થોડા દિવસ પહેલા મારા એક વિદ્યાર્થી કોમેલ રાજાણીએ
મને પૂ. મોરારીબાપુનો એક વિડીઓ વોટ્સઅપ પર મોકલ્યો. સાથે લખ્યું હતું, “બાપુએ
વ્યાખ્યાનમા આપને યાદ કર્યા છે” એ
વિડીઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામા આવેલ ફીફાદ ગામમાં સૂફીસંત હઝરત સૈયદ
જંતરશાહ બાબાના ઉર્સના કાર્યક્રમનો હતો. આ વર્ષે સૂફીસંત હઝરત સૈયદ જંતરશાહ બાબાના
ઉર્ષની ઉજવણીમા મુખ્ય મહેમાન તરીકે પૂ. મોરારીબાપુને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમા પૂ. મુરારીબાપુએ આપેલ વ્યાખ્યાનમાં
લગભગ આઠેક વર્ષ પૂર્વે મારી અને તેમની સાથે તલગાજરડાના ચિત્રકૂટ આશ્રમમાં ઘટેલી ઘટનાને
તેમણે યાદ કરી હતી.
૨૦૧૦મા હું અને મારી પત્ની સાબેરા બીજીવાર
હજયાત્રાએ ગયા હતા. હજયાત્રા પછી યુનિવર્સીટીના એક કાર્યક્રમ અંગે મેં પૂ.
મોરારીબાપુને એક પત્ર પાઠવ્યો. જેમાં લખ્યું હતું,
“હજયાત્રાએથી પરત આવ્યા પછી પ્રથમ પત્ર આપને પાઠવી
રહ્યો છું. હજયાત્રાની પ્રસાદી ઝમઝમનું જળ,ખજુર અને અત્તર આપને રૂબરૂ આપવા આવવાની
ઈચ્છા છે.”
પત્ર બાપુને મળ્યો કે તુરત બાપુનો ફોન આવ્યો,
“મહેબૂબ સાહબ, હજયાત્રાએથી
આવી ગયા તે જાણ્યું. ઈશ્વર આપની હજ કબુલ ફરમાવે”
આ વાતને લગભગ દસેક દિવસ થઈ ગયા. ભાવનગર વિશ્વ
વિદ્યાલયના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના એક કાર્યક્રમ માટે મારે બાપુને રૂબરૂ
મળવા જવાનું નક્કી થયું. અને બાપુને રૂબરૂમાં ઝમઝમનું જળ, આજવા ખજુર અને અત્તર આપવાની
મારી ઈચ્છા વધુ પ્રબળ બની.
તા. ૩ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે હું
જયારે તલગાજરડા(મહુવા)મા આવેલ બાપુના ચિત્રકૂટ આશ્રમમાં પહોંચ્યો, ત્યારે
બાપુ એક સૌ જેટલા ભક્તોથી ઘેરાયેલા હતા. આટલી મોટી બેઠકમાં બાપુને કેમ મળવું,
તેની મીઠી મુંઝવણ હું અનુભવી રહ્યો હતો. અંતે હિંમત કરી મારી પાસે
ઉભેલા એક સ્વયંમ સેવકને મેં મારી ઓળખાણ આપી અને મારા આગમનનો ઉદેશ કહ્યો. એ ભાઈએ
મને કહ્યું,
“તમેં બાપુ ને મળી લો. બપોરે ૧૨ થી ૧ બાપુ બધાને
મળે છે” પણ આટલા બધા ભક્તોની વચ્ચે બાપુને મળતા મારા પગો
સંકોચ અનુભવી રહ્યા હતાં. છતાં હિમત કરી મેં કદમો માંડ્યા. બાપુ હિંચકા પર બેઠા
હતા.જયારે ભક્તજનો નીચે બેઠા હતાં. મેં હિંચકા તરફ ચાલવા માંડ્યું. એ સમયે બાપુનું
ધ્યાન ભક્તો સાથેના વાર્તાલાપમાં હતુ. એટલે હિંચકા પાસે જઈ મેં મારો પરિચય આપતા
કહ્યું,
“મારું નામ મહેબૂબ દેસાઈ છે. આપને મળવા ભાવનગરથી
આવ્યો છું.”
નામ સાંભળી બાપુએ મારા તરફ જોયું. અને તેમના
ચેહરા પર સ્મિત ફરી વળ્યું. મારા પર એક નજર નાખી તેઓ બોલ્યા,
“આવો આવો, મહેબૂબ સાહબ,
અરે કોઈ જરા ખુરસી લાવશો”
બાપુના આવા આદેશથી હું થોડો વધારે મૂંઝાયો. આટલા
બધા ભક્તો ભોય પર બેઠા હોઈ અને હું બાપુ સામે ખુરશી પર બેસું તે કેવું લાગે ?
પણ બાપુ સામે કઈ જ દલીલ કરવાની મારી માનસિક સ્થિતિ ન હતી. એટલે ખુરશી
આવતા મેં તેમાં ચુપચાપ સ્થાન લીધું. અને મારા થેલામાંથી ઝમઝમના જળની બોટલ, ખજૂરનું
બોક્સ અને અત્તરની શીશી કાઢી બાપુને આપતા કહ્યું,
“આપને મક્કાની આ પ્રસાદી રૂબરૂ આપવાની ઘણી ઈચ્છા
હતી”
બાપુએ પ્રથમ આજવા ખજૂરનું બોક્સ મારા હાથમાંથી
લીધું. અને હિચકા પર પોતાની બાજુમાં મુક્યું. પછી મેં ઝમઝમની બોટલ તેમના હાથમાં
મુક્તા કહ્યું,
“ઝમઝમનું જળ ઇસ્લામમાં અત્યંત પવિત્ર ગણાય છે. સો
તેનું આચમન કરે છે. આપ પણ તેનું આચમન કરી શકો છો”
મારી વાત સાંભળી ચહેરા પર સ્મિત પાથરી બાપુ
બોલ્યા,
“તમે જ મને તેનું આચમન કરાવો ને” અને
બાપુએ તેમના હાથની હથેળી મારી સામે ધરી.મેં બોટલ ખોલી બાપુના હાથમાં ઝમઝમનું પાણી
રેડ્યું. અને ગંગા જળ જેટલા જ શ્રધ્ધા ભાવથી બાપુએ ઝમઝમનું આચમન કર્યું. ત્યારે સો
ભક્તો બાપુની આ ચેષ્ઠાને જોઈ રહ્યા હતા. ઝમઝમના આચમન પછી ભક્તજનોને સંબોધતા બાપુ
બોલ્યા,
“મહેબૂબ સાહબ સાથે આજે મારી પણ હજ થઈ ગઈ” અને
ત્યારે ભક્તજનોએ બાપુના એ વિધાનને તાળીઓથી વધાવી લીધું. પણ બાપુ આટલેથી ન
અટક્યા.તેમણે મારી સામે જોઈ પોતાની ઈચ્છાને વ્યક્ત કરતા કહ્યું,
“મહેબૂબ સાહબ, માત્ર
ઝમઝમ પીશ નહિ. તમે એક કલાક રોકાય જાવ. હું આ ઝમઝમનો રોટલો બનાવડાવી આપની સામે
આરોગીશ. અને તેમણે તલગાજરડાના આશ્રમ સામેથી એક ભરવાડ બહેનને બોલાવ્યા અને તેમને
કહ્યું,
“આ
પવિત્ર જળ છે. તે તમે લઇ જાવ અને તેમાંથી રોટલો બનાવીને લાવો.”
એ બહેન ઝમઝમનું પાણી લઇ ગયા. અને થોડીવારે
તેમાંથી બાજરીનો રોટલો બનાવીને લાવ્યા. બાપુએ એ રોટલો મારી સામે આરોગ્યો.
અને પછી બોલ્યા,
“મહેબૂબ સાહબ,
મુઝ મે ભેદ નહી હૈ”
ત્યારે હું એ સંત ફકીરની સર્વધર્મ સમભાવની આચરણમાં
મુકાયેલ ક્રિયાને આંખોમાં ઊભરાયેલા પાણી સાથે તાકી રહ્યો. એ ઘટનાને બાપુએ આજે આઠ
વર્ષ પછી જાહેરમાં યાદ કરી મને ફરી એકવાર ભીજવી નાખ્યો છે.