Thursday, October 13, 2016

અમૃતસર : ખેરુદ્દીન મસ્જિત અને પૂલ કંજરી : ડૉ. મહેબૂબ દેસાઈ


૨ ઓક્ટોબર ગાંધી જયંતીના સંદર્ભમા અમૃતસર(પંજાબ)ની ડીએવી કોલેજના ગાંધી સ્ટુડી સેન્ટર દ્વારા ૮ ઓકોબરના રોજ આયોજિત ગાંધી સંવાદ વિષયક આંતરરાષ્ટ્રીય સેમીનારના ઉદઘાટન સમારંભમા મુખ્ય મહેમાન તરીકે જવાની તક સાંપડી. રાષ્ટ્રીય ઇતિહાસમાં ડીએવી કોલેજનો પણ આગવો અને અદભુદ ઈતિહાસ છે. બ્રિટીશ યુગમાં મોહમેડન એન્ગલો ઇન્ડિયન કોલેજ તરીકે જાણીતી આ કોલેજે આઝાદીના અનેક આશકોને શિક્ષણના પાઠ ભણાવ્યા છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે આ કોલેજ નિર્વાસિતોની છાવણી બની ગઈ હતી. અમૃતસરથી લાહોરનું અંતર માત્ર પચીસ કિલોમીટરનું છે. અમૃતસરના અટારી ગામથી માત્ર છ કીલોમીટરના અંતરે પાકિસ્તાની વાઘા બોર્ડર આવેલી છે. જયારે ઐતિહાસિક સ્થાન પુલ કજરીથી તો પાકિસ્તાનની બોર્ડર તમે જોઈ શકો છે. પાકિસ્તાનથી અનેક ભારતીય કુટુંબો અહી હિજરત કરી આવ્યા હતા. ત્યારે આ કોલેજ તેમના નિવાસનું કેન્દ્ર બની હતી. અમૃતસરની મારી મુલાકાત સમયે વાધા બોર્ડર પર મુલાકતીઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હોય, ત્યાં જવાનું શક્ય બન્યું ન હતું. પણ પુલ કંજરીની મુલાકાત વેળા દૂરથી પાકિસ્તાનની બોર્ડર નિહાળવાની તક સાંપડી હતી.

પૂલ કંજરી અમૃતસરથી ૩૫ કિલોમીટરના અંતરે અમૃતસર-લાહોર રોડ પર આવેલ એક ઐતિહાસિક સ્થાન છે. તે ડાઓકા ગામની નજીક આવેલ છે. પૂલ કંજરીની એક રોમાંચક કથા છે. મહારાજા રણજીતસિંહનો કાફલો અમૃતસરથી લાહોર જતો ત્યારે તેના વિસામા માટે આ સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્થળ પાસે એક નહેર આવેલી છે. તેનું સર્જન મોઘલ સમ્રાટ શાહજહાંએ કર્યું હતું. એ નહેરનું પાણી લાહોરના શાલીમાર બાગ સુધી જતું હતું. એકવાર મહારાજા રણજીતસિંહની રાજ નર્તકી એ નહેરમાંથી પસાર થતી હતી ત્યારે તેના એક પગનું ચાંદીનું ઝાંઝર એ નહેરમાં ખોવાઈ ગયું. પરિણામે તેણે રાજ દરબારમાં નૃત્ય કરવાની ના પડી દીધી. મહરાજા રણજીતસિંહને તેની જાણ થતાં તેમણે એ નહેર પર તૂરત પૂલ બાંધવાનો આદેશ આપ્યો. એ યુગમાં નૃત્યાંગના ને કંજરી કહીને બોલાવતા. એટલે એ પૂલનું નામ કંજરી પૂલ પડી ગયું. એ પૂલ મહારાજા રણજીતસિંહએ વિસામા માટે બનાવેલ સ્થળની નજીક હોયને એ વિસામાનું નામ કંજરી પૂલ પડ્યું. મહારાજા રણજીતસિંહના એ વિસામાનું સંપૂર્ણ બાંધકામ એ યુગની ઇંટોથી થયું છે. લગભગ ૧૦૦૦૦ સ્ક્વેર ફીટની જગ્યામાં પથરાયેલ અને ચોરસ આકારમાં બંધાયેલ આ ઐતિહાસિક બાંધકામની વચ્ચે મોટુ તળાવ છે, તેની ચારે બાજુ પગથીયા છે. પગથીયાના આરંભમાં સામ સામે સ્તંભો પર મહારાજા રણજીતસિંહ માટેની બેઠક છે. તેની સામે નૃત્ય સંગીત-નૃત્ય માટે એવું જ મોટું પ્લેટફોર્મ છે. જે પણ ઇંટોથી બનેલું છે. તેના વિશાલ દરવાજામાંથી સ્મારકમાં પ્રવેશો ત્યારે એ યુગની ભવ્યતાનો તમને અચૂક અહેસાસ થાય છે.  ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાની લશ્કરે પૂલ કંજરી પર પોતાનો કબજો જમાવ્યો હતો. પણ શીખ રેજીમેન્ટના જવાનોએ વળતો હુમલો કરી પૂલ કંજરી હસ્તગત કરી લીધું હતું. આજે પર એ શહીદોની યાદ અપાવતી તકતી પૂલ કંજરીમા જોવા મળે છે. જેમાં લાન્સ નાયક સંગ્રામ સિંગની બહાદુરી પૂર્વકની શહાદતનો ઉલ્લેખ છે.

અમૃતસરના જોવા લાયક સ્થાનોમાં મોટે ભાગે ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગનો સમાવેશ થાય છે. પણ એ સિવાય પૂલ કંજરી જેવી જ એક અન્ય કલાત્મક ઈમારત મસ્જિત ખૈરુદ્દીન છે. ૭ ઓક્ટોબર શુક્રવારની જુમ્માની નમાઝ મેં એ મસ્જીતમાં જ અદા કરી હતી. અમૃતસરના હોલ બજારની મધ્યમાં બરાબર રોડ પર જ આવેલ આ મસ્જિત શીખોના પવિત્ર યાત્રા ધામ ગોલ્ડન ટેમ્પલથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલી છે. મસ્જિતનું સર્જન મોહંમદ ખૈરુદ્દીન કર્યું હતું. જે એ સમયે રાજ્યના ઉચ્ચ સમાહર્તા હતા. ઈ.સ. ૧૮૭૬મા તેમણે આ મસ્જિતનું નિર્માણ કર્યું હતું. મસ્જિત મોઘલ કળા અને સ્થાપત્યનો સુંદર નમુનો છે. લગભગ એક સાથે ૨૦૦૦ નમાઝીઓ નમાઝ અદા કરી શકે તેટલી ક્ષમતા આ મસ્જિત ધરાવે છે. બ્રિટીશ શાશનકાળ દરમિયાન આ મસ્જિત ઇસ્લામી કેળવણીનું મોટું કેન્દ્ર હતી. અહીંયા મદ્રેસા અને મકતબ ચાલતા હતા. અર્થાત અત્રે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું હતું. અમૃતસરથી લાહોર નજીક હોવાને કારણે ત્યાંના મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ અહિયાં મોટી સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા હતા. વળી, આ મસ્જિત રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય કેન્દ્ર પણ હતી. મુસ્લિમ નેતાઓ અહીંથી જ અંગ્રેજ સરકાર સામેના આંદોલનોનું આયોજન કરતા હતા. અને અમલમાં મુકતા હતા. ભારતના એ સમયના અગ્ર મુસ્લિમ નેતા તૂતી-એ-હિન્દ શાહ અત્તા ઉલ્લાહ બુખારીએ અંગ્રેજ સરકાર વિરુદ્ધ આંદોલનનું એલાન આ મસ્જિતમાંથી જ આપ્યું હતું. તેમણે અત્રેથી જ અંગ્રેજ સરકારના અમાનુષી કાયદોઓ અને વેરાઓના વિરુદ્ધમાં જેહાદ જગાડી હતી. અમૃતસરની ગલીઓમાં ગુજતા અંગ્રેજ સરકાર વિરુદ્ધના નારાઓ અહિયાં જ ઘડતા અને અમલમાં મુકતા હતા. એ દ્રષ્ટિએ ખેરુદ્દીન મસ્જિત માત્ર ધર્મિક સ્થાન ન રહેતા રાષ્ટ્રીય આંદોલનનું કેન્દ્ર પણ હતી. અમૃતસરમા રોકાણ દરમિયાન મેં બેવાર તેની મુલાકત લીધી હતી. પ્રથમવાર તેના ઇતિહાસની જાણકારી માટે મસ્જીતના પેશ ઈમામ સાથે મારી લાંબી બેઠા થઇ હતી. જયારે બીજીવાર જુમ્માની નમાઝ અદા કરવા ત્યાં ગયો હતો. અને ત્યારે જે સુકુન અને શાંતિનો અહેસાસ મને ગોલ્ડન ટેમ્પલની મુલાકાત વેળાએ થયો હતો એવો જ જુમ્માની નમાઝ અદા કરતા સમયે મેં અનુભવ્યો હતો.

અમૃતસરમા હિન્દુ મુસ્લિમ ભાઈચારો આજે પણ એક આદર્શ મિશાલ સમાન છે. બ્રિટીશ કાળ દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ થયેલા મોટાભાગના આંદોલનોમાં શીખ અને મુસ્લિમ પ્રજાએ ખભેથી ખભો મિલાવી લડત આપી હતી. આજે પણ અને એ ભાઈચારો છેક ધર્મ સ્થાનોની જાળવણી અને સંચાલન સુધી યથાવત રહ્યો છે. અત્રેની મોટાભાગની મસ્જીતોની વ્યવસ્થા અને સંચાલનમા મુસ્લિમો કરતા શીખોનું પ્રદાન વિશેષ જોવા મળે છે.