Wednesday, March 27, 2013

સ્ત્રીઓમાં ઘરેલું હિંસા : ડૉ. મહેબૂબ દેસાઈ



૮ માર્ચેના રોજ વિશ્વ નારી દિવસની ઉજવની આપણે સૌએ ભેળા થઈને કરી. ભારતીય સમુદાય શિક્ષણ દ્વારા પણ મ.દે.ગ્રામ મહિલા વિદ્યાપીઠ, રાંધેજા મુકામે તા.૧૫ માર્ચના રોજ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય શિક્ષણ સમુદાય વર્ષોથી વ્યક્તિ કે સમુદાયના શિક્ષણ અને વિકાસનું કાર્ય કરે છે.સ્કોટીશ ગવર્નમેન્ટે ૨૦૦૪મા Working and Learning Together to Build Stronger Communitiesની માર્ગદર્શિકામાં આપેલ સમુદાય શિક્ષણની વ્યાખ્યામાં જણાવ્યું છે,

સમુદાય શિક્ષણ એટલે સમુદાયની કેળવણી અને વિકાસ માટે ઔપચારિક કે અનઔપચારિક માર્ગે થતા વ્યક્તિગત કે સામુહિક પ્રયાસો. જેમાં વિવિધ કાર્યક્રમ અને પ્રવૃત્તિ દ્વારા સમુદાય અને વ્યક્તિ સાથે કેળવણી અને સંવાદો સાધી તેમના વિકાસને વેગ આપવામાં આવે છે. ટુંકમાં, સમુદાય શિક્ષણનો મૂળભૂત ઉદેશ ઔપચારિક કે અનઔપચારિક કેળવણી દ્વારા દરેક વયની વ્યક્તિ કે સમુદાયની જીવન ગુણવત્તાનો લોકશાહી માર્ગે વિકાસ કરવાનો છે.

આવા ઉદેશને વરેલ ભારતીય શિક્ષણ સમુદાય દ્વારા આયોજિત આ શિબિરમાં ઉપસ્થિત રહી
"સ્ત્રીઓમાં ઘરેલું હિંસા" વિષયક વાત કરવાની તક મને મંદાબહેન પરીખે આપી તે બદલ તેમનો આભારી છું.
આપણા જાણીતા શાયર સાહિર લુધયાનવીએ વર્ષો પહેલા પોતાના એક હિન્દી ગીતમાં લખ્યું છે,

 "ઔરતને જન્મ દિયા મર્દો કો
 મર્દોને ઉસે બાઝાર દિયા,
 જબ જી ચાહા મસલા, કુચલા
 જબ જી ચાહા ધુત્કાર દિયા"

આ ચાર લાઈનોમાં સ્ત્રીની પરાધીનતા અને સામાજિક સંઘર્ષને શાયરે અસરકારક રીતે વાચા આપી છે. જો કે આ માત્ર આધુનિક યુગની વાત નથી. છેક પ્રાચીનકાળથી ભારતીય સમાજમાં સ્ત્રીઓનો સામાજિક દરજ્જો દ્વિતીય કક્ષાનો જ રહ્યો છે. સંત તુલસીદાસે તેમના એક દોહામાં આ જ વાતને સાકાર કરતા લખ્યું છે,

"ઢોલ, ગંવાર, શુદ્ર, પશુ ઔર નારી
એ સબ તાડન કે અધિકારી"

તેની સામે મનુ સ્મૃતિમા કહ્યું છે,

"જ્યાં મહિલાની પૂજા થાય છે ત્યાં જ સંસ્કારો છે"
ભારતીમા હિંદુ સંસ્કારો મુજબ સ્ત્રીને લક્ષ્મી કે સરસ્વતી તરીકે  ઓળખવામાં આવે છે. આ જ સંસ્કારોને કારણે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિમાં ધીમું પણ નક્કર પરિવર્તન આવતું રહ્યું છે. જેના પરિપાક રૂપે જ ભારતે વિશ્વને અનેક મહાન મહિલાઓ આપી છે. વિદુષી ગાર્ગી,મીનળદેવી,રઝીયા સુલતાન,રાણી લક્ષ્મીબાઈ,સરોજીની નાયડુ,ઇન્દીરા ગાંધી,બેનઝીર ભુટ્ટો,સુનીતા વિલયમ્સ વગેરે જેવી અનેક મહાન મહિલાઓ  સ્ત્રી ઉન્નતિના પ્રતિક સમી છે.
આમ છતા ભારતય સમાજ દરેક યુગમાં પુરુષ પ્રધાન રહ્યો હોય, સ્ત્રી પરના શારીરિક કે માનસિક અત્યાચારોના કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. આજે ૨૧મી સદીમાં પણ સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે. દહેજ પ્રથાના દુષણ સામે લડે છે. શિક્ષણનો અભાવ અનુભવે છે. દુનિયામાં આવ્યા પહેલાજ ભ્રૂણહત્યાનો શિકાર બને છે. કેરાલા ભારતનું સપૂર્ણ સાક્ષર રાજ્ય છે. છતાં કેરાલામાં મહિલા આત્મહત્યાનું પ્રમાણ વિશેષ છે. ભારતમાં નેશનલ ક્રિમીનલ રેકોર્ડ બ્યુરોના સર્વે મુજબ,

૧. ભારતમાં દર ત્રીજી મીનીટે સ્ત્રીઓ પર ઘરેલું હિંસા થાય છે.
૨. ભારતમાં દર ૬૦ મીનીટે બે સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે.
૩. ભારતમાં દર છ કલાકે એક સ્ત્રી ઘરેલું અત્યાચારને કારણે આત્મહત્યા કરે છે.  

તે માટેનું મૂળભૂત કારણ તપાસતા ઈ.સ. ૧૯૯૩મા યુનાઇટેડ નેશને જણાવ્યું છે,
"સ્ત્રીઓ પરની ઘરેલું હિંસાના મૂળમાં સ્ત્રી અને પુરુષ વચ્ચનો અસમાન સામાજિક દરજ્જો છે"

સ્ત્રીઓની આ સ્થિતિમા સુધારો કરવા અનેક સામાજિક, રાજકીય, સરકારી કે સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠના ભારતીય સમુદાય સંઘ દ્વારા યોજાયેલ મહિલા સંમેલનમા ઘરેલું સ્ત્રીઓની બહોળી હાજરી તેમનામા આવી રહેલી જાગૃતિના પ્રતિક સમાન હતી. ગ્રામ્ય સમાજની અશિક્ષિત કે ઓછું ભણેલી સ્ત્રીઓની આર્થિક સધ્ધરતા માટે બેંક લોન અને તેની સાથે ઘરેલું લોનની પ્રથા પણ બહેનોમા ખાસ્સી પ્રચલિત હતી. એ માટે ભારતીય સમુદાય શિક્ષણની સ્વયંસેવિકા બહેનોના પ્રયાસો તેમના અહેવાલ વાંચન પરથી જોઈ શકાતા હતા. એ જ બાબતને કેન્દ્રમાં રાખી બહેનો સાથે મેં થોડી વાત કરી. બહેનોને ઘરેલું હિંસાથી મુક્ત કરવાના માર્ગો ગાંધીજીના સત્યાગ્રહના સિદ્ધાંતમાં જોવા મળે છે. સવિનય અસહકાર અને સહનશીલતાના માર્ગો પુરુષ પ્રધાન સમાજમાં પુરુષની જોહુકમી અને ઘરેલું હિંસાને રોકવામાં કારગત નીવડે છે.
એ અંગેનો સુંદર પ્રસંગ ગાંધીજીએ તેમની આત્મકથામાં આલેખ્યો છે.ઈ.સ ૧૮૯૮ના એ પ્રસંગમા પેશાબના વાસણ સાફ કરવા અંગે કસ્તુરબા સાથે થયેલ સંઘર્ષની વાત છે.કસ્તુરબા કમને રડતા રડતા પેશાબના વાસણ ઉપાડતા. ગાંધીજીને એ ન ગમતું. એ અંગે ગાંધીજી લખે છે,
આમ તેના માત્ર વાસણ ઉચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસ્તેમુખે લઇ જાય તો જ મને સંતોષ થાય.એટલે મેં બે બોલ ઉંચે સાદે કહ્યા,
આ કંકાસ મારા ઘરમાં નહી ચાલે
આ વચન તીરની જેમ ખૂંચ્યા.
પત્ની ધગી ઉઠી ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી
હું તો ઈશ્વરને ભૂલ્યો હતો. દયાનો છાંટો સરખો નહોતો રહ્યો. મેં હાથ ઝાલ્યો. સીડીની સામેજ બહાર નીકળવાનો દરવાજો હતો. હું આ રાંક અબળાને પકડીને દરવાજા લગી ખેંચી ગયો.દરવાજો અડધો ઉઘાડ્યો. આંખમાંથી ગંગાજમના વહી રહ્યા હતા અને કસ્તુરબાઈ બોલી,
તમને તો લાજ નથી. મને છે. જરા શરમાઓ. હું બહાર નીકળીને કયા જવાની હતી ? અહીં માબાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી એટલે તમારા ધુબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ અને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહિ શોભીએ
મેં મો લાલ રાખ્યું.પણ શરમાયો ખરો. દરવાજો બંધ કર્યો.જો પત્ની મને છોડી શકે તેમ નહોતી તો હું પણ તેને છોડી ક્યાં જનારો હતો ? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે.પણ પરિણામ હંમેશ કુશળ જ આવ્યું છે.પત્નીએ પોતાની અદભુત સહનશક્તિથી જીત મેળવી છે.” (સત્યના પ્રયોગો,પૃ.૨૫૩-૫૪)

ગાંધીજીના જીવનની આ ઘટના આપણા સૌ માટે માર્ગદર્શક છે.પુરુષોના ઘરેલું અત્યાચાર સામે સ્ત્રીની સહનશીલતા અને સવિનય અસહકાર અહિંસક અને સફળ શસ્ત્ર છે. પણ તેનો ઉપયોગ સમજદારી પૂર્વક થવો જરૂરી છે

Saturday, March 9, 2013

ગુજરાત વિદ્યાપીઠના અહિંસા ખંડમા ગુજરાતની ત્રણ યુનિવર્સિટીઓ ૧. ભાવનગર યુનિવર્સીટી,ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ વચ્ચે યોજાયેલ "આંતર વિશ્વ વિદ્યાલય કાર્યશાળા"ના ઉદઘાટન પ્રસંગે.
૮ માર્ચ ૨૦૧૩ સમય બપોરે ૧૧.૩૦