Saturday, July 4, 2015

ઓપરશનની કથા અને વ્યથા : ડૉ. મહેબૂબ દેસાઈ

અમે સવારે સાત ત્રીસ વાગ્યે હોબાર્ટ પહોંચ્યા. એરપોર્ટ પર ઝાહિદ અમને લેવા આવ્યો હતો. વરસાદ ચાલુ હતો. ઠંડીનું પ્રમાણ પણ થોડું વધુ હતું. ઝોળીમાં નાખેલા મારા હાથમાં થોડું કળતર થતું હતું. મેં કારમાં સ્થાન લેતા ઝાહીદને પૂછ્યું,

"આજે ઓર્થોપેડિકને મળવાનો સમય લઇ લીધો છે ને ?"

"હા ડેડ, પણ એ પહેલા આપણે અહીંથી સિધ્ધાં રોયલ હોબાર્ટ હોસ્પિટલ જઈએ છીએ. ત્યાં ઇમરજન્સી વોર્ડમાં આપના હાથે પ્લાસ્ટર કરાવી લઈએ. જેથી તમને પીડા પણ ઓછી થાય અને હાડકું જોડાવાની પ્રોસેસ પણ આરંભાય જાય. એ પછી આપણે ઓર્થોપેડિક દાક્તરોનો અભિપ્રાય લઇ આગળ શું કરવું તે વિચારીશું"

મને તેની વાત યોગ્ય લાગી. અમે એરપોર્ટથી સિધ્ધાં રોયલ હોબાર્ટ હોસ્પિટલ પહોંચ્યા. હોબાર્ટની આ સૌથી મોટી અને સરકારી ઇસ્પિતાલ છે. હોબાર્ટમાં ખાનગી ઇસ્પિતાલો પણ છે. પણ સરકારી ઇસ્પિતાલના દાકતરો અને તેમની સેવાની ગુણવત્તા પ્રસંસનીય ગણાય છે. સવારે ઇમરજન્સી વોર્ડ સૂનો હતો. માત્ર દાકતરો અને નર્સો પેશન્ટના ઇન્તઝારમાં જ બેઠા હોય તેમ ભાસતું હતું. રીસેપ્શન પર ઝાહીદે મારો કેસ નોંધાવ્યો. થોડી મીનીટોમાં જ એક ચાયનીઝ દાક્તર મને પ્લાસ્ટર રૂમમાં લઇ ગયો. લગભગ વીસ પચ્ચીસ મીનીટમાં તો મારા ડાબા હાથે પ્લાસ્ટર લાગી ગયું. અને અમે ઘરે આવી ગયા. સાંજે ચાર વાગ્યે ઝાહીદે ડો. સાદીક નામના ઓર્થોપેડિકને મળવાનો સમય લીધો હતો. અમે જયારે તેના ક્લીનીક પર પહોંચ્યા ત્યારે હજુ ડો. સાદીક આવ્યા ન હતા. થોડી મિનિટોના ઇન્તઝાર પછી તેઓ આવી ચડ્યા. અને તેમણે મારો એક્સરે અને હાથ જોઈને કહ્યું,

"મારી સલાહ મુજબ આપે ઓપરેશન કરાવી લેવું જોઈએ. કારણ કે આ ફેકચર નથી. કોણીની બાજુનું હાડકું તૂટી ગયું છે. પ્લાસ્ટર છ અઠવાડિયા સુધી તમારે રાખવું પડશે. અને એ પછી કસરત કરવી પડશે. ઓપરેશનમાં એકાદ અઠવાડિયામાં જ તમારો હાથ કામ કરતો થઇ જશે"

"અમારો જુલાઈની ૯મી તારીખે અમેરિકા જવાનો કર્યક્રમ છે. ડેડ તો ઇન્ડિયાથી જ ટીકીટ લઈને આવ્યા છે."

"ઓકે, તેમણે ટ્રાવેલિંગ ઇન્સ્યુરન્સ લીધો છે ?"

"હા. દસ હાજર ડોલરનો ઇન્સ્યુરન્સ છે"

"તો તો ઓપરશન કરવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. જો તમે એકાદ બે દિવસમાં ઓપરેશનનો નિર્ણય લો તો હું તમારુ ઓપરેશન કરી શકીશ. કારણ કે શનિવારે જુ અમેરિકા જઉં છું. એકાદ અઠવાડિયા પછી પાછો આવીશ."

"સારું હું અને ડેડી વિચારીને તમને સાંજે જણાવીએ છીએ"

એમ કહી અમે ડો. સાદીકની વિદાય લીધી. ઘરે આવી ઝાહીદે અમદવાદમાં મારા સાળા ગુલામ નબીને મારો એક્સરે અને તેનો રીપોર્ટ વોટ્સ અપ પર મોકલાયા. અને અમદાવાદના ઓર્થોપેડિકની સલાહ લેવા જણાવ્યું. ગુલામ નબીએ અમદાવાદના બે જાણીતા ઓર્થોપેડિકનો સંપર્ક કર્યો. બંનેએ મારો એક્સરે અને રીપોર્ટ જોઈ કહ્યું,

"આવા કેઈસમાં મોટે ભાગે અમે પ્લાસ્ટર કરીએ છીએ. પણ વિદેશમાં આવા કેઈસમાં જલ્દી રિકવરી માટે ઓપરશન કરવાની જ સલાહ આપવામાં આવે છે."

ગુલામ નબીએ આ અભિપ્રયા ઝાહીદને ફોન પર જણાવ્યો.

દરમિયાન ઝાહીદે મેં જે ટાટા એઆઈજી ઇન્સ્યુરન્સ કંપનીનો ઇન્સ્યુરન્સ લીધો હતો, તેની અમદવાદની ઓફિસનો સંપર્ક કર્યો. અમદાવાદની ઓફિસે ઝાહીદને મલેશિયાની ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું. કારણ કે ઓસ્ટ્રેલિયાના ક્લેઈમ માટે ટાટાની મલેશિયામાં આવેલ ઓફીસને નિર્ણય લેવાની સત્તા છે. ઝાહીદે મલેશિયાની ઓફિસને ફોન અને મેઈલ પર મારા અકસ્માતનો આખો કેઈસ સમજાવ્યો અને મોકલ્યો. મલેશિયાની ઓફિસે ઝાહીદને એક ફોર્મ મોકલ્યું. જેમાં પ્રથમ તબક્કામાં મારી તમામ અંગત વિગતો માંગવામાં આવી હતી. જયારે બીજા ભાગમાં હોબાર્ટના ઓર્થોપેડિકનો અભિપ્રયા અને અહેવાલ માંગવામાં આવ્યા હતા. ઝાહીદે તમામ વિગતો ભરીને એ ફોર્મ ટાટાની મલેશિયાની ઓફિસને મોકલી આપ્યું. આટલી વિધિ સાથે ઝાહીદે મારા ઓપરશન માટે હોબાર્ટની સરકારી ઇસ્પિતાલ રોયલ હોબાર્ટ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જનનો પણ સંપર્ક કર્યો. તેમણે અમને બીજે દિવસે સવારનો મળવાનો સમય આપ્યો. હું અને ઝાહિદ મારા તમામ એક્સરે અને રીપોર્ટ સાથે તેમને મળવા ગયા. તેમણે મારો કેઈસ તપાસ્યો. અને કહ્યું,

"ઓપરશન જરૂરી છે. છતાં આપ સીટી સ્કેન અને એકસરે પુનઃ કરાવીને આવો પછી વાત કરીએ"

અમે એ જ ઈસ્પિતાલમાં સીટી સ્કેન કરાવ્યો. અને પાછા એકાદ કલાક પછી એ જ ઓર્થોપેડિક દાક્તરને મળ્યા. તેણે સીટી સ્કેન જોયો. પછી તેઓ તેમના હેડ સાથે વાત કરવા ગયા. અમે તેની રાહમાં અડધી કલાક તેમની કેબીનમાં જ બેસી રહ્યા. અડધી કલાક પછી તેઓ આવ્યા. અને કહ્યું,

"મારા હેડ પણ ઓપરેશન કરવવાના પક્ષમાં છે."

ઝાહીદે કહ્યું,

"હું મારા ડેડ સાથે ચર્ચા કરી આપને અમારો નિર્ણય જણાવી શકું ?"

"ઓફકોર્સ" અને તેણે અમને એકલા મૂકી તેની કેબીનમાંથી વિદાય લીધી. ઝાહીદે મારી સાથે ચર્ચા કરી. અમારી પાસે બે વિકલ્પો હતા. પ્રથમ, પ્લાસ્ટર રાખવું અને પ્રવાસ ટૂંકાવી અમદાવાદ જઈ ઓપરશન કરાવવું. અને બીજું, અત્રે ઓપરેશન કરાવી આગળ પ્રવાસ કરવો. ઝાહીદે બીજો વિકલ્પ સ્વીકારવા પર ભાર મુક્યો. તેણે કહ્યું,

"ડેડ, અહિયા ઓપરશન કરાવી લઈએ. ઓપરશન પછી આપને એકાદ અઠવાડિયામા જ રિકવરી આવશે. જેથી આપણો આગળનો અમેરિકા અને કેનેડાનો પ્રવાસ આપણે ઇન્શાહ અલ્લાહ ચાલુ રાખી શકીશું"

મેં તેના મંતવ્ય પર મહોર મારી. અમે અમારો નિર્ણય ઓર્થોપેડિક દાક્તરને જણાવ્યો. તેણે અમને ઓપરશન માટે શનિવારની ૨૭ તારીખ આપી. અમે તે લઇ ઘરે આવ્યા. ઘરમાં સાબેરા, કરિશ્મા અને સીમાને તેની જાણ કરી. એ જ દિવસે ઇન્સ્યુરન્સ કંપની તરફથી અમારો ક્લેઈમ પાસ થયાનો પત્ર ઝાહીદને મળ્યો. ઇન્સ્યુરન્સ કંપનીએ  મારા ઓપરશન માટે સાત હજાર ડોલર (સાડાત્રણ લાખ રૂપિયા) મંજુર કર્યા હતા. એ પત્ર ઝાહીદે રોયલ હોબાર્ટ હોસ્પિટલને મોકલી આપ્યો. એ જ દિવસે બપોરે રોયલ હોબાર્ટ હોસ્પિટલમાંથી મારા પર ફોન આવ્યો. સામેથી એક બહેન વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું.

"તમારું ઓપરશન આવતી કાલે જ અર્થાત ૨૫ જુનના રોજ સવારે નવ વાગ્યે રાખેલ છે. આપ સવારે સાત વાગ્યે હોસ્પિટલ પર પહોંચી જશો."

સમાચાર સાંભળી હું થોડો ગમગીન થઇ ગયો. અને રાત્રે તો સાવ હિમ્મત હારી ગયાનો મને અહેસાસ થયો. મેં ઝાહિદ અને સાબેરાને મારા રૂમમાં બોલાવી કહ્યું,

"મારી ઈચ્છા અહિયા ઓપરશન કરાવવાની નથી. આપણે અમદાવાદ પહોંચી જઈએ. ત્યાં ઓપરશન કરાવીશું.'

ઝાહીદે મને આશ્વાસન આપતા કહ્યું,

"ડેડ, તમે નકામા ગભરાવ છો. અહિયા પણ સારા દાક્તરો છે. અને જવાબદારી પૂર્ણ રીતે તમારું ઓપરશન કરશે. ચિંતા ન કરો. અલ્લાહની મહેરબાનીથી બધું સારું થઇ જશે"

અને મેં તેની વાતમા થોડી ચિંતા સાથે સંમતિ દર્શાવી.

બીજો દિવસ મારા જીવન માટે મહત્વનો હતો. મેં મારી સમજ કેળવાય ત્યારથી આજદિન સીધી મારા શરીર પર એક જ ઓપરશન કરાવ્યું હતું. અને તે પણ આજે જે હાથે અને જે જગ્યાએ ઓપરશન થવાનું હતું તે જ હાથે અને તે જ જગ્યાએ. લગભગ ૨૫ વર્ષો પહેલા એ ઓપરશન થયું હતું. ભાવનગરના ઓર્થોપેડિક ડો. દિનકર ધોળકિયાએ મારા હાથની કોણીના હાડકાઓમાં થયેલ ફેક્ચારોને કારણે તાર બાંધી હાડકા જોડ્યા હતા. આજે એ જ હાથ પર જીવનમાં બીજીવાર ઓપરશન થવાનું હતું. એટલે હું બહુ ચિંતિત હતો. એ જ ચિંતામાં મેં ઝાહિદ અને સાબેરા સાથે હોસ્પિટલમાં પ્રવેશ કર્યો. ટૂંક સમયમાં જ મારા ઓપરશનની તૈયારીઓ આરંભાય. મને ઓપરશન ગાઉન પહેરાવવામાં આવ્યો. સ્ટ્રેચર પર મને સુવડાવી મારી વિવિધ તપાસ ચાલુ થઇ. મારું બીપી, મારું સુગર ચેક થયું. મારા હદયનો કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો. મને સ્વસ્થતાથી પૂછવામાં આવ્યું,

"તમારું શાનું ઓપરશન થઇ રહેલ છે, તેની તમને ખબર છે ?
"હા, ડાબા હાથના એલ્બોના ફેક્ચારનું"

"તમને કઈ દવાઓનું રીએક્શન આવે છે?"

"સલ્ફા, એસ્પીરીન"

"ઓપરશન દરમિયાન લોહી ચડાવવાની જરૂર પડે તો તમે સંમત છો ?

"હા"

"ઓપરશન દરમિયાન કોઈ પણ કોમ્પ્લીકેશન થાય તો તે માટે તૈયાર છો ને ?

"હા"

આ બધા પ્રશ્નો અહિયા ઓપરશન પૂર્વે સામાન્ય છે. કારણ કે દાક્તરો સામે દર્દીઓ તરફથી ક્મ્પન્શેસન માટે થતા કેસોમાં ઓસ્ટ્રેલિયા વિશ્વમાં પ્રથમ છે. એટલે અહિયા ઓપરશન પૂર્વે સંપૂર્ણ તકેદારી લેવામાં આવે છે. થોડી મીનીટો પછી જે સર્જન મારું ઓપરશન કરવાના હતા તે ડો. લીઅમ ખુદ મને મળવા આવ્યા. મને આશ્વાસન આપતા તેમને કહ્યું,

"માય નેઈમ ઇઝ ડો. લિઅમ. આઈ વિલ ઓપરેટ યોર હેન્ડ. ડોન્ટ વરી, એવરીથીંગ વિલ બી ઓલ રાઈટ" અને મારી સામેં સ્મિત કરી તેમણે વિદાય લીધી.

અંતે અનેથેસીયા આપનાર દાક્તર આવી ચડ્યા. તેમણે મને એનેથેસીયાની વિધિ સમજાવી. મેં સંમતી આપી. એટલે તેણે  મને એનેથેસીયા આપવાનું શરુ કર્યું. થોડી મીનીટોમાં હું સંપૂર્ણ બેભાન બની ગયો.

No comments:

Post a Comment