પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા
પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન ચિસ્તી અને તેમના પિતા હઝરત સલીમ
ચિસ્તીનું કાર્ય અને માન આજે પણ બરકરાર છે. હઝરત સલીમ ચિસ્તી સાહેબ હંમેશા પોતાના
બુઝુર્ગોનું એક વાકય દોહરાવતા રહે છે,
“ઈબાદત (ભક્તિ) સે ખુદા મિલતા હૈ
ખિદમત (સેવા) સે જન્નત મિલતી હૈ”
તેમની ચાહના માટે એમનો આ વંશીય વારસો તો જવાબદાર છે જ. પણ
તેમના સેવાકીય કાર્યોની સુવાસ પણ ચોતરફ પ્રેસરેલી
છે. વ્યસન મુક્તિ અભિયાન હોય કે શિક્ષણ અને સમાજ સેવા હોય દરેક ક્ષેત્રમાં નાત જાત
કે ધર્મના ભેદભાવ વગર નાના મોટો સૌને સાદર પ્રેમ અને સેવા આપનાર આ નાની વયના સૂફી
સંત ડૉ. મતાઉદ્દીન પીરઝાદા સાહેબ માનસશસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા છે. હાલમાં જ તેમનો
એક ગ્રંથ મારા વાંચવામાં આવ્યો. સૂફી વિચાર પર આધારિત આ ગ્રંથ “સૂફી સંદેશ”
(અરુણોદય પ્રકાશન, અમદાવાદ) સાત્વિક વિચારોના ચાહકોએ વાંચવા અને માણવા જેવો છે. “સૂફી
સંદેશ” ગ્રંથની પ્રસ્તાવના ઇતિહાસવિદ
ડૉ.મકરંદ મહેતા અને સંત સ્વામી સચિદાનંદે લખી છે. ડૉ. મકરંદ
મહેતા તેમની પ્રસ્તાવનામાં લખે છે,
“મારા જીવનમાં શ્વાસની શરૂઆત જ
સુફી રજમાં થઈ છે”
આ યુવાન પ્રેમાળ અને સેવાભાવી ધર્મગુરુના
ઉપરોક્ત ઉદગારો ઉપર જો આપણે વિચાર કરીએ તો સાચે જ ખ્યાલ આવી શકે કે ખુદ તેમના
પરિવારની સૂફી પરંપરા ૧૨૨૦ વર્ષો કરતાં પણ વધારે જુની છે. અહીં નોંધપાત્ર
બાબત એ છે કે મોટા મિયા માંગરોળની ગાદીના મહાન વડીલ સંતો લગભગ ઈ.સ ૧૨૦૦ થી ભારત
વર્ષમાં પ્રવૃત્ત થયા હોવાથી એક સંગઠન, ફિલોસોફી, નૈતિક મૂલ્યો, નૈતિક આંદોલનનો
અને તેની પ્રેક્ટિસની દ્રષ્ટિએ ડો. મતાઉદ્દીન ચિશ્તી -પીરઝાદાના પૂર્વજો અને
કુટુંબીજનો ઇતિહાસ સાચા અર્થમાં ૭૫૦ વર્ષો કરતા પણ વધુ સમય
પહેલાની ભારતની ભૂમિમાં પ્રગટ થયેલ સંતો અને સૂફી આંદોલનનો ઈતિહાસ છે. તેનો
આબેહૂબ પડઘો લેખકના આટલી નાની વયે સૂફીવાદ
જેવા વિષય પર લખેલ ગ્રંથ પર પડે છે. તેમાંથી કેટલીક ચિંતનકણિકા પ્રગટ થાય છે અને
તે સમજીને આચરણમાં મુકવા પાત્ર છે.
જેમ કે
આતંકવાદ, જ્ઞાતવાદ કે કોમવાદના ઉકરડામાં
સૂફીવાદના બીજ રોપાય તો માનવતાવાદ
નામના ઉપવનનું સર્જન થઇ શકે છે.
સમજી જ જો સમય સમજાવે એ પહેલા
થોભી જ જો શ્વાસો થંભી જાય એ પહેલા,
વિચારી લેજો વમળમાં વિખેરાય જાઓ એ પહેલા
જાગી જ જો જડતા જમાનાની જકડે એ પહેલા
અવસર છે આત્માની ઓળખનો આ અત્યંત અનેરો
ઝડપી લેજો જીવનની જ્યોત બુઝાઈ જાય એ પહેલા
સમર્પણની સંવેદના જગાડે એ સૂફીવાદ
શ્રધ્ધાને શિખર સુધી પહોંચાડે એ સૂફીવાદ
ખુદી ભૂલાવી ખુદાને મેળવી આપે એ સૂફીવાદ
આત્માને આત્મજ્ઞાથી શણગારે એ સૂફીવાદ
‘મોગરાના પુષ્પનું મહત્વ તેની સુગંધ છે, જે સુગંધ સ્પર્શી કે જોઈ શકાતી નથી, પરંતુ અનુભવી શકાય છે. એ જ રીતે
‘સૂફીવાદ’ પણ પુષ્પની સુગંધ સમાન અનુભૂતિનો વિષય છે.”
આવી ગહનતાની મધુરપ તેમના સમગ્ર પુસ્તકમાં
વ્યાપેલી છે. એક સ્થાને તેઓ લખે છે,
“જે સમાજમાં હોય પરતું સમાજ જેનામાં ન હોય એ
સાચો સૂફી છે.”
“પ્રીત કરે તો એસી કર, જૈસે કરે કપાસ
જી તો
જી તન ઢકે, મરે ન છોડે સાથ”
વિખ્યાત સૂફી જાલાલુદ્દીન રૂમીના અવતરણને
ટાંકતા લેખક નોધે છે,
“ગઈકાલ સુધી હું હોશિયાર હતો. એટલે દુનિયાને
બદલવા ઈચ્છતો હતો, પણ આજે હું સમજદાર છું. માટે ખુદને બદલી રહ્યો છું.”
૧૬૩ પૃષ્ટોમાં વિસ્તરેલ ગ્રંથ ત્રણ વિભાગોમાં
પથરાયેલ છે. પ્રથમ ગદ્ય વિભાગમાં સાત્વિક વિચારોને વિસ્તૃત છણાવટ સાથે અભિવ્યક્ત
કરવામાં આવેલા છે. પ્રકરણોના વિષયોની પસંદગી આપણા રોજબરોજના આચાર અને વ્યવહારમાં
જોવા મળે છે. જેમ કે ઉત્કૃષ્ઠ પ્રેમ, સંગનો રંગ, જડતાની હદ, શબ્દોની માયાજાળ, ક્રમ કુદરતનો, ૨૧મી
સદીના અસાધ્ય રોગો, જેવા વિષયોને મુલાયમ, મધુર અને સરળ
ભાષામાં રજુ કરવામાં લેખક સફળ રહ્યા છે. પદ્ય વિભાગમાં લેખકની સુંદર રચનો મુકવામાં
આવી છે. જેમાં મુલ્યો અને આધ્યાત્મનો સરળ સમન્વય જોવા મળે છે.
“અંતિમ
આ જીવનનો હેતુ તું જ છે
હેતુને
પામવાનો સેતુ પણ તું જ છે
આ તો
નાનકડો ફક્ત એક શબ્દનો ફેર છે.
ઈશ્વર
પણ તું અને અલ્લાહ પણ તું જ છે.
મનમાં
રાખી મેલ, ન જાણે કોઈ સ્થાન તારું
કોઈ કહે અહિયાં ને કોઈ કહે સર્વત્ર તું જ છે
વિવાદોની વિટંબણા એક દી’ જરૂર વિસરાશે
આધાર જયારે સંપૂર્ણ અસ્તિત્વનો તું જ છે
જણાવવા આ તથ્યો જગતને માથે ‘મતાઉદ્દીન’
દિવ્ય આ આત્માનો ભેદ પણ તું જ છે.”
આજના યુગમાં ધર્મ સત્તા અને વિભાજનનું મૂળ બનતો
જાય છે. ત્યારે આ સૂફી લખે છે,
“”વિવાદો અને ઝગડાઓનું મૂળ કારણ ધર્મ નહિ,
ધર્મની અજ્ઞાનતા છે.”
આવા વિચારોના ભંડાર સમો આ નાનકડો ગ્રંથ ધર્મની
ગેરસમજના વાતાવરણમાં પ્રકાશનું કિરણ બની રહે એજ અભ્યર્થના સાથે વિરામ.
----------------------------------------------------
૩૦૧/ડી, રોયલ અકબર રેસીડેન્સી, સરખેજ રોડ,
અમદાવાદ. પીન કોડ. ૩૮૦૦૫૫ : મો ૯૮૨૫૧૧૪૮૪૮