Thursday, January 25, 2018

કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી : જલન માતરી : ડૉ. મહેબૂબ દેસાઈ


માનવી પોતાનના જીવનમાં માત્ર એકાદ કાર્ય કે શાયર પોતાના એકાદ શેરથી ચિરંજીવી બની જાય છે. જેમ કે ઓજસ પાલનપુરી તેમના એક જ શેરને કારણે આજે પણ લોકોની સ્મૃતિઓમાં જીવંત છે. તેમનો એ જાણીતો શેર છે,
“મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
 આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરાઈ ગઈ”
જીવનની ગહન સચ્ચાઈને માત્ર બે લાઈનમાં સાકાર કરનાર આવા જ મોટા ગજાના એક અન્ય શાયર જલન માતરી સાહેબ ૨૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા. ઇસ્લામમાં કોઈના અવસાન અર્થાત વફાત માટે હંમેશા આ શબ્દ વપરાય છે કે “તેઓ ખુદાની રહેમતમાં પહોંચી ગયા”. અર્થાત ખુદાની સિધ્ધી દયા, કૃપા કે રહેમતના તેઓ હક્કદાર બની ગયા. કારણ કે તેઓ ખુદાની નજીક પહોંચી ગયા. જલન માતરી સાહેબ ભલે આ ફાની દુનિયા છોડી જતા રહ્યા પણ તેમનો પેલો બહુ જાણીતો, પ્રચલિત અને ગહન શેર આપણા ચિંતન અને મનન માટે હંમેશ માટે મુકતા ગયા છે. એ શેર છે,
“શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી”
તેમનો આ શેર ઇસ્લામના ઈમાનના સિદ્ધાંતને સાકાર કરતો આપણી વચ્ચે જીવંત છે. ઇસ્લામના પાંચ સ્તંભો એ જ ઈસ્લામને આજ દિન સુધી જીવંત રાખેલ છે. એ પાંચ સ્તંભોમા ઈમાન, નમાઝ, રોઝા, ઝકાત અને હજજ છે. આ પાંચ સ્તંભોમા સૌથી પ્રથમ સ્તંભ ઈમાન છે. ઈમાન એટલે શ્રદ્ધા, વિશ્વાસ કે યકીન. જે માનવીમા શ્રધ્ધા કે ઈમાન નથી તે નાસ્તિક છે. તેને કોઈ મઝહબ કે ધર્મ સાથે સબંધ નથી. અને એટલે જ જલન સાહેબ કહે છે,
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી
આ શેરની પ્રથમ કડીમા જલન સાહેબ કહે છે કે જો માનવીમાં ઈમાન હોય, શ્રદ્ધા હોય તો પછી તેને કોઈ પુરવાની કયારેય જરૂર પડતી નથી. ભગવાનની મુરત અને કાબા શરીફએ હિંદુ-મુસ્લિમનું  ઈમાન છે, વિશ્વાસ છે. તેમાં કોઈ શંકા કે દલીલોને સ્થાન નથી. એટલે મઝહબ આસ્થા છે. તેમા દલીલોને અવકાશ નથી. જલન સાહેબ તેમની બીજી કડીમાં ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફનો ઉલ્લેખ કરતા કહે છે,
“કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી
આ કડીમાં કુરાને શરીફના અવતરણનો ગર્ભિત ઈતિહાસ છુપાયેલો છે. કુરાને શરીફ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ પર સમય સમય પર ઉતરેલ વહીનો સંગ્રહ છે. વહી એટલે ખુદાનો સંદેશ, ખુદાનો આદેશ. મહંમદ સાહેબ પર ચાલીસ વર્ષની ઉમરે ગારેહીરા અર્થાત હીરા નામની એક ગુફામા સૌ પ્રથમ વહી ઉતરવાનો આરંભ થયો હતો. અને એ વહીનો પ્રથમ શબ્દ હતો “ઇકારહ”. અર્થાત પઢ, વાંચ. આવી અનેક વહીઓનો સંગ્રહ એટલે ઇસ્લામનો પવિત્ર ગ્રંથ કુરાને શરીફ. પણ તેમાં કોઈ જગ્યાએ “પયંબર” અર્થાત હઝરત મહંમદ પયગંબર સાહેબની ક્યાય સહી નથી. અને છતાં સમગ્ર વિશ્વમા પથરાયેલા ઇસ્લામના અનુયાયીઓ કુરાને શરીફના આદેશોને અનુસરે છે. માને છે. તેમાં વિશ્વાસ કરે છે. કારણ કે તેઓ ઇસ્લામના પ્રથમ સિધ્ધાંત “ઈમાન”ને અનુસરે છે.
જલન માતરી સાહેબની જે ગઝલનો આ શેર છે, તે ગઝલના અન્ય શેરો પણ માણવા જેવા છે. ગઝલનો પ્રથમ શેર મઝહબ પર જ છે.  
“મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.”
માનવી અને શયતાન વચ્ચેના ભેદને સાકાર કરતા આ શેરમાં મઝહબ માટે લડતા પામર ઇન્સાનનું કરુણ ચિત્ર જલન સાહેબે અત્રે રજુ કર્યું છે. બીજા શેરમાં જલન સાહેબ માનવ પ્રકૃતિનું ચિત્ર વ્યક્ત કરતા લખે છે,
“તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.”
ખુદાએ લખેલ નસીબ માનવીને ગમે કે ન ગમે તેણે સ્વીકારી લેવું પડે છે. પણ જો કોઈ માનવીએ તેનું ન ગમે તવું નસીબ લખ્યું હોત, તો અચૂક તે તેની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ઉતરી પડ્યો હોત.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
 
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
નમાઝ પઢવાની ક્રિયા માત્ર ઉઠ બેસની ક્રિયા નથી. એ તો બંદગી છે. ઈબાદત છે. ભક્તિ છે. અને છતાં માનવી એ ક્રિયામા પણ ભૂલ કરે તો એ નમાઝ પઢનારનો દોષ છે. એ સાચી બંદગી નથી.

આવા ધબકતા શાયરની વફાતના સમાચાર જાણી ઇસ્લામિક રીત મુજબ મુખમાંથી આ શબ્દો સરી પડે છે,

 'ઇન્ના લિલ્લાહી વા ઇન્ના ઇલૈહી રાજી'ઉન' અર્થાત 'આપણે એક જ અલ્લાહના સંતાનો છીએ અને આખરે આપણે એ જ અલ્લાહ પાસે જવાનું છે.

No comments:

Post a Comment