ગાંધીજી લંડનમાં ૧૯૦૯ ની ૧૦મી જુલાઈ થી નવેમ્બરની ૧૩ તારીખ સુધી હતા. ત્યાં તેમણે જે જોયું અનુભવ્યું અને સાંભળ્યું તથા વાંચ્યું તેના પડઘા આપણને તેમના “હિન્દ સ્વરાજ” નામક નાનકડા પુસ્તકમાં જોવા મળે છે. આજથી ૧૧૧ વર્ષ પહેલા સન ૧૯૦૯માં લખાય “હિંદ સ્વરાજ” આજે પણ એટલું જ સાંપ્રત લાગે છે. સાડત્રીસ વર્ષના યુવાન મોહનદાસ ગાંધીએ કિલડોનન કેસલ નામના દરિયાઈ જહાંજ પર બેસીને એકધારી કલમથી “હિંદ સ્વરાજ”ના પ્રકરણો જહાજ કંપનીના કાગળિયા પર લખ્યા હતા. આજે તેમના નિર્વાણ દિન ૩૦ જાન્યુઆરી નિમિત્તે “હિન્દ સ્વરાજ”મા તેમણે કરેલ હિંદુ-મુસ્લિમ સંબંધોની વાત કરવી છે. પણ એ પહેલા ગાંધીજીના ઇસ્લામ ધર્મ અંગેના થોડા વિચારો જાણીએ. ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમનો ઊંડો અભ્યાસ હતો. સમજ હતી. પરિણામે આજે ઇસ્લામ અંગે પ્રવર્તતી ગેરસમજોનો ઉકેલ ગાંધીજીના ઇસ્લામ અંગેના ચિંતનમાં દેખાય છે. ઇસ્લામને તેના કહેવાતા તજજ્ઞો કે આલિમો જે રીતે સમજયા હતા, તેથી કદાચ વધુ હકારાત્મક દ્રષ્ટિએ ગાંધીજીએ પોતાના વિચારોમાં ઇસ્લામને વ્યકત કરેલ છે. ગાંધીજી કહે છે,
"ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તાત્વિક જ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી. એ બિના ના પાડી શકાય તેવી નથી."( અક્ષરદેહ - ૪૦ પૃ. ૫૭)
ઇસ્લામ તલવારના જોરે પ્રચાર પામ્યો છે તેવી માન્યતા આજે પણ દૃઢ બનતી જાય છે. અને એ માટે ખાસ્સો પ્રચાર પણ થયા છે. પણ ઇસ્લામના "લા ઇકારહ ફીદ્દીન" અર્થાત ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ ના સિદ્ધાંતને વ્યકત કરતા ગાંધીજી લખે છે.
"ધર્મપરિવર્તન માટે બળ વાપરવાનું યોગ્ય ઠરાવે એવું કુરાનમાં કશું જ નથી. આ પવિત્રગ્રંથ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ‘ધર્મમાં કોઈ બળજબરી હોઈ શકે નહીં.’ પયગંબર સાહેબનું સમસ્ત જીવન ધર્મમાં બળજબરીના એક ઇનકાર જેવું છે. કોઈ પણ મુસલમાને બળજબરીને ટેકો આપ્યાનું મારી જાણમાં નથી. ઇસ્લામને જો તેના પ્રચાર માટે બળજબરી પર આધાર રાખવો પડતો હોય તો તે એક વિશ્વધર્મ ગણાતો મટી જશે."( અક્ષરદેહ - ૨૧, પૃ. ૧૯૫-૧૯૬)
આ જ મોહનદાસ ગાંધી સાડત્રીસ વર્ષની વયે હિંદુ મુસ્લિમ
સબંધો અંગે એટલી જ પુક્ત્તાથી “હિન્દસ્વરાજ” માં લખે છે,
“માણસને અક્કલ એવા કારણ સર આપી કે, તેથી તે ખુદાને પિછાને, માણસે અક્કલનો ઉપયોગ ખુદાને ભૂલવામાં કર્યો, મારાથી મારી કુદરતી હદ મુજબ મારી આસપાસ વસતા માણસોની સેવા થઇ શકે, તો મેં ઝટ લઈને મારી મગરૂરીમાં શોધી કાઢ્યું કે મારે તો આખી દુનિયાની સેવા મારા શરીર વતી કરવી. આમ કરવા જતાં ઘણા ધર્મના ને પ્રકારના માણસો સાથે આવે. તે બોજો માણસજાત ઉપાડી શકે જ નહીં એટલે પછી અકળાય.” (હિંદ સ્વરાજ, ૨૦૦૯, પૃ. ૧૦૦,૧૦૧)
“હિન્દુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે તેથી તે કઈ એક-પ્રજા મટનાર નથી. નવા માણસો દાખલ થાય તે પ્રજા ભંગ નથી કરી શકતા, તેઓ પ્રજામાં ભળી જાય છે. એમ થાય ત્યારે જ અમુક મુલક એક પ્રજા ગણાય. તે મુલકમાં બીજા માણસોનો સમાસ કરવાનો ગુણ હોવો જોઈએ. તેવું હિન્દુસ્તાનમાં હતું અને છે. બાકી ખરું જોતા જેટલા માણસ તેટલા ધર્મ છે એમ ગણી શકાય. એક પ્રજા થઈ રહેનાર માણસો એકબીજાના ધર્મની વચમાં પડતા જ નથી, જો પડે તો સમજવું કે તેઓ એક પ્રજા થવાને લાયક નથી. હિંદુ જો એમ માને કે આખું હિન્દુસ્તાન હિન્દુથી જ ભરેલું હોય, તો તે સ્વપ્ન છે. મુસલમાન એમ માને કે તેમાં માત્ર મુસલમાન જ વસે તો તે પણ સ્વપ્ન સમજવું. છતાં હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી જેઓ તે દેશને મુલક કરી વસ્યા છે તેઓ એકદેશી એક મુલકી છે, તે મુલકી ભાઈ છે અને તેમણે એકબીજાનાં સ્વાર્થને ખાતર પણ એક સાથે રહેવું પડશે. દુનિયાના કોઇ પણ ભાગમાં એક પ્રજા નો અર્થ એક ધર્મ એમ થયો નથી. હિન્દુસ્તાનમાં હતો નહીં.” (હિંદ સ્વરાજ, ૨૦૦૯, પૃ. ૧૦૨ થી ૧૦૪)
“હાર્ડવેર એ બંનેના દુશ્મનને શોધેલું વચન છે. જયારે હિન્દુ મુસલમાન મુસલમાન લડતા ત્યારે તેવી વાતો પણ કરતા. લડતા તો ક્યારના બંધ થઈ ગયા છીએ. પછી હાર્ડવેર શાના ? વળી એટલું યાદ રાખજો કે અંગ્રેજો આવ્યા પછી આપણે લડતા બંધ થયા છીએ એવું કંઈ નથી. હિન્દુઓ મુસલમાન રાજાઓની નીચે અને મુસલમાનો હિંદુ રાજાઓની નીચે રહેતા આવ્યા છે. બંને જણને પાછળથી માલૂમ પડ્યું કે લડાઈ કરવાથી કોઈ ફાયદો નથી. લડાઈથી એકબીજા પોતાનો ધર્મ નહીં છોડે, તેમ એકબીજા પોતાની હઠ પણ નહીં. તેથી બનેએ સંપીને રહેવાનો ઠરાવ કર્યો. કજિયા તો પાછા અંગ્રેજે શરુ કરાવ્યા. મિયાં અને મહાદેવ ને બંને નહીં એ કહેવત પણ ઉપર પ્રમાણે સમજવી. કેટલીક કહેવતો રહી જાય છે તે નુકશાન કર્યા જ કરે છે. આપણે કહેવતની ધૂન માં એટલું પણ યાદ નથી કરતા કે ઘણા હિંદુ તથા મુસલમાનના બાપદાદા એક જ હતા. આપણામાં એક લોહી છે. શું ધર્મ બદલાવ્યો એટલે દુશ્મન થઈ ગયા ? શું બંનેનો ખુદા જુદો છે ? ધર્મ તો એક જ જગ્યાએ પહોંચવાના જુદા જુદા રસ્તા છે. આપણે બંને નોખા માર્ગ લઇએ તેમાં થયું શું ? તેમાં દુઃખ શું ? વળી એવી કહેવતો શૈવો વૈષ્ણવોમાં પણ રહેલી છે. તેથી કોઈ એમ નહીં કે કે તેઓ એક પ્રજા નથી. વેદ ધર્મી અને જૈન વચ્ચે તફાવત મનાય છે, છતાં તેથી તે બે જુદી પ્રજા નથી થતા. આપણે ગુલામ બની ગયા છીએ તેથી જ આપણા કજિયા ત્રીજે ઠેકાણે લઈ જઈએ છીએ જે મુસલમાન મૂર્તિ નું ખંડન કરનાર છે તેમ હિન્દુઓ પણ એવી શાખા જોવામાં આવે છે. જેમ જેમ ખરું જ્ઞાન વધતું જશે તેમ તેમ આપણે સમજીશું કે, આપણને પસંદ ન પડે એવો ધર્મ સામેનો માણસ પાળતો હોય તો પણ તેની સામે વેરભાવ ન રાખવો ઘટે, આપણે તેની સામે જબરજસ્તી ન કરીએ.” (હિંદ સ્વરાજ, ૨૦૦૯, પૃ. ૧૦૫ થી ૧૦૭)