Tuesday, December 20, 2022
મારા પિતા જીની બિસ્મિલ્લાહ
આ તસ્વીર લગભગ ઈ.સ. ૧૯૨૮ની છે. જેમાં મારા દાદા હાજી હુસેનભાઈ દેસાઈ અને મારા સાત વર્ષના પિતા ઉસ્માનભાઈ ઘોડા પર બિરાજ માન છે. મારા દાદા અંગ્રેજના શાસનમાં ધોળકામાં પોલોસ સબ ઇસ્પેકટર હતા. આ તસ્વીર ઇસ્માલામિક પરંપરા મુજબ મારા પિતાજીની બીસ્મિલાહ પઢાવી એ દિવસની છે. એ સમયે બિસ્મિલ્લાહ ધામધૂમથી ધોળકા ગામમાં ઘોડા પર બેસાડી વર ઘોડો કાઢીને દાદાએ પઢવી હતી.
જનાબ મુર્તઝા પટેલની કેફિયત
દોસ્તો, અહીં પ્રસ્તુત ફોટો માટે તેમાંથી જ નીકળેલ
શેરથી શરૂઆત કરું...
"જુઓ કેવી જામી
છે અમારી આ મિજબાની !
જેમાં એક છે 'મહેબૂબ' અને બીજા છે 'જાની'."
હાં ! તો વાત એમ
બની કે...મારા મુરબ્બા જેવા મુરબ્બી દોસ્ત સુરેશ દાદા જાનીએ મને 'ઐતિહાસિક સાહિત્ય'માં ડૂબીને તરી આવેલા બીજા એક વડીલ પ્રો. ડૉ.
Mehboob Desai સાથે મુલાકાત કરાવી ગઈકાલની સાંજ જબરદસ્ત
રીતે સુધારી આપી.
અમારી એ
સાહિત્યિક ગોઠડીને હું 'મહેબૂબી ઇન્ટરવ્યૂ' કહીશ. કેમ કે ડૉ. મહેબૂબ સાહેબ એટલે ગુજરાતી
સાહિત્યમાં ગોઠવાયેલું એ બોલતું પુસ્તક છે, જેનું 'બાઈન્ડીંગ' દેશ-વિદેશના ઇતિહાસના સોનેરી પાનાંઓની માહિતીઓથી થયેલું છે.
(એક મિનિટ !
સબૂર. હમણાં આ પોસ્ટ વાંચી લેશો, પછી ગૂગલ અને યૂટ્યૂબ પર Dr Mehboob Desai નામ સર્ચ અને તેમના કામોનું રિસર્ચ કરશો તો અમને ત્રણેયને ઘણું વધારે ગમશે.)
વેલ ! એકવાર
થયું એવું કે...મિર્ઝા ગાલિબ સાહેબ પાસે તેમનો એક શિષ્ય ઘણાં દિવસે મળવા આવ્યો, ત્યારે મિર્ઝા સાહેબે તેને કુતુહલવશ પૂછ્યું
કે "અમાં બરખુર્દાર,
ઇતને દીનો સે
કહાં ગાયબ થે?"
ત્યારે શિષ્યએ
ભોળા ભાવે કહ્યું: "ઉસ્તાદજી, ચન્દ દીનો કે લિયે દિલ્હી સે બહાર જાના હુવા થા. મશરૂફ થા. ઇસલિયે આપ સે
મુખાતિબ ન હો સકા,
મોઆફી ચાહતા
હૂં. ઇતને દીનો સે ન કુછ લિખા ઔર ન કોઈ કિતાબ પઢી. તો આજ સોચા કી કુછ લમ્હે બસ !
આપ કે પાસ બૈઠ કર હી ગુઝાર લૂં. મેરા પઢના-લિખના દોનો કામ એકસાથ હો જાયેગા."
બસ એવું જ કાંઈક
હું મહેબૂબ સાહેબને મૂકમાં કહી શકું છું અને સુરેશ જાની સાહેબને જણાવી શકું છું.
જેમની ઝીંદગી
પોલીસ તરીકે પસાર થઇ હોય,
તેવા દીકરાને 'પોલીસ' નહિ,
પણ 'પોલિશ'ડ લાઈફ આપતા માંગતા પિતાએ બાળપણથી ખાદી(વાળી) સાદી ઝીંદગીમાં ઉછેર્યા હોય તેવો
દીકરો આગળ જઈને પિતાનું નામ રોશન જ નહિ, મહેબૂબ પણ કરે ત્યારે,
તેમાં સખ્ખત, ધમધોકાર અને અથાક મહેનતનું કોમ્બિનેશન હોય, હોય અને હોય જ.
ને આ દેસાઈ
સાહેબ પાછા એમાં સબૂરી અને શ્રદ્ધાનું મોણ નાખે તો રોટલો કેવો મીઠ્ઠો પાકે ?!
(અરે ! કોઈ સવાલ
જ નથી બોસ. એકદમ મીઠ્ઠો જ પાકે. ને પછી તેની સાથે જોડાયેલાં લોકોની મુહબ્બત, માણસાઈ જોડાય ત્યારે મિજબાની મોટી જ બને.)
ડૉ. મહેબૂબ
દેસાઈ સાહેબ એક એવું વ્યક્તિત્વ કહી શકાય કે જેમણે 'કર્મણ્યે વાધિકારસ્તે...' શ્લોકની સાથે કુરાન-એ-પાકના 'અલ આમાલો બિન
નિયાત'
આયાતને બખૂબી
જીવી જાણી છે.
'હેં ? એ કઈ રીતે ?'
એવો સવાલ તમને
પણ થાય ત્યારે,
તમે પણ તેમને
રૂહ-બ-રૂહ જ મળીને જાણો તો સારું. એટલા માટે કે હું અને જાની દાદા બેઉ જણા તેમની
સાથે બેસી એ થોડુંક જ જાણી લાવ્યા છે. (અને તમને તો ખબર છે કે મારી આદત...'થોડામાં ઘણું' કરવાની છે.)
છતાં આ દેસાઈ
સાહેબના જીવનના અદભૂત પ્રસંગોની મહેફિલ માણવા માટે હું વ્હાલા Raam Moriને, બહેન Desai
Shilpaને, ભાઈશ્રી Vivek Desaiને ખાસ ભલામણ કરી શકું કે આવનાર દિવસોમાં 'મારી કેફિયત' અંતર્ગત શ્રી મહેબૂબ દેસાઈ સાહેબનો પણ પ્રોગ્રામ નવજીવન પ્રેસના 'દેસાઈ' હોલમાં ગોઠવે.
કારણકે 'નવજીવન' મેળવતા રહેવું એ આપણા સૌનો અધિકાર છે. ને આમેય 'ગાંધી'ને આસિસ્ટ કરનાર 'દેસાઈ' જ તો હતા ને. તો જામવા દો 'દેહાઇઓનો
મેળાવડો...'
ત્યાં હુધી હું
આ નીકળ્યો બીજા એક મહેબુબી દોસ્તને મળવા....
Tuesday, October 4, 2022
ગીતા અને કુરાનમાં કર્મનો સિધ્ધાંત : ડૉ. મહેબૂબ દેસાઈ*
ભારતીય
સંસ્કૃતિના બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન આપણી સમન્વય સંસ્કૃતિના પાયામાં છે.
બન્ને ની વિચારધાર અને સિદ્ધાતોમાં અનેક સામ્ય છે. ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં
પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખે ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા
છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જયારે ધ્રુતરાષ્ટ્રના
મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા
(પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના
સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન
શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું. હઝરત મહંમદ પયગમ્બર (ઈ.સ.૫૭૧-૬૩૨) સાહેબ(સ.અ.વ.)નું
વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં
મુલ્યનિષ્ઠ ધર્મ કેન્દ્રમાં છે. ભગવાન કૃષ્ણ જેવું બુધ્ધીતત્વ પામેલી બહુ આયામી
વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનમોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય
ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ પણ માનવજાતીના મસીહા બની ખુદાના અંતિમ
પયગમ્બર તરીકે અવતર્યા હતા. તેમને ખુદા તરફથી "વહી" દ્વારા મળેલ
ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ.
ગીતાનો આરંભ
"ધર્મક્ષેત્ર" અથવા "ધર્મભૂમિ" શબ્દથી થાય છે. જયારે કુરાને
શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ" શબ્દથી થાય છે. બંને
શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે
મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,
"હે સંજય, ધર્મક્ષેત્ર એવા
કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ
ભેગા થઈને શું કર્યું?"
શ્રીમદ્ ભગવદ
ગીતામા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ
શ્લોકથી થાય છે. ધર્મ-અધર્મની વિશદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે. કર્મ, અકર્મ અને વિકર્મને
કેન્દ્રમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે.
ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે
તો માનવધર્મ છે. માનવી તરીકેના કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના
સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે . શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં
કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ
આકાર પામવાનું છે.
એ જ રીતે કુરાનનો
પ્રથમ શબ્દ છે "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ " અર્થાત "શરુ કરું
છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને અને દયાળુ છે" એ પછી ઉતરેલી કુરાનની
પ્રથમ આયાત ઇસ્લામની કોઈ ક્રિયા,ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં માત્ર ઈશ્વર
ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ
પ્રાર્થનામાં કહ્યું છે,
"પ્રશંશા એક માત્ર
અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ(ખુદા)છે, ન્યાયના દિવસનો માલિક છે,
અમે તારી જ ઈબાદત
કરીએ છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેની ઉપર
તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી, જે પદભ્રષ્ટ નથી"
ઉપરોક્ત આયાતમા
એક વાક્ય "રબ્બીલ આલમીન" આવે છે. જેનો અર્થ "સમગ્ર સૃષ્ટિનો
રબ" થાય છે. અર્થાત સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિયા "રબીલ
મુસ્લિમ" માત્ર "મુસ્લિમોનો ખુદા" શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે
છે કે ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ સમગ્ર માનવજાતનો
છે.
ઇસ્લામ
અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત પાયામાં છે. માનવીના કર્મના આધારે જ
ઇસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે
હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો
છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં સમજાવવામા આવ્યો છે. ગીતાના ૧ થી ૬
અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે
તેમાં અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મના સિધ્ધાંત
ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો ૪૭મો
શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.
"કર્મણયેવાધીકારસ્તે
મા ફલેષુ કદાચન,
મા કર્મફલહેતુર્ભુમા
તે સંગોડસત્વકર્મણી"
આ એક
શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે
૧.
કર્મ કરવા તું સ્વતંત્ર છે
૨.
પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે.
૩.
ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.
૪.
તારો અકર્મમાં સંગ ના થશો.
અર્થાત
ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણકે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા
હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળનું ઈશ્વર જરૂર આપશે.
ઇસ્લામમાં
કર્મને "આમાલ" કહેલ છે. આમાલ શબ્દ અરબી ભાષાનો છે. જેનો અર્થ થાય છે
સારા-નરસા કાર્યો. ભારતના નવમાં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (૧૯૧૮-૧૯૯૯)એ વર્ષો પૂર્વે
એક કાવ્ય લખ્યું હતું. પ્રકૃતિ, પ્રેમ કે
કલ્પના પર ન લખાયેલ એ કાવ્ય, ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ પર હતું. કાવ્યનું
મથાળું હતું, “એ મુસલમાનો
તુમને યે કયા કિયા ?”
જેની
પ્રથમ પંક્તિમાં તેમણે લખ્યું હતું,
“આમલ કી કિતાબ થી
દુવા કી
કિતાબ બના દિયા”
કાવ્યમાં આગળ તેઓ લખે છે,
સમઝને કી કિતાબ થી
પઢને કી કિતાબ બના દિયા
જીન્દો કા દસ્તુર થા
મુર્દો કા મન્સુર બના દિયા
જો ઇલ્મ કી કિતાબ થી
ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા
'તસ્ખીર-એ-કાયનાત' કા
દર્સ દેને આઈ થી
સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા
મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી
મુર્દો કો બક્ષવાને પર લગા દિયા
આ કાવ્યમાં પણ “આમાલ” પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. કારણ કે
આમાલ ઇસ્લામમાં કેન્દ્રીય વિચાર છે. ઇસ્લામમાં માનવીના કર્મો (આમાલ) જ
માનવીનો સાચો ધર્મ છે. ઇસ્લામની એક હદીસમાં
કહ્યું છે,
“અલ્લાહને તેના બંદાના પાંચ આમાલો ખુબ પસંદ છે.
૧. કોઈ પણ વ્યક્તિને ખુશી આપવી.
૨. કોઈ પણ વ્યક્તિની તકલીફ દૂર કરવી.
૩. કોઈ વ્યક્તિનું દેવું કે કર્ઝ માફ કરવું કે ચુકેતે
કરવું.
૪. કોઈ પણ ભૂખ્યા માનવીને ભોજન કરાવવું
૫. કોઈ પણ વ્યક્તિની નૈતિક જરૂરિયાતને પૂર્ણ કરવી.
આ
પાંચ આમાલો કરનાર વ્યક્તિ ખુદાને પ્યારો છે.
કુરાને
શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. "અલ આમલ બીન નિયતે" અર્થાત
"સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે" દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે
મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા
વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ
છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે "ફી
સબીલિલ્લાહ" અર્થાત "ખુદાના માર્ગે કર્મ કર" અને તારા એ
નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,
"અને
જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ
છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યા જ આપીશું.”
“અને જે લોકો
પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો
આપીશું"
"જે
કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ
તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ"
"એ
લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે"
ગીતામાં
આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
"આલોકમાં
કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ
કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે"
ગીતા અને કુરાનની
આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે.
જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું
કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમો-વિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે
સાકાર કરેશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય
નિવારી શકશે.
"ચાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
તેરા મેરા પ્યાર
હી હર પુસ્તક કા જ્ઞાન"
-----------------------------------------------------------------------------
*પ્રોફેસર અને
અધ્યક્ષ (નિવૃત્ત), ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
Saturday, June 4, 2022
મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ
૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી હતી. એ દિવસે મારી પત્ની સાબેરાનો જન્મ દિવસ હતો. તેની ડીલેવરી લીધી ત્યારે હજુ મને ડ્રાઈવિંગ બરાબર આવડતું ન હતું. એટલે મારો સાળો અબ્દુલ રહેમાન તેને ડ્રાઈવ કરીને અમદાવાદની બોમ્બે મર્કન્ટાઈ બેંક પર એક કામ અર્થે મને લઇ ગયો હતો. બરાબર એજ વખતે બેન્કના પગથીયા ઉતરી રહેલા મારા પિતાજી મળી ગયા. મને અને કારને જોઈને મનમાં ખુશ થયા. પણ ચહેરા પર ગંભીરતા દાખવી બોલ્યા,
“કાર લઇ આવ્યો ?”
“જી”
અને હું તેમને મૂંગા મૂંગા કાર સુધી દોરી ગયો. કારનો દરવાજો ખોલી મેં તેમને પાછળની સીટ પર બેસાડ્યા. હું આગળ બેઠો. અને અબ્દુલ રહેમાને કાર હંકારી. અમે નહેરુ બ્રીજ પર આવ્યા એટલે પિતાજી બોલ્યા,
“કોઈ મીઠાઈની
દુકાને ગાડી ઉભી રાખજે. વાડીલાલ હોસ્પિટલ પાસે અબ્દુલ રહેમાને કાર ઉભી રાખી. અને
પિતાજીનો આદેશ છૂટ્યો,
“જલેબીના બે ૫૦૦
૫૦૦ ગ્રામના પેકેટ લઇ આવ.”
હું અને અબ્દુલ
રહેમાન ઉતર્યા અને મહેતામાંથી ગરમ ગરમ જલેબીના બે પેકેટ લઇ આવ્યા. પછી કાર ચાલી. ત્યાં તો પિતાજીનો અવાજ સંભળાયો,
“કાર બનાસ ફ્લેટ
પર લઇ લે.”
કોચરબ કોંગ્રેસ
ભવનની સામે આવેલા બનાસ ફલેટમાં મારા નાના ફઈ રહેતા હતા. કાર બનાસ ફલેટની સામે રોડ
પર અબ્દુલ રહેમાને ઉભી રાખી.
“તમે બેસો હું આવું છું” એમ કહી પિતાજીએ જલેબીનું એક પેકેટ લીધું અને બનાસ ફલેટના કમ્પાઉન્ડમાં દાખલ થયા. પોતાની સૌથી નાની બહેન સાથે પુત્રે લીધેલી પહેલી કારની ખુશી વ્યક્ત કરવાની તેમની ઈચ્છા હું પામી ગયો. અને હું ચુપચાપ તેમને જતા જોઈ રહ્યો. પછી અમે અમદાવાદના અમારા નિવાસ મીનલ સોસાયટી પર પહોંચ્યા. આખી સોસાયટીમાં પિતાજીએ જલેબી વહેચી. ત્યારે તેમના ચહેરા પરની ખુશી શબ્દોમાં વર્ણવાય તેવી ન હતી.
એ સમયે મારુતિ ૮૦૦ની મૂળ કીમત માત્ર ૬૫૦૦૦ હજાર હતી. પણ તેની માંગ વધારે હોવાને કારણે મેં એ સેકન્ડ હેન્ડ કાર એક લાખ પાંચ હજારમાં પીએફમાંથી લોન લઈને લીધી હતી. તેનો નંબર ૪૮૪૮ હતો. બરાબર પાંચ વર્ષ એ કાર મેં વાપરી હતી. પણ ક્યારેય તે રસ્તામાં બંધ પડી હોય, પંચર પડ્યું હોય, કે કોઈ કારણ સર અટકી હોય એવું બન્યું નથી. બલકે એ મારા ભેરુ જેમ મારા સારા નરસા સમયે પડખે ઉભી રહી હતી.
મારા પિતાજીનું
અવસાન અમદાવાદ મુકામે થયું. ત્યારે હજુ મને બહુ ખાસ ડ્રાઈવિંગ આવડતું ન હતું.
અલબત્ત મારી પાસે પાકું લાઇસન્સ હતું. પણ હિંમત અને આત્મ વિશ્વાસનો અભાવ હતો. મારા
એક શુભેચ્છક નીતિનભાઈએ તો એ માટે સાંઇ બાબાની માનતા પણ માની હતી કે “મહેબૂબભાઈને ડ્રાઈવિંગ બરાબર ફાવી જશે તો અમે
શિરડી દર્શન કરવા જઈશું” જો કે એ માનતા પૂરી કરવા નીતિન ભાઈ તો જીવિત ન રહ્યા. પણ
તે માનતા હજુ છ માસ પહેલા જ શિરડી જઈને મેં પૂરી કરી છે. એટલે એ સમયે હાઈ વે પર
કાર ચલાવવાનો આત્મ વિશ્વાસ મારામાં બિલકુલ ન હતો. પિતાજીના આકસ્મિક અવસાનના સમાચાર
મને પરોઢીએ ચાર વાગ્યે ભાવનગરમાં મળ્યા. ત્યારે હું સંપૂર્ણ ભાગી પડ્યો. મને કશી
સૂઝ કે સમજ ન પડી કે તાત્કાલિક અમદાવાદ કેવી રીતે પહોંચવું તેની મુઝવણ હતી. એસ.ટી.
અને પ્રાઇવેટ બસ સર્વિસ હતી. પણ એટલી સબ્ર મારામાં રહી ન હતી. હું તો ઉડીને
અમદાવાદ પહોચવાની બેસબ્રીના આવેગમાં હતો. હિમ્મત કરી હું કાર પાર્કિંગમાં પડેલી
૪૮૪૮ પાસે આવ્યો. તેના બોનેટ પર હાથ ફેરવ્યો. અને તેને સંબોધીને મનમાં બોલ્યો,
“દોસ્ત મને કેવું ડ્રાઈવિંગ આવડે છે તે તું જાણે છે. પણ ડેડની પાસે મારે ગમેતેમ કરી જલ્દી પહોંચવું છે. મને સલામત પહોંચાડી દઈશ ને ?” અને એટલું કહી મેં તેની છતને થબથબાવી. જાણે મિત્રનો સાથ માંગી તેની સંમતિ ન મેળવતો હોઉં !. એ હાઇવે મારું પર પ્રથમ ડ્રાઈવિંગ હતું. ઈશ્વર અલ્લાહનું નામ લઇ હું અને મારી પત્ની સાબેરા પહેરે કપડે ૪૮૪૮માં સવાર થઈ નીકળી પડ્યા. એ સમયે હજુ ધોલેરા માર્ગ ચલણમાં ન હતો. વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, બગોદરા, બાવળા અને અમદાવાદ એમ લગભગ ૨૦૦ કિલોમીટરનો લાંબો રસ્તો વેઠીને અમદાવાદ પહોંચવું પડતું. દિલની ધડકનો તેજ હતી. મનમાં સતત ખુદાનું રટણ હતું. વહેલી સવારનો હાઇવેનો ટ્રાફિક સક્રિય હતો. અને સ્ટ્રીંગ પર નવ શીખ્યો મારો હાથ હતો. પચાસની સ્પીડ પર ગાડી ચાલી રહી હતી. ડર મારા મનમાં યથવાત હતો. પણ મને મારી ૪૮૪૮ અને ખુદામાં વિશ્વાસ હતો. જેમ જેમ હાઇવે પર કાર હંકારતો ગયો તેમ તેમ વિશ્વાસ વધતો ગયો. ૪૮૪૮ પણ મારા વિશ્વાસને પ્રોત્સાહિત કરી રહી હતી. જાણે સ્વયંમ સંચાલન કરી તે મને દોરતી ન હોય. પિતાજીના અવસાનનો ભાર અને હાઇવે પર પ્રથમવાર વાહન ચલાવવાની તાણ, છતાં ૪૮૪૮એ મને ૧૧ કે વાગે અમદાવાદ સહી સલામત પહોંચાડી દીધો. ત્યારે એક મિત્રના ખભે હાથ મૂકી ધન્યવાદ કરતો હોઉં તેમ ૪૮૪૮ની છત પર મારો હાથ અનાયાસે ફરી વળ્યો હતો.
આવો જ એક અન્ય
પ્રસંગ પણ ૪૮૪૮ સાચવ્યાનું મને યાદ છે. મારા અમ્મા એ સમયે અમદાવાદ ભાવનગર વચ્ચે
સંતુલન જાળવીને આવન જાવન કરતા. ૪૮૪૮ના આગમન પછી તેમનું આવન જાવન સરળ બન્યું. જયારે
તેમને અમદાવાદ જવાની ઈચ્છા થાય ત્યારે અમે શનિ રવિની રજાઓમાં તેમને ૪૮૪૮માં અમદાવાદ
મૂકી આવતા. અને ભાવનગર પાછા આવવાનું મન થાય ત્યારે તેમને ૪૮૪૮માં લઇ આવતા. આમ ૪૮૪૮
અમ્માના આવાગમનમમાં ખાસ્સી મહત્વની ભૂમિકા અદા કરી.
પણ એક દિવસ અમદાવાદ મુકામે તેમને અચાનક બ્રેન સ્ટ્રોક આવ્યો. અને તેમનું અડધું અંગ પેરેલીટીક થઇ ગયું. એવા સમયે પણ તેમને કાળજી પૂર્વક અમદાવાદ ભાવનગર વચ્ચે લાવવા લઇ જવામાં ૪૮૪૮ એક સાચા બંધુની ભૂમિકા અદા કરી હતી. ૪૮૪૮ની પાછળની સીટ પર તેમને ઉચકીને બેસાડી, તેમની આસપાસ બરાબર ટેકા ગોઠવી ધીમી ગતિએ કારા હંકારવામાં મારી કાબિલિયત કરતા ૪૮૪૮ની મશીની સજ્જતા એ મને કાફી સહકાર આપ્યો હતો.
મને એ પ્રસંગ પણ
બરાબર યાદ છે જયારે હું ભાવનગરના સાંઢીયાવાડના ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યારે
૪૮૪૮ મુકવાની કોઈ જગ્યા ન હતી. માટે એક મિત્રના બંધ ગેરેજમાં ૪૮૪૮મુકતો. એ સમયે
પુત્ર ઝાહીદ ૧૪ વર્ષનો હતો. એક દિવસ
દુકાનના શટર અને ૪૮૪૮ની ચાવી લઇ તે બોલ્યો,
“ડેડી, હું શટર ખોલું છું તમે તૈયાર થઈને આવો.” અને
તેણે ગેરેજ ખોલ્યું. પણ ૪૮૪૮ ચલાવવાની પ્રબળ ઈચ્છાને તે રોકી ન શક્યો. અને ૪૮૪૮
બેસી, તેણે ૪૮૪૮ ચાલુ કરી. ગેરેજ ઢાળ પર હતું. એટલે ૪૮૪૮ બહાર સિદ્ધિ રોડ પર આવી
ગઈ. રોડ પરના ટ્રાફિકમાં ૪૮૪૮ એક રીક્ષા સાથે અથડાઈ. અને પછી ત્યાં જ અટકી ગઈ.
ઝાહીદ એકદમ ગભરાઈ ગયો. ૪૮૪૮નો દરવાજો બંધ કરી તે મારી પાસે દોડી આવ્યો.
“ડેડી, ૪૮૪૮ મારાથી અથડાઈ ગઈ”
“તને તો કઈ
વાગ્યું નથીને ?”
“ના, પણ ૪૮૪૮ને
પાછળ વાગ્યું છે.”
“ભલે એ તો રીપેર
થઇ જશે.”
અને હું ૪૮૪૮ પાસે પહોંચ્યો ત્યારે તે નિરાતે ઉભી હતી. જાણે કહેતી ન હોય ઝાહીદ ને કઈ નથી થયું. મને થોડું વાગ્યું છે. પણ એ કઈ ગંભીર નથી. અને ત્યારે પણ મને ઝાહીદ બચી ગયો તેમાં ખુદાની રહેમત સાથે નસીબવંતી ૪૮૪૮ પણ સહભાગી લાગી. અને ત્યારે પણ અનાયાસે જ તેની છત પર મારો હાથ ફરી વળ્યો.
અને છેલ્લો
જીવલેણ પ્રસંગ જીવનમાં કદી ભૂલાઈ તેવો નથી. નવી નવી કાર લેનાર સૌ કોઈને કાર લઈને
ફરવા જવાનો શોખ હોય છે. મારા પિતરાઈ અને એ સમયે ભાવનગરમાં સીનીયર જજ તરીકે નિયુક્ત
થયેલા પતિ પત્ની રહેના બહેન અને શબ્બીરભાઈ સાથે અમે અવારનવાર ફરવા જતા. એ સમયે
તેમની પાસે ફિયાટ હતી. જયારે મેં નવી નવી ૪૮૪૮ લીધી હતી. એક દિવસ અમે દિવ બાય કાર
જવાનો કાર્યક્રમ બનાવ્યો. હજુ હાઇવે પર ચલાવવાનો મને ઝાઝો મહાવરો ન હતો. મનમાં
થોડો ડર રહ્યા કરતો. પણ છતાં હિંમત કરતો. એ દિવસે સવારે અમે બને દિવ જવા નીકળ્યા.
તેમનું આખું કુટુંબ ફિયાટમાં અને મારું આખું કુટુંબ ૪૮૪૮માં. બંને કારો આગળ પાછળ
હતી. એક ભયંકર વણાંક પર મારી કાર સામે અનાયાસે એસ.ટી. બસ આવી ચડી. અને મેં એકદમ
સ્ટીયરીંગ જમણી બાજુ વાળી દીધું. અને બરાબર ૪૮૪૮ પાસેથી એસ.ટી. બસ પુરપાટ પસાર થઈ
ગઈ. અને મારા હોશ ઉડી ગયા. હદય ધબકારા ચૂકી ગયું. હાથપગ સૂન થઇ ગયા. અને મેં
૪૮૪૮ને રોડની સાઈડમાં ઉભી કરી દીધી. જો અનાયાસે મેં સ્ટીયરીંગ જમણી બાજુ ના
વાળ્યું હોત તો આજે હું અને મારુ આખું કુટુંબ હયાત ન હોત. આજે પણ એ પળ યાદ આવે છે
ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. એ સમયે પણ મને બચાવવામાં ખુદાની રહેમત અને
નસીબવંતી ૪૮૪૮ જ હતી, એમ આજે પણ લાગે છે.
આમ ૪૮૪૮ મારા
માટે એક લોખંડની કાર માત્ર નહિ, પણ મારા કુટુંબની રક્ષક પણ બની રહી હતી. આજે ૪૮૪૮
વેચ્યે બાવીસ વર્ષ વીતી ગયા છે. આજે એ ક્યાં
છે તેની મને ખબર નથી. પણ તેની મારા કુટુંબ પ્રત્યેની સુરક્ષા અને મહોબ્બતની યાદને જીવંત
રાખવા, એ પછી લીધેલી મારી તમામ નવી કારોના નંબર મેં ૪૮૪૮ જ રાખ્યા છે. અને જીવીશ ત્યાં
સુધી એ પરંપરા જાળવી રાખીશ.
------------------------------------------------------------------------
લખ્યા તા. ૩,૪ જુન ૨૦૨૨
હોબાર્ટ
(ઓસ્ટેલિયા)