Saturday, June 26, 2010

ખુદાનો બંદો ગેબનો દરવેશ : ડૉ. મહેબૂબ દેસાઈ

રૂસ્વા મઝલુમી-માણસ કહી શકાય તેવો સાચ્ચો માણસ. અલ્લાહનો એવો બંદો જેની ઇબાદતમાં ઈમાનદારી અને શાયરીમાં ઈબાદત હતી. અને એટલે જ જયારે અલ્લાહની વાત નીકળતી ત્યારે રુસ્વા મઝલૂમ અચૂક કહેતા,
“અલ્લાહ તો ઈમાન છે , વિશ્વાસ છે. આપના હદયમાં અલ્લાહ માટે મહોબ્બત અને લગાવ છે એ જ ઈમાન છે, એ જ અલ્લાહ છે.” “મારોય એક જમાનો હતો” (સંપાદક-લેખક: રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારી)નામક પુસ્તકમા રુસ્વા મઝલુમીના આવા બિન્દાસ જીવન,કવન અને વિચારોને હૃદય સ્પર્શી રીતે રજૂ કરવામાં આવ્યા છે.


રૂસ્વા મઝલુમી પાજોદના દરબાર શ્રી. ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબીનું ઉપનામ છે. રુસ્વા સાહેબની ગઝલોમાં રજૂ થયેલા મજહબી વિચારોમા ભારતની વિવિધતામાં એકતાની મહેક પ્રસરેલી છે. મંદિર અને મસ્જિત વચ્ચેની ભેદ રેખાનું વિલીનીકરણ તેમની રચનાઓમાં વારંવાર ડોકયા કરે છે.

“યે મસ્જિત હૈ , વો બુતખાના
ચાહે યે માનો ,ચાહે વો માનો,
મકસદ તો હૈ દિલકો સમજાના,
ચાહે યે માનો,ચાહે વો માનો”

ખુદા મસ્જિતમાં પણ છે અને બુતખાના(મંદિર)મા પણ છે. બંનેમાથી જેને ચાહો તેને માનો.એમ કહેનાર રુસ્વા સાહેબ મસ્જિતમાં પણ પરાણે જવાનો ઇનકાર કરે છે. ઈબાદતનો દેખાડો રુસ્વને જરા પણ મજુર નથી. અને એટલે જ રુસ્વા સાહેબ લખે છે,

“ખુદા ખાતર મને ખેચી ન જા મસ્જીતમાં એ ઝાહિદ,
કે મને દેખાવ કાજે દેખાવું નથી ગમતું “

ઈબાદતએ દિલી ખ્વાહિશ છે. તેમાં દંભ કે દેખાડાને સ્થાન નથી. ખુદા સાથેની મહોબ્બતનું તે પરિણામ છે.એટલે તેમાં કયાંય ભય કે મજબુરીને પણ અવકાશ નથી.વળી,રુસ્વા સાહેબ માટે ધર્મ,મજહબ એ કોઈ ક્રિયાકાંડ નથી તેઓ ધર્મની વિભાવના સ્પષ્ટ કરતા લખે છે,

“મજહબ એટલે ધર્મ. અને ધર્મ એટલે ઈબાદત,ભક્તિ. મારી નજરમાં મજહબ એટલે ખુદાએ સોંપેલ કાર્ય. તમે કોઈના નોકર છો. તો તેની નોકરી ઈમાનદારીથી કરો એ જ તમારો સાચ્ચો ધર્મ છે.એ જ તમારી સાચ્ચી નમાઝ છે. એ જ તમારી સાચ્ચી ભક્તિ છે.” મજહબની આવી સ્પષ્ટ વિભાવના કરનાર રુસ્વા સાહેબની ગઝલોમાં કયાંક કયાંક સૂફી રંગોના છાંટણા જોવા મળે છે.

“ રંગ છું, રોશની છું, નૂર છું,
માનવીના રૂપમાં મનસુર છું,
પાપ પુણ્યની સીમાથી દૂર છું,
માફ કર ફિતરતથી હું મજબૂર છું”

સૂફી સંતોના બાદશાહ મન્સુરને માનવીના રૂપમા પોતાના વ્યક્તિત્વમાં સાકાર કરવા મથતા રુસ્વા સાહેબની પાપ અને પુણ્ય અંગેની વિચારધારા ભિન્ન છે.માનવી તેની ફિતરત અર્થાત સ્વભાવથી મજબૂર છે.એટલે તે કયારેક પાપ પુણ્યની ફિક્ર કર્યા વગર જિંદગી જીવે છે. અને જિંદગીને ભરપેટ માણી લેવા મથે છે. જિંદગી પ્રત્યેની તેની એ જ્ મહોબ્બત તેને ઈશ્કે મિજાજીમાંથી ઈશ્કે ઇલાહી તરફ દોરી જાય છે. એ જ રીતે સૂફી વિચારધારાના એક મૂળભૂત લક્ષણ સમી ધર્મનિરપેક્ષતા રુસ્વા સાહેબની રચનાઓની જાન છે.

થઇ જાય નિછાવર સ્મિત સઘળાં એવાં હું ક્રંદન લાવ્યો છું,
ફૂલોની ધડકન લાવ્યો છું, ઝાકળનાં સ્પંદન લાવ્યો છું.
નરસિંહની ઝાંખીમાંથી હું મોહનની મઢૂલીમાં ધરવા,
ચેતનના ચંદન લાવ્યો છું, આતમના વંદન લાવ્યો છું.

નરસિંહ અને મોહનને વંદન કરતા રુસ્વા સાહેબની આ ચાર લાઈનોમાં શુદ્ધ ગુજરાતી ભાષાની શાન જોવા મળે છે. આ ચાર લાઈનોમાં એક પણ ફારસી કે ઉર્દૂ શબ્દ શોધ્યો નહિ જડે.
ભારતને સ્વતંત્રતા મળી ત્યારે જુનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળવા તલપાપડ હતા. તેમણે રુસ્વા સાહેબને પણ પોતાની સાથે રહેવા વિનંતી કરી હતી. એવા સમયે રુસ્વા સાહેબ વતન-પરસ્તીની મિશાલ બની રહ્યારવિવાર, 27 જૂન 2010. કેટલાક નવાબોનો રોષ વહોરીને પણ ભારતીય સંઘમાં જોડાવા તેમણે દસ્તખત કર્યા હતા. તે સમયની તેમની દ્રઢ મનોદશા આ ગઝલમાં ચિત્રિત થાય છે.


“નથી આવ્યા અમે કેવળ અહીંયાં પર્યટન માટે,
વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે.
તમે સોગંદનામું શું જુઓ છો, કાર્ય ફરમાવો !
બંધાયો છું ગમે તે કાર્ય કરવા હું વતન માટે”

ગુજરાતી ગઝલના પિતામહ સમા અમૃત ઘાયલ અને રુસ્વા મઝલુમી પરમ મિત્ર હતાં. એ નાતે મિત્ર રુસ્વા મઝલુમીની ફીતરતને અભિવ્યક્ત કરતા અમૃત ઘાયલ લખે છે,

“ભાઈથી હિંદુને અધિક માને
એ મુસલમાન એટલે રુસ્વા

બાંધી બ્રાહ્મણને હિંદુ મુસ્લિમનું
ક્રોસ સંધાન એટલે રુસ્વા

દેવ મંદિરના ધૂપ: મસ્જીતમાં
જલતો લોબાન એટલે રુસ્વા

ખૂદાનો બંદો ગેબનો દરવેશ
ને કદરદાન એટલે રુસ્વા”

આવા શાયર રુસવા મઝલુમીને આપણા સૌના સો સો સલામ.
(લખ્યા તારીખ ૨૭-૦૬-૨૦૧૦ રવિવાર)

No comments:

Post a Comment