ઇસ્લામમાં રોઝા અર્થાત ઉપવાસનું વિશેષ મહત્વ છે. તેનો સવાબ
(પુણ્ય) અઢળક છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે એક હદીસમાં ફરમાવ્યું છે,
“જે માણસથી સ્ત્રી,
બાળકો, જાનમાલ, ઔલાદ અને પડોશીયોના હક્કો અદા કરવામાં કઈ ઉણપ રહી ગઈ હોય, તો તે ઉણપને
કારણે થયેલ ગુનાહ મુક્ત થવા રોઝા, નમાઝ અને ખૈરાત ઉત્તમ માર્ગ છે”
ઇસ્લામમાં એમ કેહવાય છે, જન્નત (સ્વર્ગ)માં એક દરવાજો છે.
જેને “રય્યાન” કહેવામાં આવે છે. તેમાંથી કયામતના દિવસે રોઝદાર જન્નતમાં
દાખલ થશે. અર્થાત દરેક રોઝદાર માટે જન્નતનો દરવાજો “રય્યાન” ખુલ્લો
રાખવામાં આવશે. એક હદીસમાં અબૂ હુરૈરાએ કહ્યું છે,
“રસુસલ્લાહ (સ.અ.વ.અ)એ ફરમાવ્યું છે કે જયારે રમઝાન આવે છે
ત્યારે જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે.”
એક અન્ય હદીસમાં મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“જે માણસ ઈમાનની સાથે સવાબની આશાએ રમઝાનના રોઝા રાખશે, તેના
આગલા તમામ ગુનાહ માફ થઇ જશે”
હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે,
“મહંમદ સાહેબ બધા લોકો કરતા અત્યંત સખી(દાતા) હતા.અને
રમઝાનમાં તો હઝરત જિબ્રીલ સાથે સતત મુલાકાત કરતા અને કુરાને શરીફનું સતત પઠન કરતા
રહેતા”
રોઝાની મહત્તા અને તકેદારી અંગે પણ ઇસ્લામની અનેક હદીસોમાં વિગતે વાત કરવમાં આવી છે. મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“માનવીનું દરેક કાર્ય તેના પોતાના માટે હોય છે. જયારે તેના
રોઝા ખુદા માટે છે. ખુદા પોતે જ તેનો બદલો વિશિષ્ટ રીતે આપશે. રોઝા દોઝક (નર્ક)થી
બચવા માટેની ઢાલ છે. તમારામાંથી કોઈ પણ માણસ ગાલીગલોચ ન કરે, શોરબકોર ન કરે. જો
કોઈ ગાળ આપે અથવા લડવા ઈચ્છે તો તેને કહી દો કે મારે રોઝો છે. કસમ છે ખુદાની જેના
કબજામાં મુહંમદનો જાન છે, રોઝદારના મુખની વાસ ખુદાની મુશ્કની ખુશ્બુથી વધારે પસંદ
છે. રોઝદાર માટે બે ખુશીઓ છે. એક ખુશી તો ત્યારે મળે છે જયારે તે રોઝો ખોલે છે.
અને બીજી ખુશી ત્યારે મળશે જયારે ખુદા સાથે તેની મુલાકાત થશે.”
અરબસ્તાનની ગરમીમાં પણ ઇસ્લામના અનુયાયીઓ રોઝા રાખવાનું
ચુકતા નથી. આપણે ત્યાં પણ ગરમીનું પ્રમાણ જ્યારે વધુ હોય છે ત્યારે પણ રોઝદાર અચૂક
રોઝા રાખે છે. ગરમીના દિવસોમાં માનવ શરીર હંમેશા ઠંડક અને પાણીનો સ્પર્શ ઈચ્છે છે.
ઇસ્લામ માનવ ધર્મ છે. તેમાં જડતા નથી. તેથી તેના નિયમો પણ માનવીય અભિગમ અને
પરિવર્તન શીલતા છે. હઝરત હસન બસરી કહે છે,
“રોઝદાર માટે કુલ્લી (કોગળા) કરવી અને પાણીથી ઠંડક મેળવવી
અયોગ્ય નથી”
એ જ રીતે રોઝદાર ભૂલમાં કઈ ખાઈ લે તો પણ તેનો રોઝો તુટતો
નથી. હઝરત અબૂ હુરૈરા કહે છે,
“મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે જો રોઝદાર ભૂલથી કઈ ખાઈ લે
અથવા પી લે તો રોઝો ન તોડે, બલકે રોઝો પુરો કરે”
રોઝાની હાલતમાં દાંતણ કરવું, મો સાફ કરવું કે દાંત સાફ
કરવાંથી પણ રોઝો કાયમ રહે છે. આમરી ઇબ્ન રબી આ અંગે કહે છે,
“હુઝુર (સ.અ.વ.) રોઝોની હાલતમાં એટલીવાર દાંતણ કરતા કે હું
ગણી શકતો નહિ”
હઝરત આયશા (રદિ)એ પણ કહ્યું છે,
“હુઝુર (સ.અ.વ.) ફરમાવ્યું છે કે દાંતણ મોને પાક કરનારું
અને ખુદાની ખુશી મેળવવાનું સાધન છે”
રમઝાન માસમાં કયારેક મોમીનને કોઈ નાનું મોટું શારીરિક
ઓપરેશન કરાવવાની ફરજ પડે છે. ત્યારે તે પોતાના તૂટી જતાં રોઝોથી ચિંતિત બને છે. કારણ
કે સમાન્ય રીતે એવી માન્યતા સેવવામાં આવે છે કે રોઝાની હાલતમાં શરીર ઉપર વાઢકાપ
અર્થાત ઓપરેશન કરાવવાથી રોઝો તૂટી જ્યાં છે. ઇસ્લામિક હદીસમાં આ અંગે પણ સ્પષ્ટ
કરવાંમા આવી છે. આજથી લગભગ સાડા છસો વર્ષ પહેલા પણ રમઝાનના મહિનામાં રોઝદારોને
અનિવાર્ય સંજોગોમાં શરીર પર વાઢકાપ અર્થાત શારીરિક ઓપરેશન કરાવવાની જરૂર પડતી. એ
માટે હદીસમાં એક શબ્દ વારંવાર ઉપયોગમાં લેવાયો છે. “સીંગી”. “સીંગી” અર્થાત અસ્ત્રા દ્વારા શરીરમાંથી ખરાબ
લોહી કાઢવાની ક્રિયા.
આ અંગે હદીસમાં કહ્યું છે,
“હઝરત ઇબ્ને ઉમર રોઝાની હાલતમાં સીંગી મુકાવતા હતા. પરંતુ
છેવટે તેમણે તે છોડી દીધું. અને રાત્રે સીંગી મુકાવતા થયા”
હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે,
“રસુલિલ્લાહ (સ.અ.વ.) એ અહેરામની હાલતમાં સીંગી મુકાવ્યું
અને રોઝાની હાલતમાં પણ મુકાવ્યું હતું”
એક અન્ય બાબત પણ ઇસ્લામને માનવધર્મ તરીકે સ્વીકારવા આગ્રહ
કરે છે. રોઝા દરેક માટે ફરજીયાત છે. પણ જો કોઈ પણ મુસ્લિમ સફર અર્થાત મુસાફરીમાં
હોય તો તેના માટે હદીસમાં ખાસ છૂટ આપવામાં આવેલા છે. હઝરત આયશા કહે છે,
“હમઝા ઇબ્ને અમ્ર અસલ્મી બધા રોઝા
રાખતા હતા. તેમણે મહંમદ સાહેબને પૂછ્યું “યા રસુલ્લીલાહ, સફરમાં રોઝા રાખું છું ?
આપે ફરમાવ્યું “ઈચ્છો તો રાખો, ન ઈચ્છો તો ન રાખો”
એકવાર સહાબીઓ સાથે મહંમદ સાહેબ
સફરમાં હતા. સખ્ત તાપ હતો. એટલે તાપથી બચવા માટે એક માણસના માથા પર કપડાથી છાયડો
કરવામાં આવ્યો. એ જોઈ મહંમદ સાહેબે ફરમાવ્યું “સફરમાં રોઝા એ સારું કામ નથી”
પણ આ રીતે છૂટી ગયેલા રોઝા અદા
કરવાનો પણ ઇસ્લામમાં આદેશ છે. ત્યાં સુધી કે બાકી રહી ગયેલા રોઝો તેના વાલી કે સગા
સબંધી એ પુરા કરવા જોઈએ. આ અંગે હદીસમાં કહ્યું છે,
“જે માણસ મરી જાય અને તેના ઉપર રોઝા
બાકી હોય તો તેના વાલી તેના તરફથી રોઝા પુરા કરે”
(આધાર : ઈમામ બુખારી (રહ) સંપાદક,
બુખારી શરીફ, ઈબ્રાહીમ (અનુવાદક) ભાગ ૬ થી ૧૦, પ્ર. ઈસ્માઈલ ઘડિયાળી, પરિએજ, જિ.
સુરત, પૃષ્ટ ૧૮૮ થી ૨૦૩)