ગાંધીજીના પ્રથમ ચલચિત્રના સર્જક અંગ્રેજ રિચાર્ડ ઍટનબરો હતા. એ જ રીતે ગાંધીજીના પ્રથમ જીવનચરિત્રના લેખક પણ એક અંગ્રેજ પાદરી રેવરંડ જોસેફ જે. ડૉક હતા, એ બહુ ઓછા ભારતીયો જાણતા હશે. આજે આપણે ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” ના ૧૦૦ વર્ષની
ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગાંધીજીના પ્રથમ જીવનચરિત્ર અંગે પણ જાણવું જરૂરી બને છે
જેનું પ્રકાશન ઈ. સ. ૧૯૦૯માં લંડનના ઇન્ડિયન ક્રોનિકલ અખબારના તંત્રી નસરવાનજી એમ. કુંપરે કર્યું હતું. ગાંધીજીના જીવનચરિત્રને આલેખતા એ પ્રથમ પુસ્તકનું નામ હતું ‘M. K. Gandhi - An Indian Patriot in South Africa' (એમ. કે. ગાંધી - દક્ષિણ આફ્રિકામાંના એક ભારતીય દેશભક્ત). પુસ્તકમાં
ગાંધીજીના ૧૯૦૮ સુધીના દક્ષિણ આફ્રિકાના જીવનકાળને આવરી
લેવામાં આવ્યો છે. આજે ૧૧૬ વર્ષ પછી ગાંધીજીના એ પ્રથમ
જીવનચરિત્ર અંગે જાણવું અવશ્ય રોચક બનશે.
ગાંધીજીના પ્રથમ જીવનચરિત્રના લેખક રેવરંડ જોસેફ જે. ડૉક (૧૮૬૧- ૧૯૧૩) બૅપ્ટિસ્ટ સંપ્રદાયના પાદરી હતા. ગાંધીજી સાથે તેમની પ્રથમ મુલાકાત ડિસેમ્બર ૧૯૦૭ દરમિયાન થઈ હતી. એ પછી ૧૦ ફેબ્રુઆરી, ૧૯૦૮ના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ મુકામે મીરઆલમ નામના એક ગુંડાએ ગાંધીજી પર હુમલો કર્યો અને ગાંધીજી ઘવાયા ત્યારે મી. ડોકના ઘરે સારવાર અર્થે આઠ-દસ દિવસ રહ્યા હતા. એ સમયે મી. ડોકે ગાંધીજીની ખૂબ સેવા કરી હતી. એ ઘટનાને યાદ કરતાં ગાંધીજી લખે છે,
“જ્યાં સુધી મારું રહેવાનું મી. ડોકના કુટુંબ સાથે રહ્યું ત્યાં સુધી મારી માવજતમાં અને સેંકડો જોવા આવનારના આદર-સત્કારમાં તેમનો બધો વખત જતો. રાતના પણ બે-ત્રણ વખત ચૂપચાપ મારી કોટડીમાં ડોક જોઇ તો જાય જ. એમના ઘરમાં મને કોઈ દિવસ એવો ખ્યાલ ન આવી શક્યો કે આ મારું ઘર નથી.”
આમ, મી. ડૉક સાથે ગાંધીજીની આત્મીયતા કેળવાઈ. મી. ડોક પણ ગાંધીજીના વિચારો અને વ્યવહારોથી અત્યંત પ્રભાવિત થયા હતા. આ બંને પરિબળોને કારણે ગાંધીજીની સારવાર દરમિયાન જ મી. ડૉકે ગાંધીજીનું જીવનચરિત્ર લખવાનો પ્રસ્તાવ ગાંધીજી સમક્ષ મૂક્યો. જો કે ગાંધીજી જેવા ધર્મપુરુષને એ સમયે પણ પોતાની જાત જાહેરાતમાં કોઈ રસ ન હતો. પણ મી. ડૉકે ગાંધીજીને સમજાવતા કહ્યું,
“પહેલા મને પૂરું બોલી લેવા દો. આ ચળવળ (દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ)ના નેતા તરીકે તમાંરું ઘણું મહત્વ છે. મને એમ થાય છે કે હું એક નાનકડું પુસ્તક લખું, તે પુસ્તકમાં હકીકતો સ્પષ્ટ હોય, તાદ્રશ્ય ચિત્રણ હોય. એમાંથી ઇંગલેન્ડના લોકોને તમારા વ્યક્તિત્વનો, ચરિત્ર્યનો સાચો અતરંગ પરિચય મળી રહે, તો ભવિષ્યમાં આવી પડનાર મહાન લડતમાં એ કઈક મદદરૂપ થઈ શકે.”
મી. ડૉકની આ દલીલ ગાંધીજીના ગળે ઉતરી ગઈ. અને તેમણે પોતાનું જીવનચરિત લખવાની મી ડૉક ને સંમતિ આપી. ગાંધીજીના આ પ્રથમ જીવનચરિત્રનું લેખન મી. ડોકે ગાંધીજી સાથેની અવારનવાર લીધેલી મુલાકાતનું પરિણામ છે. વળી, પુસ્તકના લેખન સમયે ગાંધીજીએ પણ પોતાના જીવનની આધારભૂત સામગ્રી મી. ડૉકને પૂરી પાડવાની તકેદારી રાખી હતી. પુસ્તકનું લેખન કાર્ય ચાલતું હતું ત્યારે મી ડોકને લખેલા એક પત્રમાં ગાંધીજીનીએ તકેદારી વ્યક્ત થાય છે,
“આ પત્ર હું અદાલતમાંથી લખી રહ્યો છું. મને સજા થઈ જાય તે પહેલા તમને કઈક મોકલવાની આશા રાખી હતી. પણ હું બીજા કામોમાં અતિશય ગૂંથયેલો રહ્યો છું.”
પત્રમાં મી. ડોકને ‘કઈક મોકલવા’નો ઉલ્લેખ પોતાના જીવન અંગેની સામગ્રી મોકલવા સંદર્ભે કર્યો હતો. ગાંધીજીના આવા સહકારથી મી. ડોક ગાંધીજીનું જીવનચરિત્ર જલદીથી પૂર્ણ કરી શક્યા. પુસ્તકનું લેખન પૂર્ણ થયે મી. ડૉકે હસ્તપ્રત ગાંધીજીને મોકલી આપી.
ગાંધીજીએ પોતાની પ્રથમ
આત્મકથાની પ્રસ્તાવના લોર્ડ આર્થર વિલિયમ્સ એમ્પ્ટહીલ (૧૮૬૯-૧૯૩૬) પાસે લખાવી હતી.
જે મદ્રાસના ગવર્નર રહી ચૂક્યા હતા. ૧૯૦૪માં હિંદના વાઈસરૉય અને ગવર્નર જનરલ તરીકે
તેમણે કાર્ય કર્યું હતું. દક્ષિણ આફ્રિકાની હિન્દી કમિટીના તેઓ પ્રમુખ હતા. ગાંધીજીએ
પોતાની આત્મકથાનું પ્રકાશન થયાં પછી તેની એક નકલ ટૉલ્સ્ટૉયને પણ મોકલી હતી.
ટૉલ્સ્ટૉયે એ વાંચી ગાંધીજીને લખ્યું હતું,
“એ સમયે આપ ટ્રાન્સવાલામાં
જે કામ કરી રહ્યા હતા, એ સાચે જ ઉત્તમ હતું.”
મૂળ અંગ્રેજીમાં લખાયેલી ‘M. K. Gandhi - An Indian Patriot in South Africa' (એમ. કે. ગાંધી - દક્ષિણ આફ્રિકામાંના એક ભારતીય દેશભક્ત) ગાંધીજીની આ પ્રથમ આત્મકથા ૨૧ પ્રકરણોમાં પથરાયેલી છે. જેમાં ગાંધીજીના
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ અને જીવન સંઘર્ષની કથા આલેખાયેલી છે.
આત્મકથાના બીજા પ્રકરણ
“કથા નાયક” માં ગાંધીજીનો પરિચય આપતા મી ડૉક લખે છે,
“ગાંધીજીને મે પહેલ વહેલા
૧૯૦૭ના ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં જોયા. તેમની આજુબાજુ ભાતભાતની અફવાઓના ગબાર
ઉડતા હતા. જ્યાં જુઓ ત્યાં લોકો સત્યાગ્રહ ચળવળ વિષે વાતો કરતાં દેખાતા. એક પંડિત
(પંડિત રામસુંદર )ની ધરપકડથી અખબારોમાં કઇંક સનસનાટી મચી હતી. અને એક નહીં તો બીજી
રીતે દરેકના હોઠે ગાંધીજીનું નામ હતું.”
ગાંધીજીની દક્ષિણ
આફ્રિકાની ઓફિસની પ્રથમ મુલાકાતનું વર્ણન કરતાં ડોક લખે છે,
“રિસિક અને એન્ડરસન
સ્ટ્રીટના ખુણા પર આવેલી એમની ઓફિસ બીજી બધી ઓફિસ જેવી જ હતી. એમાં મને કોઈ
વિશેષતા ન લાગી. એ કામ કરવા માટેની જગ્યા હતી, દેખાવ કે શોભા માટેની નહીં. બારી
અને દરવાજા ઉપર માલિકના નામ અને એટર્નીના હોદ્દા સાથેનું પાટિયું શોભતું હતું.
પહેલા ખંડમાં ટાઈપિસ્ટ છોકરી બેસતી હતી, તે વટાવીને મને બીજા ખંડમાં લઈ જવામાં
આવ્યો.તે જ મુખ્ય ખંડ હતો. ભીંત ઉપર છૂટાછવાયા ચિત્રો ટાંગેલ હતા. હિન્દી
સ્ટ્રેચરવાહી ટુકડીનો એક ફોટો ધ્યાન ખેંચતો હતો. મિસીસ એની બેસન્ટ, સર વિલિયમ
વિલ્સન હંટર અને ન્યાયમૂર્તિ રાનડેના ફોટા હતા. એ ઉપરાંત બીજા થોડા હિન્દીના ફોટા
હતા. અને ઇસુ ખ્રિસ્તનું સુંદર ચિત્ર હતું. થોડી છૂટીછવાઈ ખુરસીઓ પડી હતી અને
કાયદાના પુસ્તકોથી ભરેલી અભરાઈઓ -બસ.”
કથા નાયક અને તેના
કાર્યાલયના વર્ણન પછી ડોક પ્રકરણ ચારમાં ગાંધીજીના વતન “ધવલનગરી : પોરબંદર” ની પણ
વાત ગાંધીજીના શબ્દોમાં કરતાં લખે છે.
“જે જમાનાની આપણે વાત કરીએ
છીએ તે જમાનામાં કાઠીયાવાડના મોટા ભાગના શહેરોની જેમ પોરબંદરની ફરતે પણ કોટ હતો.
એની દીવાલ વીસ ફૂટ જાડી હતી. અને એ જ પ્રમાણમાં ઊંચી હતી. પાછળથી એ કોટ તોડી
નાખવામાં આવ્યો હતો... દુર્ભાગ્યે પોરબંદરમાં વૃક્ષો બહુ ઓછા હતા... ઘેર ઘેર
તુલસીક્યાર અથવા તુલસીકુંડમાં પૂજા માટે વાવેલો તુલસીનો છોડ એ શહેરમાં જોવા મળતી
એકમાત્ર હરિયાળી હતી.”
પ્રકરણ ૬ “બાળપણ” માં
ગાંધીજીના જન્મ પછી તેમના નામની પસંદગી કેવી રીતે થઈ તે અંગે ડૉક લખે છે,
“નામની પસંદગી કુટુંબનો ગોર કરે છે. એવો સમયની ધારો છે.
ગ્રહોની ગણતરી કરીને તે
બાળકની રાશી કાઢે છે. અને તે રાશિના જે અક્ષરો હોય તે મુજબ
નામ પાડવા માબાપને કહે છે.
રાશી મુજબ “મોહનદાસ” નામ આવતું હતું. એ પછી પિતાનું નામ
કરમચંદ જોડાયું. અને છેવટે
એ લોકોની અટક ગાંધી લાગી. આમ પૂરું નામ મોહનદાસ કરમચંદ
ગાંધી થયું.
આ રીતે બાળકે જીવનના ઉંબરમાં ડગ માંડ્યા.”
દક્ષિણ આફ્રિકામાં
ગાંધીજીની પ્રતિભા એક સ્વપ્નદ્રષ્ટા સમી હતી. એ સત્યને ઉજાગર કરતાં ડૉક પ્રકરણ ૧૬ના આરંભમાં લખે છે,
“ગાંધી સ્વપ્નદ્રષ્ટા છે.
દક્ષિણ આફ્રિકાની હિંદી કોમ વિશે એમનું સ્વપ્ન આવું છે, તે સમાન હિતો અને સમાન
આદર્શોથી એક બનેલી હોય, કેળવણી પામેલી અને નીતિમાન હોય, જે પ્રાચીન સંસ્કૃતિની તે
વારસ છે તે સંસ્કૃતિને શોભાવે એવી સંસ્કારીતાવાળી હોય, અને હિંદી સંસ્કૃતની બધી
વિશેષતાઓ જાળવતી છતાં એવી રીતનું વ્યવહાર વર્તન રાખનારી હોય કે જેથી દક્ષિણ
આફ્રિકા પોતાના પૂર્વના નાગરિકો બદલ
મગરૂરી અનુભવે અને તેને મહેરબાની રાહે નહીં પણ તેના હકદારે દરેક બ્રિટિશ રૈયતને
ભોગવવા મળતા અધિકાર આપે. આ એમનું સ્વપ્ન છે.”
આ સાથે ગાંધીજી અંગેની એવી
કેટલીક માન્યતાઓ જે સમયની રીતે દ્રડ હતી. તેને મી ડોકે અત્રે સ્પષ્ટ કરવાનું ઉત્તમ
કાર્ય કર્યું છે. જેમ કે ગાંધીજીને સંસ્કૃત નહોતું આવડતું, એવી ખોટી માન્યતા
સ્થાપિત થયેલી હતી. એટલે તેમણે સૌપ્રથમ
ગીતાનું અધ્યયન અંગ્રેજીમાં કર્યું હતું. એ વાત મી ડૉકે સરળ શબ્દોમાં ખંડિત
કરતાં લખ્યું છે,
“તેમણે (બે થિયોસૉફિસ્ટ
ભાઈઓ) ગાંધીજી સાથે ગીત વાંચવાની ઈચ્છા દર્શાવી. ગાંધીજીએ માત્ર તેમને રાજી રાખવા
હા પાડી. પણ જ્યારે ગીતા વાંચવાનું શરૂ કર્યું ત્યારે તેમને શરમ ઊપજી. તેમને
સંસ્કૃત આવડતું હતું. અને ગીતાનો પાઠ પણ તેમણે ઘણીવાર કર્યો હતો. છતાં એનો સૂક્ષ્મ
અને ગહન અર્થ એ સમજાવી શક્ય નહીં. તેથી તેમણે પોતે ગીતાનો ઊંડાણથી અભ્યાસ કરવાનો
આરંભ કર્યો.”
ગાંધીજીના સત્ય અહિંસા અને
સત્યાગ્રહના વિચારનો પ્રથમ અમલ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. એ સિધ્ધાંતોને સૌ
પ્રથમવાર દુનિયા સમક્ષ મૂકવાનું ભગીરથ કાર્ય મી. ડોકના આ નાનકડા પુસ્તક દ્વારા
થયું છે. સૌ પ્રથમવાર સત્યાગ્રહની સાચી વિભાવના કેળવવામાં બાઇબલ અને ગીતાનો ઉલ્લેખ
કરતાં ગાંધીજી કહે છે,
“સત્યાગ્રહના વાજબીપણા
વિશે અને તેની ગુંજાશ વિશે મને જાગૃત કરનાર બાઈબલનો નવો કરાર હતો. જયારે મે ગિરિ
પ્રવચનમાં તમારું બૂરું કરનારનો સામનો કરશો નહીં, બલ્કે જો કોઈ તમારા જમણા ગાલ પર
તમાચો મારે તો તેની આગળ બીજો ગાલ ધરવો.. અને તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને
રંજાડનાર માટે દુઆ માંગો, તો જ તમે તમારા પરમ પિતા (ઈશ્વર)ના સાચા સંતાન થઈ શકશો..
આવા વાક્યો વાંચ્યા ત્યારે મારા હર્ષનો પાર ન રહ્યો. અને અણધારી જગ્યાએથી મારી
માન્યતાને ટેકો મળ્યો. ભગવદ્ ગીતાએ એ છાપ વધારે પાકી કરી અને “કિંગડમ ઑફ ગોડ ઇસ
વિધિન યૂ” એ પુસ્તકથી એ કાયમની બની.”
મી. ડૉકે સત્યાગ્રહ
માટે “ધરણા” શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પણ નોંધપાત્ર છે. ગાંધીજી “સત્યાગ્રહ”માં
ધરણાની અસર બિલકુલ માનતા નથી. એ અંગે સ્પષ્ટતા કરતાં ડોક લખે છે,
“અનિષ્ટ પ્રતિકારના સાધન
તરીકે સત્યાગ્રહનો વિચાર હિંદુ તત્વજ્ઞાનમાં રહેલો છે. જુના વખતમાં એને “ધરણું”
લઈને બેસવું એમ કહેતા. કેટલીક વાર આખી કોમની કોમ રાજા સામે એ પદ્ધતિ અજમાવતી.
પોરબંદરના ઇતિહાસમાં પણ એવા દાખલ બન્યા છે. એવે વખતે રાજ્યનો વેપાર રોજગાર ખોરવાઇ
જતો. અને સત્યાગ્રહની શક્તિ આગળ સતત બાપડી પાંગળી બની જતી.”
પુસ્તકના અંતિમ પ્રકરણમાં
મી. ડૉક ગાંધીજીના ધાર્મિક વિચારોનું ચર્ચા કરે છે.જે ખાસ કરાઈને પરમાટી સેવન અંગે
તેઓ લખે છે,
“ગાંધી જીવમાત્રને પવિત્ર
માનતા હોવાથી અને એમના આરોગ્ય વિશેના વિચારોને કારણે શાકાહાર એમને મન ધાર્મિક
સિધ્ધાંત બની ગયો છે. આઆ વસ્તુનો આખરી નિર્ણય બાળપણમાં એમની માતાની અસર થઈ ગયો
હતો. તે વખતથી કોઈ પણ પ્રકારના આભિષાહારને એ વર્જ્ય માને છે. અને પોતાની એ માન્યતામાં
એ બહુ દ્રડ છે.”
ગાંધીજીના આરંભિક જીવનના
આવા દ્રશ્યોને વાચા આપતા આ પુસ્તકના પ્રકાશનને ૧૧૬ વર્ષો થયાં છે. છતાં ગાંધીજીના
પ્રારંભિક જીવન અને તેમના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના વિચારોને સમજવા કે તેના પ્રયોગિક
અમલ માટેની ગાંધીજીની મક્કમતાને જાણવા આ નાનકડું પુસ્તક પાયાના સાધન તરીકે ઉપલબ્ધ
છે. એ માટે આપણે સૌ મી. ડૉકના ઋણી છીએ અને રહીશું – અસ્તુ.