Tuesday, January 21, 2020

નમાઝી વગરની મસ્જિત અને અઝાન : ડૉ. મહેબૂબ દેસાઈ




થોડા દિવસો પૂર્વે વર્તમાન પત્રમાં કઝાકિસ્તાનની સૌથી મોટી મશ્ખુર જુસુપ મસ્જિતના સમાચાર વાંચ્યા. લગભગ ૧૫૦૦ નમાઝીઓ એક સાથે નમાઝ પઢી શકે તેટલી મોટી આ મસ્જિતનું નામ કઝાક કવિ અને ઇતિહાસકાર મશ્ખુર જુસુપના નામે રાખવામાં આવ્યું છે. મસ્જિતનો આધાર ૪૮ મીટર વ્યાસવાળા આઠ ખૂણાવાળા તારા જેવો છે. તેના મિનારાની ઉંચાઈ ૬૩ ફૂટ છે. તેનો વાદળી ગુંબજ ૫૪ મીટર ઊંચો છે. આવી ભવ્ય મસ્જિતના સમાચાર વાંચી મને  બિહારના એક નાનકડા ગામ માધીમાં આવેલી ૨૦૦ વર્ષ જૂની નાનકડી મસ્જિત યાદ આવી ગઈ. જો કે એ મસ્જિત સાવ મામુલી છે. પણ તેની પાછળની ત્યાંના હિંદુ સમાજની આસ્થા અને ભાવના મસ્જિતની ભૌતિક ભવ્યતા કરતા તેના પ્રત્યેની ભાવનાત્મક ભવ્યતા ને સાકાર કરે છે. જે સાચે જ ભવ્ય અને અનુકરણીય છે.
આપણી ધાર્મિક સમસ્યાઓનોના અનેક કારણોમાનું  એક કારણ એક બીજાના ધર્મ અને ધર્મ સ્થાનો પ્રત્યેની આપણી અવગણના છે. અંગ્રેજીમાં એક કહેવત છે “યુ ગીવ રીસ્પેક્ત એન્ડ રીસ્પેક્ત વિલ રીબાઉન્ડ ટુ યુ“ અર્થાત “તમે જેટલું માન આપશો, તેનાથી બમણું  માન પામશો” એ નાતે આપણે અન્ય ધર્મ અને તેના ધર્મસ્થાનોને જેટલું માન આપીશું તેનાથી  બમણું માન આપણા ધર્મ અને ધર્મસ્થાનોને અવશ્ય મળશે. બિહારના નાનકડા ગામ માધીની આ મસ્જિત આ બોધને સાકાર કરે છે.
 “અમે હિંદુ હોવાને કારણે અમને “અઝાન” આપતા નથી આવડતું. એટલે પાંચ સમયની અઝાન પેન ડ્રાયમાં અમે રેકોર્ડ કરી રાખી છે. અને તે અમે નમાઝનો સમય થતા દિવસમાં પાંચવાર માઈક પર નિયમિત વગાડીએ છીએ.”
આવું વિધાન કરનારા બિહારના માધી ગામના હંસ કુમાર સલામ અને માનના અધિકારી છે. જન્મે હિંદુ હંસ કુમારનું આ વિધાન આપણી સમન્વય વાદી સાંસ્કૃતિક પરંપરાને વ્યક્ત કરે છે. ભારતની બિનસાંપ્રદાયિકતાના પ્રતિક સમી આ મસ્જિતની કથા આજના બદલાતા જતા સમયમાં જાણવા અને માણવા જેવી છે. દેશમાં વધતી જતી ધાર્મિક કટ્ટરતા અને દૈનિક ઘટનાઓ વચ્ચે, બિહારના નાલંદા જિલ્લામાં આવેલું માધી ગામ ઉદારવાદ અને ખુલ્લી વિચારધારાની દુર્લભ અને આદર્શ તસ્વીર રજુ કરે છે.
 બિહારના નાલંદા જિલ્લામા માધી ગામમાં વર્ષોથી હિંદુ અને મુસ્લિમ સમાજ પારંપરિક પ્રેમ અને મહોબ્બતથી રહેતા હતા. ગામમાં મુસ્લિમ સમાજે ૨૦૦ વર્ષ પૂર્વે એક નાનકડી મસ્જિત ઈબાદત માટે બનાવી હતી. આજે પણ એ મસ્જિત હયાત છે. પણ તેમાં નમાઝ અદા કરનાર એક પણ મુસ્લિમ ગામમાં નથી. આર્થિક અને સમાજિક કારણો સર ગામના મુસ્લિમો ધીમે ધીમે સ્થળાંતર કરી અન્ય સ્થળોએ રહેવા જતા રહ્યા છે. પણ તેમણે ઈબાદત માટે બનાવેલી નાનકડી મસ્જીત મુકતા ગયા. ૨૦૦ વર્ષ જૂની એ મસ્જિતને સાચવવાની, તેની પવિત્રતાને બરકરાર રાખવાની જવાબદારી માધી ગામના હિન્દુઓએ ઉપાડી લીધી. આજે એ મસ્જિતની પવિત્રતા, સ્વચ્છતા અને નિયમિત અઝાનની સંપૂર્ણ જવાબદારી ગામમાં રહેતા હિંદુઓ સંભાળી રહ્યા છે. અલબત આ મસ્જિતમાં નિયમિત પાંચ સમયની અઝાન થાય છે. પણ એ અઝાન કોઈ મૌલવી નથી આપતા. પણ પેન ડ્રાઈવમાં સેવ કરેલ અઝાન નમાઝનો સમય થતા અચૂક ગામમાં ગુંજી ઉઠે છે. અને ગામ લોકો અઝાનના સમયે અન્ય અવાજો બંધ કરી અઝાન આસ્થા અને શાંતિથી સાંભળે છે.
મસ્જિતની નિયમિત સફાઈ કરવાનું, તેની સંભાળ રાખવાનું કાર્ય કરનાર ગામનો ગૌતમ નામક એક યુવાન કહે છે,
"મસ્જિદની સંભાળ લેનાર એક પણ મુસ્લિમ ગામમાં નથી. જેથી તેની સંભાળ લેવાનું કાર્ય અમે કરીએ છીએ. મસ્જિતની સફાઈ અને મરામતનું કાર્ય પણ અમે ગામ લોકો સાથે મળીને કરીએ છીએ”
એક મુસ્લિમ પ્રાર્થના સ્થાનની નિયમિત સફાઈ અને સંભાળ હિંદુ સમાજ દ્વારા થઇ રહ્યાની ઘટના જ આજના માહોલમાં આદર્શ દ્રષ્ટાંત છે. અને એ પણ એવા હિંદુ સમાજ દ્વારા જે ઝાઝો શિક્ષિત નથી, સુસંસ્કૃત નથી. આપણા શહેરી શિક્ષિત સમાજને તેના દ્વારા મળતો સબક સમાજમાં શાંતિ અને સુરક્ષા માટે અનિવાર્ય લાગે છે. 
ગામના એક અશિક્ષિત યુવાન હંસ કુમાર કહે છે,
“ગામમાં કોઈ પણ શાદી વિવાહ હોય અથવા નાનો મોટો શુભ પ્રસંગ હોય ત્યારે સૌ પ્રથમ અમે મસ્જિતમાં આવીએ એ છીએ. અને મસ્જિતના દ્વારા પર ચરણ સ્પર્શ કરીએ છીએ.”
દરેક ધર્મીની આસ્થા પવિત્ર અને પાક હોય છે. તેને ધર્મના ક્રિયાકાંડો સાથે કોઈ ખાસ સંબધ નથી હોતો. એ મહત્વની બાબત માધી ગામના અશિક્ષિત લોકો કેટલી સહજતાથી સમજે છે, આચરણમાં મુકે છે.
ગામના એક અન્ય વયોવૃદ્ધ હિંદુ મુસ્લિમ સદભાવનાને અભિવ્યક્ત કરતા કહે છે,
“અલ્લાહ ઈશ્વર તેરો નામ સબ કો સંમતિ દે ભગવાન. અલ્લાહ અને ઈશ્વર એક જ છે બીજું કોઈ નથી. પછી શા માટે આપણે લડીએ છીએ ? આ આજ ની વાત નથી. આ ગામમાં અમે હિંદુ અને મુસ્લિમ વર્ષોથી સાથે રહ્યા છીએ. પણ અમારી વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ આવ્યો નથી. આજે એક પણ મુસ્લિમ આ ગામમાં વસતો નથી. છતાં તેઓ મૂકી ગયેલ મસ્જિતનું જતન કરવાનું કાર્ય અમારી નૈતિક ફરજ છે. અને તે અમે સહર્ષ કરીએ છીએ.”


દેશમાં વધતી જતી ધાર્મિક કટ્ટરતા અને કોમી રમખાણોની વચ્ચે  બિહારના નાલંદા જિલ્લામાં આવેલ માધી ગામની ઉદારતા અને ધાર્મિક સદભાવના દુર્લભ છતાં પ્રેરક ચિત્ર રજુ કરે છે. જે આપણા સૌ માટે એક ઉપદેશ છે.







Friday, December 27, 2019

PROF. MEHBOOB DESAI'S BLOG : ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વ...

PROF. MEHBOOB DESAI'S BLOG : ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વ...: ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ "૫૧ ગૌરવવંતા ગુજરાતી" પૂર્તિમાં પ્રસિદ્ધ થયે...
ગુજરાતના જાણીતા સામાયિક "ચિત્રલેખા"ના ૬૯ વાર્ષિક વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ "૫૧ ગૌરવવંતા ગુજરાતી" પૂર્તિમાં પ્રસિદ્ધ થયેલ પરિચય .

Monday, December 2, 2019

મેઘા એજ્યુ ફેસ્ટ : ઇલ્મની તબલીગ : ડૉ. મહેબૂબ દેસાઈ



૨૭ નવેમ્બરના રોજ સ્વેચ્છિક  સંસ્થાઓના સંચાલકો, શિક્ષણશાસ્ત્રીઓ અને આગેવાનોની એક બેઠક લોખંડવાલા પાર્ટી પ્લોટમાં મળી હતી. એ બેઠકમાં શિરકત કરવાની (હાજર રહેવાની) મને તક સાંપડી.
૨૧ અને ૨૨ ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ પર ભરાઈ રહેલ મેઘા એજ્યુ ફેસ્ટના આયોજન અર્થે આ બેઠકનું આયોજન થયું હતું. જેમાં આયોજન સાથે ઇસ્લામના શિક્ષણ વિશે વિચારો જુદા જુદા પ્રતિનિધિઓ દ્વારા રજુ  થયા હતા. લગભગ બે કલાકની બેઠકમાં એક પણ શબ્દ બોલ્યા વગર પ્રથમવાર મેં સૌને સાંભળ્યા. અને તેમાંથી ઇસ્લામના શિક્ષણ વિષયક ઉમદા વિચારો મનમાં ટપકાવી લીધા. આજે એ સંદર્ભે ઇસ્લામના  ઇલ્મ અને આલીમ વિષયક જાણવા અને માણવા જેવા વિચારોની થોડી વાત કરીએ.

હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)પર ઉતરેલ પ્રથમ વહીનો પ્રથમ શબ્દ હતો "ઇકરાહ". જેનો અર્થ થાય છે પઢ, વાંચ. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌ પ્રથમ વહી માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું છે,
 "પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે."
ઇલ્મ અંગેની હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની કેટલીક  નોંધપાત્ર હદીસો જાણવા જેવી છે.
"શહીદોના ખુન કરતા વિદ્યાર્થીની શાહી વધુ પવિત્ર છે"
"જ્ઞાન પ્રાપ્તિ માટે જે ઘર છોડે છે, તે ખુદાના માર્ગે કદમ માંડે છે"
"ચીનમાં પણ વિદ્યા મળે તો એ પ્રાપ્ત કરવાની તલબ રાખો"
"જે જ્ઞાનની શોધમાં મુસાફરી કરે છે, તેને ખુદા અવશ્ય માર્ગ બતાવે છે"
ઇલ્મ એટલે જ્ઞાન. વિદ્યા, જાણકારી કે વિજ્ઞાન. આલીમ એટલે જ્ઞાની, વિદ્વાન. ઉર્દૂ ભાષાના આ શબ્દનો  અર્થ શબ્દ કોશમાં આપતા કહેવામાં આવ્યું છે,
"જેના વાણી વર્તન અભ્યાસ અનુસાર આચરણમાં પણ હોય તેવો વિદ્વાન એટલે આલિમ"
સામાન્ય રીતે જ્ઞાન અને વિજ્ઞાનના ઉપાસકને જ આપને આલિમ કહેવાનું અને સ્વીકારવાનું પસંદ કરીએ છીએ. પણ તે આપણી સંકુચિત સમજ છે. તે સત્ય નથી. બાર્બર અર્થાત વાળ કાપવામાં કે સંવારવામાં નિષ્ણાત હોય તો તે એ વિષયનો જ્ઞાની કે આલિમ છે. તેમ કહેવાનું આપણે મોટે ભાગે પસંદ કરતા નથી. પરિણામે તેને આલિમ કે વિદ્વાન જેવું માન કે સન્માન આપતા નથી. પણ ઇસ્લામ સરળ અને ગહન ગમે તેવું જ્ઞાન ધરાવનાર ગરીબ-અમીર, દોસ્ત-દુશ્મન નાના-મોટા, સૌને જ્ઞાની કે આલિમ કહી તેને માન સન્માન આપવાનું કહે છે.
એક વખત હઝરત ઈમામ આજમ (ર.અ) ડોલીમાં બેસી ભરબજારમાથી પસાર થઇ રહ્યા હતા. એકાએક તેમની નજર એક ગરીબ સફાઈ કામદાર પર પડી. મેલાં ઘેલાં વસ્ત્રોમાં હાથમાં ઝાડું લઇ તે રસ્તો વાળતો હતો. હઝરત ઈમામ અજમએ ડોલી ઉભી રાખી. ડોલીમાંથી ઉતરી ભરબજારમાં લોકો જુવે તેમ એ સફાઈ કામદારનો હાથ ચૂમી તેના ખબરઅંતર પૂછ્યા. એ જોઈ એક શિષ્યએ તેમને જીજ્ઞાસાથી પૂછ્યું,
"આપે એ સફાઈ કામદારને આટલી ઈજ્જત શા માટે બક્ષી ?"
આપે ફરમાવ્યું,
"એ સફાઈ કામદારને કુતરાનું સારું જ્ઞાન છે. એકવાર મારે કુતરાઓની પુખ્તતાની નિશાની જાણવી હતી. ઘણી તપાસ કરી પણ તેની ચોક્કસ નિશાની મને ન મળી. અંતે આ સફાઈ કામદારને એકવાર અચાનક પૂછ્યું. તો તેણે એક જ વાક્યમાં મને તેની નિશાની જણાવતા કહ્યું જયારે કુતરો એક પગ ઉંચો કરી લઘુશંકા કરે ત્યારે તે પુખ્ત થઇ ગયો છે તેમ માનવું. નાનામાં નાના માણસ પાસે પણ જ્ઞાનનો એવો ભંડાર હોય છે, જે મોટા જ્ઞાની પાસે પણ નથી હોતો. તેણે આપેલ આ જ્ઞાન બદલ  હું તેને આલિમ માનું છું. અને તેથી જ ભરબજારમાં તેનો હાથ ચૂમી મેં તેની ઈજ્જત કરી છે"
જ્ઞાનનો મહિમા અપરંપાર છે. તેનું મુલ્ય અનેક ઘણું છે. પણ તેનો અહંકાર જરૂરી નથી. જ્ઞાન ખુદાએ બક્ષ્યું છે તો એ ખુદાની મહેરબાની છે. રહેમત છે. અલ્લાહનો શુક્ર છે. તેનો ગર્વ કે અભિમાન ખુદાની બક્ષેલ દોલતનું અપમાન છે. એમ દ્રઢપણે માનવું દરેક જ્ઞાની કે આલિમ માટે અનિવાર્ય છે.
એ જ રીતે જ્ઞાનીના જ્ઞાનમાં  જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેની નમ્રતા વધતી જાય છે. જેમ આંબાને ફળ લાગે તેમ તે ઝૂકતો જાય છે. તેમ જ જ્ઞાનીની નમ્રતા અને નિરભિમાન વધવા જોઈએ. રહીમ તેના એક દોહામાં કહે છે,
"બડે બડાઈ ના કરે, બડે ના બોલે બોલ
રહીમન હીરા કબ કહે, લાખ ટકા હૈ મોલ"
એક જ્ઞાની બીજા જ્ઞાનીને ક્યારેય ઉતારી પાડવાનો પ્રયાસ નથી કરતો. તેના પર પોતાના જ્ઞાનનો રોફ નથી છાંટતો. બલકે સાચો જ્ઞાની એ છે જે બીજાના જ્ઞાનનો આદર કરે છે. તેને માન સન્માન આપે છે. જ્ઞાન એ તો દરિયો છે. તેમાં તો દરેક વિચારને માન છે. સ્થાન છે. દરેક વિચારનું મહત્વ છે. વિચારમાં અધુરપ કે ગેરસમજ હોય શકે. પણ વિચાર સાચો કે ખોટો નથી હોતો. અલબત વિચાર નૈતિક કે અનૈતિક જરૂર હોય છે. જ્ઞાની માનવી એવા અનૈતિક વિચાર સામે પોતાનો નૈતિક વિચાર મૂકી શકે છે. પણ તેના અમલીકરણ માટે દુરાગ્રહ નથી સેવતો.
ટૂંકમાં, આજે મેઘા એજ્યુ ફેસ્ટ જેવા મેળાઓ દ્વારા પણ જ્ઞાનનો વિસ્ફોટ થઇ રહ્યો છે. કારણ કે જ્ઞાન કે ઇલ્મ એ માનવજીવનની અનિવાર્યતા છે. સંસ્કૃતના એક શ્લોકમાં કહ્યું છે,
"સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન સર્વત્રૈ પૂજયતે"
અને એટલે જ આવા શૈક્ષણિક આયોજનોને નવી પેઢીના ધડતર અને ચણતર માટે આપણે સૌએ પ્રોત્સાહિત કરવા જોઈએ.