઓની નજર જો પોતાના શત્રુ પર પડે છે
 તો તેઓ તેનામાં પણ પ્રિયતમના દર્શન કરે છે.”

આવા રહસ્યમય ગીતો અને કાવ્યોના સર્જક જ વિચારોમાં ચમત્કાર સર્જે  છે. કારણ કે રહસ્યવાદી કવિઓ દિવ્ય બજવૈયાના હોઠ વચ્ચેની વાંસળી જેવા છે.


2 comments:

  1. જિગર મુરાદાબાદીની નાઅત શરીફ નુ ભાવાનુવાદ

    ચમન માં ખૈરૂલવરાં ના આગમન ની જયારે ખબર
    પડી ગઈ.
    સુષુપ્ત રહેલી ફૂલમહી સુગંઘ ચોમેર પ્રસરી ગઈ.

    કોણ છે સૃષ્ટિ સજૅન નું નિમિત
    કોઈ નથી પણ હૂઝુર આપ છો.

    આબિદ અને માબૂદનો મઘ્યસ્થી આજ પણ
    કોઈ નથી પણ હૂઝુર આપ છો.

    સૂયૅ ચંદ્ર, આકાશી અવતરિત ગ્રંથ આપના
    ઈન્દ્રધનુષી રંગો થી સુશોભિત છે પગલાના નિશાન આપના

    જળથલની ભવ્યતા, નભોમંડળની ચમક દમક
    કોઈ નથી પણ હૂઝુર આપ છો.

    વહીના અવતરણનું કેન્દ્ છે આપની જાત
    કુરાનના હોઠોંથો સ્ફૂરે છે આપની વાત.

    પ્રત્યેક ઈબાદત નું પ્રાણ, પ્રત્યેક ઈશ્વરી સંદેશ માં નિહિત
    કોઈ નથી પણ હૂઝુર આપ છો.

    જ્ઞાન વિનય વિવેકની દેણ આપની
    વાત કરતો નથી રદ ખુદા આપની.

    હ્રદયના ઘબકારમાં નિહિત, અનુમાન થી પર
    કોઈ નથી પણ હુઝુર આપ છો.

    આપ નું પ્રત્યેક કમૅ, આપનો હુસ્નોસૂલૂક
    જે નિશ્ચત કરે છે ધોરણ માનવતા નું

    કર્મના બદલાના દિવસે હોઠોં પર કોનું નામ આવશે
    કોણ મહશર ના મેદાન માં કામ આવશે.

    આપની ગુફતુગુ ની જુઓ તો અસર
    અજ્ઞાની પણ જ્ઞાની થઈ ગયા બહેતર.

    કોણ છે જગમાં કે જેણે અજિૅત કયુૅ હોય અવણિૅત સન્માન
    કોઈ નથી પણ હૂઝુર આપ છો.

    ReplyDelete
  2. Assalamu alykum
    Respected sir
    I always read your RAHE ROSAN. I like so much it's learning me lot's of things Thank you so much sir.
    Allha bless u very healthy life.
    Amin
    Summaamin.

    ReplyDelete