Sunday, July 2, 2017

રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માનું કુરાને શરીફ પરનું કાવ્ય : ડૉ. મહેબૂબ દેસાઈ



ભારતના નવમાં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (૧૯૧૮-૧૯૯૯)એ ૩૫ વર્ષ પૂર્વે એક કાવ્ય લખ્યું હતું. પ્રકૃતિ, પ્રેમ કે કલ્પના પર ન લખાયેલ એ કાવ્ય ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ પર લખ્યું હતું. આજે પાંત્રીસ વર્ષો પછી પણ શંકર દયાલ શર્માનું એ કાવ્ય ઇસ્લામના અનુયાયીઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે. ભોપાલમા જન્મેલ શંકર દયાલ શર્મા ૧૯૯૨ થી ૧૯૯૭ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂકયા હતા. બહુશ્રુત વિદ્વાન શંકર દયાલ શર્મા ભોપાલના મુખ્ય મંત્રી અને કેન્દ્ર સરકારમાં વાણિજય મંત્રી (૧૯૭૪-૧૯૭૭) પણ રહ્યા હતા.
મહાત્મા ગાંધીના વિચારોમા અતુટ શ્રધ્ધા ધરાવનાર ડૉ શર્મા ભારતીય જીવન મુલ્યોના ઊંડા અભ્યાસુ હતા. સાદગી અને સર્વધર્મ સમભાવથી ભરેલું તેમનું જીવન લોકો માટે પ્રેરણા રૂપ હતું. આજે રાષ્ટ્રપતિની ચુંટણીના ગરમ વાતાવરણમાં બહુ ઓછા ઉપ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભારતના ઇતિહાસમાં એવા છે જેઓ ચુંટણી વગર સર્વ સંમતિથી રાષ્ટ્રપતિ કે ઉપ રાષ્ટ્રપતિ બન્યા હોય. એમા ડૉ. શર્માનો સમાવેશ થાય છે. ડૉ. શર્મા, ડૉ. રાધાકૃષ્ણ અને એમ. હિદાયતુલ્લાહ સર્વ સંમતિથી ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. આવા બહુશ્રુત વિદ્વાન ડૉ. શર્માએ ભારતના મુસ્લિમો માટે કુરાન શરીફ પર એક સુંદર કાવ્ય લખ્યું હતું. જેમાં તેમની ભારતના મુસ્લિમોની કુરાન એ શરીફ પ્રત્યેની બદલાયેલી પ્રતિક્રિયા સદુઃખ વ્યક્ત થયા છે. તેમની રચનમાં શબ્દોની સરળતા સાથે વિચારોની ગહનતા દરેક વાચકને સ્પર્શી જાય તેવા છે. આ કાવ્યની દરેક પંક્તિમા મુસ્લિમ સમાજ માટે સુંદર હિદાયત અર્થાત શીખ જોવા મળે છે.

કાવ્યનું મથાળું છે,  
એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

આમલ કી કિતાબ થી
 દુવા કી કિતાબ બના દિયા

સમઝને કી કિતાબ થી
પઢને કી કિતાબ બના દિયા

જીન્દો કા દસ્તુર થા
મુર્દો કા મન્સુર બના દિયા

જો ઇલ્મ કી કિતાબ થી
ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા

'તસ્ખીર-એ-કાયનાત' કા દર્સ દેને આઈ થી  
સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા

મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી
મુર્દો કો બક્ષવાને પર લગા દિયા

એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

ઉપરોક્ત કાવ્ય એ મુસલમાનો તમે આ શું કર્યું ? ની એક એક પંક્તિ વિચાર માંગી લે તેવી છે. સૌ પ્રથમ પંક્તિમાં કહ્યું છે,
આમલ કી કિતાબ થી
 દુવા કી કિતાબ બના દિયા
અર્થાત કુરાને શરીફ આમલ કે આચરણનો ગ્રંથ છે. જેમાં આપવામાં આવેલ દરેક હિદાયતો( ઉપદેશો) ને મુસ્લિમે પોતાના જીવનમાં આચરણમાં મુકવાની છે. પણ એ મુસ્લિમો, તમે તો કુરાને શરીફને માત્ર દુવા-પ્રાર્થના કરવાનું પુસ્તક બનાવી દીધું છે. તેના ઉપદેશો તમારા જીવનમાં તમે અમલમાં નથી મુક્યા. બીજી કડીમાં ડૉ. શર્મા કહે છે,
સમઝને કી કિતાબ થી
પઢને કી કિતાબ બના દિયા
અર્થાત કુરાને શરીફનું પઠન કે અધ્યન સમજીને કરવાનું છે. તેની દરેક આયાતનો હાર્દ સમજીને, તેનું પઠન કરવું જરૂરી છે. પણ એ મુસલમાનો, તમે તો સમજ્યા વગર તેનું રટણ કરવા માંડ્યું છે. માત્ર તેની આયાતો મોઢે કરી તમે તેનું રટ્યા કરો છો. તેની આયાતોના અર્થ સુધી પહોંચવાની ક્રિયા તો સાવ સ્થગિત થઈ ગઈ છે.
જીન્દો કા દસ્તુર થા
મુર્દો કા મન્સુર બના દિયા
અર્થાત કુરાને શરીફ માનવીને જીવન જીવવાની કલા શીખવતો મહાન ગ્રંથ છે. તેમાં મુલ્ય નિષ્ઠ જીવન માટેની અદભુદ હિદયાતો આપેલી છે. જેમ કે વેપાર કેમ કરવો, વસ્ત્રો કેવા પહેરવા, કોઈના ઘરે ક્યારે  જવું અને ઘરમા પ્રવેશતા પહેલા ધરનો દરવાજો અચૂક ખખડાવવો. ટૂંકમાં મુલ્ય નિષ્ઠ જીવનના નિયમો કુરાને શરીફમા ઠેર ઠેર જોવા મળે છે. પણ એ મુસલમાનો તમે તો કુરાને શરીફને મૃત્યું પછીના નિયમોનો ગ્રંથ બનાવી દીધો છે.
જો ઇલ્મ કી કિતાબ થી
ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા
ઇસ્લામમા ઇલ્મ અર્થાત જ્ઞાનનું વિશેષ મહત્વ છે. હઝરત મહંમદ સાહેબની પહેલી વહીનો પહેલો શબ્દ હતો ઇકારહ અર્થાત પઢ, વાંચ. અને એટલે જ કુરાને શરીફ સમાજ, વ્યક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેના માનવીના મુલ્ય નિષ્ઠ વ્યવહારને વાચા આપતો અતિ જ્ઞાન સભર ગ્રંથ છે. આવા જ્ઞાનથી ભરપુર મહાન ગ્રંથને એ મુસલમાનો તમે અજ્ઞાનીઓના હાથમાં મૂકી દીધો છે. જેથી તેના સાચા મુલ્ય અને મહત્તાથી તમે દૂર થતા જાઓ છે.
તસ્ખીર-એ-કાયનાત કા દર્સ દેને આઈ થી
સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા
આ કડીમાં ઉર્દુના શબ્દોનો સુંદર અને અર્થસભર ઉપયોગ ડૉ. શર્માએ કર્યો છે. તસ્ખીર-એ-કાયનાત અર્થાત વિશ્વ અને માનવીના સર્જનના રહસ્યોને અભિવ્યક્ત કરવા માટે ખુદાતાલાએ કુરાને શરીફનું સર્જન કર્યું છે. પણ એ મુસલમાનો, તમે કુરાને શરીફને મદરસાઓના પાઠ્યક્રમ (નિસાબ)નું માત્ર પુસ્તક બનાવી દીધું છે. તેમાં રહેલા રહસ્યોને જાણવાનો કે માણવાનો પ્રયાસ પણ તમે કરતા નથી.
મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી
મુર્દો કો બક્ષવાને પર લગા દિયા
કુરાને શરીફ મુર્દા રાષ્ટ્ર (કોમો) અર્થાત જે રાષ્ટ્ર (કોમ) અજ્ઞાનના અંધકારમા મૃત્યું સમાન જીવી રહ્યું છે. એવા રાષ્ટ્ર કે કોમને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં આણી તેને જીવંત કરવા માટે કુરાને શરીફનું સર્જન કરવામાં આવ્યું છે. પણ એ મુસલમાનો, તમે તો તેની આયાતોને મુર્દાઓના આત્માઓને બક્ષવાનું માધ્યમ બનાવી દીધું છે.
૨૬ ડીસેમ્બર ૧૯૯૯ના રોજ અવસાન પામનાર ભારતના નવમાં રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માની આ કાવ્યાત્મક વ્યથા અંગે આજનો શિક્ષિત મુસ્લિમ થોડો પણ વિચાર કરી, તેનો અમલ કરવા કટિબદ્ધ બનશે, તો કદાચ ડૉ.શર્માની આ રચના સાર્થક લેખાશે.





No comments:

Post a Comment