Thursday, September 23, 2010

હજયાત્રા : બંદાની નિયત અને ખુદાની મરજી : ડો. મહેબૂબ દેસાઈ

હજયાત્રા : બંદાની નિયત અને ખુદાની મરજી

ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં નમાઝ, જકાત(દાન), રોઝા (ઉપવાસ) અને હજ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. પણ તેમાં હજ અંગે થોડી છૂટ આપવામાં આવી છે. હજયાત્રા એ ફરજિયાત છે. પણ એવા મુસ્લિમો માટે કે જેઓ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર છે. ગરીબ મુસ્લિમ હજયાત્રાએ ન જાય તો કોઈ ગુનોહ નથી. જો કે હજયાત્રા માટે નાણા કે અન્ય કોઈ બાબત કયારેય અડચણ રૂપ બન્યા નથી. દરેક મુસ્લિમ માટે હજયાત્રા જીવન સ્વપ્ન હોય છે. અને એટલે જ બંદાની નિયત (ઈરાદો) અને ખુદાની મરજી હોઈ તો કોઈ પણ મુસ્લિમ હજયાત્રાએ આસાનીથી જઈ શકે છે. ધનના ઢગલાઓ હોઈ, પ્રતિષ્ઠાના પર્વતો હોઈ અને ખુદાની નજીક હોવાની વજનદાર દલીલો હોઈ છતાં નિયત (ઈરાદો) ન હોઈ તો એવી વ્યક્તિ હજયાત્રાએ કયારેય જઈ શકતી નથી. એટલે કે ખુદાએ જેના નસીબમાં હજયાત્રા લખી હશે, તે જ ખુદાના ઘરના દીદાર કરી શકે છે. મેં એવા અનેક મુસ્લિમો જોયા છે જેમને ખુદાએ બધું જ આપ્યું છે, છતાં તેઓ હજયાત્રાએ જઈ શક્યા નથી. અને એવા અનેક મુસ્લિમો હયાત છે જેમની પાસે કશું જ નથી છતાં તેઓ એક કરતા વધારે વાર હજયાત્રાએ જઈ આવ્યા છે. ટૂંકમાં હજયાત્રા માટે માત્ર જરૂરી છે, બંદાની નિયત અને ખુદાની મરજી.

મારા કિસ્સામાં પણ એવું જ કઈક બન્યું છે. સો પ્રથમવાર હજયાત્રાએ જવાનો મેં વિચાર કર્યો ત્યારે મારી બેંકમાં માત્ર ૭૦૦ રૂપિયા હતા. એ ઈ.સ. ૨૦૦૦નું વર્ષ હતુ. એક સવારે ચાની ચુસ્કી લેતા લેતા મેં પત્ની સાબેરાને કહ્યું,
“આપણે બન્ને હજયાત્રાએ જઈએ એવી ઈચ્છા આજે અનાયાસે જ મનમાં ઉપસી આવી છે”
મારી વાત સાંભળી સાબેરા એટલું જ બોલી,
“ઈચ્છા તો મારી પણ છે. પણ હજયાત્રાએ જવાના નાણા કયા છે ?”
એ દિવસે મગરીબ (સંધ્યા)ની નમાઝ બાદ મેં ખુદાને દુઆ કરી,
“યા અલ્લાહ અમારી હજ પઢવાની મુરાદ પૂર્ણ કરજો”
અને એ પછીના દિવસોમાં પૈસાની એવી તો વર્ષા થઈ કે અમેં અમારા મોટા બહેન સાથે હજયાત્રાએ જવા સક્ષમ થઈ ગયા. મારી પી.એફ.ની લોન, મારા નવા પગારનું એરિયસ, મારા પ્રકાશકનો આર્થિક સહકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના નીકળતા નાણા એમ કરતા કરતા હજ યાત્રાના નાણા ભેગા થઈ ગયા.અને અમે ૨૦૦૦ની સાલમાં હજયાત્રાએ જઈ આવ્યા.
એ ઘટનાને નવ વર્ષ વીતી ગયા. ૨૦૦૯ની સાલમાં પણ એવું જ કઈક બન્યું. એક દિવસે ફઝર(સવાર)ની નમાઝ પઢી મસ્જિત બહાર આવ્યો અને મોલાના એહમદ સાહેબ મળી ગયા.
“મહેબૂબભાઈ, ઇસ સાલ હજ મેં જાને કી નિયત કર લો. અલ્લાહ કામિયાબ કરેંગે”
અને તેના જવાબમાં મેં એટલું જ કહ્યું,
“ઇન્શાહઅલ્લાહ(અલ્લાહ કામિયાબ કરે)”
આ ઘટનાના ત્રણેક માસ પછી એક દિવસ ગુજરાત રાજય હજ કમિટિનો ફોન આવ્યો,
“સી.એમ. કાર્યાલય તરફથી ખાદીમ તરીકે આપના નામની પસંદગી થઈ છે.આપ તુરત અત્રે આવી જાવ”
અને તે વર્ષે મેં ખાદીમ તરીકે હજયાત્રાએ જવાની તમામ સરકારી વિધિઓ પૂર્ણ કરી. પણ ખુદાને તે મંજુર ન હતુ. એટલે કેન્દ્ર સરકારે અમારા નામો મોડા પહોંચ્યા હોઈ નામંજુર કર્યા. અને તે વર્ષે ગુજરાત સરકાર તરફથી એક પણ ખાદીમ હજયાત્રાએ ન ગયો
ઈ.સ. ૨૦૧૦ની સાલમાં પણ પુનઃ ખાદીમ તરીકે મારું નામ પસંદ થયું. તેની વિધિ ચાલતી હતી, એ દરમિયાન જ મારા વડીલ મા.ગફુરભાઈ બીલખીયાનો એક દિવસ ફોન આવ્યો,
“આપ બંનેને હું હજયાત્રાએ મોકલું છું. એટલે તૈયારીમાં રહેશો”
વાપીના શ્રીમંત અને મારા સ્વજન એંસી વર્ષના ગફૂરભાઈને અમે સૌ બાપુજી કહીએ છીએ.
મેં નવાઈ પામતા પૂછ્યું,
“પણ બાપુજી આપને આ વિચાર આવ્યો કેવી રીતે ? “
અત્યંત સાદગીના ઉપાસક અને પાંચ વખતના નમાઝી ગફુરભાઈ બોલ્યા,
“મહેબૂબભાઈ, આવા વિચારો આવતા નથી, ખુદા આવા વિચારો હદયમાં વાવે છે”

તેમના આ વિધાને મારી માન્યતાને વધુ દ્રઢ કરી. હજયાત્રા માટે નાણા કે અન્ય કોઈ બાબત કરતા સૌથી અગત્યની બાબત બંદાની નિયત અને ખુદાની ઈચ્છા છે. સાચા દિલથી જે મુસ્લિમ હજયાત્રાએ જવાની નિયત કરે છે, ખુદા અવશ્ય તેને હજયાત્રાએ મોકલે છે. મારા જીવનના ઉપરોક્ત બંને કીસ્સોઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. એ મુજબ અમે ૧૪ ઓક્ટોબરના રોજ હજયાત્રાએ જવા નીકળીશું. મારા હિંદુ-મુસ્લિમ સૌ વાંચક મિત્રો અને વડીલોને નમ્ર ગુજારીશ છે કે અમારા માટે ખુદા- ઈશ્વરને દુવા(પ્રાર્થના) કરશો કે ખુદા-ઈશ્વર અમારી હજ કબુલ ફરમાવે અને અમે ગુજરાતની સાત કરોડ હિંદુ-મુસ્લિમ પ્રજા માટે ખુદાની બારગાહમા અત્યંત કરગરીને દુઆ કરીશું,
“યા અલ્લાહ, ગુજરાતની હિંદુ-મુસ્લિમ પ્રજાને મહોબ્બત અને એખલાસથી તરબતર કરી દે – આમીન”

Shahbuddin Rathod & My family on 23-09- 2010 at my Home "Sukun" Bhavnagar











Thursday, September 2, 2010

જિલ્લા જેલમાં વ્યાખ્યાન





ભાવનગર જિલ્લા જેલમાં જન્માષ્ટમી તા. ૨ સપ્ટેમ્બરના સવારે ૧૦ કલાકે યોજાયેલ કાર્યક્રમમાં વ્યાખ્યાન આપી રહેલા ડો. મહેબૂબ દેસાઈ