૧૪ થી ૨૮ માર્ચ દરમિયાન હઝરત ખ્વાજ ગરીબ નવાઝના ૮૦૬મા
ઉર્સ મુબારકની અજમેરમાં ઉજવણીની થઈ. સૂફી સંતોના ઉર્ષની ઉજવણી તેમના જન્મ દિને નથી
થતી, પણ તેમની વફાત અર્થાત મૃત્યુ દિને કરવામાં આવે છે. કારણ કે સૂફી વિચારધારા
મુજબ જીવન એ બંધન છે, જયારે મૃત્યું એ મુક્તિ છે. એટલે સૂફી સંત ગરીબ નવાઝના
મુક્તિ અર્થાત મૃત્યું દિનની ઉજવણી ઉર્ષ રૂપે કરવામાં આવે છે.
સૂફી પરંપરાના ચિશ્તીયા સિલસિલાના પ્રસિદ્ધ સંત
ખ્વાજા મોયુદ્દીન ચિશ્તીથી ભાગ્યેજ વિશ્વનો કોઈ મુસ્લિમ અપરિચિત હશે. હઝરત ખ્વાજા મોયુદ્દીન
ચિસ્તી હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબના વંશજ છે. મહંમદ સાહેબના નવાસા હઝરત
ઈમામ હુસેન અને હઝરત ઈમામ હસન અનુક્રમે તેમના પિતા અને માતાના પરિવારના હતા.
ખ્વાજા સાહેબના પિતા ગ્યાસુદ્દીન અને માતા બીબી ઉમ્મુલ વીર ચૌદ વર્ષની વયે જ બાળક
મોયુદ્દીનને છોડી ખુદાની રહેમતમા પહોંચી ગયા હતા. ઈ.સ. ૧૧૪૨ (હિજરી સંવત ૫૩૭)ના
સંજર મુકામે ખુરસાન (ઈરાન) પ્રાંતમા જન્મેલ બાળક મોયુદ્દીનને ૧૧ વર્ષની ઉમરે
કુરાને શરીફ કંઠસ્થ હતું. વીસ વર્ષ સુધી તેમણે પોતાના ગુરુ ખ્વાજા ઉસ્માન હારુનની
સેવા કરી, અને અનેક ઓલોયાઓનું સાનિધ્ય માણ્યું. અને એ દ્વારા હઝરત ખ્વાજા મોયુદ્દીન
ચિસ્તીએ પોતાની આધ્યાત્મિક જ્ઞાનની ભૂખ સંતોષી. આ જ સમય દરમિયાન તેમણે બે વાર
મક્કા-મદીનાની હજ પણ કરી.
ઈ.સ. ૧૧૬૧મા જયારે તેઓ ભારતમાં પ્રવેશ્યા ત્યારે
મહંમદ ઘોરીની ફોજ પૃથ્વીરાજ ચૌહાણથી પરાજિત થઈ પાછી ફરી રહી હતી. ફોજના સરદારે આપને
સલાહ આપતા કહ્યું,
“અત્યારે
આપ હિન્દુસ્તાનમા ન જાવ. મુસ્લિમ ફોજોને કારમો પરાજય મળી રહયો છે.”
આપે શાંત સ્વરે ફરમાવ્યું,
“તમે
તલવારના ભરોસે હિંદમાં પ્રવેશ્યા હતા, હું ખુદાના ભરોસે હિંદમાં પ્રવેશી રહ્યો
છું.”
દિલ્હીમાં થોડા માસના રોકાણ પછી હઝરત ખ્વાજા મોયુદ્દીન
ચિસ્તી સાહેબ અજમેર આવ્યા. અજમેરમાં તેમની ખ્યાતી દિનદુની રાત ચોગુની વધતી ગઈ.
અનેક લોકો તેમના જ્ઞાન અને માનવીય વહેવારથી તેમના તરફ આકર્ષાયા. અનેક લોકોએ ઇસ્લામ
અંગીકાર કર્યો. તેમના આવા પ્રભાવને રોકવા રાજા પૃથ્વીરાજ ચૌહાણે જાદુગર અજયપાલ
જોગીને તેમની પાસે મોકલ્યા. જાદુગર અજયપાલ પોતાના જાદુથી ખ્વાજા સાહેબને નીચા
દેખાડવાના ઉદેશથી ખ્વાજા સાહેબ પાસે ગયા. પણ ખ્વાજા સાહેબના પ્રેમાળ વ્યવહાર અને
વર્તનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. અને તેમણે પૃથ્વીરાજ ચૌહાણને એટલું જ કહ્યું,
“ખ્વાજા
સાહેબ સાચા સંત છે, તેઓ મારા જેવા કોઈ જાદુગર નથી.”
પછી તો ખ્વાજા સાહેબ હિંદી મુસ્લિમ એકતાની મિસાલ
બની ગયા. તેમના ઉપદેશોમા ધર્મ,
જાતિ કે કોમના ભેદભાવો ન હતા. તેઓ કહેતા,
“ચાર કાર્યો આત્માની શોભા છે. ભૂખ્યાને ભોજન આપવું ,પીડિતોને સહાય કરવી,
હાજતમંદની મદદ કરવી અને દુશ્મન સાથે પણ માનવતાપૂર્ણ વ્યવહાર કરવો”
“જે માનવીમાં ત્રણ ગુણો હશે તે અલ્લાહનો સાચો મિત્ર બની શકે છે. દરિયા
જેવી સખાવત, સૂરજ જેવી ભલાઈ અને ધરતી જેવી પરોણાગત”
ખ્વાજા સાહેબ અલ્લાહના પાક બંદા હતા.
હંમેશા ખુદાની ઇબાદતમાં લીન રહેતા. પાંચ વક્તની નમાઝ તેઓ નિયમિત પઢતા. તેઓ કહેતા,
“નમાઝ અલ્લાહની નિકટતા સાધવાની સીડી છે.”
ખ્વાજા સાહેબનું જીવન સાદું અને પવિત્ર
હતું. નાના મોટા સૌની વાત તેઓ નમ્રતા અને સસ્મિત સાંભળતા. ગરીબોના તેઓ બેલી હતા.
તેમના દર પરથી કોઈ પણ માનવી ક્યારેય ખાલી હાથે પાછો ન ફરતો. ઈ.સ. ૧૨૩૨ (હિજરી સંવત
૬૩૦)મા ૯૦ વર્ષની વયે અજમેરમાં તેમની વફાત થઈ. જ્યાં તેમણે નિવાસ કર્યો હતો, ત્યાં
જ તેમને દફનાવવામાં આવ્યા. આજે એ સ્થળ યાત્રાનું મોટું ધામ છે. તેમની વફાતને આજે ૮૦૬
વર્ષ થયા, છતાં દરેક ધર્મ, કોમ અને જાતિના લાખો શ્રધ્ધાળુઓ આજે પણ તેમની દરગાહ પર
આવે છે. અને પોતાની મુરાદ પૂર્ણ થવાનો શુક્ર અદા કરી શાતા અનુભવે છે.
દરે વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઉર્ષમા ભાગ લેવા
દેશ વિદેશના શ્રધ્ધાળુઓ અજમેરમાં ઉમટી પડ્યા હતા. ઉર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો
યોજાયા હતા. એ મુજબ ૧૪મીના રોજ ધજા ચઢાવવામા આવી હતી. ૧૮મીથી ઉર્ષનો આરંભ થયો હતો.
૨૩ના રોજ જુમ્માની નમાઝ થઈ હતી. એ નમાઝમા હાજરી આપવા માટે પણ મોટી સંખ્યામા
મુસ્લિમો અજમેરમા ઉમટી પડ્યા હતા. ૨૪મી માર્ચના રોજ ફાતિહા અર્થાત દુવાનો
કાર્યક્રમ યોજાયો હતો. અને ૨૮મીએ નમાઝ-એ-જુમ્મા પછી ઉર્ષ પૂર્ણ થયો હતો. આ વર્ષે
ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉર્શના પ્રસંગે એક સંદેશ પણ પાઠવો હતો. જેમ
લખ્યું હતું,
“ભારત કે બારે મેં કહા જાતા હૈ કિ યહ શબ્દો
મેં બયા નહિ હોતા બલ્કી ઇસે મહસૂસ કિયા જાના ચાહીએ. દેશ મેં વિભિન્ન દર્શનો કે મૂલ
મેં શાંતિ, એકતા ઔર સદભાવના નિહિત રહી હૈ. સૂફીવાદ ભી ઉન મેં સે એક હૈ. જબ હમ ભારત
મેં સૂફી સંતો કી બાત કરતે હૈ તો ખ્વાજા મોયુદ્દીન ચિશ્તી મહાન આધ્યાત્મિક પરંપરાઓ
કે પ્રતિક રૂપ મેં દિખાઈ દેતે હૈ. “ગરીબ
નવાઝ” દવારા કી ગઈ માનવતા કી સેવા ભવિષ્ય કી પીઢીયો
કે લીએ પ્રેરણા બની રહેગી. ઇસ મહાન સંત કે વાર્ષિક ઉર્ષ કે અવસર પર દરગાહ અજમેર
શરીફ પર ચાદર ભેજતે હુએ ઉન્હેં ખિરાજ-એ-અકીદત પેશ કરતા હું. ખ્વાજા મોયુદ્દીન
ચિશ્તી કે વિશ્વભર કે અનુયાયિયો કો વાર્ષિક ઉર્ષ પર બધાઈ વ શુભકામનાએ.”
ભારતમાં બિરાજમાન આવા
સંતોએ જ ભારતની વિવિધતામાં એકતાની ભાવનાને આજે પણ જીવંત રાખી છે, અને તેમની
સત્વશીલતાને કારણે જ હજારો-લાખો વર્ષો સુધી તે ટકી રહેશે.-આમીન.