૧૦૦ પ્રતિભાઓનું વિશિષ્ટ સન્માન
Bhaskar News, Bhavnagar
October 03 , 2009
પ્રતિમાઓની પૂજા કરતાં સમાજમાંથી પ્રતિભાઓને શોધી કાઢી, તેઓને સન્માનવાનું કાર્ય સૌરાષ્ટ્ર સમાચારે કર્યુ છે : પૂ. રમેશભાઈ ઓઝા આપણે પ્રતિમાઓની પૂજા કરવા ટેવાયેલા છીએ, પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા પણ આપણે કરીએ છીએ. પરંતુ જે સમાજમાં આપણે રહીએ છીએ, તે સમાજમાંથી અનન્ય પ્રતિભાઓને શોધી કાઢી તેઓનું સન્માન કરવાનું સ્ત્યુત્ય કાર્ય દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારે કર્યુ છે. તેમ ગુરૂવારે શ્રી પાર્ટી પ્લોટ ઈસ્કોન ખાતે યોજાયેલા એક રંગદર્શી સમારોહમાં ભાવ.જિલ્લાની એકસો પ્રતિભાવંત પ્રતિભાઓનું સન્માન કર્યા બાદ જાણીતા ભાગવતાચાર્ય પૂજય રમેશભાઈ ઓઝાએ પ્રસન્નતા વ્યકત કરી જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજનાં ઘડતરમાં પોતાની જાત નિચોવી નાંખનાર ભાવનગર જિલ્લાના ૧૦૦ શિલ્પીઓને શોધી કાઢવાનું કાર્ય કપરૂં છે પણ આ અખબારે તે સુપેરે પાર પાડયું છે. અખબાર સંચાલન કાંટાળો પથ હોવા અંગે પ્રકાશ પાડતા કહ્યુ હતું કે પત્રકાર, પોલીસ અને પોલિટિશ્યન માટે લાગણીશીલ હોવું તે તેની નબળાઇ છે કે તાકાત છે, આ યક્ષ પ્રશ્ન છે, આ ત્રણેય ક્ષેત્રના લોકો લાગણીશીલ હોય તો પોતાના કાર્યક્ષેત્રને ન્યાય આપી શકે નહી, અને લાગણીશૂન્ય હોય તો સમાજ માટે અસરકર્તા સાબિત થાય. પૂ.ઓઝાએ લાગણી વિનાના માણસને પાણી વિનાની નદી સમાન વર્ણવ્યો હતો. તેઓએ શિલ્પીઓ અંગે કહ્યું હતું કે, જે લોકો ઘ્યેય પાછળ સતત કાર્યરત રહે છે અને નિષ્ફળતાની લેશમાત્ર પરવાહ કર્યા વિના કામ કરતા રહે છે આવા માણસા થાકતા નથી.જ્યારે ઉર્જા અને નાણા રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલે મુખ્ય અતિથિપદેથી ઉદ્દબોધન કરતા ૧૦૦ શિલ્પીઓને સન્માનિત કરવાના કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર સમાચારને બિરદાવ્યું હતું. અને ૧૦૦ પાવરફુલ વ્યક્તિઓને કેન્દ્રસ્થાને લઈ ભાવનગર જિલ્લાના વિકાસને ગતિમાં લાવવા સહિયારા પુરૂષાર્થની આવશ્યકતા છે. ભાવનગરના વિકાસ માટે સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડની જોગવાઈ થશે. જે માટે ભાવનગરના શિલ્પીઓનું માર્ગદર્શક સૂચન આવકાર્ય રહેશે અને વધુમાં સૌરભભાઈ પટેલે ભાવનગરના વિકાસની ઓળખ ઉભી કરવા જેમ અમદાવાદની ઓળખ આઈ.આઈ.એમ. છે તેમ આગામી દિવસોમાં ભાવનગરથી ભાલને જોડતો ગુજરાતનો સૌથી મોટો કેબલ સ્ટેન્ડ પુલ બનશે જે ભાવનગરની માત્ર રાજ્ય નહીં પરંતુ રાષ્ટ્રમાં એક આગવી ઓળખ ઉભી કરાશે.ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સમાચારે ૧૦૦ શિલ્પીઓ શોધી કાઢી તેનું સન્માન કરી ભાવેણા ઉપર ૧૦૦ ઉપકાર કર્યા છે. પિડા વિના કયારેય પ્રસિધ્ધિ મળતી નથી, પરંતુ આકરી મહેનત વડે મળેલી પ્રસિધ્ધિ પણ પારા સમાન હોય છે, તે કયારે સરકી જાય તેની ખબર રહેતી નથી.જ્યારે ભાવનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કના ચેરમેન નાનુભાઈ વાઘાણીએ સૌરાષ્ટ્રની ઓળખસમાન સૌરાષ્ટ્ર સમાચાર હરહંમેશ સહકારીક્ષેત્રની પ્રગતિ માટેના સહકારમાં પણ મોખરે રહ્યું છે. અને ભાવનગરનાં શિલ્પીઓને સન્માનનો કાર્યક્રમ અનુકરણીય હોવાનું જણાવ્યું હતું.સન્માનીત શિલ્પીઓ વતી પોતાના પ્રતિભાવ વ્યકત કરતા શિપ બ્રેકિંગ એસોસિએશનના પ્રમુખ અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રદાન આપી રહેલા રમેશભાઇ મેંદપરાએ સૌરાષ્ટ્ર સમાચાર અંગે કહ્યું હતુકે શરૂઆતથીજ આ નિડર અખબારે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે, અને જયારથી દિવ્ય ભાસ્કર સાથે તેનું એકત્રીકરણ થયું છે ત્યારથી સુઘડ મુદ્રણ, નામાંકિત લેખકોની કોલમો સાથેની સંઘરવાલાયક પૂર્તિઓ સહિતની બાબતે તેની અસ્કૃયામતમાં ઉમેરો કર્યો છે. અન્ય શિલ્પી ડો.મહેબૂબ દેસાઇએ શાયરાના અંદાઝમાં શિલ્પીઓ વિષે કહ્યુ હતુ કે, ‘ઉંગલીયાં યું ન સબ પે ઉઠાયા કરો, ખર્ચ કરને સે પહેલે કમાયા કરો. જિંદગી કયા હે ખુદ-બ-ખુદ જાન જાઓગે, બારિસો મેં પતંગ ઉડાયા કરો.’ડો.દેસાઇના મતે સામા પવને વહાણ ચલાવનારા લોકો જીવનમાં કાંઇક કરી શકે છે તેમ જણાવ્યું હતું. શિલ્પીઓના સન્માન બાદ પુસ્તકના જયુરી મેમ્બર ઈન્દુભાઈ ચાતુર્વેદી, અરૂણભાઈ મહેતા, ડો.પી.જી. કોરાટ, ડો.શૈલેષ જાની અને શ્રીમતી છાયાબેન પારેખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.૧૦૦ શિલ્પીઓના સન્માન સમારોહનો પ્રારંભ દિપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. તમામ અતિથિઓનું પૂષ્પગુરછથી સ્વાગત કર્યું હતું. સ્વાગત પ્રવચન સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પ્રતાપભાઈ શાહે કર્યું હતું અને સૌરાષ્ટ્ર-કચ્છનાં માર્કેટીંગ હેડ સંજય ગોરે ભાસ્કર ગ્રૂપનો પરિચય આપ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના એકિઝકયુટીવ એડિટર કાના બાંટવાએ ૧૦૦ શિલ્પીના પુસ્તક અંગે માહિતગાર કર્યાં હતા તેમજ આભારદર્શન ડેપ્યુટી એડિટર તારકભાઈ શાહે કર્યું હતું.આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે મેયર રીનાબેન શાહ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મેહુલભાઈ વડોદરીયા, દિવ્ય ભાસ્કૃર ગ્રૂપના ગુજરાત રાજ્યના એકઝિકયુટીવ એડિટર અજયભાઈ ઉમટ, માર્કેટીંગ સ્ટેટ હેડ ધર્મેન્દ્ર મિશ્રા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાવનગર જિલ્લાભરમાંથી જુદા-જુદા ક્ષેત્રના અગ્રણી-આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.કાર્યક્રમની ઉદ્દઘોષણા સૌનક વ્યાસ અને સુમિત ઠક્કરે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર યુનિટ હેડ રાજેન્દ્રસિંહ યાદવ તથા માર્કેટીંગ ટીમના ચેતન સોની, હાર્દિક સોની, ફિરોજ પઠાણ, નિતિન પંડયા, સુરેશ વાળા, અજય ગૌસ્વામી અને મુકેશ મંગલાણી વિ.એ જહેમત ઉઠાવી હતી.
--------------------------------------------------------------------------
શિલ્પીઓનું સન્માન કરી સૌરાષ્ટ્ર સમાચારે અનોખો ચીલો ચાતર્યો છે : સૌરભભાઈ પટેલ
૧૦૦ શિલ્પીઓનું સન્માન કરી સૌરાષ્ટ્ર સમાચારે ભાવેણા ઉપર ૧૦૦ ઉપકાર કર્યા છે : રાજુભાઈ રાણા
સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સહકારમાં સૌરાષ્ટ્ર સમાચાર મોખરે : નાનુભાઈ વાઘાણી
નિડર અખબારે ૧૦૦ ઘડવૈયા શોધી સામાજિક દાયિત્વ સૂપેરે નિભાવ્યું : રમેશભાઈ મેંદપરા
સામ પવને વહાણ ચલાવનારા જ જીવનમાં સિધ્ધિ મેળવી શકે છે : પ્રો. મહેબૂબ દેસાઈ