Tuesday, July 31, 2018

૬૫ વર્ષના જીવનનું સરવૈયું : ડૉ. મહેબૂબ દેસાઈ



આજકાલ સફળ ફીલ્મોની રીમેઈકનો જમાનો છે. ફિલ્મની રીમેઈક સમયે મૂળ કથામા સમયને અનુરૂપ પરિવર્તન કરવામાં આવે છે. અથવા તેના ઉત્તમ દ્રશ્યો કે પ્રસંગોનું પુનરાવર્તન કરવામાં આવે છે. એ જ રીતે સફળ જીવનની રીમેઈક બનાવવી હોય તો પણ મૂળ કથામા પરિવર્તન કરવું પડે. અથવા મૂળ કથાની અવિસ્મરણીય પળોને પુનઃ જીવંત કરવી પડે. આ જ વાત ઇતિહાસની પરિભાષામાં પણ કહી શકાય. ઇતિહાસ અભ્યાસના અનેક હેતુઓમાંનો એક હેતુ એ છે કે "ભૂતકાળની ભૂલોનું પુનરાવર્ત ન કરવા માટે ઇતિહાસનું શિક્ષણ જરૂરી છે" એ દ્રષ્ટિએ મારી જિંદગીના ૬૫ વર્ષ મને પુનઃ જીવવા મળે તો મારી ભૂલોનું  પુનરાવર્તન ન કરું અને જીવનની અવિસ્મરણીય પળોને પુનઃ મન ભરીને માણું. એ વિચાર આ લેખના કેન્દ્રમાં છે.

મને ગત જાન્યુઆરી ૨૦૧૮મા ૬૫ પૂર્ણ (જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૩) થયા. ૬૫ વર્ષની મારી જીવનયાત્રા ખુદાની રહેમતથી અત્યંત સુખરૂપ રહી છે. ભાવનગર મુકામે ૨૮ નવેમ્બર ૨૦૧૨ના રોજ ઉજવાયેલ મારી ષષ્ઠી પૂર્તિ નિમિત્તે મને એક પત્રકાર મિત્રએ પૂછ્યું હતું,
"તમારી સફળતા માટે કોને યશ આપશો?"
મે કહ્યું હતું,
"અલ્લાહની અપાર રહેમત(કૃપા) ને"
આ રહેમત મને ફરી એકવાર ૬૫ વર્ષ જીવવાની તક આપે તો કદાચ ખુદાની રહેમતને હું વધુ સારી રીતે જીવનના ઉદેશોને સાકાર કરવામાં અમલી બનાવી શકું.
૬૫ વર્ષનો મારો જીવન કાળ સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા અને ઉત્સાહ-હતાશાથી ભરપુર છે. અનેક ભૂલો અને ઉણપોનું ભાથું છે. એ ઉણપો અને ભૂલોમાંથી  હું ખુબ શીખ્યો છું. અને જીવનમાં પરિવર્તન કરતો રહ્યો છું. શાયર અકબરઅલી જસદણવાળાના પેલા શેર મુજબ
"મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું
 પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું" 
પણ જો હું મારી ઉણપો અને ભૂલોમાંથી સંપૂર્ણ ઉગરી શક્યો હોત, તો કદાચ ખુદા કે ઈશ્વરની કૃપાથી આજે જ્યાં છું, તેનાથી ઘણો આગળ હોત. જો કે કોઈ પણ માનવ માટે એ શક્ય નથી.
સૌ પ્રથમ મારે મારી ખુદા-ઈશ્વર પ્રત્યેની આસ્થાની વાત કરવી છે. યુવાવયમા દરેક યુવાનમા અતિ આત્મ આત્મવિશ્વાસ હોય છે. મારામા પણ હતો. મને બરાબર યાદ છે, મારી યુવાનીમાં મને મારી પત્ની સાબેરા કહેતી,
"ખુદા-ઈશ્વરને કયારેક યાદ કરી લો"
ત્યારે હું ગર્વથી તેને કહેતો
"પરિશ્રમ નો કોઈ જ વિકલ્પ નથી. ખુદા ને યાદ કરવા કરતા હું વધુ પરિશ્રમ કરવાનું પસંદ કરીશ"
એ સમયે મને ખબર ન હતી કે પરિશ્રમ સાથે ખુદા-ઈશ્વરની રહેમત અર્થાત કૃપા  માનવી માટે અનિવાર્ય છે. આ વાત મને ત્યારે સમજાય જયારે એક દિવસ મારી કોલેજના વિદ્વાન આચાર્યએ એકાએક કશું કારણ દર્શાવ્યા વગર મને નોકરીમાંથી મુક્ત કરી દીધો. મારી નિષ્ઠા, લાયકાત અને પરિશ્રમ કશું કામ ન આવ્યું. અને શરૂ થઇ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઇન્સાફની જંગ. ઇન્સાફ માટે મારે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપવી પડી. લગભગ દોઢેક વર્ષના એ સંઘર્ષ પછી મને વિજય મળ્યો. એ કાનૂની લડત સમયે મારી સાથે માત્ર મારો ખુદા અને મારી પત્ની સાબેરા જ હતા. પણ એ લડતમાંથી હું ઘણું શીખ્યો.
૧. સૌ પ્રથમવાર મને ખુદા-ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ થયો.
૨. લડત દરમિયાન પણ દુશ્મન સાથે મીઠા સબંધો રાખવાની નિખાલસતા હું શીખ્યો.  
૩. અને સૌથી મોટી બાબત પોતાની જાત ને શ્રેષ્ટ સિદ્ધ કરવાનું ગજબનું ઝનુન એ સંઘર્ષમાથી મને મળ્યું.
આજે મને મળેલ સિદ્ધિઓમાં એ ઝનુનનો ફાળો મોટો છે. આજે મારા સંઘર્ષના એ દિવસોને પાછું વાળીને જોવું છું ત્યારે મને લાગે છે, જો કદાચ મને મારા વિદ્વાન આચાર્યએ વિના કારણે નોકરીમાંથી મુક્ત કરવાનું અકૃત્ય ન કર્યું હોત, મારા પીએચ.ડી.ના ગાઈડ ડૉ. આર. જી. પરીખે મારું પીએચ.ડી.દસ વર્ષ સુધી ન અટકાવી રાખ્યું હોત, તો કદાચ હું આટલો ઘડાયો ન હોત. સંઘર્ષના એ દિવસોમાં મને હરિવંશ રાય બચ્ચનની એક કડી હંમેશા યાદ આવતી.
"મનકા હો તો અચ્છા
 ન હો તો જ્યાદા અચ્છા"
જીવનમા વ્યસ્તતા કોઈ પણ કાર્યરત વ્યક્તિ માટે સ્વાભાવિક છે. મે મારા જીવનમાં વ્યસ્તતા અનુભવી છે. જોઈ છે. અને તેમાંથી પસાર પણ થયો છું. અત્યારે પણ મારી વ્યસ્તતા મારા માટે કયારેક સમસ્યા બની રહે છે. પ્રારંભના વર્ષોની વ્યસ્તતામા મે શું ગુમાવ્યું તેનો મને એ સમયે અહેસાસ ન હતો. પણ પછી મને એ વાત સમજાય કે ગમે તેટલી વ્યસ્તતામા પણ કુટુંબ માટે સમય કાઢવો જરૂરી છે. કારણ કે એ જીવનનું અમુલ્ય ભાથું  છે. એ પછી મે હંમેશા મારા નાનકડા કુટુંબ હું, પત્ની સાબેરા, પુત્ર ઝાહિદ અને પુત્રી કરિશ્માના અભ્યાસ કે મનોરંજન માટે ગમે તેમ કરીને પણ સમય કાઢવાનું શરુ કર્યું. મારા પુત્રના અભ્યાસ પાછળ, તેના વિદેશગનમની તૈયારી પાછળ મે પુરતો સમય આપ્યો છે. મને યાદ છે, મારી પુત્રી કરિશ્મા ફિલ્મ જોવાની જબરજસ્ત શોખીન. નવી ફિલ્મ દર શુક્રવારે રીલીઝ થાય એટલે અચૂક તેની સાથે પ્રથમ દિવસે મારે સહ કુટુંબ ફિલ્મ જોવા જવું જ પડે. ઘણીવાર તો હું ફિલ્મમા સૂઈ જાઉં. પણ થિયેટરના અંધારામાં  કરિશ્મા અને સાબેરાના ચહેરા પરની ખુશી હું અનુભવી શકતો. તેમની એ ખુશી મને બીજા દિવસે વધુ ઉત્સાહથી કાર્ય કરવાની શક્તિ અર્પતા. પ્રારંભના એ વર્ષો મને પાછા મળે તો હું વીતી ગયેલી એ પળો પુનઃ મારા નાનકડા કુટુંબ સાથે જીવવાનું પસંદ કરીશ. કારણ કે એ પળો જીવનનું અમુલ્ય ભાથું છે. આજે ઝાહિદ તેના કુટુંબ સાથે હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)મા વસ્યો છે અને કરિશ્મા પરણીને તેની નવી દુનિયામાં વ્યસ્ત ગઈ થઇ  છે, ત્યારે તેમની સાથે વિતાવેલી એક એક ક્ષણ મને યાદ આવે છે. અને ત્યારે મને બહાદુર શાહ "ઝફર"નો પેલો શેર યાદ આવી જાય છે,

"ઉમ્રે દરાઝ માંગ કર લાયે થે ચાર દિન
 દો આરઝુ મે કટ ગયે, દો ઇન્તઝાર મે
 કિતના બદનસીબ થા ઝફર દફન કે લીયે
 દો ગઝ ઝમી ભી ન મીલી કુયેયાર મે"

જીવનમાં એક વસવસો આજે પણ મને સતાવે છે. અને એ છે મારા માતા પિતા સાથેના મારા સબંધો. અલબત્ત મારા માતા પિતા મને બહુ પ્રેમ કરતા. ચાર બહેનોં વચ્ચે હું એક જ ભાઈ હતો. અર્થાત મારા માતા પિતાનો એક માત્ર પુત્ર. એટલે બંનેનો અપાર પ્રેમ મને મળ્યો છે. હું પણ એમને ખુબ પ્રેમ કરતો. પણ એ પ્રેમને અભિવ્યક્ત કરવાની સમજનો મારામાં એ સમયે અભાવ હતો. મારી મમ્મી મારા પીએચ.ડી અર્થે મારી સાથે અડીખમ ઉભા રહ્યા હતા. અને મારું પીએચ.ડી. તેમણે જ પુરુ કરાવ્યું હતું. મારી નાની મોટી જરૂરિયાત માટે મારા પિતાજી સાથે મારા માટે લડ્યા હતા. મારી પ્રથમ વિદેશ યાત્રા બેંગકોકમા પતાયા શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી અર્થે યોજાય હતી. એ યાત્રામા જતી વખતે મારા પિતાજીએ મને મુઠ્ઠીમા નોટો વાળીને થોડા રૂપિયા આપેલા હતા. એ ક્ષણ આજે પણ મને યાદ છે. પણ ત્યારે મને તે નોટોનું મુલ્ય સમજાયું ન હતું. થોડા વર્ષો પછી મને એ ઘટનાનું મુલ્ય સમજાયું. અને તેના પરિપાક રૂપે મે મારા માતાપિતાના નિકાહના પચ્ચાસ વર્ષની ઉજવણી ભવ્ય રીતે ધામધુમથી કરી. લગભગ ૩૫૦ માણસોનો ભોજન સમારંભ કર્યો. એ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા સાક્ષર મા. યશવંત શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ દિવસે મારા મમ્મી અને ડેડીના ચહેરા પરની ખુશી આજે પણ મને આશીર્વાદ (દુવા) આપતી ભાસે છે. ખુદા મારા ડેડી અને મમ્મીની સાથે પુનઃ જીવવાની તક મને આપે તો હું ન વ્યક્ત કરી શકેલ મારો બધો પ્રેમ તેમના પર મન મુકીને વરસાવવા તત્પર છું.

અને છલ્લે, ૬૫ વર્ષના જીવનમાંથી અડધાથી વધુ વર્ષો શિક્ષણના ક્ષેત્રમાં વિતાવ્યા છે. જો ખુદા પુનઃ ૬૫ વર્ષ જીવવાની તક આપે તો હું ફરીવાર શિક્ષક-અધ્યાપક જ થવાનું પસંદ કરીશ. જે મહાન ગુરુઓ અને વિદ્યાર્થીઓ સુધી હું નથી પહોંચી શક્યો તેમના સુધી પહોચી જ્ઞાન મેળવવાનો અને આપવાનો અધૂરી રહી ગયેલો યજ્ઞ હું પૂરો કરવાનું પસંદ કરીશ. આવી તો ૬૨ વર્ષના જીવનની અનેક પળો કે અધૂરી ઇચ્છાઓ છે. જેમાથી જીવનનો ધબકતો અર્ક પળે પળે નીતરે  છે. પણ તેને યુવાન મિત્રો હિદાયત (ઉપદેશ) કે મારો ખોખલો આદર્શ માનવાની ભૂલ ન કરે. આ તો અનુભવના એક બે છાંટણા છે. તેના એક બુંદનું આચમન થાય તો કરજો, અન્યથા હું તો એમ માનું છું કે માનવીની વિદાય સાથે તેની ઈચ્છાઓ અને યાદો પણ ઓજસ પાલનપુરીના પેલા શેર જેમ હંમેશા વિસરાઈ જાય છે.

 "મારા ગયા પછી મારી યાદ એ રીતે વિસરાઈ ગઈ
 આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ"

અસ્તુ.




Monday, July 2, 2018

સૂફી લતીફ શાહની રહસ્યમય રચનાઓ : ડૉ.મહેબૂબ દેસાઈ


સિંધના સૂફી સંત લતીફ શાહ (૧૬૮૯-૧૭૫૨) તેમની આધ્યત્મિક રહસ્યવાદી રચનાઓ માટે જાણીતા છે. આજે રહસ્યવાદી કવિઓમા શિરમોર સમા લતીફ શાહની કેટલીક અદભૂદ રચનાઓની વાત કરવી છે.
 “તમારા હદયપ્રદેશમાં
 ‘અલીફ’ (અલ્લાહ)નો ખેલ ચાલતો રહે
 તેથી તમે તમારી કોરી વિદ્વતાની
 અર્થવિહીનતા મિથ્થ્યાભિમાનનું ભાન થશે
 તમને એ ચોક્કસ સમજાશે કે
 જીવન પ્રત્યે પવિત્ર દ્રષ્ટિથી જોવા માટે
 એક માત્ર અલ્લાહનું નામ પર્યાપ્ત છે.
 જેમના હદયમાં તીવ્ર ઈચ્છા છે
 તેઓ એ જ (જીવન) પૃષ્ઠ વાંચશે
 જેના પર તેમને પ્રિયતમાના દીદાર થશે”
દરેક મઝહબમા ઉપવાસ અને પ્રાર્થનાનું મહત્વ છે. એ અંગે લતીફ શાહ લખે છે,
“ઉપવાસ અને પ્રાર્થનાઓ ! ચોક્કસપણે
 તેઓ પોતાનું મહત્વ ધરાવે છે જ ;
 તેમ છતાં પ્રિયતમાના દીદાર કરવા માટે
 એક બીજી પણ રોશની છે
 એ રોશની એટલે પ્રેમભાવની રોશની”
 એક ગોવાલણે બીજીને કહ્યું,
“હૂં તો મારા પ્રેમીને ઘણીવાર મળી, તું તારા પ્રેમીને કેટલીવાર મળી ?”
બીજીએ ઉત્તર આપ્યો,
“પોતાના પ્રેમીને કેટલીવાર મળવાનું થયું તેનો હિસાબ શા માટે રાખવો જોઈએ ?”
અને શાહ લતીફના હદયમાંથી શબ્દો ફૂટી પડ્યા,
“એમના દેહ છે જપમાળા,
 મન છે એમના મણકા,
 એમના હદય છે વીણા
 તું હી તું તું હી તુંનું અંતર્ગાન
 એવા (મહાત્માઓ) કે જેની નિંદ્રા પણ પ્રાર્થના બની છે
 તેઓ ઊંઘમા પણ જાગૃતિમા હોય છે”
એક વખત તેઓ રસ્તાની બાજુમાં બેઠા હતા. થોડા યાત્રિકો મક્કા તરફ જતા હતા. એ વખતે એમના હદયમાં પણ તેમની સાથે મક્કા જવાની ઈચ્છા થઈ. એ જ વખતે એમણે તરસ્યા ઘેટા બકરાનું ટોળું જોયું. એ ટોળાએ બાજુના ઝરણાના સ્વચ્છ, પારદર્શક પાણીમાં પ્યાસ બુઝાવી અને પાણી પી લીધા પછી જેણે સંતોષ આપ્યો હતો તે ઝરણા સામે આભારનો દ્રષ્ટિપાત કર્યા વિના જ એ ટોળું ચાલવા લાગ્યું. ત્યારે શાહ પોકારી ઉઠ્યા,
“કદાચ આ જન્મ હું તને શોધ્યા કરીશ, શોધ્યા જ કરીશ
 પરંતુ કદાચ હું તને કદીએ ન મળું.”
રાજ્યના શાહી કુટુંબની પુત્રી બીમાર પડી. લતીફ શાહ પિતાની આજ્ઞા મુજબ તેની સારવાર માટે ગયા અને તેના પ્રેમમાં પડી ગયા. રાજકુમારીના પિતાએ તે પ્રેમનો ઇનકાર કર્યો. અને લતીફ શાહનું મન ભાંગી ગયું. તેઓ વર્ષો સુધી જંગલ જંગલ ભટકતા રહ્યા. અને સતત વિસ્મયમા ડૂબતા ગયા. એ જ વિસ્મય અવસ્થામાં તેઓ પોકારી ઉઠ્યા,
“કમળના મૂળ તો તળિયામાં પથરાયેલા હોય છે
 અને મધમાખી તો નીવાસીની છે આકશની –
 (તેમ છતાં) ધન્ય છે એ પ્રેમ જે એ બંનેને જોડી દે છે
 ગહરાઈની ગહનતામાં હંસ વસવાટ કરે છે
 જો તું એ ઊંડાણ પર એક વખત
 પ્રેમભરી દ્રષ્ટિ કરીને હંસને નિહાળશે
 તો તું કયારેય પછી બીજા પક્ષીઓ
 જોડે નહિ જ રહી શકે.”
ગુરુનું વર્ણન કરતા લતીફ શાહ કહે છે,
“યોગી આનંદની પરાકાષ્ટા (સમાધિ)માંથી બહાર આવ્યા
 ગુરુ પૂર્ણ ચંદ્રના તેજે જાણે વીંટળાયેલા હતા.
 એમની સુગંધે પૃથ્વીના કણે કણને ભરી દીધા
 એમનો ચહેરો જાણે ઉગતા સૂર્ય સમાન હતો
 એમના મસ્તક પરની પાધ જાણે વાદળામાં
 વીજળી ચમકે તેમ ચમકતી હતી
 તેઓ મને એ નિવાસે દોરી ગયા જ્યાં
 સૌંદર્યને ઝંખતા હદયો પર પ્રકાશની વર્ષા થાય છે.”
લતીફ તેમના ગીતોમાં માનવીય અને ઈશ્વરી પ્રેમના ગુણગાન કરે છે. તેઓ માને છે કે ઈશ્વરીય પ્રેમ પામવા માટે માનવીય પ્રેમ પગથીયા રૂપ બને છે. તેમણે આવા રહસ્યમય ગીતો જ નથી લખ્યા, પણ તેમની કવિતાઓ પણ ભારે ઉપદેશક છે. તેઓ લખે છે,
“શું તું પોતાની જાત ને પતંગિયું કહે છે !
 તો પછી આગને જોઇને પીઠ ન ફેરવતો ;
 પૂછ પરવાનાને, જલી જવું એટલે શું,
 આ આગે ઘણાને ભસ્મી ભૂત કર્યા છે
 આ આગમાં હોમી દે પોતાની જાત ને
 આનંદો ! આનંદો તમે !
 આનંદ સમાધી તો દેખતાને થાય
 આંધળાને આનંદસમાધિ વળી કેવી ?
 તેઓએ આનંદ ખરીદી લીધો છે
 અને તેને તેઓ હંમેશા પોતાની સાથે રાખે છે
 આ સ્થિતિ શબ્દની પેલે પારની છે
 તેઓની નજર જો પોતાના શત્રુ પર પડે છે
 તો તેઓ તેનામાં પણ પ્રિયતમના દર્શન કરે છે.”

આવા રહસ્યમય ગીતો અને કાવ્યોના સર્જક જ વિચારોમાં ચમત્કાર સર્જે  છે. કારણ કે રહસ્યવાદી કવિઓ દિવ્ય બજવૈયાના હોઠ વચ્ચેની વાંસળી જેવા છે.