Monday, June 3, 2024

મારી “મા” : ડૉ . મહેબૂબ દેસાઇ

 

દિવસ મને બરાબર યાદ છે રાત્રે નવ દસ વાગ્યે મહેમૂદાનો ફોન આવ્યો કે માં ને બ્રેન સ્ટ્રોક આવ્યો છે તું તરત આવી જાહું અને મારી પત્ની સાબેરા  બધુ કામ પડતું મુકી ભાવનગર થી અમદાવાદ જવા નીકળી પડ્યા. ત્યારે મારી પાસે હજુ કાર હતી. તન્ના ટ્રાવેલ્સની લકઝરી બસમા અમે સવારે અમદાવાદ પહોંચ્યા. ત્યારે તો મા ને ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. ડૉ જીવરાજ મહેતા હોસ્પિટલ બનતી હતી ત્યારે હું તેનું સર્જન કરનાર રતુભાઈ અદાણીને મળવા અત્રે આવ્યો હતો. સમયે મારું પુસ્તકસૌરાષ્ટ્રની સ્વાતંત્ર જખનાની પ્રસ્તાવના લખવા મી રતુભાઈને વિનંતી કરી હતી. સંદર્ભે અત્રે બે ત્રણ વાર આવવાનું થયું હતું. પણ ત્યારે તો હોસ્પિટલનું  બાંધકામ ચાલતું હતું. વાતને લગભગ પંદર વીસ  વર્ષ થઇ ગયા હતા. આજે  જયારે મે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કદમો માંડ્યા ત્યારે તો સુસજ્જ આધુનિક હોસ્પિટલ બની ગઈ હતી.

માને ઇન્સેન્ટીવ કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા. અને તેમની ટ્રીટમેન્ટ ડૉ. ભાટિયા નામક એક સરદારજી દાકતર કરી રહ્યા હતા. આવીને હું તુરત ડૉ. ભાટિયાને મળ્યો. મારો પરિચય આપી મે માની તબિયત અંગે પૂછ્યું. તેમણે કહ્યું,

 

બ્રેઇન સ્ટ્રોકથી તેમનું અડધું શરીર પેરેલીટીક થઈ ગયું છે. મગજની નસમાં લોહીની ગાંઠ હોઈને ઓપરેશન કરવાની જરૂર છે. આપ વિચારીને જવાબ આપો પછી હું ઓપરેશનની તૈયારી કરું.”

હું સ્તબ્ધ બની ડૉ.ભાટીયાને સાંભળી રહ્યો. તેમની ચેમ્બર બહાર આવી મે ચારે બહેનોને માંની સ્થિતિની વાત કરી. સૌને માંની ચિંતા હતી. એટલે સૌ બહેનોએ  ઓપરેશન કરાવવાની સલાહ આપી. જો કે ઉમરે માંના બ્રેઇન ઓપરેશન  માટે મારુ મન સંમત હતું. પણ સૌ બહેનોની ઈચ્છાને માન આપી મે પણ સાથે સંમતિ દાખવી અને ડૉ ભાટીયાને ઓપરેશન માટે હા પાડી.

ઓપરેશનના દિવસે મારુ સમગ્ર કુટુંબ મારી બહેનો-બનેવીઓ, મારા સાળા તેમની પત્નીઓ, માંના ભાઈઓ-ભાભીઓ, મારા પિતરાઇ બંધુઓ વેટીગ લોંજમાં બેઠા હતા. હજુ ઓપરેશન શરૂ થયું ન હતું. ત્યારે એક વોર્ડ બોય મારી પાસે આવ્યો. અને બોલ્યો,

“ચાર બોટલ લોહીની જરૂર પડશે. બ્લડ બેન્કના નિયમ મુજબ આપે ચાર બોટલ લોહી પ્રથમ જમા કરાવવું પડશે. પછી જ ઓપરેશન શરૂ થશે.”

સૌ આ વાત સાંભળી રહ્યા. વોર્ડ બોયની વાત સાંભળી હું ચૂપચાપ ઊભો થયો. અને વોર્ડ બોયના ખભા પર હાથ મૂકી ચાલતા ચાલતા મે તેને કહ્યું,

“હું બ્લડ આપવા તૈયાર છું. તમે મારુ ચાર બોટલ લોહી લઈ શકો છો” અને તે મને બ્લડ ડોનેશન બેન્કના રૂમમાં દોરી ગયો. અને ચાર બોટલ લોહી આપી, એ જ સ્વસ્થતાથી હું બહાર આવી સૌની વચ્ચે લોન્જમાં બેસી ગયો.

 

અને માનું ઓપરેશન પૂર્ણ થયું. માના માથાના સમગ્ર વાળ કાઢી નાખવામાં આવ્યા હતા. તેમની ખોપડીમાં એક મોટું ગાબડું પાડી તેમાંથી બ્રેઇનમાં રહેલ લોહીની ગાંઠ દૂર કરવામાં આવી હતી. માં હજુ બેભાન અવસ્થામાં હતા. મે તેમના ચેહરા પર એક નજર કરી. અને મારી આંખો ભરાઈ આવી. જે માંની સોડમ હું વર્ષો સૂતો હતો એ માં આજે અસહાય અવસ્થામાં મારી સામે સૂતા હતા. મે માંના વાળ વિહીન માથા પર હાથ ફેરવ્યો. તેમના ચહેરા પર આજે પણ એજ પ્રેમ અને નિર્મળતા મે જોયા. જાણે હમણાં માં બોલી ઉઠશે,

“મુન્ના, ચિંતા ન કર. હું જલદી સાજી થઈ જઈશ.” અને મારી આંખોમાં ઉભરાયેલ આંસુના ટીપાં માંના ચહેરા પર પ્રસરી ગયા.

માંને હોશમાં આવતા 48 કલાક થયા. ભાનમાં આવ્યા પછી પણ તેઓ હજુ સ્વસ્થ

લાગતા ન હતા. તેમને બોલવામાં તકલીફ પડતી હતી. તેમનું અડધું અંગ બિલકુલ કામ કરતું ન હતું.

મા લગભગ પાંચેક દિવસ આઇસીયુમાં રહ્યા. હું હંમેશા તેમની પાસે જ રહેતો. ઓપરેશનના બીજા દિવસથી માં થોડું થોડું બોલવા લાગ્યા હતા. જો કે તેમના ઉચ્ચારો હજુ સ્પષ્ટ ન હતા. ત્રીજા દિવસની સવારથી માંને અત્યંત બેચેની લાગવા લાગી. તેમના ચહેરા પર બિલકુલ શાતા ન હતી. મને વારંવાર કઈક કહેતા હોય તેમ મારી સામે જોયા કરતાં. મે  તેમની પાસે જઈ પૂછ્યું,

“માં તમને શું થાય છે ?”

“તેમણે ભાંગ્યા તૂટયા શબ્દોમાં કહ્યું,

“મુન્ના ટોયલેટ ઊતરતું નથી, પેટમાં ખૂબ ગરબડ થયા કરે છે.”

ઓપરેશન પછી મા એકપણ વાર ટોયલેટ ગયા ન હતા. પેશાબ માટે તો ટ્યુબ સાથે ટબ મૂકેલું હતું. પણ ટોયલેટ માટે માત્ર એક ટબ રાખવામાં આવ્યું હતું.. પણ માને બળ કરી મળ કાઢવામાં તકલીફ પડતી હતી. એટલે તેઓ બેચેન હતા. મે તુરત નર્સને બોલાવી માંની તકલીફ કહી,

“ સિસ્ટર, તેમને સરળતાથી ટોયલેટ થઈ જાય તેવું કઈક કરો. પેટમાં ભરેલા મળને કારણે તેઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે.”

“તેમને ટોયલેટની ઈચ્છા થાય ત્યારે મને બોલાવજો. એ સિવાય હું કઈ ન કરી શકું.”

એમ કહી સિસ્ટર જતી રહી.

માંની પરેશાની હું અનુભવી રહ્યો હતો. પણ મને તે માટે શું કરવું તે સમજાતું ન હતું. એટલે મે ફરીવાર સિસ્ટરને બોલાવી કહયું,

“તમે તેમનું મળ કાઢવામાં સહાય ન કરી શકો ?”

“એ મારુ કામ નથી. મળ આવે એટલે તમે આ ટબ મૂકી દેજો. એટલે તે હું લઈ જઈશ.”

અને નર્સે ચાલતી પકડી. માં ની બેચેની તેમના ચહેરા અને આંખોમાં હું જોઈ રહ્યો હતો. અંતે મે માંને મળ મુક્ત કરવા મનોમન નક્કી કર્યું. હાથમાં રબ્બરના મોજ પહેર્યા. અને માં ને કહ્યું

“માં હું તેમને  ટેકો આપું છું, તમે થોડા આડા પડખે થઈ જાવ.”

માં આડા પડખે થયા. એટલે મે તેમની મળ મુક્તિની જગ્યામાં આંગળી નાખી અને મળનો માર્ગ થોડો મોટો કર્યો. એ યુક્તિ કારગત નીવડી. જગ્યા મળતા જ મળ એક સાથે બહાર આવી ગયો. આખું ટબ મળ અને પ્રવાહીથી ભરાઈ ગયું. પછી મે માં ને  સ્વચ્છ કરી, તેમને પાછા યથાવત સુવડાવી દીધા. ત્યારે માં ની આંખોમાં જે શાતા અને આશીર્વાદ મે જોયા એવા આશીર્વાદ મારા સમગ્ર જીવનમાં મે ક્યારેય જોયા કે અનુભવ્યા ન હતા.

આજે જીવનના અંતિમ પડાવ પર સમગ્ર જીવન પર નજર નાખું છું ત્યારે મને લાગે છે, મારા જીવનમાં મને મળેલ સિધ્ધી પ્રસિધ્ધિ કે સફળતા માંની આખોમાંથી નીતરતા એ આશીર્વાદ અને શાતાને કારણે જ છે. અને જીવનના અંતિમ શ્વાસ સુધી એ મને મળતા રહેશે તેની મને શ્રધ્ધા છે.