Thursday, November 8, 2018

“કહાં ગયે વો લોંગ જો મઝહબ કો મહોબ્બત સમજતે થે” : ડૉ. મહેબૂબ દેસાઈ


આ સત્ય ઘટનાના નાયક છે શિવ કથાકાર પુરીબાપુ. તેમની સાથેનો મારો સબંધ લેખક અને વાચક તરીકે તો ઘણો લાંબો છે. પણ અમે પ્રથમવાર ગત ઓક્ટોબર માસની ૩૧ તારીખે મારા નિવાસસ્થાને મળ્યા હતા. સૌ પ્રથમવાર  હું ઓસ્ટ્રેલિયા હતો ત્યારે તેમનો મારા પર ફોન આવ્યો હતો. ત્યારે તેમણે તેમની લાક્ષણિક અદામાં મને કહ્યું હતું.
“ભગવાન, આપને મળવાની ઈચ્છા છે. આપ સમય આપો ત્યારે અમે આવીએ.”
ભગવાનનું સંબોધન કરનાર પુરી બાપુની નમ્રતા મને સ્પર્શી ગઈ.
મેં તેમને કહેલું ,
”હાલ તો હું ઓસ્ટ્રેલિયામા છું. ઓક્ટોબરની ૨૪મીએ ભારત આવીશ. ત્યારે આપણે જરૂર મળીશું.” ૨૪મીએ ભારતમાં મારું આગમન થયું, બીજા જ દિવસે તેમનો ફોન આવ્યો.
“ભગવાન મેં આપની સાથે આપ ઓસ્ટ્રેલિયા હતા ત્યારે વાત કરી હતી. આપને મળવા આવવાની ઈચ્છા છે. આપ સમય આપો ત્યારે અમે આવીશું.”
મેં તેમને ૩૧મી એ બપોરે ૧૨ વાગ્યે મારા ઘરે આવવાનો સમય આપ્યો.
પુરીબાપુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલ કટુલા ગામમા એક નાનકડો “સદગુરુ ધામ” નામક આશ્રમ ચલાવે છે. પંચાવન વર્ષના પુરી બાપુ સ્વભાવે સરળ અને હદયના નિખાલસ છે. તેમના આશ્રમમાં દસ પંદર ગાયો છે. તેનું તેઓ પ્રેમપૂર્વક જતન કરે છે. સાથે નાનકડું ભોજનાલય પણ ચલાવે છે. જેમાં કોઈ પણ નાતજાતના ભેદ વગર સૌને વિનામૂલ્યે તેઓ જમાડે છે. રામકથા, શિવકથા કરી તેઓ ભક્તિમાં લીન રહે છે. છે. ગામના લોકો તેમના દુઃખ દર્દો લઈને તેમની પાસે આવે છે. અને બાપુ ઈશ્વરનું નામ લઇ તેમને શક્ય તેટલી મદદ અને સાંત્વન આપે છે. આસપાસના લોકોમાં બાપુ માટે ઘણું માન છે. મારી કોલમ “રાહે રોશન” અને રમઝાન માસમાં આવતી કોલમ “શમ્મે ફરોઝાં”ના તેઓ  નિયમિત વાચક છે. તેમાં આવતી કુરાને શરીફ અને મહંમદ સાહેબની બાબતોને તેઓ ખાસ નોંધી રાખે છે અને તેનો ઉપયોગ આસ્થા સાથે લોકોની સમસ્યાઓ દૂર કરવામા કરે છે. તેઓ કહે છે.
“ઈશ્વર કે અલ્લાહ એક જ છે. બંનેનું સત્વ એક જ છે.”
મારે ત્યાં તેઓ તેમના બે શિષ્યોને લઈને આવ્યા હતા. તેમના ઔપચારિક સ્વાગત પછી મેં પૂછ્યું,
“બાપુ શું લેશો ચા કે ઠંડુ”  તેમણે કહ્યું “થોડી ચા લઈશ”
મારી પત્નીએ તેમને કપમાં ચા આપી. ત્યારે તેમાંના શિષ્યએ થેલામાંથી કમંડલ કાઢી તેમને આપ્યું. બાપુએ ચા તેમાં નાખીને પીધી. ચા પીધા પછી તેમના શિષ્ય કમંડળ ધોવા ઉઠ્યા. મારી પત્ની
સાબેરાએ તેમની પાસેથી આગ્રહ કરી કમંડળ લઇ લીધું. અને તે ધોઈને તેમના શિષ્યને પરત કર્યું. પછી તો બાપુ વાતોએ વળગ્યા.પણ મારે અત્યારે તેમની એ બધી વાત નથી કરવી. અત્યારે તો મારે તેમણે મને કરેલ એક અદભૂત ધાર્મિક સદભાવની વાત કરવી છે.
૨૦૦૩ની સાલ હતી. હોળીના દિવસો હતા. પુરી બાપુની કથાનું આયોજન કચ્છના અંજાર શહેરની પાસે આવેલા નાગરપરા ગામમાં કરવામાં આવ્યું હતું. પોથી પૂજનની તડામાર તૈયારીઓ નાનકડા ગામમાં ઉત્સાહથી થઈ રહી હતી. પોથી પૂજનનો દિવસ અને સમય આવી ગયો. વાજતે ગાજતે પોથી પૂજન માટે આખું ગામ ઉમટ્યું. ત્યાજ ખબર આવ્યા કે ગામના અકબર શેઠ હજયાત્રાએથી પાછા આવી રહ્યા છે. અને તેમના સ્વાગત માટે સૌ તૈયારીઓ કરી રહ્યા છે. નાનકડું ગામ એમાં બે પ્રસંગો. ગામ લોકો મૂંઝાયા. કયા જવું એ સમજાય નહિ. પુરી બાપુને તેની જાણ થઈ. તેમણે ગામના વડીલોને ભેગા કરી કહ્યું,
“અકબર શેઠ ભગવાનના ઘરેથી આવી રહ્યા છે તેથી પહેલા તેમનું સ્વાગત ગામ લોકો કરે. પછી આપણે પોથી પૂજન કરીશું.” હજયાત્રાએથી આવી રહેલા અકબર શેઠને પુરી બાપુની આવી સદભાવનાની જાણ થઈ. અને તેમણે ગામ લોકોને કહ્યું,
“ભગવાનનું સામૈયું હોય, માનવીનું નહિ. પોથીપૂજન ભવ્ય રીતે કરો. હું નમાઝ અદા કરી કથામા જરૂર આવીશ.”
આમ છતાં પુરીબાપુએ પોથી પૂજન થોડું મોડું કર્યું. ગામ લોકોએ અકબર શેઠનું ભવ્ય સ્વાગત કર્યું.
કથા અહિયાં પૂરી નથી થતી. પોથી પૂજન પછી કથાનો આરંભ થયો. ઝોહર અર્થાત બપોરની નમાઝ અદા કરી અકબર શેઠ સીધાં કથામા આવ્યા. પુરી બાપુએ કથામાં પધારેલા હાજી અકબર શેઠનું કથા રોકી ફૂલહારથી સ્વાગત કર્યું. અકબર શેઠે પોતાના સ્વાગતના જવાબમાં ટુકું પણ સદભાવ ભર્યું ભાષણ કરતા કહ્યું,
“આજે પુરી બાપુ અને આ ગામે સદભાવના અને કોમી એખલાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું પુરી બાપુના વિચારોને પ્રણામ કરું છું.”
થોડી વાર અટકી અકબર શેઠ બોલ્યા,
“પુરી બાપુની ગૌસેવાને બિરદાવી હું ગૌ માતા માટે એકાવન હજારનું દાન આપું છું.”
અને કથામા બેઠેલા ગામજનોએ તાળીઓના ગળગળાટથી અકબર શેઠની ઉદારતાને વધાવી લીધી. આજે આ ઘટનાને ૧૫ વર્ષ વિતી ગયા છે. અકબર શેઠ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. માત્ર ઘટનાનું બયાન કરવા મારી સમક્ષ સફેદબંડી, ભગવો ગમછો, માથે તિલક અને સફેદ પવિત્ર દાઢી ધારી પુરી બાપુ બેઠા છે. હું એક નજરે પુરીબાપુની વાત સાંભળી રહ્યો છું. ત્યારે મારા મનમાં વિચારોના વમળો ઉઠે છે. અને એ વમળોમાંથી એક પ્રશ્ન ઘાટો બની મારા હદયમા ઉપસી આવે છે. અને એ છે,
“કહાં ગયે વો લોંગ જો મઝહબ કો મહોબ્બત સમજતે થે”


No comments:

Post a Comment