Saturday, June 20, 2015

આંતરરાષ્ટ્રીય ઇફ્તેયારી : એખલાસનું આદર્શ દ્રષ્ટાંત ; ડો. મહેબૂબ દેસાઈ

વિદેશમાં વસતા વિવિધ દેશોના બાશીન્દાઓ પોતાના દેશમાં ભલે કોમ,જાતી કે ધર્મના નામ પર ઝગડ્યા કરતા હોય. પણ જયારે તેઓ વિદેશમાં ભેગા થાય છે, ત્યારે એકતા અને ભાઈચારનું વિશ્વને આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડે છે. પાકિસ્તાનમાં શિયા અને સુન્નીના ઝગડા જાણીતા છે. ભારત પણ તેથી અલિપ્ત નથી. પણ આ જ શિયા સુન્ની વિદેશમાં મળે છે ત્યારે એકતા અને ભાઈચારનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. આપને જાણીને નવાઈ લાગશે કે આજે અમે હોબાર્ટ મસ્જિતમાં પાકિસ્તાનના મુસ્લિમો દ્વારા આયોજિત ઇફ્તેયારી કાયક્રમમાં ગયા હતા.જ્યાં શિયા સુન્ની કે ભારત પાકિસ્તાન જેવા કોઈ ભેદભાવ વગર વિશ્વનો મુસ્લિમ સમાજ મળે છે અને દર રમઝાન માસમાં એક બીજાને  ઇફ્તેયારી કરાવે છે. ઇફ્તીયારી એટલે રોઝો છોડાવવો. ઇસ્લામમાં ઉપવાસી કે રોઝદારને રોઝો છોડાવવાના કાર્ય માટે અલ્લાહે  અઢળક પુણ્ય આપેલ છે. 
 
હોબાર્ટ મસ્જિતમાં આ રમઝાન માસનો સૌ પ્રથમ ઇફ્તીયારીનો કાયક્રમ ૨૦ જુનના રોજ યોજાયો હતો. હોબાર્ટ મસ્જિતનો પાયો મલેશિયાના એગ્રીકલ્ચર મિનીસ્ટર દાટો એફ્ફેન્ડી નોર્વવાવીએ ૧૯ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નાખ્યો હતો. મસ્જિત નાની છે. પણ સગવડતાઓથી ભરેલી છે. તેના આરંભકાળથી તેના મૌલાના તરીકે મલેશિયાના મૌલવી કાર્ય  કરે છે. મસ્જિતનો વહીવટ એક કમીટી દવારા કરવામાં આવે છે. આ મસ્જિતમાં તબલીગ કે સુન્ની જેવા કોઈ ઝગડા નથી. અહિયા બંનેની જમતોને આવકારવામાં આવે છે. તેમાં દર રમઝાન માસમાં શની અને રવિવારે જુદા જુદા દેશોના  મુસ્લિમો દ્વારા ઇફ્તીયારીનો કાર્યક્રમ રમઝાનમાં યોજાય છે. આ વખતે પાકિસ્તાન, મલેશિયા, બાંગ્લાદેશ , ફીજી, ભારત અને સાઉદી અરેબિયા દ્વારા રમઝાન માસના દર શની- રવિ ઇફ્તીયારીનું આયોજન થયેલ છે. એ કાર્યક્રમમાં જુદા જુદા દેશોના ૨૦૦ થી ૨૫૦ મુસ્લિમ સ્ત્રી-પુરુષો ભાગ લે છે. એક સમયની ઇફ્તીયારીનો ખર્ચ લગભગ ૨૫૦૦ ડોલર આવે છે. જે તે દેશના મુસ્લિમો તે વહેંચી લે છે. આજે  રમઝાન માસનો પ્રથમ શનિવાર હોઈ, પાકિસ્તાની મુસ્લિમો તરફથી ઇફ્તીયારીની દાવત આપવામાં આવી છે. સવારથી પાકિસ્તાની યુવાનો તેની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા દરેક પાકિસ્તાનીએ તન,મન અને ધનથી આ ઇફ્તીયારી  કાર્યક્રમમાં પોતાનું પ્રદાન નોંધાવ્યું છે. સાંજે ૪.૩૦ કલાકે અમે મસ્જિત પર પહોંચ્યા ત્યારે ત્યાની વ્યવસ્થા જોઈ આનંદ થયો. નમાઝ પઢવાના ખંડમાં લાંબા સફેદ દસ્તખાન પર, ભારતીય બેઠકમાં દરેક માટે એક એક પ્લેટ મુકાવના આવેલી હતી. જેમાં પાકિસ્તાની વાનગીઓ મહેકતી હતી. વિશ્વના મુસ્લિમોના પ્રતિનિધિના સમા ઓસ્ટ્રેલિયામાં વસતા જુદા જુદા દેશોના મુસ્લીમો તેના પર રોઝો છૂટવાના ઇન્ત્ઝારમાં વ્યવસ્થિત બેઠા હતા. આ દ્રશ્ય કોઈ પણ શિસ્ત પ્રિય માનવીને ગમી જાય તેવું હતું. ઇફ્તેયારીના કાર્યક્રમનું આયોજન પાકિસ્તાના હોબાર્ટમાં વસતા મુસ્લિમોએ  કર્યું હોય, ખિદમત અર્થાત સેવાનું કાર્ય જેમ કે પીરસવું અને ઇફ્તીયારી પછી મસ્જિતની સપૂર્ણ સફાઈનું કાર્ય હોબાર્ટમાં અભ્યાસ કરતા પાકિસ્તાની મુસ્લિમ વિદ્યાર્થીઓ સંભાળી લીધું હતું. તેમનો શિષ્ટાચાર અને નમ્રતા તારીફે કાબિલ હતા. અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓ તેમણે ઇફ્તીયારી માટે તૈયાર કરાવી હતી. દરેક ઠંડા પીણાઓ તેમણે રોઝ્દારો માટે હાજર કરી દીધા હતા. ટૂંકમાં એક ભારતીય મુસ્લિમ તરીકે મને પાકિસ્તાનની મહેમાન નવાઝી ગમી.
 
હોબાર્ટ મસ્જિતમાં ઇફ્તેયારીનો આ સીલસીલો આખા રમઝાન માસ દરમિયાન ચાલુ રહે છે. દર વર્ષે રમઝાન માસના આગમન પૂર્વે જ ઇફ્તીયારી કરાવનાર દેશોની યાદી અને તારીખ નક્કી થઇ જાય છે. આ વખતે ૨૦મીએ પાકિસ્તાન, ૨૭મીએ મલેશિયા, ૨૮મીએ સાઉદી એરેબીયા, ૪ જુલાઈએ ભારત, ૫એ સાઉદી એરેબીયા, ૧૧મી એ ફીજી અને ૧૨મીએ બાંગ્લાદેશ દ્વારા ઇફ્તીયારી ઇન્શાહઅલ્લાહ યોજાવાનું આયોજન થઇ ગયેલ છે. કયારેક કોઈ સ્પોન્સર ન મળે તો સાઉદી અરેબોયા એ દિવસની ઇફ્તીયારી કરાવે છે. અત્રે ઇફ્તીયારીના કાર્યક્રમમાં ખાસ્સી ભીડ હોય છે. હોબાર્ટ મસ્જિત એ સમયે નાની લાગે છે. કારણ કે હોબાર્ટમાં આ એક માત્ર મસ્જિત છે. વળી, દર વીક એન્ડમાં જુદા જુદા દેશોની ઉત્તમ વાનગીઓ અહીં સૌને જમવા મળે છે. પરિણામે અત્રે રહેતા મુસ્લિમો પણ રોજો છોડવા અહિયા આવવાનું પસંદ કરે છે. દરેક દેશના આયોજકો તેમને પણ સપ્રેમ આવકારે છે. અને બધાને ઇફ્તીયારી કરાવી સવાબ કમાય છે.

ભારત તરફથી તા ૪ જુલાઈના રોજ ઇન્શાહ અલ્લાહ યોજાનાર ઇફ્તીયારીનો ખર્ચ આ વખતે ઓસ્ટ્રેલિયામાં વસતા ૧૦ ભારતી મુસ્લિમોએ ઉપાડી લીધેલ છે. ઇફ્તીયારીનું તમામ આયોજન  શફીકભાઈએ સંભાળેલ છે. શફીકભાઈ ગ્લેનઓરકીની કાઉન્સિલ અર્થાત મ્યુનીસીપલ કોર્પોરેશનમાં કાર્ય કરે છે. ભારત તરફથી યોજાનાર ઇફ્તીયારીનું મેનુ પણ શફીકભાઈએ તૈયાર કરી સૌને તેની જાણ પણ કરી દીધેલ છે. એ મુજબ ખજુર, એગન ભાજી, રૂહે અફઝા સાથે જુદા જુદા ફળો રાખવમાં આવેલ છે. મગરીબની નમાઝ બાદ ડીનરમાં લેમ કરી, રાઈસ, તંદુરી ચિકન અને ડેઝર્ટમાં હૈદ્રાબાદી ડબલ કા મીઠા અને અગર અગર નામક સ્વીટ ડીશ રાખવામાં આવેલ છે.   

દર રમઝાન માસમાં આ જ રીતે નિયમિત શનિ અને રવિવારે હોબાર્ટ મસ્જીતમાં ઇફ્તેયારીનો કાર્યક્રમ યોજાય છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં વસતા વિશ્વના દેશોના મુસ્લિમો જોડાય છે. અને મહોબ્બત અને એખલાસનું ઉમદા દ્રષ્ટાંત વિશ્વને પૂરું પાડે છે.

No comments:

Post a Comment