Monday, April 2, 2018

ચિસ્તીયા સિલસિલાના સાચા સંવાહક : ડૉ. મહેબૂબ દેસાઈ


૩૧ માર્ચના રોજ પાલેજ મુકામે હઝરત ખ્વાજા મલાઉદ્દીન ચિસ્તી સાહેબનો ઉર્સ મુબારક ઉજવાયો. આમ તો ઉર્સની ઉજવણી સૂફી પરંપરા મુજબ સૂફીસંતના અવસાનની હિજરી ઇસ્લામિક તિથી મુજબ ઉજવાય છે. પણ હઝરત ખ્વાજા મલાઉદ્દીન ચિસ્તી સાહેબનો ઉર્સ હંમેશા હિંદુ તિથી મુજબ જ ઉજવાય છે. અજમેરના ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સમા જે રીતે હિંદુ મુસ્લિમ એકતા અને શ્રદ્ધાના દર્શન થાય છે, તેમ જ હઝરત ખ્વાજા મલાઉદ્દીન ચિસ્તી સાહેબના ઉર્સમા પણ હિંદુ મુસ્લિમ સમુદાય સરખા ઉત્સાહથી ઉમટે છે. વળી, મોટે ભાગે ઉર્સની ઉજવણીમા કવ્વાલીનો દૌર લગભગ આખી રાત ચાલતો હોય છે. અને શ્રધ્ધાળુઓ તે આખી રાત માણતા હોય છે. પણ અત્રે ઉર્સની ઉજવણીમા દર વર્ષે કવ્વાલી પૂર્વે વિશિષ્ટ વિષયો પર વ્યાખ્યાનો યોજાય છે. દરગાહના હાલના ગાદીપતિના પુત્ર ડૉ.મતાઉદ્દીન ચિસ્તી દર વર્ષે ઉર્સની ઉજવણીમાં સામાજિક અને શૈક્ષણિક સંદર્ભ જોડી વિવિધ મુદ્દાઓ પર સામાજિક સભાનતા કેળવવા પ્રયાસ કરે છે. આ વર્ષે  ઉર્સની ઉજવણીનું મુખ્ય સૂત્ર હતું  ચાલો માનવતા મહેકાવીએ.... આ વિષય પર બોલવા મારી સાથે જાણીતા શાયર ડૉ. રઈશ મનીયાર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના શિક્ષણ વિભાગના વડા ડૉ.રાયસંગ ચૌધરી હતા. જેમણે માનવતાને ઉજાગર કરતા પોતાના વિચારો વિશાળ જનમેદની સમક્ષ રાત્રીના બાર વાગ્યા સુધી રજુ કર્યા હતા. અને હજારો હિંદુ મુસ્લિમ શ્રધ્ધાળુઓએ તે માણ્યા હતા. જો કે ઉજવણીનું આ સ્વરૂપ મોટે ભાગે સૂફીસંતોની દરગાહ ઉપર જોવા મળતું નથી. પણ સાચા અર્થમાં જોઈએ તો માનવતાએ સૂફીસંતોના જીવન કાર્યોના પાયામાં રહેલ છે. સૂફી સંતો ઈશ્વર કે ખુદાને મંદિર,મસ્જિત કે ગુરુદ્વારામા નથી શોધતા, તેઓ માને છે કે ખુદા કે ઈશ્વર માનવીના હદયમાં વસે છે. અને એટલે જ માનવતાના દરેક કાર્યમાં ખુદા છે. એક શાયરે એ વિચારને સાકાર કરતા લખ્યું છે,
 વો મંદિર મસ્જિત ગુરુદ્વારા મેં નહિ રહતા
 વો સુરદાસ કી લાઠી મેં આવાઝ બન કે રહેતા
અર્થાત સુરદાસ પોતાની લાકડીના સહારે પોતાનો માર્ગ શોધી લે છે તેમજ માનવી પણ ખુદાને મંદિર,મસ્જિત કે ગુરુદ્વારામા શોધવાને બદલે માનવીના હદયમાં શોધવા પોતાના મનની લાકડી ખખડાવે.
મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વારસદારો સૂફીવાદની ચિસ્તીયા સીલસીલાના અનુયાયી છે. આઈને અકબરીમાં અબુલ ફજલે સૂફીવાદના ૧૪ સિલસિલોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સૌ પ્રથમ ચિસ્તીયા સિલસિલાનો છે. કારણ કે મધ્યકાલીન ભારતમાં સૂફીવાદની ચિસ્તીયા પરંપરાના સંતોની બોલબાલા રહી છે. જેમાં ખ્વાજા ગરીબ નવાઝ, નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીદ અને ખ્વાજા મોયુદ્દીન ચિસ્તીનો સમાવેશ થાય છે. અમદાવાદના અનેક સુલતાનો અને સંતો પણ આ જ ચિસ્તીયા પરંપરાના સમર્થકો હતા. તેનું મુખ્ય કારણ તેના માનવીય સિદ્ધાંતો અને તેનું આચરણ હતા. જેમ કે સૂફી સૂફીવાદની ચિશ્તી પરંપરાનો મહત્વના સિદ્ધાંત હતો કે સૌ પ્રથમ માનવીને માનવી સુધી પહોંચાડો. અને પછી માનવીને ખુદા કે ઈશ્વર સુધી લઇ જાવ. સારો માનવી જ ખુદા સુધી પહોંચવામાં સફળ થઈ શકે. એટલે જ જે માનવી માનવીને સમજી શકે છે, તેને સહાયભૂત થાય છે, તે જ સારો માનવી છે. એવો સારો માનવી જ ખુદા કે ઈશ્વરની નજીક જઈ શકે છે.

ચિસ્તીયા પરંપરાનો બીજો મહત્વનો સિધ્ધાંત એ છે કે કુરાને શરીફના માનવીય સિદ્ધાંતોનું રટણ માત્ર ન કરતા, તેને આચરણમાં મુકો. ચિસ્તીયા પરંપરાના સંતો અને ઓલિયાઓ તેના માટે ખાસ કહે છે,
લિસાલે કાલ સે જ્યાદા જરૂરી હૈ લિસાલે હાલ
અર્થાત શાબ્દિક ઉપદેશ કરતા જરૂરી છે ઉપદેશનું આચરણ. ચિસ્તીયા સિલસિલાના સંતો એ કુરાને શરીફના માનવીય અભિગમને પોતાના જીવનમાં ઉતાર્યા હતા. જેનું ઉત્તમ દ્રષ્ટાંત અજમેરના જાણીતા સંત ખ્વાજા ગરીબ નવાઝ છે કે  જેમણે પોતાનું સમગ્ર જીવન લોક સેવા અને લોક કલ્યાણમાં વિતાવ્યું હતું. આ જ ઉદેશને સાકાર કરવા મોટા મિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ હઝરત પીર સલીમુદ્દીન ચિસ્તી અને તેમના સુપુત્ર મતાઉદ્દીન ચિસ્તીએ ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન નામક સંસ્થાની સ્થાપના કરી છે. જેમાં જાતીય ભેદભાવોથી પર રહી લોકસેવાનું વિનામૂલ્યે કાર્ય કરવામા આવે છે. ગરીબ અસહાય લોકોને શિક્ષણ, સ્વાસ્થ અને જીવનનિર્વાહ માટે શક્ય તેટલી સહાય કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસાર વગર કરવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી કોમી એકતા, વ્યસન મુક્તિ, ગાયોનું જતન અને તેને કતલ ખાને જતા અટકાવવાનું અભિયાન ચિસ્તીએ ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન ચલાવી રહ્યું છે. ૩૧ મેં ૨૦૧૬ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે માંગરોળ મુકામે એક લાખ લોકોને વ્યસનમુક્તિ અભિયાનમાં જોડ્યા હતા. જેમાંથી નેવું ટકા લોકો વ્યસન મુક્ત થયાનું કહેવાય છે. એ જ રીતે સંસ્થા દ્વારા ગામે ગામ ગાયોને પાળવા, તેનું જતન કરવા લોકોને આહવાન કરવામા આવે છે અને તે માટે જરૂરી સહાય પણ કરવામા આવે છે. આ ઉપરાંત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા માનવતા પ્રેરિત સૂફી સિદ્ધાંતોને લોકો સમક્ષ પહોંચાડવાના હેતુથી મુલ્ય નિષ્ઠ પુસ્તકોના પ્રકાશનો પણ હાથ ધરવામાં આવ્યા છે. ડૉ.મતાઉદ્દીન ચિસ્તીનું પુસ્તક સૂફી સંદેશ એ દ્રષ્ટિએ વાંચવા જેવું છે.

આમ એક ધાર્મિક મરકજે (સ્થાન) વિના મુલ્યે, નિસ્વાર્થ ભાવે સમાજ સેવાનું કાર્ય કરી ધર્મની સાચી પરિભાષા આપણી સમક્ષ મૂકી છે, તે માટે તેમને આકાશ ભરીને અભિનન્દન.



No comments:

Post a Comment