Monday, September 28, 2015

અન ટુ ધીસ લાસ્ટ અને ગાંધીજી : ડૉ. મહેબૂબ દેસાઈ


યુનાઈટેડ નેશનએ ગાંધીજીના જન્મ દિવસ ૨ ઓક્ટોબરને "અહિંસા દિન" તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ભારત માટે એ ગર્વની બાબત છે. જાન્યુઆરી ૨૦૦૪માં ઈરાની નોબેલ વિજેતા શિરીન અબ્દીએ મુંબઈના એક  એક હિન્દી શિક્ષક પાસેથી "અહિંસા દિવસ" માટે દરખાસ્ત લીધી હતી. એ વિચારમાં ભારતીય કોંગ્રેસના કેટલાક નેતાઓને રસ પડ્યો. સોનિયા ગાંધી અને આર્કબિશપ ટુટુ દ્વારા જાન્યુઆરી ૨૦૦૭ના આરંભમાં નવી દિલ્હીમાં મળેલ એક કોન્ફરન્સમાં તે અંગેનો ઠરાવ પસાર થયો. એ ઠરાવ યુનાઇટેડ નેશન્સને મોકલવામાં આવ્યો. જેમાં ૨ ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે સ્વીકારવા યુનાઇટેડ નેશન્સને અપીલ કરવામાં આવી. ૧૫ જૂન ૨૦૦૭ના રોજ  યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨ ઓક્ટોબરને "અહિંસા આંતરરાષ્ટ્રીય દિવસ" તરીકે ઉજવવા માટે જનરલ એસેમ્બલીમાં એ વિચાર ચર્ચા માટે મુકાયો. અને સર્વ સંમતથી તે સ્વીકારવામાં આવ્યો. અને આમ ગાંધીના જન્મ દિવસને "અહિંસા દિવસ" તરીકે ઉજવવાની યુનાઇટેડ નેશન્સએ જાહેરાત કરી. આજે વિશ્વમાં અહિંસાના પુજારી ગાંધીજીને સૌ માને છે, જાણે છે. પણ તેમના સત્ય અને અહિંસાના વિચારોના મૂળમાં જે કેટલાક અદભૂત પુસ્તકોનો પ્રભાવ હતો, તેનાથી આમ માનવી ખાસ પરિચિત નથી. એ યુગમાં ગાંધીજી જે પુસ્તકથી ખુબ પ્રભાવિત થયા હતા, તે હતું જોહન રસ્કિનનું "અન ટુ ધીસ લાસ્ટ". આ નાનકડી પુસ્તિકાએ ગાંધીજીના માનસમાં હલચલ મચાવી મૂકી હતી. ગાંધીજીએ પોતાની આત્મકથામાં તેનો ઉલ્લેખ કરતા લખ્યું છે,

"પોલાક મને મુકવા સ્ટેશને આવેલા, ને "આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે" એમ કહી તેમણે રસ્કિનનું "અન ટુ ધીસ લાસ્ટ" મારા હાથમાં મુક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો તેણે મને પકડી લીધો.જોહનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલ વિચારો અમલમાં મુકવાનો મેં ઈરાદો કર્યો....
જે થોડા પુસ્તકો મેં વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવા પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહી શકાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે "સર્વોદય" ને નામે છપાયો છે...
મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી, તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું, ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું. ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો."

ઈ.સ. ૧૮૬૦મા પ્રસિદ્ધ થયેલ જોહન રસ્કીનના "અન ટુ ધીસ લાસ્ટ" પુસ્તકના સંપર્કમાં ગાંધીજી ઈ.સ.૧૯૦૪ના  માર્ચમાં આવ્યા હતા. ઈગ્લેન્ડના ડોવર ગામે  જન્મેલ હેન્રી સોલોમન પોલાક ૧૯૦૩માં દક્ષિણ આફ્રિકામાં આવી વસ્યા હતા. ૧૯૦૪માં ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેઓ ફિનીક્સ આશ્રમમાં જોડાયા હતા. તેમણે જ ગાંધીજીને "અન ટુ ધીસ લાસ્ટ" વાંચવા આપ્યું હતું. જેનો ઉલ્લેખ આપણે આગળ ગાંધીજીના અવતરણમાં જોયો. "અન ટુ ધીસ લાસ્ટ" પુસ્તકે ગાંધીજીના સમગ્ર જીવનને બદલી નાખ્યું હતું. એ પુસ્તકના વાંચન પછી ગાંધીજી બેરિસ્ટરમાંથી ખેડૂત બન્યા. ગૃહસ્થમાંથી આશ્રમવાસી બન્યા. ડરબનથી દૂર અગિયાર માઈલના અંતરે ફિનીક્સ સ્ટેશનથી અઢી માઈલ પર ૧૦૦ એકર જમીન ખરીદી અને અખબાર "ઇન્ડિયન ઓપીનીયન" ડરબનથી ફિનીક્સ આવી ગયું.અને તેમાં કાર્ય કરનાર પહેલા માત્ર પોતાની રોજીરોટી કમાતા હતા.પણ હવે તેઓ સમુહજીવન જીવતા આશ્ર્મ્કાસીઓ બનાયા. આવી જબરજસ્ત અસર જે પુસ્તકની ગાંધીજી પર થઇ તે "અન ટુ ધીસ લાસ્ટ" અંગે ગાંધીજી લખે છે,

"આપણમાં જે સારી ભાવનાઓ સુતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર નથી થતી, કેમ કે બધામાં સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી.
'સર્વોદય' ના સિદ્ધાંતો હુ આમ સમજ્યો :
૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
૨. વકીલ તેમજ વાણંદ  બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો છે.
૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

પહેલી વસ્તુ હું જાણતો હતો. બીજી હું ઝાંખી જોતો હતો.ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બંને સમાયેલી છે એ મને 'સર્વોદય' દીવા જેવું દેખાડયું. સવાર થયું ને હું તેનો અમલ કરવાના પ્રયત્નોમાં પડયો"

જોહન રસ્કિન ઈગ્લેન્ડમાં વિક્ટોરિયન અને એડવર્ડડીયન યુગમાં કલા વિવેચક તરીકે ખાસ્સા જાણીતા હતા. લગભગ ૨૫૦ પુસ્તકો તેમના વિષય પરના પ્રસિદ્ધ થયા હતા. આજે તો તેમના એ ગ્રંથો ઉપલબ્ધ નથી. પણ તેમનું પુસ્તક "અનટુ ધીસ લાસ્ટ" આજે પણ ઉપલબ્ધ છે. તે કોઈ કલા વિવેચનનું પુસ્તક નથી. પણ રસ્કીનના આર્થિક અને રાજકીય વિષય પરના ચાર લેખોનો સંગ્રહ છે. રસ્કીને આ પુસ્તકનું મથાળું "અનટુ ધીસ લાસ્ટ" બાઈબલની એક આખ્યાયિકા (મેથ્યુ ૨૦.૧૪) પરથી લીધું છે. જેમાં એક માણસ પોતાના ખેતરમાં કામ કરવા આવનાર સૌ મજુરોને સમાન વેતન આપે છે. એમાં કેટલાક વહેલા આવેલા મજુરો હોય છે. અને કેટલાક કામ શોધતા શોધતા ખેતર સુધી મોડા પહોંચ્યા હોય છે. ખેતરનો માલિક સૌ મજુરોને સરખી મજુરી આપે છે. એટલે વહેલો આવનાર મજુર પૂછે છે,
"મોડા આવનાર મજુરને પણ સરખી મજુરી કેમ આપવામાં આવી ?"
 ત્યારે ખેતરનો માલિક જવાબ આપતા કહે છે,
"મેં તમને સૌને જેટલું વેતન આપવાનું વચન આપ્યું હતું, તેટલું વેતન આપ્યું  છે. પણ પહેલા આવ્યા તે ફાવ્યા અને મોડા આવ્યા તે નુકશાનમાંરહે, એ ક્યાંનો ન્યાય ?"
આ નાનકડા પુસ્તકમાં રસ્કિન સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સબંધી જીવન કલાનો એક નવો જ અભિગમ રજુ કરે છે. રસ્કિન કહે છે,
"ઈશ્વરની રચનામાં માનવીના કાર્યો ઉપયોગિતાના સંદર્ભમાં જ મુલવાયા તે યોગ્ય નથી. પણ તેનું મૂલ્યાંકન માનવીય ન્યાયના માપદંડથી થાય તે જરૂરી છે."
"રાષ્ટ્રની સંપતિ માત્ર શ્રેષ્ઠ આર્થિક રીતે સંપન્ન માનવીઓ જ નથી. પણ સામુદાયિક હિતો અને ન્યાયને પોષનારા માનવીઓ રાષ્ટ્રની સાચી સંપતિ છે."
"અસલ સ્વરૂપ માનવતા સ્વયંમ છે, પૈસો એ તો પડછાયા પાછળની દોડ છે."
"માનવા જીવન કરતા અધિક એવી કોઈ સંપતિ નથી"
"અનટુ ધીસ લાસ્ટ"ના લેખક રસ્કિન માનવ જાતિના વિકાસમાં બે મોટા અંતરાયો જોવે છે. પ્રેમ અને હિમતનો અભાવ. બીજાને માટે ન્યાયનો આગ્રહ પ્રેમ હોય તો જ સંભવી શકે.અને પોતાને હાથે બીજાને અન્યાય ન થાય માટે ત્યાગપૂર્વક, સ્વેચ્છાએ સાદું જીવન જીવવાની નૈતિક હિંમત માનવીમાં અનિવાર્ય છે. "હિન્દ સ્વરાજ"માં ગાંધીજીએ આ સિદ્ધાંતોને વિસ્તૃત સ્વરૂપે આલેખ્યા છે.સ્વરાજની વ્યાખ્યા આપતા ગાંધીજી લખે છે,
"સૌએ સૌ માટે મેળવવાનું રાજ એટલે સ્વરાજ"
રસ્કિન આગળ લખે છે,
"જગતમાં પર્યાવરણ કે આર્થિક વિષમતાના દરેક પ્રશ્નના કેન્દ્રમાં માનવીનું માનસિક વલણ છે. તૃષ્ણાને સ્થાને સંતોષ એજ અંતે તો સુખમય માનવ સમાજ માટે પ્રથમ શરત છે. સંતોષ એ વ્યક્તિગત જીવન પરિવર્તન માટેની પણ મુખ્ય શરત છે."
"ખરેખર તો પોતાની પાસે જેટલું હોય તેટલાથી સંતોષ માનીને જીવવું જોઈએ. ઈશ્વરે જે કઈ આપ્યું છે તેમાં સંતોષ માનનાર સુખી છે"
"માનવસમાજના વિકાસ માટે આવા સુખની પ્રાપ્તિ વ્યક્તિગત પ્રયત્નો દ્વારા જ સંભવિત બનશે. સામુદાયિક પ્રયાસો કરતા વ્યકતિગત પ્યાસો તેમાં વધુ કારગત સાબિત થાય છે." 
"માનવીની આંખો પર સ્વાર્થના પડો ચડેલા છે. દરેક માનવીએ પોતાની આંખ પરથી એ પડો દૂર કરવા પડશે. ત્યારેજ શાંતિનો વ્યવહાર સમાજમાં સ્થાપિત થશે."
રસિકના આ વિચારો "અનટુ ધીસ લાસ્ટ"ના ચારે લેખોમાં પ્રસરેલા છે. તેમના આ વિચારો એ પછી પણ વિકસતા રહ્યા છે. રસ્કીનના આત્મકથનાત્મક ગ્રંથ "પ્રીટેરીટા"માં તેઓ લખે છે,
"પ્રભુની શાંતિનો વાસ જો ક્યાય હોય તો તે ગરીબ અને મહેનતુ માનવીના હદયની ઉદારતા અને કર્મનિષ્ઠામાં છે. દરેક ધર્મમાં સુસંગતતા નૈતિક કાર્યો, અન્ય પ્રત્યે પ્રેમ અને નિસ્વાર્થ ત્યાગ છે"
રસ્કીનના વિચારોમાં આજે પણ તાજગીનો અહેસાસ થાય છે. તેમને એ યુગની ઔદ્યોગિક સભ્યતાની એક મોટી ખામી એ લાગી હતી કે એ સભ્યતામાં સૌન્દર્યના શાસ્ત્રની અવગણના કરવામાં આવી છે. સાચી સભ્યતામાં ઉપયોગિતા અને ભવ્યતા એટલે શિવ અને સુંદર બંનેનો સુભગ સમન્વય હોવો જોઈએ.એટલે સભ્યતા એ ખોરાક, પાણી, કપડા, આવાસ, વગેરેની સૌ માટે વ્યવસ્થા કરવાની સાથે આરોગ્ય, શિક્ષણ, આરામ, લોકોની સર્જનવૃતિને પણ અવકાશ હોવો જરૂરી છે. ઔદ્યોગિક સભ્યતા અર્થાત નવી રાજનૈતિક અર્થરચના થોડા લોકોને વિલાસના સાધનો પુરા પાડે છે. પણ મોટાભાગના લોકોની પાયાની જરૂરિયાતો પણ પૂરી પાડતી નથી. રસ્કિન કહે છે કે રેશમી દુપટ્ટાઓ પહેલા કાંબળાની વ્યવસ્થા થવી જોઈએ. જ્યાં સુધી સમાજમાં લોકો ટાઢે ઠરે છે, નગ્ન અવસ્થામાં જીવે છે ત્યાં સુધી વસ્ત્રાભૂષણમાં ભવ્યતા લાવવાનો પ્રયાસ પણ નૈતિક ગુનો છે.ગાંધીજીએ આ વિચારને "હિન્દ સ્વરાજ"માં બીજ રૂપે રજુ કર્યો છે.

આ વિચારો આજની અર્થ વ્યવસ્થા સંદર્ભે પણ એટલાજ પ્રસ્તુત લાગે છે. ૨ ઓક્ટોબર વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે આ વિચારો સાચા અર્થમાં જીવનમાં અમલમાં મુકવાની આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ એ જ અભ્યર્થના.


                                                                                  

No comments:

Post a Comment