Tuesday, November 24, 2009

Gujrati Bhashanu gaurav : Prof.Mehboob Desai

સવાયા ગુજરાતીઓને કોટી કોટી વંદન.
પ્રોફ.મહેબૂબ દેસાઈ

યુનેસ્કોના શૈક્ષણિક અહેવાલમાં નોધ્યું છે,
" શિક્ષણના મૂળમાં પોતાની સંસ્કૃતિ અને ભાષા અનિવાર્ય છે."
અને એટલેજ આપણી સંસ્કૃતિ જેમજ ભાષાનો પ્રચાર- પ્રસાર અને જાળવણી અત્યંત જરૂરી છે. હેરીટેજની જેમજ આપણી માતૃભાષાને પણ સંભાળવાની,જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. એ ફરજ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ, કવિઓ -લેખકો તો બરાબર બજાવે છે જ . પણ ગુજરાત બહાર વસતા અને અને આજે પણ ગુજરાતી ભાષાનું સતત સંવનન કરતા ગુજરાતીઓ કાકાસાહેબ કાલેલકર જેટલા સવાયા ગુજરાતીઓ છે. આજે એવા થોડાક ગુજરાતીઓની વાત કરવી છે.

બ્રિટનમાં ગુજરાતી સાહિત્યની કેડીને રાજમાર્ગ બનાવનાર કેટલાંક વિરલાઓમાં યાકુબ ઉમરજી મંકનું નામ કેમ વિસરાય ? અલબત તેમનું અસલ નામ સરહદોના સીમાડાઓ ઓળંગી શક્યું નથી.પણ તેમનું 'મહેક' ટંકારવી નામ ગુજરાત, બ્રિટન, કેનેડા અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સોં તેને ઓળખે છે. બ્રિટનમાં ગુજરાતી ગઝલ અને મુશાયરાનો પ્રારંભ ૧૯૬૬મા થયો હતો. તેનો આરંભ કરનાર 'મહેક' ટંકારવી હતા.એ ઐતિહાસિક તથ્ય ગુજરાતી સાહિત્યનો બ્રિટનમાં ઈતિહાસ લખાશે ત્યારે અચૂક નોધવું પડશે.

“જીવનનું ચિત્ર એ રીતે સજાવીએ આવો
અસલ જે રંગ છે તેને લગાવીએ આવો”

બ્રિટનના મુશાયરોમાં સૂફીરંગની ગઝલોને તરન્નુમમાં રજુ કરી મુશાયરાને લુંટતા 'મહેક' ટંકારવી ગુજરાતી રાયટર ગીલ્ડ (યુ.કે.)ના સ્થાપક છે. બોલ્ટન યુ.કે.ના જુદા જુદા ભાગોમાં મુશાયરોનું આયોજન અને સંચાલન સાથે ગુજરાતી ગઝલકારોને સુલભ અને સાચું માર્ગદર્શન પૂરું પાડનાર 'મહેક' ટંકારવીએ ગુજરાતી ભાષાને બ્રિટનમાં જીવંત અને સમૃદ્ધ રાખી છે.
યુ.કે.માં જ એક અન્ય ભડવીર ગુજરાતી સમાધી લગાવી બેઠા છે. એનું નામ છે વિપૂલ કલ્યાણી.તેઓ વર્ષોથી "ઓપિનિયન" નામનું ગુજરાતી બૌદ્ધિક માસિક ચલાવે છે. બ્રિટન અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં "ઓપિનિયન" કાફી લોકપ્રિય છે. ગુજરાતના

જાણીતા-માનીતા અનેક લેખકોના લેખોથી "ઓપિનિયન"દર માસે દુલ્હનની જેમ સજીધજીને દુનિયાના ગુજરાતીઓના હાથોમાં રમે છે. " ઓપિનિયન"નાં ફેબ્રુઆરી ૨૦૦૪ના અંકમાં પ્રવીણ શેઠ તેમના લેખ " ગુજરાત અને ગુજરાતવંશી વચ્ચે 'સિનર્જી'નો અનુબંધ"માં લખે છે,

“જહાં જહાં વસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ
જહાં જહાં મસ્તી હૈ
વહાં વહાં ગુજરાતી હૈ "

ખાદીનો સફેદ કફની- લેંઘો, ખભા પર બગલ થેલો અને હંમેશા મુર્દું સ્વરે વાતનો આરંભ કરતા વિપૂલભાઈ કલ્યાણી "ઓપિનિયન" ના પિતા તરીકે સવાયા ગુજરાતીની હરોળમાં બેઠા છે.

એક ઓર યુ.કે.નિવાસી છે જે ગુજરાતી ભાષાને શણગારવામાં અતિ વ્યસ્ત છે. જેમનું નામ છે દીપક બારડોલીકર. આમતો પાકિસ્તનથી હિજરત કરી યું.કે.પહોંચેલા દીપક બારડોલીકર અચ્છા શાયર અને ઉમદા ઇન્સાન છે. પણ એથી વિશેષ ગુજરાતી ભાષાના પ્રખર હિમાયતી છે. પાકિસ્તાનમાં રહેવા છતાં ગુજરાતી હોવાનો ગર્વ તેમના લખાણોમાં વારંવાર નીતર્યા કરે છે. તેમનીગુજરાતી ગઝલોમાં ઈશ્ક- કે- અકીકીના ઘાટા વિચારો વ્યક્ત થાય છે.

“નિરંતર ખુશી છે, નથી કોઈ ગમ
છે તારી કરમ મૌલા તારી કરમ

નથી અમને નિસ્બત કોઈ વાદથી
નબીનો ધરમ એ અમારો ધરમ

ચલો બેસી જઈએ હરમ છાંયમાં
સફળ થઈ જશે આપણો આ
જનમ”

ગુગલમાં "બાગે વફા" અને "બઝ્મે વફા" લખી સર્ચ કરો એટલે બે સુંદર ગુજરાતી વેબ સાઈડ નજરે પડશે. એ વેબ સાઈડના સર્જક છે મુહમ્મદઅલી યુસુફ ભૈડું. તખલ્લુસ છે "વફા".ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતી સાહિત્યકારોની રચનાઓને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વ સમક્ષ મુકવાની નેમ લઈને ચાલતા "વફા" સાહેબ ઉમદા ઇન્સાન અને ઉત્તમકોટીના શાયર છે.


"હમ કુછ ભી નહીં ફિરભી હમારે હોનેકા હૈ વાહેમાં
વક્ત કી ચક્કી મેં પીસકે મિટ જાયેંગે એક દિન”

જિંદગીની આવી સચ્ચાઈને પોતાની કલમ દ્વારા સાકાર કરનાર વફા સાહેબે ગુજરાતી અને ઉર્દુમાં ૬૦૦ જેટલી ગઝલો રચી છે. છેક અપ્રિલ ૨૦૦૬થી તેઓ "બાગે વફા" નામક બ્લોગ ચલાવે છે. "બઝ્મે વફા"માં ગદ્ય અને પદ્ય મળીને કુલ ૧૦૮૦ જેટલી ગુજરાતી રચનાઓ
વિશ્વના ગુજરાતીઓ માટે સંગ્રાહેલી છે. આજના ઇન્ટરનેટ યુગમાં ગુજરાતી ભાષાને આમ ગુજરાતી સુધી પહોંચાડવાના "વફા" સાહેબના આવા પ્રયાસો તેમને પણ સવાયા ગુજરાતી બનાવી દે છે. કેનેડાની ધરતી પર "વફા" સાહેબ સાથેજ ગુજરાતી ભાષાની કેડીને શણગારનાર એક અન્ય સર્જક છે જય ગજ્જર. નવ નવલકથા અને બે નવલિકા સંગ્રહ આપનાર જય ગજ્જરનો એક પગ ગુજરાતમાં,તો એક પગ કેનેડામાં હોઈ છે.અને એટલેજ ગુજરાતના સામાયિકો તેમની કલમના વરસાદથી ભીંજાતા રહે છે.
બ્રિટનમાં રહેતા આદમ મુસા ધોડીવાલા અર્થાત અદમ ટંકારવીનું ગુજરાતી સાહિત્યમાં-ગઝલમાં પ્રદાન અજાણ્યું નથી. ૧૯૯૧થી યુ.કે.માં વસેલા સૂફીસંત સમા અદમ ટંકારવીની ગઝલોમાં સરળ શબ્દોની ગુથણીમાં જીવનનો ગુઢાર્થ છુપાયેલો હોઈ છે.

"એક તારું નામ લખતા આવડ્યું,
તે પછી તો સ્લેટ કોરી રહી”

બ્રિટેનમાં ૧૯૭૦થી કવિ મંડળની સ્થાપના કરનાર જનાબ અહમદ ગુલની ગુજરાતી ગઝલોનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી બ્રિટનના અંગ્રેજી કવિઓનું ધ્યાન દોરનાર અદમ ટંકારવીને તેમના પુસ્તક " ગઝલની ચોપડી " માટે અકાદમીનું બીજું ઇનામ પ્રાપ્ત થયેલ છે.

ગુજરાતી ભાષાને વિદેશની ધરતીપર સજાવનાર-શણગારનાર આવા અનેક જાણીતા - અજાણ્યા સવાયા ગુજરાતીઓની યાદી ઘણી લાંબી છે. એવા સવાયા ગુજરાતીઓના પ્રતિક તરીકે સ્મૃતિમાં આણેલ આ અને આવા સૌ સવાયા ગુજરાતીઓને સમગ્ર ગુજરાત વતી કોટી કોટી વંદન.

(ગુજરાતી સાહિત્ય પરિષદનું આગામી અધિવેશન નવસારીના આંગણે ડીસેમ્બર ૨૦૦૯મા મળી રહ્યું છે. એ પ્રસંગે પ્રસિદ્ધ થનાર પુસ્તક માટે લખાયેલ લેખ.)

Sunday, November 22, 2009

“સેક્યુલર મુરબ્બો”: વાંચો, વિચારો અને આચરો :ડો.મહેબૂબ દેસાઈ

“સેક્યુલર મુરબ્બો”: વાંચો, વિચારો અને આચરો

ડો.મહેબૂબ દેસાઈ

ઇસ્લામ માનવ ધર્મ છે એ વાતના આધરો કુરાન-એ-શરીફના પાને પાને અંકિત થયેલા છે. આપણા જાણીતા ઇતિહાસકાર જદુનાથ સરકારે તેમના ગ્રન્થ
"હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ"મા લખ્યું છે,
"શિવાજીએ ઔરંગઝેબ ને લખેલા પત્રમાં જણાવ્યું છે , ' નામદાર , આપ જો પવિત્ર કુરાનમાં વિશ્વાસ ધરાવતા હો તો જાણી લો કે તેમાં ઈશ્વરનું સ્વરૂપ "રબ્બીલ-ઉલ-આલીમ " અર્થાત મનુષ્ય માત્રના ખુદા દર્શાવેલ છે. તેમાં રબ્બીલ-ઉલ-મુસ્લિમ અર્થાત માત્ર મુસ્લીમોના ખુદા નથી કહ્યું. કોઈ એક ધર્મ અને તેના રીત રીવાજો પ્રત્યે અંધ બની વળગી રહેવું , તે પવિત્ર કુરાનના આદેશ વિરદ્ધ છે. અને તે જાતનું વર્તન કરવું અલ્લાહનો વાંક કાઢવા સમાન છે.(પૃષ્ટ ૧૦૭)
હાલમાંજ પ્રસિદ્ધ થયેલ શ્રી ગુણવંત શાહના પુસ્તક " સેક્યુલર મુરબ્બો "
(પ્ર. આર.આર.શેઠની કુ.,અમદાવાદ)માં આપેલા આવા અવતરણો ઇસ્લામને માનવ ધર્મ તરીકે માનતા,સમજતા અને સ્વીકારતા શ્રી ગુણવંત શાહને સુંદર રીતે વ્યક્ત કરે છે. પોતાના સેક્યુલર વિચારોથી હિંદુ અને ઇસ્લામના કટ્ટરપંથીઓમાં ખળભળાટ મચાવનાર ગુણવંતભાઈ ત્રિશુલ દીક્ષા અંગે લખે છે,

" ત્રિશુલધારી મહાદેવની પૂજા સદીઓથી થતી આવી છે. મહાદેવની પૂજામાં બધું આવી જાય. મહાદેવથી અળગા કરેલ ત્રિશુલની પૂજા શા માટે ? કૃષ્ણની પૂજા કરનારો ભક્ત સુદર્શનધારી કૃષ્ણની પૂજા ભલે કરે. તમે ક્યાંય કેવળ સુદર્શન ચક્રની પૂજા થતી ભાળી છે ? ધનુર્ધારી રામની પૂજા સદીયોથી થતી આવી છે. રામથી ધનુષ્યને વેગળું કરી માત્ર ધનુષ્યની પૂજા શા માટે કરવી ? .... ત્રિશુલ હથિયાર છે. ગમે તેટલું નાનું હોઈ તોય એની ત્રણ અણીઓ તો તીષણ જ હોવાની . ત્રિશુલ સાથે વિમાની મુસાફરી ન જ થઈ સકે.... લોકશાહીમાં ધર્મના નામે આવું ધતિંગ ચલાવી ન લેવાય "(પૃષ્ટ ૮૫)

વંદેમાતરમનો વિવાદ હમણાં પાછો વકર્યો છે. વન્દેમાતરમનો આરીફ મોહંમદ ખાને કરેલો ઉર્દુ અનુવાદ આ પુસ્તકનું ઘરેણું છે. અત્રે તે અનુવાદ શબ્દસહ ગુણવંતભાઈએ આપ્યો છે. તે જાણવા અને માણવા જેવો છે,
”માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે
તસ્લીમાત , માં તસ્લીમાત !

તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે
તસ્લીમાત , માં તસ્લીમાત ! (પૃષ્ટ ૨૭૬)

વંદેમાતરમના આ ઉર્દુના અનુવાદ પછી તેનો વિરોધ કરતા મુસ્લિમ બિરાદરો પાસે કંઈ ખાસ કહેવાનું રહેશે નહિ.
આ જ પુસ્તકમાં ઇસ્લામના ૨૪ આલિમો (વિદ્વાનો)ના ઇસ્લામ અંગેના વિચારો પણ અત્રે અસરકારક રીતે રજુ થયા છે. ૩૧૪ પૃષ્ટોનું આ પુસ્તક શાળા-કોલેજો અને સ્વેચ્છિક સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહે તેવી કક્ષાનું બન્યું છે. શ્રી ગુણવંતભાઈ શાહને એ માટે આકાશભરીને અભિનંદન.

Sunday, November 15, 2009

ખાદીમ : ડૉ. મહેબૂબ દેસાઈ

ખાદીમ

ડો.મહેબૂબ દેસાઈ


ખાદીમ શબ્દ અરબી ભાષાનો છે. ખદમ શબ્દ પરથી ખાદીમ શબ્દ આવ્યો છે. ખદમ એટલે નોકરીમાં રાખવું. ખાદીમ એટલે સેવક,દાસ, નોકર. ગુજરાત સરકાર હજ યાત્રાએ જતા ગુજરાતના હાજીઓ સાથે છ જેટલા ખાદીમો નિયમિત મોકલે છે. આ ખાદીમોનું મુખ્ય કાર્ય હાજીઓની સેવામાં રત રહેવાનું છે. આરંભથી અંત સુધી હાજીઓને મદદરૂપ થવા ઉત્સુક રહેતા ખાદીમોની પસંદગી ગુજરાત સરકાર મોટે ભાગે ગુજરાતના સરકારી કર્મચારીઓમાંથી કરે છે. જુદા જુદા સરકારી વિભાગોમાંથી પસંદગી પામેલા આ ખાદીમો માટે હાજીઓની ખિદમત-સેવા કરવાનો સુઅવસર જિંદગીની પુણ્ય કમાવાનો મોટામાં મોટી તક હોય છે. એ સુઅવસર ખુદા ના ફઝલો કરમથી આ વર્ષે મને સાંપડ્યો છે. એ માટે હું ખુદાનો આકાશ ભરીને શુક્રગુઝર છું.

૨૦૦૦મા હું અને મારી પત્ની હજ પઢવા ગયા હતા. ત્યારે ખિદમતની એક આદર્શ મિસાલ મને જોવા મળી હતી.મદીનાની મસ્જિત-એ-નબવીમાં હું નિયમિત એક વૃદ્ધને મસ્જિતની ફર્શ સાફ કરતા જોતો. એ દિવસે અસરની નમાઝ પછી એ વૃદ્ધ મસ્જિતની સફાય કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે જઈ મેં તેમને,
“અસ્સ્લામોઅલાયકા " કહ્યું
તેમણે મને જવાબ વાળ્યો,
"વાલેકુમ અસ્સલામ”
"આપસે કુછ બાત કર સકતા હું?”
"ખુશીશે કી જીયે" સફાય કરવાનું ચાલુ રાખતા તેઓ બોલ્યા,
"આપકો હંમેશા મસ્જિતકી સફાય કરતે દેખતા હું. ક્યા
આપ યહાં કામ કરતે હૈ?”
મારી સામે સ્મિત કરી થોડીવાર તેઓ મને જોઈ રહ્યા. પછી બોલ્યા,

"મેરા નામ મલેક ગોહરઅલી હૈ. મૈ પાકિસ્તાનકા રહેનેવાલા હું . પેશાવેરમેં મેરી કપડેકી દુકાન હૈ . યે મેરા કાર્ડ હૈ "

અને ગોહરઅલીએ એક આકર્ષક કાર્ડ મારા સામે ધર્યું. હું અવાચક નજરે સામાન્ય લિબાસમાં મસ્જિતની ફર્શ પર પોતા મારતા પેશાવરના વેપારીને તાકી રહ્યો. મારી સ્થિતિને પામી જતા ગોહરઅલી બોલ્યા,
"જનાબ, ઇસમેં ઇતના પરેશાન હોનેકી જરૂરત નહિ. મૈ ખુદાકે ઘરકી ઔર હાજીઓકી ખિદમત મેં હર સાલ હજ કે દીનોમે યહાં આતા હું. એક મહિના બીના હીચકીચાહટ દોનોકી ખિદમત કરતા હું.ઔર ફિર પેશાવર લોટ જતા હું "
આટલું કહી ગોહરઅલી પાછા પોતાના કામમાં લાગી ગયા. અને હું ખિદમતની સાચી પરિભાષાને તાકી રહ્યો.

આજે જયારે ગુજરાત સરકાર તરફથી ખાદીમ તરીકે જવાનો મોકો ખુદાએ મને આપ્યો છે, ત્યારે ખુદા પાસે એટલીજ દુઆ માંગું છું કે હાજીઓની ખિદમત કરવાની મને ગોહરઅલી જેવીજ લગન અને શક્તિ આપજો - આમીન.

15-11-2009
7.00 PM

Friday, November 6, 2009

Vandematram : Prof.Mehboob Desai

ડૉ. મહેબૂબ દેસાઈ

વન્દેમાતરમ ગીતનો ફતવો : અકારણ વિવાદ



કુરાને શરીફમાં એક શબ્દ છે " તયમ્મુમ " જેનો અર્થ થાય છે,
“જયારે વઝુ (નમાઝ પૂર્વે પવિત્ર થવાની ક્રિયા) કરવા માટે પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે જે સ્થળે તમે હોવ ત્યાની મીટ્ટી-માટીને હાથ, પગ અને મોં પર ફેરવી દો તો પણ નમાઝ માટેની પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે"
જે ધર્મમાં વતનની મીટ્ટી-માટીને પવિત્રતા માટેના માધ્યમ જેટલી અહેમિયત આપવામાં આવી હોય , તે ધર્મ વતન પ્રેમને વ્યક્ત કરતા ગીત "વન્દેમાતરમ"ને ગાવાની પાબંધી કેવી રીતે કરી શકે?.

ઈ.સ.૧૮૭૫ના દુર્ગા પુજાના તહેવાર નિમિતે બંકીમચંદ્ર ચટોપાધ્યાય (૧૮૩૮-૧૮૯૪)પોતાના વતન કાન્તાલ્પાડા ટ્રેનમાં જઈ રહ્યા હતા.ટ્રેનના ડબ્બાની બહાર દેખાતા ખેતરો, વૃક્ષો , ફૂલો, ફળો ,નદી , ઝરણાંને જોઈ બંકિમચંદ્રને પ્રેરણા મળી. અને તેમણે ટ્રેનના ડબ્બામાં જ એક ગીત રચ્યું.એ ગીત એ જ "વંદેમાતરમ".
.
પછી તો તેમણે એ ગીત તેમની નવલકથા "આનંદમઠ"માં મુક્યું. આનંદમઠ નવલકથામાં એક મુસ્લિમ અંગ્રેજ શાશકો સાથે મળીને આમપ્રજાનું શોષણ કરે છે. એ શોષણ સામે પ્રજા પ્રચંડ બંડ પોકારે છે.અને ત્યારે પ્રજા "વંદેમાતરમ" ગાય ઉઠે છે. રાષ્ટ્રીય જાગૃતિ પ્રેરક આનંદમઠ નવલકથાને કારણે "વંદેમાતરમ" ગીત કાફી પ્રચલિત થયું. પરિણામે
ઈ.સ.૧૮૯૬માં કલકત્તા મુકામે કોંગ્રસનું અધિવેશન મળ્યું ત્યારે એ અધિવેશનમાં રવીન્દ્રનાથ ઠાકુરે પ્રથમવાર વંદેમાતરમ" ગીત સ્વર અને સંગીત સાથે ગાયું.એ અધિવેશનના પ્રમુખ એક પ્રખર મુસ્લિમ મહંમદ રહેમતુલ્લા સયાની હતા. જેમણે પણ એ ગીત લોકો સાથે ગર્વ ભેર ગાયું હતું.

ઈ.સ.૧૯૦૫ના બંગાળના ભાગલા પછી ભારતમાં સ્વદેશી આંદોલન સક્રિય થયું.એ આંદોલનમાં બંગાળના મુસ્લિમો જુસ્સા પૂર્વક "વંદેમાતરમ" ગીત ગાતા. આ અંગે
ગાંધીજી લખે છે,
"બંગભંગ સમયે "વંદેમાતરમ" ગીત હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમું હતું"

ઈ.સ. ૧૯૦૬માં કોંગ્રસનું બાવીસમું અધિવેશન કલકત્તામાં મળ્યું . ત્યારે જ "વંદેમાતરમ"ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રવાદી મહમદઅલી જીન્ના પ્રાંરભના દિવસોમાં "વંદેમાતરમ" ગીત ઉત્સાહ પૂર્વક ગાતા. પણ ૧૯૩૫ પછી તેમનો રાજકીય અભિગમ બદલાયો અને ૧૯૩૭માં તો જીન્નાએ "વંદેમાતરમ"ગીતનો સખ્ત વિરોધ કર્યો. પરિણામે મૌલાના આઝાદ,પંડિત નહેરુ , સુભાષચન્દ્ર બોઝ અને આચાર્ય નરેન્દ્ર દેવની એક સમિતિ રચાય.તેમણે આ ગીતનો પૂર્ણ અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું ,
“ગીતની પ્રથમ બે પંક્તિ ગાવા અંગે મુસ્લિમો માટે કોઈ ધર્મબાદ નથી.ગીત રાષ્ટ્રીય ગીત તરીકે પૂર્ણ યોગ્ય છે"

જો કે આ જ વિચારને અલીબંધુઓ મૌલાના શોકતઅલી અને મોહંમદઅલીએ વર્ષો પૂર્વે વ્યક્ત કર્યો હતો અને રાષ્ટીય ચળવળમાં"વંદેમાતરમ" ગીત અનેકવાર ઉત્સાહભેર ગાતા જોવા મળ્યા હતા.

એટલે આજનો વંદેમાતરમ ગીતનો ફતવો અને વિવાદ અકારણ લાગે છે.

Wednesday, November 4, 2009

Ahinsa : Prof. Mehboob Desai

ડો. મહેબૂબ દેસાઈ

અહિંસા : આપણો સાંસ્કૃતિક વારસો



આજના યુગમાં અહિંસા સાથેનું જીવન દુર્લભ બનતું જાય છે. ભારતના યુગપુરુષોએ અહિંસાનો મહિમા વારંવાર તેમના ઉપદેશોમાં ગાયો છે. એ ઉપદેશોમાંના કેટલાક અવતરણો આજે વાગોળીએ.
અહિંસાના પરમ ઉપાસક ભગવાન મહાવીર કહે છે,
"સર્વ પ્રાણીઓને જીવનની કામના છે. જેમ તું તારી જાતને ચાહે છે, તેમ તું બીજાને પણ ચાહ"
મહાન રાજ્નીતિજ્ઞ ચાણક્ય કહે છે,
" અહિંસા ધર્મનું લક્ષણ છે."
શ્રી વ્યાસ પુરાણમાં લખ્યું છે,
"પારકાને પીડવાથી પાપ થાય છે"
ભગવાન બુદ્ધ કહે છે,
"આ લોકના સર્વ જીવોને કોઈ શસ્ત્ર વાપરી મારવા નહીં."
ભગવત ગીતામાં લખ્યું છે,
"જે પ્રાણીઓમાં આત્મવત દ્રષ્ટિ રાખે છે, તે જ પંડિત છે."
મહાભારતમાં કહ્યું છે,
"અહિંસા જ પરમ ધર્મ છે"
શિક્ષાપત્રીમાં નોધ્યું છે,
"અહિંસા આદી સદાચાર જે મનુષ્ય પાળે છે, તે આ લોક અને પરલોકમાં મહાસુખ પામે છે"
ગુરુ નાનક કહે છે,
'જે કોઈ માસ ખાય છે અને માદક પ્રદાર્થોનું સેવન કરે છે, તેનું તમામ પુણ્ય નષ્ટ થાય છે"
કુરાને શરીફમાં કહ્યું છે,
"જે અન્ય પ્રાણીઓ સાથે દયાનો વ્યવહાર કરે છે, તેના પર અલ્લાહ દયા કરે છે"
મહંમદ સાહેબ (સ.અ.વ.) કહે છે,
"દરેક જીવ વાળા પ્રાણીની સેવા કરવી તે સવાબ છે"
જૈન ધર્મમાં કહ્યું છે,
"પ્રાણી માત્રને જરા પણ પીડા ન આપવી તે જ દયા છે"
સત્ય સાઈબાબા કહે છે,
"બધા જ જીવો પર અપરંપાર દયા દર્શાવો"
શ્રી હેમચંદ્રચાર્યએ કહ્યું છે,
"જેમ આપણા આત્માને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે , તેમ અન્યને પણ સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે"
સંત સુરદાસ કહે છે,
"દીનન દુ:ખ્હરન્ દેવ સન્તન હિતકારી"
સંત તુલસીદાસ કહે છે,
"તુલસી દયા ના પારકી
દયા આપકી હોઈ ,
તું કીણિ નૈ મારૈ નહી
તો તનૈ ન મારૈ કોઈ "
શ્રી રવીન્દ્રનાથ ટેગોર કહે છે,
" મારો પ્રેમ મને કોઈ ને કોઈ સેવાના કાર્ય તરફ દોરે છે"
સંત દયારામ ,
" સાચો સંત તે જેને દુ:ખ મળે તો પણ સુખ દે"
અહિંસાને આવી વિભાવના આપણા સંતોની આપણી સંસ્કૃતિની અમુલ્ય ભેટ છે.