ઇસ્લામમાં ખિદમત અર્થાત સેવાનું મુલ્ય ઈબાદત સમક્ષ છે. એકવાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને એક સહાબીએ પૂછ્યું,
"ઇસ્લામ એટલે શું ?"
મહંમદ સાહેબ (સ.અ.વ.)ફરમાવ્યું,
"ભુખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું એટલે ઇસ્લામ"
ઇસ્લામનું આવું અર્થઘટન દરેક મોમીન માટે સનાતન સત્ય છે. એ સત્યને સાકાર કરવાનું કાર્ય આજથી ૩૦ વર્ષ પૂર્વે જુહાપુરા વિસ્તારના કેટલાક સેવાભાવી માનવીઓએ આરંભ્યું હતું. ઈ.સ. ૧૯૮૬મા જુહાપુરા વિસ્તારના મુઠ્ઠીભર સેવાભાવી માણસોએ "એક મુઠ્ઠી આટા"ની યોજના બનાવી હતી. એ યોજના મુજબ "સીરત કમીટી"નામક એક સંસ્થા શરુ કરવામાં આવી. આ સંસ્થાના સેવાભાવી સજ્જનો લોકોના ઘરે ઘરે જઈને લોટ ઉઘરાવતા. એ લોટ કાગળની નાની નાની થેલીઓમાં પેક કરી જુહાપુરા વિસ્તારમાં વસતા અત્યંત ગરીબ પરિવારોને પહોંચાડવામાં આવતો. રોજ સવારે જેને ખબર નથી કે મારા ઘરનો ચૂલો આજે પેટાશે કે નહિ ?, એવા ગરીબ કુટુંબો માટે "એક મુઠ્ઠી આટા"ની આ યોજના આશીર્વાદ રૂપ સિદ્ધ થઇ. અને ગરીબ લોકોમાં સીરત કમીટીના આ કાર્યથી નવી આશાનો સંચાર થયો. "સીરત" શબ્દ ઉર્દૂ ભાષાનો છે. જેનો અર્થ થાય છે ચરિત્ર, સ્વભાવ, સદગુણ, વિશેષતા કે વિશિષ્ટતા. માનવીના જીવનમાં હંમેશા ઉપયોગી બની રહેવાના નેમ સાથે અસ્તિત્વમાં આવેલા "સીરત કમીટી" એ પોતાના નામને સાકાર કરતા કાર્યો એક પછી એક હાથ પર લીધા છે.
ઇસ્લામમાં પતિના મૃત્યું પછી તેની વિધવાએ ઇદતમાં રહેવાનું હોય છે. ઇદતનો શાબ્દીક અર્થ ગણવું કે ગણતરી થાય છે. ઇસ્લામી શરીયત મુજબત્યકતા પત્ની માટે ઇદતની મુદત ત્રણ માસ, વિધવા માટે ચાર માસ, દસ દિવસ અને સગર્ભા વિધવા માટે પ્રસવ સુધી ઇદ્તમાં રહેવાનો આદેશ છે.ઇદતના સમય દરમિયાન સ્ત્રી સંપૂર્ણ પડદામાં રહે છે, ન તો તે ઘરની બહાર નીકળી શકે છે, ન કોઈ પરાયા પુરુષને જોઈ શકે છે. પરિણામે તેનાઘરનો સમગ્ર આર્થિક કે સામાજિક વયવહાર તેના પુત્ર કે ઘરના અન્ય વડીલે સંભાળવો પડે છે. પણ જો બાળકો નાના હોય અને સ્ત્રીની આર્થિકસ્થિતિ સધ્ધર ન હોય તો એવા સમયે ઇદતની મુદત દરમિયાન ઘરમાં આર્થિક સમસ્યાઓ સર્જાયા છે. અને ઘણીવાર તો નાના બાળકોને ભૂખ્યારહેવાનો વારો આવે છે. સીરત કમીટીના સભ્યોએ આવી ઇદતની મુદતમાં જીવતી સ્ત્રીઓની યાદી બનાવી અને દર માસે તેમના ઘરે આખા મહિનાનુંસીધું અર્થાત ખાવા પીવાની વસ્તુઓ પહોચાડવાનું કાર્ય હાથમાં લીધું છે. મુસ્લિમ સમાજમાં કોઈ પણ વ્યક્તિ માત્ર રૂ. ૧૦૦૦નું દાન સીરત કમિટીનેઆપે તો ઇદતમાં બેઠેલી એક ગરીબ મુસ્લિમ વિધવાના ઘરનો ચૂલો યથાવત રીતે ચાલ્યા કરે. આવું નેક કાર્ય સીરત કમીટીના સભ્યો સરખેજ-જુહાપુરા વિસ્તારમાં કરી રહ્યા છે. ૨૦૧૪ના વર્ષમાં જુહાપુરા વિસ્તારની ૭૫ ઇદત ગુજારતી મહિલાઓએ આ લાભ લીધો છે .
ઇસ્લામમાં બિમાર પુર્સી (બિમારના ખબર અંતર પૂછવા) સવાબ (પુણ્ય) નું કાર્ય છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)દુશ્મનની માંદગીના સમાચાર સાંભળી અચૂક તેની ખબર કાઢવા જતા. તેને શક્ય સહાય કરતા. સીરત કમીટી એ જ સિધ્ધાંતને સાકાર કરવા મથી રહી છે. સરખેજ જુહાપુરા વિસ્તારમાં ગરીબ-અસહાય અને લાવારીસ માનવીઓની બીમારીમાં તેમને આર્થિક સહાય સીરત કમીટી દ્વારા થઇ રહી છે. ગરીબ-અસહાય અને લાવારીસ માનવીઓની દવાઓ, સારવાર કે હોસ્પિટલ, દવાખાનાનો ખર્ચ સીરત કમીટી દવારા આપવામાં આવે છે. ૨૦૧૨ના વર્ષમાં સીરત કમીટી દ્વારા ચાલતા દવાખાનામાં ૨૦૦૦ ગરીબ-અસહાય અને લાવારીસ માનવીઓને વિનામુલ્યે સારવાર લીધી હતી.
એ જ રીતે શિક્ષણનું મુલ્ય પણ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)પર ઉતરેલ પ્રથમ વહીમાં વ્યક્ત થયું છે.વહીનો પ્રથમ શબ્દ હતો "ઇકરાહ". જેનો અર્થ થાય છે પઢ, વાંચ. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌ પ્રથમ વહી માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું,
"પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે."
અને એટલેજ સીરત કમીટી દ્વારા સમાજમાં શિક્ષણ પ્રચાર પ્રચાર માટે પ્રયાસો થઇ રહ્યા છે. સમાજના એવા વર્ગમાં શિક્ષાનો પ્રચાર કરવો જરૂરી છે જે વર્ગ ન તો મોટી મોટી શિક્ષણ ફીઓ ભરી શકે છે , ન પ્રવેશ માટે મોટી એડમિશન ફી આપી શકે છે. એવા ગરીબ સમાજના યુવાનો-યુવતીઓના શિક્ષણ માટે આર્થિક સહાય આપવાની યોજના સીરત કમીટીએ અમલમાં મૂકી છે. ગરીબ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કુલ અને કોલેજની ફી, શૈક્ષણિક પુસ્તકો, નોટબુક્સનું વિના મુલ્યે વિતરણ અને મેડીકલ, એન્જીનીયરીંગ અને ટેકનીકલ શાખામાં ઉચ્ચ શિક્ષણ લેતા ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપની યોજના તળે વર્ષ ૨૦૧૨માં ૧૦૦૦ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામા આવેલા છે. રમઝાન માસ દરમિયાન લગભગ ૧૩૦૦ ગરીબ કુટુંબોને આર્થિક સહાય કરી તેમના રોઝા અને ઇદને આર્થિક કટોકટીમાંથી મુક્ત કરી, ખુશહાલ બનાવવામાં સીરત કમીટીનો ફાળો નાનો સુનો નથી.
એકવાર એક ગરીબ માનવી મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આવ્યો. અને મદદની માંગણી કરી. મહંમદ સાહબે પૂછ્યું.
"તારી પાસે શું છે ?" પેલાએ કહ્યું,
"એક પ્યાલો અને એક બિછાનું"
મહંમદ સાહેબે એક સહાબીને એ બંને વસ્તુ બે દીહરમમાં આપી દીધી અને પેલા ગરીબને ફરમાવ્યું,
"લે આ બે દીહરમ, એક દીહરમનું ખાવાનું લાવ અને એક દીહરમનું દોરડું લાવ અને જંગલમાંથી લાકડા લાવી વેચ. કોઈની પાસે માંગવા કરતા મહેનત કરીને ખાવું સારું છે"
એ જ વિચારને સાકાર કરતા સીરત કમીટી ગરીબ સ્ત્રીઓને સીવણ મશીન આપી તેમને પગભર થવા પણ પ્રેરે છે.
આ તમામ કાર્યોમાં નાણાની સમસ્યા સીરત કમીટીએ કયારેય અનુભવી નથી. નેક ઈરાદો અને ઈમાનદારી સિરત કમીટીના તમામ અનુભવી સભ્યોનો મુદ્રા લેખ રહ્યો છે. વળી, છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના કર્યા વગર સીરત કમીટી સેવાનો આવો મહા યજ્ઞ ચલાવી રહેલ છે. પરિણામે બારેમાસ દાનનો પ્રભાવ ચાલુ રહે છે. અને તે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવાનો ઝરિયો સીરિત કમીટી બને છે. ઇસ્લામમાં ગરીબ ગુરબા અને જરૂરતમંદોને સહાય કરવાના કાર્યને ઈબાદતનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ નાતે સીરત કમિટીની આ ઈબાદત ખુદા કબૂલ ફરમાવે એજ દુવા : આમીન