Monday, August 27, 2012
Thursday, August 9, 2012
"ગાંધીજી : એક રાષ્ટ્રીય સેવક"
ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઇતિહાસ ભવન અને ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર દ્વારા ૮,૯ માર્ચ ૨૦૧૧ના રોજ પાલિતાણ મુકામે આયોજિત "ગાંધીજી : એક રાષ્ટ્રીય સેવક" નામક રાષ્ટ્રીય સેમિનારમાં રજુ થયેલ લેખોનો સંગ્રહ .
પ્રાપ્તિ સ્થાન :
પાર્શ્વ પ્રકાશન , ઝવેરીવાડ, નીશા પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧
પ્રાપ્તિ સ્થાન :
પાર્શ્વ પ્રકાશન , ઝવેરીવાડ, નીશા પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧
Monday, August 6, 2012
ઈદ મુબારક : ડો. મહેબૂબ દેસાઈ
આજથી ૧૩૮૮ વર્ષ પહેલા ઇસ્લામના અનુયાયીઓએ
ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. હિજરી સન બીજી ઇ.સ. ૬૨૩ના રમઝાન માસથી
ખુદાએ રોઝાને ફર્જ (ફરજિયાત) કર્યા. આ જ રમઝાન માસ પૂરો થવાના બે દિવસની વાર હતી ત્યારે હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને ખુદાએ ઇદ-ઉલ-ફિત્રની
નમાજ અને સદકા-એ-ફિત્ર માટે એક આયાત દ્વારા આદેશ આપ્યો. એ આયાત (શ્લોક)માં ખુદાએ મહંમદ
સાહેબ (સ.અ.વ.)ને ફરમાવ્યું હતું.
‘બેશક એ
વ્યકિત સફળ થયો, જેણે
બુરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, ખુદાનું
નામ લઈ નમાઝ અદા કરી.’
હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ આ
આયાતનું અર્થઘટન કરતા કહ્યું, ‘સફળ થયો
એ વ્યકિત કે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઇદ-ઉલ-ફિત્ર ની નમાઝ પઢી.’
આમ, ઇસ્લામમાં
ઈદ-ઉલ-ફિત્રનો પ્રારંભ થયો. ‘ઈદ’ શબ્દ મૂળ ‘અબદ’ પરથી આવ્યો છે. ‘અબદ’ એટલે પુનરાવર્તન. દરસાલ પાછી ફરતી ખુશી એટલે ઈદ. અને
ફિત્ર એટલે દાન. ઇદના દિવસે સદકા-એ-ફિત્ર દરેક મુસ્લિમ માટે વાજિબ છે. ઇદની નમાઝ
પહેલા દરેક મુસ્લિમે સદકા-એ-ફિત્ર અદા કરવો જોઈએ. સદકા-એ-ફિત્રમા વ્યક્તિ દીઠ બે
કિલો ઘઉં અથવા તેની રોકડમાં કિંમત ગરીબોને આપવાનો હુકમ સરીયતમાં છે. આજના સમયમા
મોટે ભાગે મુસ્લિમો રોકડમાં સદકા-એ-ફિત્ર આપવાનું પસંદ કરે છે. જેથી ગરીબ માનવી તે
પૈસામાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તી ખરીદી શકે.
ઇદનો ચાંદ દેખાય તેની સાથે જ ઈદ-ઉલ-ફિત્રની
રાત્રીનો આરંભ થઈ જાય છે. આ મુબારક રાત્રીને "લૈલતુલ જાઈઝા" કહે છે.
અર્થાત ઇનામ અને ઇકરામ મેળવવાની રાત્રી. એક હદીસમાં લખ્યું છે,
"જે કોઈ આ રાત્રીએ ઈબાદત માટે જાગરણ કરશે,
તેના માટે જન્નત વાજિબ થશે"
ઇદની રાત્રી જેમ જ ઇદના દિવસનું પણ ખુબનું મહત્વ છે.
સૌ મુસ્લિમો સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા (ઉપવાસ) અને ઇબાદત (ભકિત) દ્વારા
ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને અનુસરવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. એ તપસ્યાનું પુણ્ય
મેળવવાની ખુશી પણ ઇદની ખુશી સાથે જોડાયેલી છે. એ દિવસે અલ્લાહ ગર્વથી તેમના
ફરીશ્તાઓને કહે છે,
"મારા બંદાઓએ મારા માટે સમગ્ર રમઝાન માસ
દરમિયાન અન્ન, જળ અને વાસનાઓનો ત્યાગ કર્યો છે."
અને એટલે જ ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદોઓ પર
બે રીતે રહેમત ઉતારે છે.
૧. સમગ્ર રમઝાન માસમા કરેલ સખ્ત ઈબાદતનું ફળ ખુદા
ઇદને દિવસે તેના બંદાઓને આપે છે.
૨. ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદાઓની દરેક દુવા
કબુલ ફરમાવે છે.
આમ ઈદ એ પવિત્ર આધ્યાત્મિક ખુશીનો તહેવાર છે. અને
એટલે જ તેની ઉજવણી સમયે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
૧.ઇદના દિવસે વહેલા ઉઠી જાવ. ૨. મિસ્વાક એટલે
દાતણ કરો, ગુસલ અર્થાત સ્નાન કરો ૩.પોતાની પાસે ઉપલબ્ધ હોય તેમાંથી સ્વચ્છ અને
સારા કપડા પહેરો ૪. અત્તર લગાડો. બજારમાં મળતા આલ્કોહોલ વાળા પરફ્યુમ કે સેન્ટનો
ઉપયોગ ન કરો. ૫. ઈદની નમાઝ પઢવા ઈદગાહ કે મસ્જિતે સમયસર પહોંચી જાવ ૭. શક્ય હોય
ત્યાં સુધી ઈદગાહ કે મસ્જીતે પગપાળા જાવ. ૮.નમાઝ પઢવા જતા પૂર્વે ઉપર જણાવ્યા મુજબ સદકા-એ-ફિત્ર અદા
કરો ૯. ઈદની નમાઝ પૂર્વે કોઈ મીઠી વસ્તુ ખાવ. ૧૦. મસ્જિત કે ઈદગાહ પર નમાઝ અદા
કરવા જાવ તે જ રસ્તે પાછા ન ફરો. બીજા રસ્તે ઘરે પાછા જાવ.
ઈદના દિવસે દરેક મુસ્લિમને ત્યાં ખીર બને છે. ખીર
એ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ, સેવ અને સૂકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી
જીવનમાં પુન: મીઠાશ પ્રસરાવવાનો સંદેશ આપે છે. ઇદની નમાઝ સમાનતાના સંદેશ છે. નાના-મોટા,
ગરીબ-અમીર સૌ એકજ સફ અર્થાત કતારમાં ઉભા રહી ઈદની નમાઝ પઢે છે. નમાઝ પછી મુસાફો
(હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને, ગળે
મળીને વીતેલા વર્ષમાં સંબંધોમાં વ્યાપેલ કડવાશ ભૂલી જઈ, મનને
સ્વરછ કરી, પુન:
પ્રેમ, મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ
કરવામાં આવે છે. કોઈ પણ મુસ્લિમ કે ગેરમુસ્લિમ મન, હૃદય સ્વચ્છ
કરી મુસ્લિમ બિરાદરને ત્યાં ‘ઈદ
મુબારક’ કરવા આવે છે ત્યારે તેને ઉમળકાતી આવકારવમા
આવે છે. પછી બંને એકબીજાના ગળે મળે છે. અને ખીરની મીઠાશથી સંબંધોની કડવાશને દૂર કરે
છે. આમ બંનેના હૃદય પુન: શુદ્ધ-નિર્મળ બને છે.
આમ ‘ઈદ’ એકબીજાની
ભૂલોને માફ કરવાનો,પ્રાયશ્ચિત કરવાનો દિવસ પણ છે. હઝરત કાબા બિન માલિકે પોતાની
ભૂલોની ખુદા પાસે આવીને ક્ષમા માંગી હતી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી
હતી. ત્યારે સૌ તેમને મુબારકબાદ આપવા ગયા. સૌથી છેલ્લે મહંમદસાહેબ (સ.અ.વ.)તેમને
મુબારકબાદ આપવા ગયા ત્યારે આપે ફરમાવ્યું હતું,
‘કાબા, તમારી જિંદગીનો ઇદ સમો આ દિવસ છે. આ ખુશીમાં મને
પણ સામેલ કરો અને મારી પણ મુબારકબાદ સ્વીકારો.’
આવી પ્રાયિશ્ચતની ક્રિયાઓ જ ઇદને સામાજિક ઉત્સવ
બનાવે છે અને એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળને ખંખેરવાનું પર્વ પણ છે.
એક વાર હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘ઇદના
દિવસે શું જરૂરી છે?’ મહંમદસાહેબ
(સ.અ.વ.)એ ફરમાવ્યું. ‘ઈદના
દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજહાર (અભિવ્યકિત) કરો. મનની કડવાશથી મુકત થાવ. ખાઓ-પીઓ
અને ખુશીની આપ-લે કરો. ખુશીને માણો અને ખુદાને યાદ કરતા રહો.’
ચાલો, આપણે સૌ ઈદની ઉજવણી તેના સાચા ઉદેશને છાજે
તેમ કરીએ. એ દુવા સાથે સૌ હુંદુ-મુસ્લિમ વાચકોને મારા આકાશ ભરીને ઇદ મુબારક.
Subscribe to:
Posts (Atom)