Saturday, June 4, 2022

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

 


 ૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી હતી. દિવસે મારી પત્ની સાબેરાનો જન્મ દિવસ હતો. તેની ડીલેવરી લીધી ત્યારે હજુ મને ડ્રાઈવિંગ બરાબર આવડતું હતું. એટલે મારો સાળો અબ્દુલ રહેમાન તેને ડ્રાઈવ કરીને અમદાવાદની બોમ્બે મર્કન્ટાઈ બેંક પર એક કામ અર્થે મને લઇ ગયો હતો. બરાબર એજ વખતે બેન્કના પગથીયા ઉતરી રહેલા મારા પિતાજી મળી  ગયા. મને અને કારને જોઈને મનમાં ખુશ થયા. પણ ચહેરા પર ગંભીરતા દાખવી બોલ્યા,

કાર લઇ આવ્યો ?”

જી

અને હું તેમને મૂંગા મૂંગા કાર સુધી દોરી ગયો. કારનો દરવાજો ખોલી મેં તેમને પાછળની સીટ પર બેસાડ્યા. હું આગળ બેઠો. અને અબ્દુલ રહેમાને કાર હંકારી. અમે નહેરુ બ્રીજ પર આવ્યા એટલે પિતાજી બોલ્યા,

“કોઈ મીઠાઈની દુકાને ગાડી ઉભી રાખજે. વાડીલાલ હોસ્પિટલ પાસે અબ્દુલ રહેમાને કાર ઉભી રાખી. અને પિતાજીનો આદેશ છૂટ્યો,

“જલેબીના બે ૫૦૦ ૫૦૦ ગ્રામના પેકેટ લઇ આવ.”

હું અને અબ્દુલ રહેમાન ઉતર્યા અને મહેતામાંથી ગરમ ગરમ જલેબીના બે પેકેટ લઇ આવ્યા. પછી કાર ચાલી.  ત્યાં તો પિતાજીનો અવાજ સંભળાયો,

“કાર બનાસ ફ્લેટ પર લઇ લે.”

કોચરબ કોંગ્રેસ ભવનની સામે આવેલા બનાસ ફલેટમાં મારા નાના ફઈ રહેતા હતા. કાર બનાસ ફલેટની સામે રોડ પર અબ્દુલ રહેમાને ઉભી રાખી.

“તમે બેસો હું આવું છું” એમ કહી પિતાજીએ જલેબીનું એક પેકેટ લીધું અને બનાસ ફલેટના કમ્પાઉન્ડમાં દાખલ થયા. પોતાની સૌથી નાની બહેન સાથે પુત્રે લીધેલી પહેલી કારની ખુશી વ્યક્ત કરવાની તેમની ઈચ્છા હું પામી ગયો. અને હું ચુપચાપ તેમને જતા જોઈ રહ્યો. પછી અમે અમદાવાદના અમારા નિવાસ મીનલ સોસાયટી પર પહોંચ્યા. આખી સોસાયટીમાં પિતાજીએ જલેબી વહેચી. ત્યારે તેમના ચહેરા પરની ખુશી શબ્દોમાં વર્ણવાય તેવી ન હતી.

એ સમયે મારુતિ ૮૦૦ની મૂળ કીમત માત્ર ૬૫૦૦૦ હજાર હતી. પણ તેની માંગ વધારે હોવાને કારણે મેં એ સેકન્ડ હેન્ડ કાર એક લાખ પાંચ હજારમાં પીએફમાંથી લોન લઈને લીધી હતી. તેનો નંબર ૪૮૪૮ હતો. બરાબર પાંચ વર્ષ કાર મેં વાપરી હતી. પણ ક્યારેય તે રસ્તામાં બંધ પડી હોય, પંચર પડ્યું હોય, કે કોઈ કારણ સર અટકી હોય એવું બન્યું નથી. બલકે એ મારા ભેરુ જેમ મારા સારા નરસા સમયે પડખે ઉભી રહી હતી.

મારા પિતાજીનું અવસાન અમદાવાદ મુકામે થયું. ત્યારે હજુ મને બહુ ખાસ ડ્રાઈવિંગ આવડતું ન હતું. અલબત્ત મારી પાસે પાકું લાઇસન્સ હતું. પણ હિંમત અને આત્મ વિશ્વાસનો અભાવ હતો. મારા એક શુભેચ્છક નીતિનભાઈએ તો એ માટે સાંઇ બાબાની માનતા પણ માની હતી કે  “મહેબૂબભાઈને ડ્રાઈવિંગ બરાબર ફાવી જશે તો અમે શિરડી દર્શન કરવા જઈશું” જો કે એ માનતા પૂરી કરવા નીતિન ભાઈ તો જીવિત ન રહ્યા. પણ તે માનતા હજુ છ માસ પહેલા જ શિરડી જઈને મેં પૂરી કરી છે. એટલે એ સમયે હાઈ વે પર કાર ચલાવવાનો આત્મ વિશ્વાસ મારામાં બિલકુલ ન હતો. પિતાજીના આકસ્મિક અવસાનના સમાચાર મને પરોઢીએ ચાર વાગ્યે ભાવનગરમાં મળ્યા. ત્યારે હું સંપૂર્ણ ભાગી પડ્યો. મને કશી સૂઝ કે સમજ ન પડી કે તાત્કાલિક અમદાવાદ કેવી રીતે પહોંચવું તેની મુઝવણ હતી. એસ.ટી. અને પ્રાઇવેટ બસ સર્વિસ હતી. પણ એટલી સબ્ર મારામાં રહી ન હતી. હું તો ઉડીને અમદાવાદ પહોચવાની બેસબ્રીના આવેગમાં હતો. હિમ્મત કરી હું કાર પાર્કિંગમાં પડેલી ૪૮૪૮ પાસે આવ્યો. તેના બોનેટ પર હાથ ફેરવ્યો. અને તેને સંબોધીને મનમાં બોલ્યો,

“દોસ્ત મને કેવું ડ્રાઈવિંગ આવડે છે તે તું જાણે છે. પણ ડેડની પાસે મારે ગમેતેમ કરી જલ્દી પહોંચવું છે. મને સલામત પહોંચાડી દઈશ ને ?” અને એટલું કહી મેં તેની છતને થબથબાવી. જાણે મિત્રનો સાથ માંગી તેની સંમતિ ન મેળવતો હોઉં !. એ હાઇવે મારું પર પ્રથમ ડ્રાઈવિંગ હતું. ઈશ્વર અલ્લાહનું નામ લઇ હું અને મારી પત્ની સાબેરા પહેરે કપડે ૪૮૪૮માં સવાર થઈ નીકળી પડ્યા. એ સમયે હજુ ધોલેરા માર્ગ ચલણમાં ન હતો. વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, બાવળા અને અમદાવાદ એમ લગભગ ૨૦૦ કિલોમીટરનો લાંબો રસ્તો વેઠીને અમદાવાદ પહોંચવું પડતું. દિલની ધડકનો તેજ હતી. મનમાં સતત ખુદાનું રટણ હતું. વહેલી સવારનો હાઇવેનો ટ્રાફિક સક્રિય હતો. અને સ્ટ્રીંગ પર નવ શીખ્યો મારો હાથ હતો. પચાસની સ્પીડ પર ગાડી ચાલી રહી હતી. ડર મારા મનમાં યથવાત હતો. પણ મને મારી ૪૮૪૮ અને ખુદામાં વિશ્વાસ હતો. જેમ જેમ હાઇવે પર કાર હંકારતો ગયો તેમ તેમ વિશ્વાસ વધતો ગયો. ૪૮૪૮ પણ મારા વિશ્વાસને પ્રોત્સાહિત કરી રહી હતી. જાણે સ્વયંમ સંચાલન કરી તે મને દોરતી ન હોય. પિતાજીના અવસાનનો ભાર અને હાઇવે પર પ્રથમવાર વાહન ચલાવવાની તાણ, છતાં ૪૮૪૮એ  મને ૧૧ કે વાગે અમદાવાદ સહી સલામત પહોંચાડી દીધો. ત્યારે એક મિત્રના ખભે હાથ મૂકી ધન્યવાદ કરતો હોઉં તેમ ૪૮૪૮ની છત પર મારો હાથ અનાયાસે ફરી વળ્યો હતો.

આવો જ એક અન્ય પ્રસંગ પણ ૪૮૪૮ સાચવ્યાનું મને યાદ છે. મારા અમ્મા એ સમયે અમદાવાદ ભાવનગર વચ્ચે સંતુલન જાળવીને આવન જાવન કરતા. ૪૮૪૮ના આગમન પછી તેમનું આવન જાવન સરળ બન્યું. જયારે તેમને અમદાવાદ જવાની ઈચ્છા થાય ત્યારે અમે શનિ રવિની રજાઓમાં તેમને ૪૮૪૮માં અમદાવાદ મૂકી આવતા. અને ભાવનગર પાછા આવવાનું મન થાય ત્યારે તેમને ૪૮૪૮માં લઇ આવતા. આમ ૪૮૪૮ અમ્માના આવાગમનમમાં ખાસ્સી મહત્વની ભૂમિકા અદા કરી.  

પણ એક દિવસ અમદાવાદ મુકામે તેમને અચાનક બ્રેન સ્ટ્રોક આવ્યો. અને તેમનું અડધું અંગ પેરેલીટીક થઇ ગયું. એવા સમયે પણ તેમને કાળજી પૂર્વક અમદાવાદ ભાવનગર વચ્ચે લાવવા લઇ જવામાં ૪૮૪૮ એક સાચા બંધુની ભૂમિકા અદા કરી હતી. ૪૮૪૮ની પાછળની સીટ પર તેમને ઉચકીને બેસાડી, તેમની આસપાસ બરાબર ટેકા ગોઠવી ધીમી ગતિએ કારા હંકારવામાં મારી કાબિલિયત કરતા ૪૮૪૮ની મશીની સજ્જતા એ મને કાફી સહકાર આપ્યો હતો.

મને એ પ્રસંગ પણ બરાબર યાદ છે જયારે હું ભાવનગરના સાંઢીયાવાડના ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યારે ૪૮૪૮ મુકવાની કોઈ જગ્યા ન હતી. માટે એક મિત્રના બંધ ગેરેજમાં ૪૮૪૮મુકતો. એ સમયે પુત્ર ઝાહીદ ૧૪ વર્ષનો  હતો. એક દિવસ દુકાનના શટર અને ૪૮૪૮ની ચાવી લઇ તે બોલ્યો,

“ડેડી, હું શટર ખોલું છું તમે તૈયાર થઈને આવો.” અને તેણે ગેરેજ ખોલ્યું. પણ ૪૮૪૮ ચલાવવાની પ્રબળ ઈચ્છાને તે રોકી ન શક્યો. અને ૪૮૪૮ બેસી, તેણે ૪૮૪૮ ચાલુ કરી. ગેરેજ ઢાળ પર હતું. એટલે ૪૮૪૮ બહાર સિદ્ધિ રોડ પર આવી ગઈ. રોડ પરના ટ્રાફિકમાં ૪૮૪૮ એક રીક્ષા સાથે અથડાઈ. અને પછી ત્યાં જ અટકી ગઈ. ઝાહીદ એકદમ ગભરાઈ ગયો. ૪૮૪૮નો દરવાજો બંધ કરી તે મારી પાસે દોડી આવ્યો.

“ડેડી, ૪૮૪૮ મારાથી અથડાઈ ગઈ”

“તને તો કઈ વાગ્યું નથીને ?”

“ના, પણ ૪૮૪૮ને પાછળ વાગ્યું છે.”

“ભલે એ તો રીપેર થઇ જશે.”

અને હું ૪૮૪૮ પાસે પહોંચ્યો ત્યારે તે નિરાતે ઉભી હતી. જાણે કહેતી ન હોય ઝાહીદ ને કઈ નથી થયું. મને થોડું વાગ્યું છે. પણ એ કઈ ગંભીર નથી. અને ત્યારે પણ મને ઝાહીદ બચી ગયો તેમાં ખુદાની રહેમત સાથે નસીબવંતી ૪૮૪૮ પણ સહભાગી લાગી. અને ત્યારે પણ અનાયાસે જ તેની છત પર મારો હાથ ફરી વળ્યો. 

અને છેલ્લો જીવલેણ પ્રસંગ જીવનમાં કદી ભૂલાઈ તેવો નથી. નવી નવી કાર લેનાર સૌ કોઈને કાર લઈને ફરવા જવાનો શોખ હોય છે. મારા પિતરાઈ અને એ સમયે ભાવનગરમાં સીનીયર જજ તરીકે નિયુક્ત થયેલા પતિ પત્ની રહેના બહેન અને શબ્બીરભાઈ સાથે અમે અવારનવાર ફરવા જતા. એ સમયે તેમની પાસે ફિયાટ હતી. જયારે મેં નવી નવી ૪૮૪૮ લીધી હતી. એક દિવસ અમે દિવ બાય કાર જવાનો કાર્યક્રમ બનાવ્યો. હજુ હાઇવે પર ચલાવવાનો મને ઝાઝો મહાવરો ન હતો. મનમાં થોડો ડર રહ્યા કરતો. પણ છતાં હિંમત કરતો. એ દિવસે સવારે અમે બને દિવ જવા નીકળ્યા. તેમનું આખું કુટુંબ ફિયાટમાં અને મારું આખું કુટુંબ ૪૮૪૮માં. બંને કારો આગળ પાછળ હતી. એક ભયંકર વણાંક પર મારી કાર સામે અનાયાસે એસ.ટી. બસ આવી ચડી. અને મેં એકદમ સ્ટીયરીંગ જમણી બાજુ વાળી દીધું. અને બરાબર ૪૮૪૮ પાસેથી એસ.ટી. બસ પુરપાટ પસાર થઈ ગઈ. અને મારા હોશ ઉડી ગયા. હદય ધબકારા ચૂકી ગયું. હાથપગ સૂન થઇ ગયા. અને મેં ૪૮૪૮ને રોડની સાઈડમાં ઉભી કરી દીધી. જો અનાયાસે મેં સ્ટીયરીંગ જમણી બાજુ ના વાળ્યું હોત તો આજે હું અને મારુ આખું કુટુંબ હયાત ન હોત. આજે પણ એ પળ યાદ આવે છે ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. એ સમયે પણ મને બચાવવામાં ખુદાની રહેમત અને નસીબવંતી ૪૮૪૮ જ હતી, એમ આજે પણ લાગે છે.

આમ ૪૮૪૮ મારા માટે એક લોખંડની કાર માત્ર નહિ, પણ મારા કુટુંબની રક્ષક પણ બની રહી હતી. આજે ૪૮૪૮ વેચ્યે બાવીસ વર્ષ વીતી ગયા છે.  આજે એ ક્યાં છે તેની મને ખબર નથી. પણ તેની મારા કુટુંબ પ્રત્યેની સુરક્ષા અને મહોબ્બતની યાદને જીવંત રાખવા, એ પછી લીધેલી મારી તમામ નવી કારોના નંબર મેં ૪૮૪૮ જ રાખ્યા છે. અને જીવીશ ત્યાં સુધી એ પરંપરા જાળવી રાખીશ.

------------------------------------------------------------------------

લખ્યા તા. ૩,૪ જુન ૨૦૨૨

હોબાર્ટ (ઓસ્ટેલિયા)