Saturday, August 22, 2015

ઇસ્લામમાં મહેમાન નવાઝી : ડો. મહેબૂબ દેસાઈ

ત્રણ માસની વિદેશ સફરને પૂર્ણ કરીને આવ્યા પછી મને મહેમાન તરીકે રાખનાર સૌ હિંદુ મુસ્લિમ વડીલો અને મિત્રોની મહેમાન નવાઝી મને વારંવાર યાદ આવી જાય છે. "મહેમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ" એવું હસરત જયપુરીનું એક ગીત રાજ કપૂરની એક ફિલ્મ"જિસ દેશમે ગંગા બહેતી હૈ"માં મુકેશના કંઠે સાંભળ્યું હતું. જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મના "અતિથી દેવો ભવ:" ના સંસ્કારોને અભિવ્યકત કરવામાં આવ્યા હતા. ઇસ્લામની એક હદીસમાં આ અંગે સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે,

"હઝરત અબુ તલ્હા અને તેની પત્ની ઉમ્મ સુલેમ અત્યંત ગરીબ હતા.એક દિવસ હઝરત અબુ તલ્હા એક ગરીબ ભૂખ્યા પ્રવાસીને મહેમાન બનાવી ઘરે લાવ્યા. અને પત્નીને તેમણે ભોજન પીરસવા કહ્યું. પત્નીએ પતિના કાનમાં કહ્યું,"ઘરમાં આપના પૂરતું જ ભોજન છે"

હઝરત અબુ તલ્હાએ પત્નીને કહ્યું,

"ઘરના બધા દીવાઓ ઓલવી નાખો. એક માત્ર મોમબત્તી ચાલુ રાખો. અને મારા માટે જે ભોજન બચાવીને આપે રાખ્યું છે, તે મહેમાનને જમવા આપો. હું અંધારમાં તેમની સાથે ભોજન કરી રહ્યાનો દેખાવ કરીશ." હઝરત હઝરત અબુ તલ્હાની આ ઘટનાના બીજા જ દિવસે મહંમદ સાહેબે  હઝરત હઝરત અબુ તલ્હાને કુરાનની એક આયાત સંભળાવતા કહ્યું હતું,

"તમારી ગરીબી છતાં મહેમાનને હંમેશા પ્રથમ ભોજન આપો"  ઇસ્લામની મહેમાન નવાઝીનું આ ઉમદા દ્રષ્ટાન છે.

બુખારી શરીફની એક હદીસમાં મહંમદ સાહેબનું એક અવતરણ ટાંકતા કહેવામાં આવ્યું છે,

"જે લોકો ખુદા અને તેના અંતિમ ન્યાય પર વિશ્વાસ રાખે છે, તેમણે તેમના મહેમાનોનો અવશ્ય સત્કાર કરવો જોઈએ"

મહંમદ સાહેબે એ પણ ફરમાવ્યું છે કે.

"અને મહેમાન નવાઝી (સત્કાર) ત્રણ દિવસ માટે હોય છે. એ પછી યજમાન જે કઈ મહેમાન માટે કરશે તે તેના માટે સદકા સમાન છે"

અત્રે સત્કારનો અર્થ સંપૂર્ણ મહેમાન નવાઝી થાય છે. જેમાં મહેમાનનું સન્માન, આરામ, સુકુન, ખુશી અને લાગણીઓની કદર કરી તેની તકેદારી રાખવાનો ભાવ છે.મહેમન સાથે ખૂલ્લ દિલે અને ખુલ્લા મને મળવું, હસી ખુશી તેનું દિલ બહેલાવવું, તેના રહેવા અને ભોજનની યથા શક્તિવ્યવસ્થા કરવી. મહેમાન એ ભાવ અને પ્રેમનો ભૂખ્યો હોય છે. યજમાનના ઘરનું રુખું સુકું અથવા સાદું ભોજન પણ તેના માટે પકવાન સમાન હોય છે.હઝરત મહંમદ સાહેબના ઘરે કોઈ મહેમાન આવતો તો તેઓ ખુદ તેની ખિદમતમાં લાગી જતા. મહંમદ સાહેબ પોતાના મહેમાનને ભોજન માટે દસ્તરખાન પર બેસાડતા ત્યારે મહેમાનને વારંવાર આગ્રહ કરતા,

"થોડું વધારે લો, થોડું વધારે લો" અને જયારે મહેમાન તૃપ્ત થઇ જતા ત્યારે આગ્રહ કરવાનું બંધ કરતા.

ઇસ્લામમાં મહેમાનના આગમન સમયે કરવાના વ્યવહાર કે વિવેકનો પણ ઉલ્લેખ છે. મહેમાનનું આગમન આપણા ઘરે થાય ત્યારે સૌ પ્રથમ તેની સાથે દુવા સલામ કરો. તેની ખેરિયત ના સમાચાર પૂછો. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

" શું આપને ઈબ્રાહિમના ઇજ્જતદાર મહેમાનોની વાત ખબર છે ? જયારે તેમના ઘરે મહેમાન આવતા ત્યારે તેઓ સૌ પ્રથમ તેમને સલામ પેશ કરતા"

મહેમાનોના સત્કારનો મામલો યજમાન માટે પોતાની ઈજ્જત વધારવા જેવો છે.મહેમાન સમક્ષ જે કઈ ઉત્તમ ભોજન, રહેણાંક અને સગવડત યજમાન પાસે ઉપલબ્ધ હોય તે પેશ કરવાનો ઇસ્લામમાં આદેશ છે. પણ મહેમાનનો સત્કાર દેખાડો કરીને કે તેને સત્કારનો અહેસાસ કરવાની કયારેય ન કરો. મહંમદ સાહેબે મહેમાન નવાઝીની જે આદર્શ મિશાલ પેશ કરી હતી, તેનો ઉલ્લેખ કરતા અબૂ શુરેહ ફરમાવે છે,

"મારી બંને આંખોએ જોયું છે,અને બંને કાનોએ સંભાળ્યું છે કે જયારે નબી સાહેબ કહેતા હતા કે મહેમાનના ઉત્તમ સત્કારનો બદલો યજમાનને ખુદાતાલા પ્રથમ રાત્રે જ  આપી દે છે"

અર્થાત મહેમાન નવાઝીનું પુણ્ય ખુદા યજમાનને તુરત આપે છે. મહેમાન નવાઝી ખુદ કરવા પર પણ ઇસ્લામમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. મહેમાન નવાઝી નોકર ચાકરો પર ન છોડો. મહેમાનની ખિદમત યજમાને ખુદ કરવી જોઈએ. ત્યારે જ યજમાન મહેમાન નવાઝીના સાચા સવાબ (પુણ્ય) ને હક્કદાર બને છે. એકવાર હઝરત ઈમામ શાફાઈ હઝરત ઈમામ મલિકના ત્યાં મહેમાન બનીને ગયા. બંને ઇસ્લામના મોટા જ્ઞાતા હતા. સવારે ફજરની નમાઝનો સમય થયો. એટલે હાથમાં પાણી ભરેલો વઝું કરવાનો લોટો લઇ, હઝરત ઈમામ શાફાઈના રૂમનો ધીમેથી દરવાજો ખખડાવતા હઝરત ઈમામ મલિકે કહ્યું,

"આપ પર હંમેશ ખુદાની રહેમત રહે, નમાઝનો સમય થઇ ગયો છે, આપ વઝું કરી લો" હાથમાં લોટા સાથે હઝરત હઝરત ઈમામ મલિકને દરવાજે ઉભેલા જોઈ, હઝરત ઈમામ શાફાઈ શરમાઈ ગયા. તેમની શરમને પામી જતા હઝરત ઈમામ મલિક બોલ્યા,

"આપ અન્ય કોઈ વિચાર ન કરો. મહેમાનની ખિદમત કરવી એ જ ઇસ્લામિક તહેજીબ છે"

યજમાન માટે એક અન્ય આદેશ પણ ઇસ્લામની તહેજીબને વ્યક્ત કરે છે. ભોજનના દસ્તારખાન પર પહોંચતા પહેલા યજમાને સૌ પ્રથમ હાથ ધોઈને પહોંચી જવું જોઈએ. કારણ કે  ભોજનના દસ્તારખાન પર મહેમાનનું સ્વાગત કરવાની તેની ફરજ છે. જયારે ભોજન લીધા પછી યજમાને છેલ્લે હાથ ધોવા જોઈએ. અર્થાત મહેમાનના હાથ ધોવડાવ્યા પછી યજમાને હાથ ધોવા જોઈએ. તેમાં પણ મહેમાનની ઈજ્જત કરવાનો ભાવ રહેલો છે. ઇસ્લામમાં મહેમાન માટે પણ કેટલીક બાબતો કહેવામાં આવી છે. જેમ કે મહેમાન વિદાય વેળા એ યજમાન માટે દુઆ કરે. હઝરત મહંમદ સાહેબ એકવાર હઝરત અબ્દુલાહ બિન બીસ્રના પિતાના મહેમાન બન્યા હતા. ભોજન લીધા પછી, મહંમદ સાહેબ જયારે વિદાય લેવા ઉઠ્યા ત્યારે યજમાનની પત્નીએ મહંમદ સાહેબને અટકાવીને કહ્યું, "અમારા માટે દુવા કરતા જાવ."

અને મહમંદ સાહેબે એક યજનામ ને છાજે તેવી દુવા કરતા કહ્યું,

"હે અલ્લાહ, તેમની રોઝીમાં બરકત આપજો. તેમને અતિમ ન્યાયના દિવસે મુક્તિ આપજો. અને તેમના પર હંમેશા આપની રહેમત (દયા) ઉતારતા રહેજો"

1 comment:

  1. ماشا الله واقي گجراتی زبان میں بہترین پوسٹ ہے |

    ReplyDelete