Saturday, February 6, 2016

ઐતિહાસિક ફિલ્મો : ઇતિહાસ અને કલ્પનાનું મિશ્રણ : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ "બાજીરાવ મસ્તાની" ફિલ્મ જોઈ. ઇતિહાસના અધ્યાપક તરીકે ઐતિહાસિક ફિલ્મ જોવાનો મને શોખ છે. તેનો મુખ્ય ઉદેશ ફિલ્મ સર્જકે ઇતિહાસ સાથે કેવી અને કેટલી છુટછાટ લીધી છે, તેનો અભ્યાસ કરવાનું મને ગમે છે. વળી, ઇતિહાસ મારો રસ અને વ્યવસાયનો વિષય હોય એ પ્રત્યેની સજાગતા અને જ્ઞાન અભિવૃદ્ધિ માટે પણ ઐતિહાસિક ફિલ્મો  જોવાનું ચૂકતો નથી.

મને બરાબર યાદ છે કોલેજ કાળમાં મેં સોહરાબ મોદીની ઐતિહાસિક ફિલ્મ "સિકંદર" સૌ પ્રથમ મેં જોઈ હતી એ પછી તો અનારકલી, મિર્ઝા ગાલીબ, ઝાસી કી રાની, મોગલે આઝમ, બૈજુબાવરા,પુકાર, શહીદ, રઝીયા સુલતાન, મંગલ પાંડે, અશોકા, ગાંધી, સરદાર, સુભાષ ચંદ્ર બોઝ, ભગતસિંહ જેવી અનેક ફિલ્મો જોઈ. આજે પણ  એ સીલસીલો ચાલુ છે. જો કે આજે ઐતિહાસિક ફિલ્મો અર્થાત કોસ્ચુમ ફિલ્મો જુજ બને છે. કારણ કે તેમાં અઢળક સંશોધન અને ઐતિહાસિક તથ્યોની આધારભૂત રજૂઆત અનિવાર્ય હોય છે. એવી ગુણવત્તા આપણા આજના ફિલ્મ સર્જકોમાં બહુ જુજ જોવા મળે છે. પણ એક યુગ હતો જયારે ઐતિહાસિક ફિલ્મો બનતી અને લોકો ભરપેટ તે માણતા હતા. એ યુગમાં ઐતિહાસિક ફિલ્મોના સર્જનમાં સોહરાબ મોદી, કમાલ અમરોહી, મહેબૂબ ખાન અને કે. આસીફ, વિજય ભટ્ટ જેવા નિર્દેશકોનું નામ સૌ ઈજ્જતથી લેતા હતા. આજે આપણી પાસે એવા નિર્દેશકો નથી. પરિણામે ઐતિહાસિક ફિલ્મોનો યુગ પુરો થઇ ગયાનું આપણે સૌ અનુભવીએ છીએ.

૨૦૦૨મા ભગતસિંહ પર એક સાથે ત્રણ ફિલ્મો બની હતી. શહીદે આઝમ, ૩૧ માર્ચ ૧૯૩૧ : શહીદ, ધી લેજન્ડ ઓફ ભગતસિંહ. પ્રથમ ફિલ્મમાં સોનું સૂદ, બીજીમાં બોબી દેઓલ અને ત્રીજીમાં અજય દેવગને ભગતસિંહની ભૂમિકા અદા કરી હતી. અજય દેવગણની ફિલમનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું હતું. પ્રમાણમાં એ ફિલમ કઇંક સારી હતી. પણ તારને ફીલોમાં સદંતર નિષ્ફળ રહી હતી. એ ત્રણે ફિલ્મોમાં ભગતસિંહની પ્રેમકથાને કલ્પનાના સહારે બહેલાવવામાં આવી હતી. વળી, તેમાની એક ફિલ્મ જેમાં બોબી દેઓલ હતો તેમાં તો ભગતસિંગને બગીચામાં પ્રેમિકા સાથે ગીત ગાતા પણ દર્શાવવામાં આવ્યા હતો. અને ત્યારે એક ઇતિહાસના અધ્યાપક તરીકે એ ફિલ્મ સર્જકને ગોળીએ દેવાનો ક્રૂર વિચાર મારા મનમાં ક્ષણવાર માટે જન્મ્યો હતો. પણ અહિંસા પણ કોઈ ચીજ છે. એમ માનીએ એ વિચારને દાટી દઈ હું અડધી ફિલ્મે ઘર ભેગો થઇ ગયો હતો.

પણ રસ્તામાં મને મનોંજકુમારની ભગતસિંહ પર આધારિત ફિલ્મ "શહીદ" યાદ આવી ગઈ. ઈતિહાસને તેના અસલ સ્વરૂપમાં રજુ કરતી એ ફિલ્મ આજે પણ ભગતસિંગ પર બનેલી આધારભૂત ફિલ્મ છે. મનોજકુમારે તેના સર્જન પૂર્વે ભગતસિંહ પર કરે ઝીણવટ ભર્યા સંશોધનનો તે ફિલ્મ જોતા અહેસાસ થઇ આવે છે. ફિલ્મના સર્જન પૂર્વે મનોંજ કુમારે ભગતસિંહની માતાની મુલાકાત પણ લીધી હતી. આવી સજ્જતા ઐતિહાસિક ફિલ્મોના સર્જનમાં અતિ આવશ્યક છે. ટૂંકમાં ઐતિહાસિક વિષય લેખન કે ફિલ્મ સર્જન ઝીણવટ ભર્યું સંશોધન માંગી લે છે. મને બરાબર યાદ છે જયારે મારા વડીલ અને જાણીતા લેખ ડો. રાહી માસુમ રઝા બી.આર. ચોપરાની "મહાભારત" ટી.વી  સીરીયલ લખી રહ્યા હતા ત્યારે મહાભારતના દરેક પાત્ર પર તેમણે કરેલ સંશોધનનો હું સાક્ષી રહ્યો છું.  તેમના લેખન ખંડમાં મહાભારત પર લખાયેલા અનેક ભાષી ગ્રન્થો મેં જોયા છે. એક મુસ્લિમ હોવા છતાં મહાભારત અને ગીતાનું તેમનું જ્ઞાન કોઈ હિંદુ પંડિતને પણ શરમાવે તેવું હતું.

અલબત ઐતિહાસિક વિષયો પરની  ફિલ્મોના સર્જનમાં ગ્લેમર અને કલ્પનાનો તડકો વ્યવસાયિક દ્રષ્ટિએ જરૂરી હોય છે. પણ ઐતિહાસિક તથ્યો સાથે કોઈ પણ પ્રકારના ચેડા કર્યા વગર તેનો સમાવેશ થવો જરુરી છે. કથા  કેટલાક કાલ્પનિક પાત્રો ભલે ઉમેરાય, પણ મુખ્ય પાત્રની ઐતિહાસિકતાને જાળવવી અંત્યંત જરૂરી છે. પણ આપણા મોટાભાગના ફિલ્મ સર્જકોમાં એવી સભાનતા નથી. કારણ કે તેઓ ફિલ્મ વ્યવસાયિક દ્રષ્ટિથી બનાવાત હોય છે. પરિણામે ઘણીવાર તો આખે આખી ઐતિહાસિક ફિલ્મ કોઈ કાલ્પનિક પાત્ર પર બન્યાના દાખલા પણ હિન્દી ફિલ્મમાં જાણીતા છે. એવું જ એક કાલ્પનિક પાત્ર ફિલ્મ સર્જકોમાં વર્ષોથી લોકપ્રિય રહ્યું છે. જેનું નામ છે "અનારકલી". આ પાત્ર પર અનેક ફિલ્મો બનીએ છે. સૌ પ્રથમ બહુ ચાલેલી બીનારોય અને પ્રદીપકુમારની ફિલ્મ "અનારકલી". બીનારોય એટલે એક જમનાના જાણીતા વિલન અને ચરિત્ર અભિનેતા પ્રેમનાથના પત્ની. એ પછી કે. આસિફે વર્ષોની જહેમત પછી બનાવેલી સલીમ અને અનારકલીની પ્રેમ કથા પર આધારિત ફિલ્મ  "મોગલે આઝમ". મોગલે આઝમ પણ અત્યંત સફળ નીવડી હતી. પણ તે કથા સંપૂર્ણ કાલ્પનિક છે, એ વાત બહુ ઓછા લોકો જાણે છે. ઇતિહાસના પાનાઓ પર અનારકલી જેવું કોઈ પાત્ર અઢળક સંશોધન પછી પણ મને જોવા મળ્યું નથી. છતાં પ્રેમકથાઓના સર્જનમાં ઐતિહાસિક પાત્રો ફિલ્મ સર્જકોમાં અત્યંત પ્રચલિત રહ્યા છે. લૈલા મજનું, હીર રાંઝા, સોહની મહિવાલ, જોધા અકબર અને બાજીરાવ મસ્તાની જેવી પ્રેમકથાઓ પર અનેક ફિલ્મો બની છે. કારણ કે દર્શકોને થીયેટર સુધી લાવવામા આવી પ્રેમ કથાઓ હંમેશા સફળ રહી છે.

હમણાં છેલ્લી બે પ્રેમ કથાઓ જોધા અકબર અને બાજીરાવ મસ્તાની પર સુંદર ફિલ્મો જોવા મળી છે. "જોધા અકબર" નું સર્જન આશુતોષ ગોવાલકરે કર્યું છે. જયારે બાજીરાવ મસ્તાનીનું સર્જન સંજય લીલા ભણસાલીએ કર્યું છે. બંને ફિલમો ઇતિહાસના મધ્યયુગની ઘટનાઓ પર આધારિત છે. એક ફિલ્મ મોઘલ શાસન કાળના રાજકીય ઈતિહાસને વાચા આપે છે. તો બીજી ફિલ્મ મરાઠા શાસનને વ્યક્ત કરે છે. "જોધા અકબર" ફિલ્મમાં અકબર જોધા વચ્ચેનો પ્રેમ અને લગ્નનું ચિત્રણ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. એ જ ઘટના  " મોગલે આઝમ" ફિલ્મમાં પણ દર્શાવવામાં આવેલ હતી. પણ એ મૂળ કથાના પ્રવાહમાં આવતી ઘટના તરીકે ચિત્રિત થઈ હતી.  જયારે "જોધા અકબર" ફિલ્મ બંને પાત્રોને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવી હતી. તેમાં બંનેના પ્રેમને કેન્દ્રમાં રાખવમા આવ્યો હતો. તેમાં દર્શાવવામાં આવેલ અકબર અને જોધાના પ્રસંગોમાં વ્યક્ત થતી ધાર્મિક સદભાવના આજે પણ ઇતિહાસ બોધ તરીકે જીવંત છે. ભારતની બિન સાંપ્રદાયિકતાના આદર્શો તેમાં બખૂબી પ્રતીત થાય છે.

મઘ્યકાલીન ભારતના ઇતિહાસમાં "અકબર જોધા" આધારભૂત પાત્રો છે. ઇતિહાસમાં તેમનુ વજુદ છે. એ યુગમાં રાજપૂત કન્યા સાથેના અકબરના લગ્નએ ઇસ્લામિક કટ્ટર પંથીઓમાં મોટો વિવાદ જગાડ્યો હતો. એ પણ કડવું સત્ય છે. પણ અકબરની દૂરંદેશી અને મક્કમતાને કોઈ મુસ્લિમ કટ્ટરપંથીઓ ડગાવી શકાય ન હતા.અકબરની ધર્મનિરપેક્ષ નીતિના મૂળમાં જોધા સાથેના નિકાહ પણ એક મહત્વનું પરિબળ હતા. એ દરેક ઇતિહાસકાર નિર્વિવાદ સ્વીકારે છે. અકબર અભણ હતો. પણ અંત્યત દૂરંદેશી હતો. ભારતમાં વિદેશી શાસક તરીકે શાશન કરવાની નીતિનો તે સખત વિરોધી હતો. ભારતની હિંદુ પ્રજા તેને વિદેશી શાશક તરીકે જોવે તેને તે પોતાનું અપમાન ગણતો હતો.  જોધાની ધાર્મિક વિચારધારાને રાજ્યમાં યોગ્ય માન અને સ્થાન આપી તેણે પોતાની ધર્મ નિરપેક્ષ નીતિ જાહેર કરી દીધી હતી. પ્રજા સાથે પણ એજ સમાન વ્યવહાર કરવાનો રાજ્યના તમામ સુબોને તેણે આદેશ આપ્યો હતો. અકબરની આવી નીતિ કારણે જ મુસ્લિમ કટ્ટરપંથીઓએ અંતે જોધાને મોઘલ સામ્રાજ્યની મહારાણી તરીકે સ્વીકારી લીધી હતી.

બાજીરાવ મસ્તાનીની કથા એ દ્રષ્ટિએ થોડી જુદી છે. બાજીરાવ મસ્તાનીની પણ ભારતના મધ્ય યુગની પ્રેમ કથા છે. મરાઠા સામ્રાજયનો એ મધ્યાન યુગ હતો. બાજીરાવની સત્તા અને શક્તિનો સુર્ય તપતો હતો. એવા સમયે એક પ્રેમ કથા આકાર લે છે. નૃત્ય અને સંગીતને પોતાનો વ્યવસાય બનાવી જીવતા એક મુસ્લિમ કુટુંબમાંથી આવતી સુંદર કન્યા મસ્તાનીના પ્રેમમાં બાજીરાવ પડે છે. આ પ્રેમ કથાના હિંદુ અને મુસ્લિમ બંને પાત્રો ઐતિહાસિક છે. બાજીરાવનો મસ્તાની સાથેનો અણી શુદ્ધ પ્રેમ ઇતિહાસના પાનાઓ પર આજે પણ અંકિત છે. એ ઘટના પ્રેમની અદભુદ પરિભાષા વ્યકત કરે છે. પણ છતાં ધર્મના ઠેકેદારો બાજીરાવના લગ્નને માન્ય કરતા નથી. અલબત્ત બાજીરાવ તે માટે અઢળક પ્રયાસો કરે છે. છતાં તે મસ્તાનીને પોતાના રાજ્યમાં એક પટરાણી જેવું માન અને સ્થાન અપાવવામાં નિષ્ફળ જાય છે. એ ફિલ્મની હાઈ લાઈટને નિર્દેશકે સુંદર રીતે ચિત્રિત કરેલ છે.

 

 

 

No comments:

Post a Comment