Friday, May 10, 2024

ગીવ વે : ઓસ્ટ્રેલિયન પ્રજાના સંસ્કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

 

ઓસ્ટ્રેલિયામાં મને પંદરેક દિવસ થવા આવ્યા છે. જો કે ઓસ્ટ્રેલિયા મારે વારંવાર આવવાનું થાય છે. કારણે કે ઓસ્ટ્રેલિયાના તાજમાનિયા રાજ્યના હોબર્ટ શહેરમાં મારો પુત્ર જાહીદ પંદરેક વર્ષથી રહે છે. એટલે એ મારુ બીજું ઘર બની ગયું છે. જાહીદે મને ઘણી વાર અહિયાં પી આર મેળવી લેવા કહ્યું છે. પણ “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા” એ નાતે મે એ બાબત તરફ ક્યારેય ધ્યાન આપ્યું નથી. પણ અહિયાં વારંવાર આવવાને કારણે અને લાંબો નિવાસ કરતો હોવાને કારણે મે અત્રે ડ્રાઇવિંગના નીતિનિયમો જાણી ડ્રાઇવિંગ કરવાનું ચાલુ રાખ્યું છે. પણ અમદાવાદમાં કાર ચલાવવી  અને હોબર્ટમાં ચલાવવી, બંને ભિન્ન બાબત છે. અલબત્ત ભારત જેમ જ અહિયાં પણ રાઇટ હેન્ડ ડ્રાઇવિંગ છે. પણ અત્રેના નિયમો અને અભિગમમાં જમીન આસમાનનો ફર્ક છે. આપણે ત્યાં સૌ વાહન ચાલકો હંમેશા જલ્દીમાં હોય છે. કોઈને ધીરજ અને અન્યને રસ્તો આપવાની ન તો દરકાર હોય છે ન તો વિવેક હોય છે. જ્યારે અહિયાંના સંસ્કારોમાં ધીરજ અને સહનશીલતા ભારોભાર જોવા મળે છે. જાણે ગીવ વે એ તેમનો જીવન મંત્ર છે. અને એટલે જ અહિયાં કોઈ વાહન ચાલક મોટ ભાગે હોર્ન વગાડતા નથી.

આપણે ત્યાં પણ રસ્તા પહોળા અને સુંદર બન્યા છે. પણ ટુ કે ફોર લેન હોવા છતા આપણે કોઈ એક ટ્રેક પર વાહન ચલાવવાના બદલે  ગમે ત્યારે ગમે તે  લેનમાં ઘૂસી જઈએ છીએ. ગમે ત્યારે ઓવરટેક કરી આગળ નીકળી જવા ઉત્સુક હોઈએ છીએ. પણ અત્રે દરેક વાહન ચાલક પોતાની લેન અને સ્પીડ હંમેશા શિસ્તબધ રીતે જાળવી રાખે છે. લેન બદલતા કે ઓવરટેક કરતાં પહેલા પૂરતી તકેદારી રાખે છે. આગળ પાછળના વાહનોને જરા પણ તકલીફ ન પડે એ રીતે તકેદારીથી પોતાની લેન બદલે છે. ટૂંકમાં અત્રે વાહન ચાલકો પ્રથમ રસ્તો આપો પછી આગળ વધોના નિયમનું ચુસ્ત રીતે  પાલન કરે છે. જ્યારે આપણે ત્યાં પ્રથમ સસ્તો કાપો અને આગળ વધોના સર્વસ્વીકૃત નિયમનું આપણે પાલન કરી છીએ. પરિણામે આપણે ત્યાં અનેક સમસ્યાઓ સર્જાય છે. અકસ્માતો થાય છે. અને ત્યારે આપણે એક બીજા પર દોષારોપણ કરી સમય અને શક્તિનો વ્યય કરીએ છીએ. પણ અહિયાં એથી સપૂર્ણ અલગ અનુભવ થાય છે. 

એ દિવસે વરસાદનું વાતાવરણ હતું. હું કોલ્સ (રિલાઇન્સ અને બિગ મોલ જવો મોટો સ્ટોર)માંથી ખરીદી કરી બહાર આવ્યો. અને મારી કાર પાસે પહોંચ્યો. એક વૃધ્ધા છત્રી સાથે વરસતા વરસાદમાં મારી કાર પાસે ઊભા હતા. મે તેમની સામે આછું સ્મિત કરી કારનો દરવાજો ખોલ્યો. ત્યારે એ વૃધ્ધા મારી પાસે આવી અંગ્રેજીમાં બોલ્યા,

“હું આપની જ રાહ જોતી હતી.”

મે આશ્ચર્ય સાથે પૂછ્યું,

“શા માટે ?”

તેમણે કહ્યું, “મારી કાર રિવર્સ કરતાં  આપની કાર સાથે અથડાઇ છે. આપની કારના  પાછળના બંપર પર થોડું નુકસાન થયું છે. આપને તેનો રિપેરિંગ ખર્ચ આપવા હું તૈયાર છું. એટલા માટે જ હું આપની રાહ જોઈને ઊભી છું.”

હું તે વૃધ્ધાને આશ્ચર્ય ચકિત નજરે જોઈ રહ્યો. પછી જરા સ્વસ્થ થઈ મે મારી કારના પાછળના બમ્પર પર નજર કરી. તેના પર થોડા લીટા પડ્યા હતા. એ જોઈ મે વૃધ્ધાને કહયું,

“નો થેંક્સ મેડમ, ઇટસ ઓક” મારો પ્રતિભાવ જાણી એ વૃધ્ધાએ સસ્મિત વિદાય લીધી. 

આવો વિવેક અને આવી નાગરિક સભાનતા અહિયાં સામાન્ય છે.

એક વાર હું કિંગસ્ટન બીચ પરથી કોલ્સમાં આવ્યો. ગાડી પાર્ક કરી ખરીદી માટે મોલમાં ગયો. મોલમાં એક ઓસ્ટ્રેલિયન મારી પાસે આવ્યો. અને બોલ્યો, “આપે કાર રોંગ સાઈડ પર ચલાવી છે.”

મે કહયું “ નો સર આઈએમ ઓન રાઇટ સાઈડ”

અમે વાત કરતાં કરતાં મોલ બહાર આવ્યો. ત્યાં એક લેડી પોલીસ ઊભી હતી. પેલા ઓસ્ટ્રેલિયને તેને ફરિયાદ કરી. લેડી પોલીસે અમારી બંનેની વાત સાંભળી, અને “ઇટસ યોર મેટર” કહીને ચાલતી પકડી. મે મારી કાર ઘર તરફ હંકારી. થોડી વારે મે કારના મિરરમાંથી જોયું તો પોલીસ વાન મને ફોલો કરી રહી હતી. અત્રે નિયમ છે કે પોલીસ વાન જો તમને ફોલો કરે તો તુરત કાર સાઈડ પર પાર્ક કરી દેવી જોઈએ. મે એમ જ કર્યું. લેડી પોલીસે મારી પાસે આવી વિવેક પૂર્ણ રીતે મારુ લાઇસન્સ માંગ્યું. મે કહ્યું,

“અત્યારે તે મારી પાસે નથી. આપ મારી સાથે મારા નિવાસે ચાલો. ત્યાં આપને  લાઇસન્સ આપી શકીશ”

લેડી ઇન્સ્પેકટરે કહ્યું, “ઓકે, આપની પાસે અન્ય કોઈ ઓળખ પત્ર છે.”

મે કહ્યું, “ મારી પાસે મારુ ક્રેડિટ કાર્ડ છે.”

“બતાવો”  મે તે આપ્યું લેડી ઇન્સ્પેકટરે પોલીસ વાનમાં જઈ તે ચેક કર્યું. અને પછી મને કહ્યું “ઓકે સર યુ કેન ગો”

આ ઘટના મે મારા પુત્રને કહી ત્યારે તેણે મને કહ્યું.

“ડેડ, પેલા ઓસ્ટ્રેલિયનની વાત ધ્યાનમાં રાખી પોલીસે તમારી કાર ફોલો કરી ચેક કર્યું કે તમે કાર નિયમ પ્રમાણે ચલાવો છો કે નહીં. પણ તેણે અનુભવ્યું કે તમે કાર નિયમ મુજબ જ ચલાવો છે. એટલે તેણે તમારી સાધારણ પૂછપરછ કરી તમને જવા દીધા.”


આવી નાગરિક સભાનતા અને આવો વિવેક આપણી પોલીસ અને પ્રજા બંને વચ્ચે જ્યારે કેળવાશે ત્યારે અનેક સમસ્યાઓનું સમાધાન આપો આપ થઈ જશે.