થોડા દિવસો પહેલા એક શૈક્ષણિક હેતુસર જાણીતા
બકેરી ગૃપના માલિક ૮૧ વર્ષના મા. અનિલભાઈ બકેરીને તેમના કાર્યલયમાં મળવા જવાનું
થયું. જૂની હાઇકોર્ટ પાસે આવેલી તેમની ઓફિસના પગથીયા ચડતો હતો ત્યારે ગુજરાતના એક
મોટા ગ્રુપના માલિકને મળવાના આનંદ સાથે સજાગતા પણ હતી. સાંભાળ્યું હતું કે તેઓ
સમયના ખુબ પાબંધ છે. તેમણે મને ૧૨.૩૦નો સમય આપ્યો હતો. પણ હું સમયથી ૧૫ મિનીટ વહેલો
તેમની ચેમ્બરના મુલાકાતી ખંડમા પહોંચી ગયો. તેમની અંગત સેક્રેટરી રીના બેનરજીએ મને
આવકાર્યો. અને મને ઠંડા પાણીના સ્થાને ઠંડું લીંબુનું શરબત આપ્યું. ગરમીને કારણે
તે મને ગમ્યું. પણ ગ્લાસ હોઠો પર માંડતા સમયે જ મારી નજર મા.અનિલભાઈની ચેમ્બરના દરવાજા
પાસે એક જુના લાકડાના દરવાજા પર પડી. એ દરવાજો દીવાલ પર શોભાના ભાગ તરીકે લગાડેલો
હતો. આજકાલ જુનું ફર્નીચર કે દરવાજા, બારીઓ બેઠક ખંડ કે મુલાકાતી ખંડમા સુશોભન
તરીકે રાખવાની ફેશન ચાલી છે. એટલે તેના ભાગ રૂપે તે ત્યાં લગાડ્યો હશે તેમ મને
લાગ્યું. પણ થોડું ધારી ને જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ.
જુના લાકડાના એ દરવાજાના છએ ચોકઠાંમા કલાત્મક
રીતે કુરાને શરીફની આયાતો (શ્લોકો) લખી હતી. એટલે મેં શરબતનો
ગ્લાસ પડતો મૂકી એ દરવાજા તરફ કદમો માંડ્યા. દરવાજા પાસે જઈને એ આયાતોને હું એક
નજરે તાકી રહ્યો. દરવાજાના છએ ચોકઠાંમા આયાતો સુંદર રીતે ઉપસેલી હતી. કુરાને શરીફની
આયાતો તો મેં કુરાને શરીફમાં વારંવાર પઢી છે. પણ આજે તેને સ્પર્શ કરી, મહેસૂસ કરવાનો
મોકો ખુદાએ મને આપ્યો હતો. એટલે તે આયાતો પર હાથ ફેરવવા મેં જેવો હાથ લંબાવ્યો કે રીના
બેનરજીનો મધુર અવાજ મારા કાને પડ્યો.
“સર, એ પવિત્ર શ્લોકોને
મહેરબાની કરીને હાથ ધોઈને સ્પર્શો એવી વિનંતી છે.”
અને મારો હાથ અટકી ગયો. મને તેમની ટકોરમા કુરાને
શરીફની આયાતો પ્રત્યેનો ભક્તિ ભાવ સ્પષ્ટ દેખાયો. હું એ આયાતોને સ્પર્શ કર્યા વગર
જોઈ રહ્યો. ત્યાજ રીના બેનરજી મારી પાસે આવી બોલ્યા,
“સાહેબ આપને યાદ કરે છે.”
અને મેં મા. અનિલભાઈ બકેરીની ઓફિસમાં કદમો
માંડ્યા.એકદમ સાદગીથી ગોઠવાયેલ ઓફીસના એક ખૂણામા ૮૧ વર્ષના મા. અનિલભાઈ બેઠા હતા.
મારા આગમનના ઉદેશ અન્વયે અમે થોડીવાર વાતો કરી. પણ પછી મારા મનમાં જે પ્રશ્ન
સળવળતો હતો તે મેં પૂછી નાખ્યો,
“કુરાને શરીફની આયાતો
કોતરેલ આવો દરવાજો આપની ઓફીસના દરવાજા પાસે જ મુકવાનો વિચાર આપને કયાંથી આવ્યો.?”
“એ વિચાર મારો નથી. મારા પુત્ર અચલ બકેરીનો છે. થોડા વર્ષો પૂર્વે તેણે
હૈદરબાદમાંથી ૧૦૦ વર્ષ જૂની ત્રણ વસ્તુઓ
ખરીદી હતી. આપની નજર મુલાકાતી ખંડની એક જ વસ્તુ પર પડી છે.”
એમ કહી એ વડીલ
પોતાની ખુરશીમાંથી ઉઠ્યા અને મને મુલાકાતી ખંડમા દોરી ગયા. જે સોફા પર હું બેઠો
હતો તેની સામે પડેલ એક મોટો પટારો બતાવતા તેઓ બોલ્યા,
“મહેબૂબભાઇ,
આના પર આપની નજર નથી પડી લાગતી”
હવે મેં લગભગ ચાર
બાય અઢીના એ લાકડાના લંબચોરસ પટારા પર નજર કેન્દ્રિત કરી.પટારાની ચારે બાજુ કુરાને
શરીફની આયાતો કોતરેલી હતી. તેના દરવાજા ઉપર પણ કુરાને શરીફની આયાતો હતી. હૂં કઈ
બોલું એ પહેલા મા. અનિલભાઈ બોલી ઉઠ્યા,
“મને તો કુરાને
શરીફ વાંચતા આવડતું નથી. પણ અચલે આ પટારો અને ભિત પરના ઘોડાના ચિત્રમાં કંડારાયેલી
આયાતો વાળું ચિત્ર પણ હૈદરબાદમાંથી ખરીદયા છે.”
એમ કહી તેમણે મને સોફાની ઉપરની દીવાલમાં
ટાંગેલ કાષ્ટમા કોતરેલ ઘોડાનું ચિત્ર બતાવ્યુ. ઘોડાના એ ચિત્રમા ઠેર ઠેર કુરાને
શરીફની આયાતો કોતરેલી હતી. એ જોઈ મને દુલ દુલ ઘોડાની યાદ આવી ગઈ. ઇસ્લામમાં હઝરત
મહંમદ સાહેબ(સ.અ.વ.)ના નવાસા હઝરત ઈમામ હુસૈને(ર.અ.) કરબલાના મૈદનમાં દુલ દુલ નામક
ઘોડા પર યઝદી સામે લડ્યા હતા. અને એ જ ઘોડા પર શહીદ થયા હતા. તેમની યાદમાં ઇસ્લામના
મહોરમ માસમાં ભારતના કેટલાક પ્રદેશોમાં તાજીયા સાથે દુલ દુલ નામના અશ્વને પણ
સજાવવામાં આવે છે. અને તેનું જલુસ કાઢવાનો રીવાજ છે. દુલ દુલ નામક એ અશ્વને
ઇસ્લામમાં જુલજીનાહ અર્થાત બે પાંખોવાળો ઘોડો પણ કહે છે.
થોડી પળો હું એ અશ્વના ચિત્ર અને તેમાં
કંડારાયેલી કુરાને શરીફની આયાતોને જોઈ રહ્યો. પછી પાછી મારી નજર સોફાની સામે મુકેલા પટારા પર ગઈ. એ પટારો જમીન
પર ન હોતો મુકેલો. પણ તેને મુકવા માટે એક ખાસ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું
અને તેના પર એ પટારો મુકવામા આવ્યો હતો. એ જોઈ મારા મનમાં જે પ્રશ્ન ઉદભવ્યો. એ
મા. અનિલભાઈ પામી ગયા અને બોલ્યા,
“મહેબૂબભાઇ,
તમે જે વિચારો છો. એ હું પામી ગયો છું. શરૂઆતમાં આ પટારા માટે પ્લેટફોર્મ બનાવ્યું
ન હતું. અને જમીન પર જ અચલે પટારો મુક્યો હતો. પણ ૨૫ વર્ષ પૂર્વે એક એસ.બી.એસ. બેંકના
મેનેજર મને મળવા આવ્યા હતા. તેઓ મુસ્લિમ
હતા. તેમણે કુરાને શરીફની આયાતો કોતરેલ આ પટારો જોયો અને બોલ્યા કે આ પટારા પર
કુરાને શરીફ ની આયાતો છે માટે તેને ઊંચા સ્થાન પર રાખો તો સારું. જેથી સૌ તેને બરાબર
જોઈ શકે અને તેનું માન પણ જળવાશે. અને અચલે તુરત આ પ્લેટફોર્મ તૈયાર કરાવ્યું. આમ કુરાને શરીકની આયાતોવાળો આ
પટારાનું તેના પર આરોહણ થયું. આજે એ વાતને ૨૫ વર્ષ થઈ ગયા.”
મા. અનિલભાઈની વિદાય લઇ હું તેમની ઓફિસની બહાર
નીકળ્યો. પણ મારું હદય હજુ તેમના બેઠક ખંડમા જ હતું. જયારે મગજ વિચારી રહ્યું હતું,
“ઇસ્લામના પવિત્ર
ગ્રંથ કુરાને શરીફ પ્રત્યે મુસ્લિમ સમાજને લગાવ હોય, માન હોય એ સામાન્ય ઘટના છે.
પણ એક હિંદુ સજ્જન પોતાની ઓફિસમાં કુરાને શરીફની આયાતો અંકિત વસ્તુઓને સજાવીને,
તેના માન મરતબાને છાજે તેમ જાહેરમાં મુલાકાતીઓના દર્શન અર્થે મુકે, એ ઘટના જ આજના બદલાતા
જતા વાતાવરણમાં બિનસાંપ્રદાયિકતાનું ઉત્તમ ઉદાહરણ છે.”
આવા વિચાર અને તેના અમલ માટે મા. અનિલભાઈ અને શ્રી.
અચલભાઈને સો સો સલામ.