Sunday, June 23, 2019

ઔરંગઝેબની મંદિર મસ્જિત નીતિ : ડૉ. મહેબૂબ દેસાઈ




ઔરંગઝેબની ધાર્મિક નીતિ અંગે ઘણું કહેવાયું છે, લખાયું છે. આપણા રાષ્ટ્રીય ઇતિહાસકાર સર જદુનાથ સરકારે તો ઔરંગઝેબ પર પાંચ ગ્રંથો  લખ્યા છે. એ પછી આધુનિક ઈતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ પણ એક પુસ્તક લખ્યું છે, જેનુ નામ “ભારતીય સંસ્કૃતિ અને મુઘલ સામ્રાજય” છે. પ્રોફે. બી.એન.પાંડે ઓરિસ્સાના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજ્યસભાના સભ્ય હતા. અલહાબાદ નગરપાલિકાના ચેરમેન રહી ચુકેલા ઇતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ પોતાના ઉપરોક્ત ગ્રંથમાં ઔરંગઝેબની ધાર્મિક નીતિને ઉજાગર કરતા અનેક નવાઈ પમાડે તેવા દ્રષ્ટાંતો આપ્યા છે. જેમાના કેટલાક દ્રષ્ટાંતોની અત્રે વાત કરવી છે. સૌ પ્રથમ ઔરંગઝેબે બનારસનું વિશ્વનાથ મંદિર તોડ્યાના કિસ્સાની વાત કરતા પ્રોફે. બી. કે. પાંડે લખે છે,
“જયારે ઔરંગઝેબ તેના કાફલા સાથે બંગાળ જઈ રહ્યો હતો, ત્યારે તેનો કાફલો બનારસ પાસેથી પસાર થયો. તેના કાફલામાં અનેક હિંદુ રાજાઓ અને તેમની મહારાણીઓ હતી. હિંદુ રાજાઓએ ઔરંગઝેબને નિવેદન કર્યું કે કાફલાને એક દિવસ માટે બનારસથી થોડે દૂર રોકવો. જેથી તેમની રાણીઓ બનારસ જઈ ગંગા સ્નાન કરી વિશ્વનાથજીના દર્શન કરી શ્રધ્ધા સુમન અર્પણ કરી શકે. ઔરંગઝેબે રાજાઓના એ સૂચનનો સ્વીકાર કર્યો. અને કાફલાના પડાવથી પાંચ માઈલના માર્ગ પર લશ્કરનો કડક પહેરો ગોઠવી દીધો. જેથી રાણીઓ પાલખીઓમાં સુરક્ષિત ગંગા સ્નાન અને વિશ્વનાથજીના દર્શન કરવા જઈ શકે. મોટાભાગની રાણીઓ ગંગા સ્નાન અને દર્શન કરી પરત આવી ગઈ. પણ કચ્છની એક મહારાણી પરત ન આવી. ઔરંગઝેબને તેની જાણ થતા, એ ગુસ્સે થયો. અને તેણે પોતાના લશ્કરના ઉચ્ચ અધિકારીઓને તેની સત્વરે તપાસ કરવા આદેશ આપ્યો. ઘણી શોધખોળ પછી ગણેશજીની મૂર્તિની નીચે એક ભોયરું મળી આવ્યું. તેમાં કચ્છની એ મહારાણી બેહાલ સ્થિતિમાં મળી આવી. તેના ઘરેણા અને ઈજ્જત લુંટાઈ ગયા હતા. હિંદુ રાજાઓ આ ઘટનાથી ઘણા ક્રોધિત થયા. મંદિર અર્થાત ઈશ્વરના ઘરમાં થયેલ આવા અપકૃત્યને તેઓ સાંખી લેવા તૈયાર ન હતા. તેમણે ઔરંગઝેબને ઇન્સાફ કરવા કહ્યું. આ અત્યંત ધ્રુણાસ્પદ અપરાધ હતો. એટલે સૌ પ્રથમ ઔરંગઝેબે વિશ્વનાથજીની મૂર્તિ મંદિરમાંથી ખસેડી તેની સુરક્ષિત સ્થાન પર સ્થાપના કરાવી અને પછી એ મંદિર અને તેનું ભોયરું તોડાવી નંખાવ્યા.”
આ ઘટનાનો ઉલ્લેખ ડૉ. પાંડે સિવાઈ ડૉ. પટ્ટાભિ સીતામૈયાએ પણ તેમાંના પુસ્તક “ઘી ફેધર એન્ડ ધી સ્ટોન” નામના પુસ્તકમાં પૃષ્ઠ ૧૭૭-૧૭૮ પર “ઔરંગઝેબ અને બનારસ ટેમ્પલ” મથાળા નીચે કરેલ છે.
આ ઉપરાંત પટના મ્યુઝીયમના પૂર્વ ક્યુરેટર ડૉ. પી. એલ. ગુપ્તાએ પણ તેની પુષ્ટિ કરી છે.
આવી જ એક બીજી ઘટના પણ ઔરંગઝેબના નામે બોલે છે. જેમાં તેણે ગોલકુંડાની મસ્જિત તોડી નંખાવી હતી. એ ઘટના અંગે ડૉ પાંડે લખે છે,
“ગોલકુંડાના રાજા તાનાશાહી શાસન ચલાવતા હતા. અને તે તાનાશાહ તરીકે જ પસિદ્ધ હતા. તેઓ રાજ્યનો ટેક્સ વસૂલ કરી દિલ્હી દરબારમાં જમા કરાવતા ન હતા. વર્ષોના ભેગા કરેલા એ કરોડો  રૂપિયા તેમણે એક જગ્યાએ જમીનમાં દાટી તેની ઉપર સુંદર મસ્જિત બનાવી નાખી હતી. જેથી એ નાણા કોઈના હાથ ન લાગે અને સુરક્ષિત રહે. ઔરંગઝેબને તેની જાણ થઇ. તેણે આદેશ આપ્યો કે મસ્જિતને તોડી નાખો અને તેની નીચે છુપાડેલ ખજાનો સરકારી તિજોરીમાં જમા કરાવી દો.”
આ બંને  દ્રષ્ટાંતો ઔરંગઝેબની ધાર્મિક અને ન્યાય પ્રિય નીતિને અભિવ્યક્ત કરે છે. જો કે આવા અન્ય દ્રષ્ટાંતો પણ ડૉ. પાંડેએ તેમના પુસ્તકમાં ટાંક્યા છે. તેઓ લખે છે,
“જયારે હૂં અલાહાબાદ નગરપાલિકાનો ચેરમેન (૧૯૪૮ થી ૧૯૫૩) હતો, ત્યારે મારી સામે એક સમસ્યા આવી હતી. એ ઘટના સોમેશ્વર નાથ મહાદેવ મંદિરની સંપતિ સબંધિત હતી. મંદિરના મહંતના મૃત્યું પછી  તેની સંપતિના બે દાવેદારો ઉભા થયા હતા. એક દાવેદારે પોતાના વારસાગત દસ્તાવેજો રજુ કર્યા. એ દસ્તાવેજોમાં ઔરંગઝેબના ફરમાનો પણ હતા. જેમાં ઔરંગઝેબે આ મંદિરના નિભાવ માટે આપેલ જાગીર અને નકદ અનુદાનનો પણ ઉલ્લેખ હતો. મને લાગ્યું કે ઔરંગઝેબના આ ફરમાન ખોટા હશે. મને નવાઈ પણ લાગી કે ઔરંગઝેબ જેવો ધર્માંધ બાદશાહ મંદિરને જાગીર કેવી રીતે આપી શકે ?
એટલે કોઈ નિર્ણય લેતા પહેલા મેં ડૉ. સર તેજ બહાદુર સપ્રુનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું. તેઓ અરબી અને ફારસીના જાણકાર હતા. મેં તેમને દસ્તાવેજો અભ્યાસ અર્થે આપ્યા. તેમણે દસ્તાવેજોનો અભ્યાસ કરી જણાવ્યું કે તમામ દસ્તાવેજો અસલી અને વાસ્તવિક છે. એ પછી તેમણે પોતાના મુનશીને બોલાવી બનારસની જંગમવાડી શિવ મંદિરની ફાઈલ લાવવા કહ્યું. એ મુકદમો છેલ્લા ૧૫ વર્ષથી અલહાબાદ હાઇકોર્ટમા ચાલી રહ્યો હતો. જંગમવાડી મંદિરના મહંત પાસે ઔરંગઝેબના કેટલાય ફરમાનો હતા. જેમાં મંદિરના નિભાવ માટે જાગીરો આપવામાં આવી હતી. આ દસ્તાવેજોએ ઔરંગઝેબનું એક નવું જ ચિત્ર મારી સમક્ષ ઉભું કર્યું. એ પછી તો મેં ડૉ. સપ્રુની સલાહ મુજબ ભારતના ભિન્ન મંદિરોને પત્ર લખી તેમને વિનતી કરીકે તેમની પાસે ઔરંગઝેબના કોઈ ફરમાનો હોય તો તેની નકલ મને મોકલે, જેમાં તેણે મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરો અને નકદ નાણાનો ઉલ્લેખ હોય. અને જોત જોતામાં મારી સામે એવા અનેક દસ્તાવેજો આવ્યા જેમાં ઔરંગઝેબે મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરોનો ઉલ્લેખ હતો. એવા કેટલાક મંદિરોમા ઉજ્જેનનું મહાકાલેશ્વર મંદિર, ચિત્રકૂટનું બાલાજી મંદિર, ગોહાટીનું ઉમાનંદ મંદિર, શત્રુંજ્યના જૈન મંદિરોના દસ્તાવેજો મળી આવ્યા. આ ઉપરાંત ઉત્તર ભારતના અનેક પ્રમુખ મંદિરો અને ગુરુદ્વારોને ઔરંગઝેબ દ્વારા આપવામાં આવતી નિભાવ માટેની જાગીરોના દસ્તાવેજો પણ મળી આવ્યા. આ તમામ ફરમાનો ઇ.સ. ૧૬૫૯ થી ૧૬૮૫ દરમિયાનના હતા. આ દસ્તાવેજો દ્વારા એ જરૂર સિદ્ધ થાય છે કે ઔરંગઝેબ અંગે ઈતિહાસકારોએ આલેખેલ ઈતિહાસ પક્ષપાત પર આધારિત છે. મને વિશ્વાસ છે કે જો યોગ્ય રીતે સંશોધન કરવામાં આવે તો ઔરંગઝેબના જીવનનું એક નવું પાસું ઇતિહાસમાં ઉજાગર થઈ શકે. મને કહેતા આનંદ થાય છે કે આ વિષય પર જ્ઞાનચંદ અને પટના મ્યુઝીયમના ભૂતપૂર્વ ક્યુરેટર ડૉ. પી.એલ.ગુપ્તા પણ સઘન સંશોધન કરી રહ્યા હતા.”