Tuesday, August 20, 2013

ડૉ.(લોર્ડ) ભીખુ પારેખ અને ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૭, ૧૮ ઓગસ્ટના રોજ ગુજરાત વિદ્યાપીઠના શાંતિ સંશોધન કેન્દ્ર, ગાંધી દર્શન વિભાગ અને ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે "ભારતની બદલાતી રાજકીય પ્રથા : પરિમાણો અને પડકારો" વિષયક બે દિવસીય પરિસંવાદના ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા વિશ્વના જાણીતા ગાંધી વિચારક અને એક સમયના એમ.એસ. યુનિવર્સીટીના કુલપતિ ડૉ. (લોર્ડ ) ભીખુ પારેખ સાથે તેમના વ્યાખ્યાન પછી જાહેરમાં થયેલી પ્રશ્નોતરીમાં ઇસ્લામ અંગેના તેમના ઉજળા વિચારો જાણવા મળ્યા. ઇસ્લામના અનુયાયીઓ માટે અલગ કાનુનના એક પ્રશ્નના ઉત્તરમા તેમણે ઇસ્લામની બે મુખ્ય વિશિષ્ટતાઓનો પ્રશંસનીય ઉલ્લેખ કર્યો. જેમા સૌ પ્રથમ ઇસ્લામના વારસાના અધિકારની પ્રશંશા કરતા તેમણે કહ્યું,
"સર્વગ્રાહી દ્રષ્ટિએ વિશ્વના દરેક કાયદાઓમાં સમાન્ય રીતે પતિના અવસાન પછી તેની સંપતિમા પત્નીનો અધિકાર સ્વીકારવામાં આવ્યો છે. માનવીના જીવનમાં પત્નીનું આગમન તો પુખ્ત થયા પછી થાય છે. એ પહેલા તેના માબાપ, ભાઈઓ, બહેનો અને નજીકના સગાઓનું તેના ઉછેરમાં મહત્વનું પ્રદાન હોય છે. છતાં વારસામાં તેમને સમાન્ય રીતે સ્થાન આપવાનું મોટાભાગના દેશના કાનુને સ્વીકારેલ નથી. એક માત્ર ઇસ્લામ જ એવો ધર્મ છે જેમાં પતિના અવસાન પછી તેની મિલકત કે સંપતિમાં દરેક નજીકના સગા સબંધીઓને સ્થાન અને અધિકાર આપેલ છે"
ડૉ. ભીખુ પારેખનું આ વિધાન સાચું છે. ઇસ્લામના કાનુન મુજબ વ્યક્તિના વારસામાં કોઈ એક જ વ્યક્તિનો અધિકાર નથી હોતો. વ્યક્તિના વારસામાં તેના માબાપ, ભાઈબહેનો અને નજીકના સગાઓનો પણ હિસ્સો હોય છે. જો ભાઈ બહેન ન હોય તો પણ મરનારની મિલકતનો અધિકાર તેના નજીકના સગાઓને પ્રાપ્ત થાય છે. આ અંગે કુરાને શરીફની સુરતુન્નીસાની આયાતો ૧ થી ૧૪મા વિગતે ચર્ચા કરવામાં આવી છે. જેમકે આયાત બારમા કહ્યું છે,
"અલ્લાહ તમને તમારી ઔલાદના સબંધમા વસિયત કરે છે. પુરુષ માટે બે સ્ત્રીઓ બરાબર ભાગ છે, પછી જો બે અથવા બે કરતા વધારે છોકરીઓ હોય તો તે મરનાર જે કઈ મૂકી જાય તેનો બે તૃતિયાંસ ભાગ તેમનો છે. અને જો એક જ છોકરી હોય તો તેના માટે અર્ધો ભાગ છે. અને જો મરનારને કોઈ ઔલાદ હોય તો તેના માબાપ પૈકી દરેકને માટે તેની મિલકતમાંથી છઠ્ઠો ભાગ છે. પણ જો તેને કોઈ ઔલાદ ન હોય તો માત્ર માબાપ જ તેના વારસદાર થાય છે. મા માટે વારસાનો ત્રીજો ભાગ અને જો તેના ભાઈ બહેન પણ હોય તો તેની માનો મિલકતમાં છઠ્ઠો ભાગ છે, જે વસિયત મરનારે કરી હોય તે પ્રમાણે વર્ત્યા પછી અથવા કરજ ચુકવ્યા પછી તમારા બાપદાદા અને તમારા પુત્ર પૌત્રો હોય તો તેઓમાંથી તેમને લાભ પહોંચાડવા માટે કોણ વધારે પાસે છે તે તમે જાણતા નથી, આ અલ્લાહ તરફથી નક્કી થયેલો હુકમ છે, બેશક અલ્લાહ સર્વજ્ઞ જાણનારા અને હિક્મતવાળો છે"
એજ રીતે કુરાને શરીફની સુરતુન્નીસાની આયાત આઠમા કહ્યું છે,
"અને જયારે વારસદારોમાં વારસાની વહેચણી વખતે દૂરના સગા પણ મોજુદ હોય, અને તેઓ યતીમ અને ગરીબ હોય, તો તેમને પણ વારસાઈ મિલકતમાંથી કઈ આપી દો. એમ કરી તેમની સાથે પણ ભલાઈ કરો"  
આમ ઇસ્લામે ધન કે મિલકત એક જ સ્થાને કેન્દ્રિત થઇ, ઉત્પન થતા મૂડીવાદના દુષણની સમસ્યાનો ઉકેલ આપ્યો છે. આમ ઇસ્લામી કાનુન અનુસાર મિલકત કોઈ એક વિશેષ વ્યક્તિને વારસામાં મળતી નથી. બલકે મરનારના વારસદારોમાં વહેચાય જાય છે.
એ જ રીતે ડૉ. ભીખુ પારેખે ઇસ્લામના વ્યાજ ન લેવાના સિદ્ધાંતને પણ પશ્ચિમના રાષ્ટ્રોએ સ્વીકારી વ્યાજ મુક્ત બેન્કો દ્વારા થતા સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. ઇસ્લામનો એક અહેમ સિદ્ધાંત છે કે કોઈ પણ ઇસ્લામના અનુયાયીએ પોતાની સ્થાવર કે જંગમ મિલકત પર વ્યાજ ન લેવું જોઈએ કે વ્યાજ ન આપવું જોઈએ. કુરાને શરીફમાં કહ્યું છે,
"અને રીબા (વ્યાજ ) કે જે લોકો પોતાના માલને વધારવાના હેતુથી વ્યાજ લે છે કે આપે છે, તે અલ્લાહ પાસે  પોતાના માલમાં કઈ જ વધારો કરી શકતા નથી. પણ અલ્લાહની ખુશી માટે જે ખેરાત (દાન) આપે છે એવા જ લોકો પોતાના માલ અને સવાબને વધારનાર છે"
"હે ઈમાનવાળાઓ, બમણું, ચોગુનું વ્યાજ ન ખાઓ. અને અલ્લાહથી ડરો કે જેથી તમે સફળ થાઓ"
"ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે, પણ વ્યાજ પર સખ્ત પ્રતિબંધ મુક્યો છે"
કુરાને શરીફના આ આદેશ મુજબ વ્યાજ અર્થાત રીબા લેતી કે આપતી બેન્કિગ પ્રથા ઇસ્લામમાં આવકાર્ય નથી. ઇસ્લામી શરીયત મુજબ સ્થાવર કે જંગમ મિલકત પર વ્યાજ લેવાની પ્રથા સામાજિક શોષણ અને અસમાન મૂડીવાદની પ્રણેતા છે. ઇસ્લામિક રાષ્ટ્રો જેવા કે ઈજીપ્ત, ઇન્ડોનેશિયા,મલેશિયા, દુબઈ, સાઉદી એરેબીયાથી માંડીને ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં પણ આજે તો ઇસ્લામિક બેન્કિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ  છે. જેમાં મુકવામાં આવેલ રકમ ઉપર વ્યાજ આપવામાં આપવતું નથી.
ઈ.સ ૧૯૬૦ના દાયકામા વિશ્વમાં વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કિંગ સિસ્ટમ અંગે ગંભીરતાથી વિચારવાનો આરંભ થયો હતો. શરૂઆતમાં તે ખાનગી ધોરણે કેટલાક ઇસ્લામિક રાષ્ટ્રોમાં શરુ થઇ હતી. ઈ.સ. ૧૯૬૦મા સૌ પ્રથમ ઈજીપ્તમાં વ્યાજ મુક્ત ઇસ્લામિક બેંકનો વિચાર અમલમાં મુકાયો. ઇ.સ. ૧૯૭૦મા ઇજીપ્તના કેરો શહેરમાં સરકારે સૌ પ્રથમ ઇસ્લામિક બેંક શરુ કરી હતી. એ પછી ઈ.સ. ૧૯૭૫મા દુબઈમાં વ્યાજ મુક્ત ઇસ્લામિક બેંક શરુ થઇ. સાઉદી એરેબીયાના રાજા ફેસલે ઇસ્લામિક બેંકની સ્થાપનમાં ઊંડો રસ લીધો હતો. પરિણામે ૧૯૭૫મા સાઉદી અરેબીયમાં "ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેંક"ની સ્થાપના કરવામાં આવી. આજે તો અમેરિકા અને ઇંગ્લેન્ડમા ઇસ્લામિક બેન્કો સામાન્ય બની ગઈ છે. ભારતમાં ઇસ્લામિક બેન્કના વિચાર અંગે ઘણી વિશદ ચર્ચાઓ થઈ છે.પણ તેનો અમલ આજ દિન સુધી થયો નથી. ભારતના એક માત્ર રાજ્ય કેરાલામાં થોડા દિવસ પુર્વેજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઇસ્લામિક નાણાકીય સંસ્થા તરીકે ઇસ્લામિક બેંકની સ્થાપના માટે સંમતિ આપી છે. આવી વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કોમાં વ્યાજની રકમનો ઉપયોગ રાજ્ય, રાષ્ટ્ર કે સમાજના લોકહિત માટે કરવામા આવે છે. પરિણામેં આજે વિશ્વના રાષ્ટ્રો ઇસ્લામિક બેન્કિંગ પ્રથાને અપનાવવા ઉત્સુક બન્યા છે. ડૉ. ભીખુ પરીખે એટલા માટે જ પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું,

"ઇસ્લામની ઉજળી બાબતોની ચર્ચા અને અમલીકરણ જરૂરી છે"

Wednesday, August 14, 2013

"DHVJVANDAN" Progeame by Prof. Mehboob Desai on 15 August 2013 at Mahatma Gandhi's Sabarmati Ashram, Ahmedabad.















Tuesday, August 13, 2013





સાબરમતી આશ્રમમાં ધ્વજવંદન કરવાનું નિમંત્રણ