૨૬ ફેબ્રુઆરીના અમદાવાદનો ૬૦૪મો
સ્થાપના દિવસ ઉજવાયો. એ નિમિત્તે બિલાલ કોમ્પ્લેક્ષ ગ્રુપ, અમદાવાદ
વિષયક ઇતિહાસવિદોના જાહેર વ્યાખ્યાનોનું રાત્રે નવ કલાકે રખિયાલમાં આયોજન કર્યું
હતું. જેમાં અમદાવાદના ઇતિહાસ અંગે જનાબ ઈર્શાદ મિર્ઝા, ડો.મકરંદ મહેતા,
ડો. મહેબૂબ દેસાઈ, ડો. મોયુદ્દીન બોબ્બેવાલા અને ડો. નિસાર અહેમદ અન્સારીએ
અમદાવાદના ઈતિહાસની રાત્રે એક વાગ્યા સુધી લોકોને ઝાંખી કરાવી હતી. પ્રેક્ષકગણમાં
બેઠેલા શહેરના નામાંકિત બુદ્ધિજીવીઓ એ વ્યાખ્યાનો સ-રસ માણ્યા. સૌ વક્તાઓએ એક સૂરે
ઐતિહાસિક ઈમારતોની જાણવાની પર ભાર મુકાયો હતો.
અમદાવાદની સ્થાપના માટેની દંતકથા "જબ
બિલ્લી પર સસ્સા આયા તબ અહમદ શાહને શહર બસાયા"નો સૌએ ઉલ્લેખ કર્યો પણ
અમદાવાદની સ્થાપનાનો સાચો ઇતિહાસ વક્તાઓએ રજુ કર્યો હતો. એ ઇતિહાસ આજે પણ સામાન્ય
અમદાવાદી સુધી પહોંચ્યો નથી. પણ મિરાતે સિકંદરી, મિરાતે અહેમદી જેવા પ્રથમ કક્ષાના
આધારભૂત ગ્રંથોમાં અને ઇતિહાસકાર રત્નમ ણીરાવ જોટે જેવા ઈતિહાસકારોએ પોતાના
ગ્રંથોમાં તેનો ઉલ્લેખ સવિસ્તારથી કર્યો છે. મિરાતે સિકંદરીમાં લખ્યું છે,
"અહમદાબાદ શહેરનો પાયો અહમદ નામના
તે વખતના ચાર જાણીતા સૂફી સંતોના હાથે નંખાયો છે. એક શેખ અહમદ ગંજબક્ષ ખટુ, સુલતાન
અહમદ, શેખ અહમદ અને મુલ્લા અહમદ છે"
અહમદાબાદની સ્થાપના વેળાએ એ સમયના
જાણીતા શાયર અને કવિ હલવી શિરાઝીએ સુંદર કાવ્ય રચ્યું હતું. તેનો ભાવાર્થ હતો,
"અહમદ શાહનો સાબરમતી આગળ મુકામ
થયો છે. હે ખુદા, આ મહાન શહેરને તું કયામત સુધી જીવંત રાખ જે"
મિરાતે સિકંદરીમાં અહમદાબાદ શહેર અંગે
લખ્યું છે,
"આ ચારે મહાન સંતો જેમણે પોતાના
મુબારક હાથોથી આ શહેરનો પાયો નાખ્યો છે.તેમને લીધે જ દુનિયાના નગરોમાં આ શહેર
ચડિયાતું ગણાય છે.જમીન અને દરિયાના તમામ પ્રવાસીઓ કહે છે કે આવું મનોહર અને શોભિત
શહેર વિશ્વમાં બીજું એક પણ નથી.વસ્તીમાં બીજા શહેરો અવશ્ય મોટા હશે પરંતુ બાંધણી,
સ્થાપત્ય અને દેખાવમાં અહમદાબાદની બરાબરી કરી શકે તેવું વિશ્વમાં એક પણ શહેર
નથી"
આવા અદભુત શહેર અહમદાબાદના સ્થાપક
તરીકે ચાર સૂફી સંતોનું નામ ઇતિહાસના પાનાઓ આજે પણ અંકિત છે. જો કે તે કથા
ઇતિહાસના પાનાઓમાં દટાઈ ગઈ છે. એ કથા સાચ્ચે જ જાણવા અને માણવા જેવી છે.
એકવાર સુલતાન અહમદ શાહએ હઝરત શેખ અહમદ
ગંજ બક્ષને કહ્યું કે,
"મને મહાન સૂફી સંત હઝરત અલ ખિઝર ખ્વાજાને
મળવાની ઈચ્છા છે. તેઓ મને મુલાકાત આપશે ?"
શેખ અહમદ ગંજ બક્ષે કહ્યું,
"આમ તો તેઓ કોઈને મળતા નથી. હંમેશા
ખુદાની ઈબાદતમાં મશગુલ રહે છે. છતાં હું વાત કરીશ"
જયારે હઝરત શેખ અહમદ ગંજ બક્ષએ સુલતાન
અહેમદ શાહની ઈચ્છા હઝરત ખિઝરેને જણાવી ત્યારે તેમને એક શરત મુકતા કહ્યું,
"સુલતાન અહમદ શાહ ૧૨૦ દિવસ
એકાંતમાં ખુદાની ઈબાદત કરે, પછી જ તેમને મળીશ"
સુલતાને આ શરત માન્ય રાખી અને ૧૨૦ દિવસ
સુધી એકાંતમાં ખુદાની ઈબાદત કરી. એ પછી તેમની મુલાકાત સૂફી સંત હઝરત ખિઝર સાથે
થઇ.આ રૂહાની મુલાકાતમાં સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના કિનારે આવેલ વિશાલ ખુલ્લા
મેદાનમાં એક નવું શહેર આબાદ કરવાની હઝરત ખિઝર પાસે પરવાનગી માંગી. હઝરત ખિઝરએ
પરવાનગી આપતા કહ્યું,
"જેમણે પાંચ વક્તની નમાઝ કયારેય
પાડી ન હોય એવા ચાર પવિત્ર "અહમદ" નામના સંતોના હાથે શહેરનો પાયો નંખાય
તો શહેર હંમેશા આબાદ રહેશે અને એ શહેરનું નામ અહેમદાબાદ રાખવું"
આ શરત ખુબ આકરી હતી. છતાં હઝરત અહમદ
શાહે આખા ગુજરાતમાં અહમદ નામના સંતોની શોધખોળ શરુ કરી. લાંબા સમય શોધખોળ પછી તેમને
સંતની વિશિષ્ટતા ધરાવતા બે "અહમદ" નામના સંતો મળી આવ્યા. જે પૈકી એક હતા
પાટણના હઝરત કાઝી અહમદ જૂદ. તેમની દરગાહ પાટણમાં કાલી બજાર, ખાલકપુરા, ખાન સરોવર
પાસે આવેલ છે. તેમની કબર પરની તકતીમાં આજે પણ લખેલું વંચાય છે કે તેઓ અહમદાબાદ
વસાવનાર ચાર સંતોમાંના એક છે. બીજા હતા હઝરત મલિક અહમદ, જે કાલુપુર બલુચવાડમાં રહેતા
હતા. આપની મઝાર કાલુપુર ટાવરથી દરિયાપુર બલુચવાડ તરફ જવાના રસ્ત્તા પર માલિક
અહમદની મસ્જિતથી થોડે દૂર આવેલી છે. આમ ખુબ મહેનતને અંતે અહમદ નામના બે સંતો ગુજરાતમાંથી
મળી આવ્યા. પણ હજુ બે સંતો બાકી હતા. તે અંગે ઘણી શોધ કરી પણ બીજા બે સંતો ન
મળ્યા. સુલતાન અહમદ શાહ થાકીને હઝરત અહમદ ગંજ બક્ષ પાસે આવ્યા. અને પોતાની વ્યથા
જણાવી. હઝરત અહમદ ગંજ બક્ષ થોડીવાર મૌન રહ્યા પછી ચહેરા પર હાસ્ય પાથરતા બોલ્યા,
"ત્રીજો અહમદ હું છું. અને ચોથો
અહમદ આપ છો"
હઝરત અહમદ ગંજ બક્ષ તો સાચ્ચે જ પાક
પાબંધ સંત હતા. આપની મઝાર સરખેજમાં મકબરા ગામે આવેલી છે. પણ સુલતાન અહમદ શાહ
પોતાને એ દરજ્જાના સંત નહોતા માનતા. એટલે હઝરત અહમદ ગંજ બક્ષ તેમના ચહેરાના ભાવો
વાંચી બોલ્યા,
"આપ પણ પાબંધ અને પાક સંત છો.
આપની નમાઝની પાબંધી અને ઈબાદતથી હું વાકેફ છું"
સુલતાન (સંત) અહમદ શાહની મઝાર અહમદાબાદ
શહેરની જુમ્મા મસ્જિતની લગોલગ બાદશાહના હજીરા, માણેક ચોકમાં આવેલી છે.
આમ ચાર સંતોના નામો નક્કી થયા. આ ચારે
સંતો સાબરમતીના કિનારે ભેગા થયા. અને જે સ્થળ હઝરત અલ ખિઝરે દર્શાવ્યું હતું,
ત્યાં ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧, ઇસ્લામિક તારીખ હિજરી સન ૮૧૩ ઝિલકદ માસની ૭મી તારીખે
અહમદાબાદ શહેરનો પાયો દોરી ખેંચીને નંખાયો. કહેવાય છે કે એ સ્થળ એલીસબ્રિજના છેડે
આવેલ માણેક બુરજ હતું.