Tuesday, September 4, 2012

૧૮૫૭નો પ્રથમ પત્રકાર શહીદ : મૌલવી મુહમ્મદ બાકર :: ડૉ. મહેબૂબ દેસાઈ




૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ આપણે આઝાદીની ઉજવણી કરી. પણ આઝાદીના યજ્ઞમાં આહુતિ આપનાર હજુ પણ અનેક સ્વાતંત્ર શહીદોથી આપણે અજાણ છીએ. એવા જ એક શહીદ છે ઇસ્લામના શિયા કીરકાના મૌલવી મુહમ્મદ બાકર. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામમા ફકીરો, મૌલવીઓ અને સંતોનું પ્રદાન ઇતિહાસના પાનાનો પર અદભૂત છે. પણ તેની જોઈએ તેવી નોંધ લેવાઈ નથી. મૌલવી મુહમ્મદ બાકર (૧૭૭૦ થી ૧૮૫૭)ને  આપણા રૂઢિગત ઇતિહાસમાં ભલે કોઈ ન ઓળખતું હોઈ, પણ દિલ્હી અભિલેખાગારની ફાઈલોમાં હજુ તેમનો આત્મા સળવળી રહ્યો છે. કારણ કે તેઓ ૧૮૫૭ની ક્રાંતિના  પ્રથમ પત્રકાર શહીદ હતા. મૌલવી મુહમ્મદ બાકરના પૂર્વજો ઈ.સ.૧૧૨૪-૧૭૧૨ દરમિયાન ઈરાનથી દિલ્હી આવી વસ્યા હતા. તેમના દાદાનું નામ મૌલાના મુહમદ અશરફ હતું. અને પિતાનું નામ મૌલાના મુહમ્મદ અકબર હતું. તેમના પિતા ઇસ્લામના મોટા વિદ્વાન હતા. મૌલવી મુહમ્મદ બાકર ઈ.સ ૧૮૨૫મા દિલ્હી કોલેજમાંથી સ્નાતક થઈ, એ જ કોલેજમાં ફારસીના અધ્યાપક તરીકે જોડાયા હતા. જો કે આજે દિલ્હી કોલેજનું નામોનિશાન દિલ્હીમાં જોવા મળતું નથી.

ઈ.સ. ૧૮૩૬-૩૭મા મૌલવી મુહમ્મદ બાકરે સૌ પ્રથમ ઉર્દૂ અખબાર " દિલ્હી ઉર્દૂ અખબાર" શરુ કર્યું. જેમાં તેમણે મધ્યકાલિન ભારતીય સમાજ અને સંસ્કૃતિ વચ્ચે સમન્વય સાધવામા સૂફીસંતો અને તેમની મઝારોએ આપેલા પ્રદાનનો ઇતિહાસ આલેખવાનો આરંભ કર્યો હતો. એ યુગમાં આવી ધાર્મિક સમભાવની વાતને વાચા આપવી એ અંગ્રેજીની ભાગલા પાડીને શાસન કરવાની નીતિ વિરુધ્ધ હતી. પરિણામે અંગ્રેજ સરકારના રોષનો ભોગ "દિલ્હી ઉર્દૂ અખબાર"  અને તેના તંત્રીને થવું પડ્યું. પણ તેની જરા પણ પરવા કર્યા વગર મૌલવી મુહમ્મદ બાકરે પોતાના અખબારની સમભાવની નીતિને ચાલુ રાખી. આ ઉપરાંત એ યુગમાં ઇસ્લામના બે ભાગો શિયા અને સુન્ની વચ્ચેના વિવાદો પણ પરાકાષ્ઠાએ હતા. મૌલવી મુહમ્મદ બાકરે પોતાના અખબાર " દિલ્હી ઉર્દૂ અખબાર" દ્વારા એ ભેદો વચ્ચેની ખાયને બુરવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા. આજે તો " દિલ્હી ઉર્દૂ અખબાર" ના જુજ અંકો અર્થાત ૮ માર્ચ ૧૮૫૭ થી ૧૩ સપ્ટેમ્બર ૧૮૫૭ સુધીના માત્ર ૧૬ અંકો જ રાષ્ટ્રીય અભિલેખાગાર, દિલ્હીમા ઉપલબ્ધ છે. એ પછી તેના પ્રકાશન પર અંગ્રેજોની સખ્તાઈ વધતા ૧૨ જુલાઈ ૧૮૫૭ના રોજ " દિલ્હી ઉર્દૂ અખબાર" નું નામ બદલીને  "અખબારુલ જફર" કરવામા આવ્યું હતું. જેથી તે ૧૮૫૭ના યુગની અંગ્રેજ શાસકોની કુટનીતિને લોકો સુધી પહોંચાડતું રહી શકે. રાષ્ટ્રીય અભિલેખાગારના " દિલ્હી ઉર્દૂ અખબાર" ના દસ્તાવેજ ક્રમ બી-૧૨ના પત્ર સંખ્યા ૩૨મા મૌલવી મુહમ્મદ બાકર લખે છે,
"લખનૌના મુખ્ય આયુક્તના સચિવ જ્યોર્જ કોપ્પરને ભારત સરકારના લખનૌના સચિવ જી.એફ. એડમિનસ્ટનએ ૧ ડીસેમ્બર ૧૮૫૭ના રોજ પત્રમાં લખ્યું હતું "શ્રીમાન ગવર્નર જનરલ બહાદુરે હિન્દુઓને મદદ કરવા ૫૦૦૦૦ હજાર રૂપિયા મંજુર કર્યા હતા. જેથી તેઓ અંગ્રેજો સામે લડતા મુસ્લિમ વિદ્રોહીઓ સામે લડી શકે. પણ મને જણાવતા દુઃખ થાય છે કે આપણી એ યોજના નિષ્ફળ ગઈ છે. જેથી અમે હિન્દુઓને મદદ કરવાનો એ વિચાર પડતો મૂકીએ છીએ"
૧૮૫૭ના એ યુગમાં અખબારોની અંગ્રેજ શાસન વિરુધ્ધ લખવાની પદ્ધતિ પણ " દિલ્હી ઉર્દૂ અખબાર"ના ૧૮ મેં ૧૮૫૭ના અંકમાં જોવા મળે છે. એ અંકમાં મૌલવી મુહમ્મદ બાકર લખે છે,
"એક માનવીને સ્વપ્નું આવ્યું. તેણે સ્વપ્નમાં જોયું કે હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)સાહેબ અને હઝરત ઈસા (ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુ) બંને ભારતમાં ચાલી રહેલ કત્લેઆમ જોઈ રહ્યા છે. એ જોઈ હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)સાહેબે હઝરત ઈસાને કહ્યું,
"તમારા અનુયાયીઓ વિદ્રોહીઓ થઈ ગયા છે. મારા બંદાઓના દુશમન થઈ ગયા છે. તેઓ મારા ધર્મને નષ્ટ કરવા કત્લેઆમ કરી રહ્યા છે"
આ સાંભળી હઝરત ઈસા (ભગવાન ઈસુ) બોલી ઉઠ્યા,
"જે વિદ્રોહી થઈ ગયા છે. અને જે માનવજાતની કત્લેઆમ કરી રહ્યા છે તે મારા સંતાનો નથી. તેઓ તો શૈતાનના અનુયાયીઓ છે. મેં તો મારા બંદાઓને માનવજાતની સેવા કરવાનો આદેશ આપ્યો છે"
૮ માર્ચ ૧૮૫૭, ૧૧ રજબ હિજરી સન ૧૨૭૩ રવિવારના અંકમાં મૌલવી મુહમ્મદ બાકરે સૌ પ્રથમ કુરાને શરીફની એક આયાતને ટાંકતા લખ્યું છે,
"આપણે સાચા રસ્ત્તે ચાલવું જોઈ અને અલ્લાહની ઈબાદત કરવી જોઈએ"
૧૦ મેં ૧૮૫૭ના અંકની શરૂઆતમાં જ મૌલવી મહંમદ બાકર લખે છે,
"બનારસની ૩૭મી રેજીમેન્ટના સૈનિકોએ લખ્યું છે કે જો રીવાના રાજા અંગ્રેજો સામે લડવા તૈયાર હોઈ તો તેઓ ૨૦૦ ભારતીય સૈનિકોની ફોજ તેમની મદદ માટે મોકલવા તૈયાર છે. પરંતુ  એ પહેલા તો અંગ્રેજોએ રીવાના રાજાની ધરપકડ કરી તેમને નાગોડમા કેદ કરી લીધા હતા"

આવા જલદ અખબારના તંત્રી મૌલવી મુહમ્મદ બાકરની ૧૫ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ અગ્રેજ સરકારે ધરપકડ કરી. અને તેમને જેલમાં નાખવામાં આવ્યા. દિલ્હી ગેટની જમણી બાજુ શેખ ફરીદે એક ધર્મશાળા બનાવી હતી. તેને અંગ્રેજ શાસકોએ જેલ બનાવી દીધી હતી. ત્યાં મૌલવી મુહમ્મદ બાકરને રાખવામાં આવ્યા. અને ત્યા જ મૌલવી મુહમ્મદ બાકરને ગોળીએ વીંધી કે ફાંસીએ ચડાવી મારી નાખવામાં આવ્યા. અને આમ એક દેશ ભક્ત પત્રકારની કલમ હંમેશ માટે શાંત થઈ ગઈ. મૌલવી મુહમ્મદ બાકરને અંગ્રેજોએ આપેલી આ સજા માટે અંગ્રેજ ચોપડે ત્રણ ગુનાઓ નોંધ્યા હતા. એક, તેઓ દેશ ભક્ત હતા. બે, તેમણે અગ્રેજો વિરુધ્ધ જેહાદ જગાડી હતી. અને ત્રણ, તેઓએ હિંદુ મુસ્લિમ એકતા સ્થાપિત કરવા પોતાની કલમને કામે લગાડી હતી.


No comments:

Post a Comment